ધર્મતેજ

પ્રત્યાહાર એટલે પાછા વળવું

યોગનું પાંચમું અંગ: પ્રત્યાહાર

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

પાછા વળવું એ કુદરતી પ્રક્રિયા છે. નાનામાં નાની કીડી ખોરાકનો સંગ્રહ કરી પોતાના દરમાં ઘૂસે છે, તો જંગલનો રાજા સિંહ પણ શિકાર કરીને પાછો પોતાની ગુફામાં જાય છે. આપણે કામ ધંધા માટે સવારે ઘરની બહાર નીકળીએ છીએ અને સાંજે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. ધરતીનો છેડો ઘર એ કહેવત કંઇ અમસ્તા નહીં પડી હોય. દુનિયામાં કોઇ પણ છેડે તમે જાવ પણ છેલ્લે ઘરે પાછા ફરો ત્યારે જ શાંતિનો અનુભવ થાય છે.

જેમધરતીનોછેડો ઘર એમ અખિલ બ્રહ્માંડનો છેડો પરમાત્મા. પરમાત્માથી છૂટો પડેલો આપણો આત્મા શરીર, ઇન્દ્રિયો, હાડ-માંસ, આધિ, વ્યાધિ અને ઉપાધિના પાંજરામાં કેદ થાય છે. પરંતુ એને પાછું પરમાત્મા પાસે જ જવાનું હોય છે. કેટલાક લોકો આ કાર્ય ઝડપથી કરી શકે છે, તો કેટલાકને જન્મોના જન્મ પણ લાગે છે. આ બધું દરેકનાં કર્મો પર આધાર રાખે છે.

જેને માટે યોગ એ બીજી બધી કસરત સમાન છે અને જેને શરીર અને મનની સ્વસ્થતા માટે યોગ કરવો છે તેને માટે અગાઉ ઘણી વાર કહ્યું તેમ આસનો અને પ્રાણાયામ પૂરતાં છે, પરંતુ જેને યોગ દ્વારા પરમાત્માને પામવાની ઈચ્છા હોય તેઓ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેવા અષ્ટાંગ યોગના પાછલાં ચાર અંગોમાં વધુ રસ લેતા
હોય છે.

યમ, નિયમ, આસન અને પ્રાણાયામ યોગના આગળનાં ચાર અંગો બહિર્મુખી છે, પરંતુ પ્રત્યાહારથી તમે પરમાત્મા તરફ પાછા વળવાની એટલે કે અંતર્મુખી બનવાની કોશિશ કરો છો એમ યોગનું પ્રશિક્ષણ આપતા યોગના પ્રખર અભ્યાસી શ્રી યોગેન્દ્ર રાવળ જણાવે છે. જે રીતે કાચબો પોતાનાં પ્રત્યેક અંગોને સમેટી ઢાલ જેવા શરીરની અંદર ખેચી લે છે એ જ રીતે બ્રહ્મ જગતમાં પરોવાયેલું મન અને વિવિધ ઇન્દ્રિયોને આંતરજગત તરફ ધીરેધીરે પાછી ખેંચી લેવાની શરૂઆત પ્રત્યાહારથી થાય છે. આ ક્રિયાથી ઇન્દ્રિયો અને મનના આવેગ શાંત થાય તો પછી આગળ ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકાય.

જેમ વિધિધ આસનો હોય છે. વિવિધ પ્રાણાયામ હોય છે, તેમ પ્રત્યાહારમાં પણ યોગનિદ્રા, અજપાજપ, નાદલય જેવી ઘણી પ્રક્રિયાઓ હોય છે. જે તમે કોઇ નિષ્ણાત અને નિ:સ્વાર્થ યોગ ગુરુ પાસે શીખી શકો છો. અગાઉ જણાવ્યું તેમ યમથી પ્રાણાયામ સુધીની સફર બહિર્મુખી હતી અને તમને તમારા શરીર કે મનમાં તથા સુધારાની સાબિતી મળતી હતી, પરંતુ પ્રત્યાહારથી હવે અંદર તરફ પાછા વળવાની જે ક્રિયા છે તે અનુભૂતિનો વિષય છે. સાબિતી ભૌતિક છે, જ્યારે અનુભૂતિ એનાથી પણ વિશેષ છે.

સાબિતી તમે કોઇને છેતરીને પણ ઊભી કરી શકો છો, તોડી મરોડી શકો છો, પરંતુ અનુભૂતિ એટલે તમે કે તમારા આંતરિક જગતે અનુભવેલી લાગણી. પ્રત્યાહારથી હવે તમને વૈજ્ઞાનિક સાબિતી નહીં, પરંતુ આંતરિક અનુભૂતિ થવા લાગે છે. તમને સુખ-દુ:ખથી પર એવા આનંદની લાગણી થવા લાગે છે. આ ક્રિયાઓ માટે કોઇ અનુભૂતિ પામેલા ગુરુની જરૂર પડે છે. શ્રી યોગેન્દ્ર રાવળ જણાવે છે કે અત્યારે તો મનુષ્ય ફક્ત ભૌતિક ઉપલબ્ધિઓ મળી રહે અને પોતે માણી શકે છે તે માટે યોગના પ્રથમ ચાર અંગોનો જ અભ્યાસ કરે છે. બાકી તો સાંસારિક મોજશોખ અને રૂપિયા પ્રાપ્ત કરવામાંજ તેમનું ધ્યાન રહેલું હોય છે, કૌન બનેલા કરોડપતિની સ્પર્ધા બધા જ દોડી રહ્યા છે, પણ કૌન બનેગા રામની સ્પર્ધામાં કોઇ જ નથી. જે રીતે તમે મા-બાપનાં ચરણસ્પર્શ કરો છો કે મિત્રોને ભેટીને અભિવાદન કરો છો તે જ રીતે મિત્રોના પણ મિત્ર એવા પરમસખા અને મા-બાપનાં પણ મા-બાપ એવા પરમાત્માને ભેટવાની અને તેમના ચરણસ્પર્શ કરવાની તમને ઇચ્છા, તક અને અવસર મળે તેવી પ્રભુને પ્રાર્થના.

પ્રત્યાહારમાં થાય છે શું?
૧૪
બાહ્યજગતથી આંતરજગત અને આત્માથી પરમાત્મા તરફની સફર પ્રત્યાહારથી શરૂ થાય છે. બાહ્યજગતનું ભાન કરાવતી ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ અને ચામડીને જીવ આંતરજગત તરફ વાળવા માંડે છે એની પાછળ મન પણ વળે છે અને સ્થિર થાય છે. અત્યાર સુધી ઇન્દ્રિયો પાછળ મન પણ વળે છે અને સ્થિર થાય છે. અત્યાર સુધી ઇન્દ્રિયો પાછળ ઘસડાઇ જતું અને હેરાન થતું મન હવે વધુ સ્થિર, વધુ એકાગ્ર અને વધુ સબળ બને છે. અત્યાર સુધી મન ઇન્દ્રિયોના નચાવ્યા પ્રમાણે નાચતું હતું પરંતુ હવે ઇન્દ્રિયો મનના આદેશ પ્રમાણે વર્તવા લાગે છે. આ વાત એક સાદા ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતાથી સમજી શકાશે. ધારો કે એક માને પાંચ દીકરા છે. શરૂઆતમાં આ પાંચેય જણને ઉછેરવા અને તેમની ઇચ્છાપૂર્તિ કરવામાં જ માનો બધો સમય વ્યતીત થાય છે. આ પાંચેય જણની સંભાળ રાખવામાં માને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય કે સંજોગ ઊભા થતા જ નથી, જોકે આ છોકરા મોટા થઇને માતા માટે કાર્ય કરવા લાગે તો માતા સ્થિરતા અને શાંતિ અનુભવે. પહેલાં સંતાનોની પાછળ માને દોડવું પડતું, હવે માની પાછળ સંતાનો દોડતાં થાય છે. પહેલાં સંતાનો જે ફરમાઇશ કરતા હતાં એ માતાએ પૂરી કરવી પડતી હતી. હવે સંતાનો પુખ્ત થતાં માનો પડ્યો બોલ ઝીલી લઇ એની ઇચ્છાઓ પૂરી કરે છે. મન અને ઇન્દ્રિય વચ્ચે પણ આવો જ સંબંધ હોય છે. સાંસારિક જીવનમાં ઇન્દ્રિયોની ઇચ્છાપૂર્તિ માટે મને પણ પાછળ પાછળ ઢસડાવું પડે છે. જ્યારે પ્રત્યાહાર પછી ઇન્દ્રિયો મનની ગુલામ થઇને રહે છે. યમ, નિયમ, આસનો અને પ્રાણાયામ સરસ રીતે પાર પડ્યાં પછી પ્રત્યાહાર દ્વારા મન હવે સત્તા પર આવે છે અને ઇન્દ્રિયો મનની ઇચ્છા પ્રમાણે વર્તવા લાગે છે. આને જ જિતેન્દ્રિય કહેવાય બળજબરી કે મારીમચડીને જીતેલી ઇન્દ્રિયો એ તો ઇન્દ્રિયો પરનું દમન છે. યોગ દ્વારા ઇન્દ્રિયો સ્વૈચ્છિક રીતે સમજપૂર્વક બાહ્યજગતમાંથી રસ ઓછો કરતી જાય છે અને મનને સ્થિર કરવા મદદરૂપ થાય છે.

જેમ કોઇ રાજા બળપૂર્વક કોઇ પ્રદેશ અને તેની પ્રજાને જીતી લે તો તાત્કાલિક ફાયદો થાય છે, પરંતુ વખત જતાં બળથી જીતાયેલી તે પ્રજા પોતાની શક્તિથી રાજાને ઉથલાવી શકે છે, પરંતુ પ્રેમપૂર્વક જીતાયેલી પ્રજા ઉલટાની રાજાને સહાયરૂપ બની રહે છે. પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને બળથી નહીં, પણ પ્રેમથી જીતવાની સુંદર તક નિર્માણ થાય છે. આવા સાધક ઇન્દ્રિયો અને મનની મદદ વડે અશક્ય લાગતી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે.

સિદ્ધિ મેળવતા સાધકોમાંથી મોટા ભાગના સાધકો તેનો દુરુપયોગ કરતા નથી કારણ કે યમનિયમ તેમણે આત્મસાત કર્યા હોય છે, તે એટલે સુધી કે તેમને પ્રસિદ્ધિની પણ પડી હોતી નથી. હિમાલયના ખોળામાં એવા કેટલા સિદ્ધયોગીઓ છે જેમની પાસે ઘણી શક્તિ છે, પરંતુ એને રોકડી કરવી કે પ્રસિદ્ધિ મેળવવી વગેરે બાબતો એમને છીછરી લાગે. જેમ એક મિસાઇલનું અંતિમ લક્ષ્ય દુશ્મનનું વિમાન હોય છે તેમ તેમનું એક માત્ર લક્ષ્ય અનેક સિદ્ધિઓના દાતા એવા પરમાત્મા તરફ જ હોય છે.

આવા લોકો પરમાત્મા તરફથી મળેલી સિદ્ધિઓની લાલચમાં ફસાતા નથી, પરંતુ યોગનાં આગળનાં અંગો ધારણા, ધ્યાન અને સમાધિ તરફ વધવાના પ્રયત્નો કરે છે. યોગ દ્વારા પરમાત્માને પામવા એ જ એમનું અંતિમ ધ્યેય હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button