ધર્મતેજ

ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ!

પ્રાસંગિક – હેમંતવાળા

આમ તો સંપૂર્ણતામાં જોઈએ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ગતિ અને સ્થિતિ, દિવસ અને રાત્રી, સુખ અને દુ:ખ – આવા દ્વંદ્વથી ઉપર ઊઠવું જોઈએ. પણ તે સ્થિતિએ ન પહોંચાય ત્યાં સુધી આપણી ગતિ તે પરમશક્તિ તરફની હોવી જોઈએ. આમ ન હોય તો સંસારના ચક્રમાં ભટક્યા કરવાની સંભાવનાઓ અપાર માત્રા સુધી વધી જાય. ગતિ તો તે અંતિમ લક્ષ્ય તરફની જ હોવી જોઈએ અને તે માટેની શરૂઆત શક્તિ તરફની ગતિથી થવી જોઈએ, કારણ કે આ શક્તિ જ આગળ જતાં આપણને અંતિમ ચરણ સુધી લઈ જાય.

શક્તિ એક સત્ય છે. શક્તિ સર્વત્ર છે. બ્રહ્માંડનું એવું એક પણ તત્ત્વ નથી કે જે શક્તિના અનુસંધાન વિનાનું હોય. શક્તિ જન્મદાતા પણ છે, જીવ પોષક પણ છે અને જીવહારણ પણ છે. શક્તિ એ અસ્તિત્વનું કારણ છે અને સાથે સાથે પરિણામ પણ છે. શક્તિથી જ બધું જ ચલિત થાય છે અને શક્તિ વડે જ એ ચલિતતા રોકાય છે. બ્રહ્માંડની એવી એક પણ ઘટના નથી કે જેના મૂળમાં શક્તિ ન હોય. શક્તિ જ સર્જે છે અને શક્તિ જ સંહારે છે. શક્તિ આપણી અંદર પણ છે અને તેટલી જ બહાર પણ. આપણા અસ્તિત્વનું મૂળ જ શક્તિ આધારિત છે અને તેવી રીતે સમગ્ર બ્રહ્માંડનો આધાર પણ તે શક્તિ જ છે. જાતને અથવા બ્રહ્માંડને સમજવાં હોય તો તે શક્તિના શરણે જવું પડે – તે શક્તિની આરાધના કરવી પડે – તે શક્તિ તરફ ગતિ કરવી પડે.

શક્તિ કાયમ છે અને કાયમ નથી પણ. શક્તિ ક્યાંક ચૈતન્યમાં એકરૂપ થઈ પ્રલય કાળે શૂન્યતાને પામે છે અને ફરીથી સર્જનકાળે વિભાજિત થઈ સર્જન લીલામાં પ્રવૃત્ત થાય છે. શક્તિ અનેક રૂપો ધારણ કરે છે અને છતાં પણ તે એકતાના પ્રતીક સમાન છે. બ્રહ્માંડમાં જે કંઈ વિવિધતા ભાસે છે તેના મૂળમાં શક્તિ અર્થાત પ્રકૃતિના ગુણધર્મો છે. પોતાની ઈચ્છા શક્તિથી જ આ પ્રકૃતિ વિવિધ પ્રકારની ઘટનાઓમાં વિભાજિત થયેલી ભાસે છે પણ અંતે તો તે એક જ તત્ત્વની વિવિધ અવધારણા સમાન છે. તેની લીલા જેટલી પ્રકાશમાં સમાયેલી છે તેટલી જ અંધકારમાં સમાયેલી છે. તેનું સત્ય ગરમીને જે રીતે રજૂ કરે છે તે જ રીતે શીતળતા તે સત્ય દ્વારા જ વ્યક્ત થાય છે. દુ:ખની ભાવના પાછળ પણ એ શક્તિની પ્રેરણા છે અને સુખની અનુભૂતિ પણ તે દ્વારા જ થાય છે. શક્તિ છે તો બધું જ છે – બધી જ વિવિધતા છે – બધા જ ભાવ છે – બધી જ અનુભૂતિ છે ; અને આ બધા પાછળ તે એક શક્તિનો પ્રભાવ છે.
ગતિ માટેનું પ્રેરક બળ પણ તે છે અને ચાલક બળ પણ તે જ છે. ગતિ કરવા માટેનાં સાધનો પણ તે પૂરાં પાડે છે અને વ્યક્તિ ગતિ કરી શકે તેવા સંજોગો પણ તે જ ઊભા કરે છે. ગતિ માટેના સ્થૂળ તેમજ સૂક્ષ્મ ઉપકરણો તે જ પૂરાં પાડે છે અને લક્ષની પ્રાપ્તિ પછી તે ઉપકરણો શક્તિ જ પરત લઈ લે છે. શક્તિ સાધન તરીકે પણ કાર્ય કરે છે અને હેતુ તરીકે પણ તે તેટલા જ પ્રમાણમાં સાર્થક છે.

શક્તિ વડે દુનિયાના પ્રપંચો પણ રમાય છે અને તે શક્તિ વડે જ આ પ્રપંચોની
બહાર નીકળાય છે. શક્તિ જ બંધનમાં નાખે છે અને શક્તિ જ મુક્તિ માટેનું કારણ બને છે. દુર્યોધનની પાછળ પણ શક્તિનો એક ભાવ પ્રવૃત્ત હોય છે તો યુધિષ્ઠિરની પાછળ પણ આવો જ એક અન્ય ભાવ કારણભૂત હોય છે. સૃષ્ટિમાં જે કંઈ વધઘટ થાય છે, આમતેમ થાય છે, વિસ્થાપિત થાય છે, યોગ્ય-અયોગ્ય થાય છે, સર્જન-વિનાશ થાય છે તે બધા પાછળ શક્તિ જ કાર્યરત હોય છે. તેના તરફ ગતિ કરવાથી આ પ્રકારની પ્રત્યેક પરિસ્થિતિથી પર થઈ શકાય. એકવાર આવા સમીકરણો છૂટી જાય પછી તે શક્તિ જ આંગળી પકડી આપણને અંતિમ સ્થાને પહોંચાડી દે. શક્તિ તરફની ગતિ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું એક અસરકારક માધ્યમ સિદ્ધ થઈ ચૂક્યું છે.

ગતિ તો થશે જ, વ્યક્તિ ન ઇચ્છે તો પણ. પ્રશ્ન ગતિની દિશા અને તેમાં સમાયેલ તત્પરતાનો છે. ગતિ ગમે તે દિશાની હોઈ શકે, પણ જો ગતિ તે શક્તિને સમજવા માટેની હોય – તે શક્તિ તરફની હોય તો પરિણામ હકારાત્મક અને સર્જનાત્મક આવી શકે. ખોટી દિશાની ગતિ ચકરાવે ચડાવે, જેનાથી જન્મ-મરણના બંધનમાંથી ક્યારેય મુક્તિ ન મળે. ગતિની ઝડપ પણ મહત્ત્વની છે. એમ બની શકે કે જો ગતિ મંદ હોય તો આજુબાજુની પરિસ્થિતિ સાથેનું જોડાણ થવાની સંભાવનાઓ વધતી જાય. મંદ ગતિ વાળી વ્યક્તિ ક્યાંક ભટકી જાય અને લક્ષ ચૂકી જવાની સંભાવનાઓ પણ વધે – તેની દિશા ભટકી જાય. પ્રમાણસરની ઝડપ અગત્યની છે. અતિ ઝડપ પણ ઈચ્છનીય નથી કારણ કે પ્રવાસમાં ઘણા બધા આધ્યાત્મિક અનુભવો લઈને ધીમે ધીમે જાતને અંતિમ લક્ષ માટે તૈયાર કરવાની હોય છે. ઝડપી ગતિમાં આ અનુભવો ક્યાંક નજરઅંદાજ થઈ જાય અને અંતિમ લક્ષ્ય માટેની જરૂરી પરીપક્વતા ન મળે. એવા સંજોગોમાં પણ કદાચ માનવી ભટકી જાય.

ગતિ તે જગદંબા તરફની જ હોવી જોઈએ. ગતિની તત્પરતા પ્રમાણસર રાખવી જોઈએ. તેના માટે અપાર શ્રદ્ધા, સમર્પણ અને પુષાર્થ જાળવવા જોઈએ. માતા બાળકને ક્યારેય નિરાશ ન કરે, માતા તરફની ગતિ માટે બાળક હંમેશાં ઉત્સાહિત જ હોય. આ માટે કોઈએ કંઈ કહેવાનું જ ન હોય. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ભવાની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button