ઋષિ પતંજલિએ યોગના પ્રત્યેક અંગને સરખું મહત્ત્વ આપેલું છે. અહીં એક ચોક્કસ ક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને અનુસરવાથી અંતિમ સ્થિતિ પર પહોંચી શકાય છે. વચ્ચે ક્યાંય ટૂંકો માર્ગ નથી. વળી યોગના એક પણ અંગમાં નથી સરળતા કે નથી અંશત: સિદ્ધિની સંભાવના.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – યોગના આ આઠ અંગ છે. એક પછી એક સોપાન ઉપર પગ મૂકી ચઢવાનું છે. સીધું પ્રત્યાહારના પગથિયે ન પહોંચી શકાય કે ધ્યાનની સ્થિતિમાં ન પહોંચી શકાય. શરૂઆત યમથી થાય. ત્યારબાદ નિયમો પાળવા પડે. સાથે સાથે વિવિધ આસનોનો મહાવરો કરવો પડે. આસન સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે એમ કહેવાય કે દેહભાવ ક્ષીણ થયો છે. દેહભાવ ન્યૂનતમ થાય પછી પ્રાણાયામની પ્રક્રિયા શરૂ કરવી હિતાવહ છે. પતંજલિ ઋષિએ જ્યારે આ ક્રમ સ્થાપિત કર્યો હશે ત્યારે ચોક્કસ તેની પાછળ ઘણો અનુભવ, સિદ્ધ તર્ક, વૈજ્ઞાનિક વિચારસરણી અને માનવીની સંભવિત મર્યાદાને ધ્યાનમાં રાખી હશે. સીધું પ્રાણાયામના સોપાન પર પહોંચવું ઘણી રીતે અયોગ્ય છે, ભટકાવી દેનાર છે.
મન અમુક રીતે ઘડાય, પછી શરીર પર કામ કરવામાં આવે છે. શરીરનું યોગ્ય રીતે ઘડતર થાય પછી પ્રાણની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રાણની પ્રક્રિયામાં શ્વાસની ગતિના નિયમથી શરીરની અંદર રહેલા પવનને યોગ્ય દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. તે સમયે ઈંડા-પિંગલાની સહાયથી સુષુમ્ણા સ્પંદિત કરવાનો પ્રયત્ન થાય છે. પ્રાણાયામ એ ફેફસાની કસરત નથી – એ પ્રાણના યોગ્ય નિયમનની ક્રિયા છે. જો પ્રાણાયામનું મૂળ હેતુ શરીરની તંદુરસ્તી જ હોત, દેહની ક્ષમતાનો જ હોત તો તેનું નામ પ્રાણાયામ ન હોત પણ દેહાયામ હોત. પ્રાણાયામથી તંદુરસ્તી મળી શકે, પરંતુ પ્રાણાયામનો હેતુ તંદુરસ્તી મેળવવાનો નથી.
પ્રાણાયામ એ પ્રાણ આધારિત પ્રક્રિયા છે. પ્રાણ એ શરીરની ઊર્જા છે, શરીરમાં રહેલ વીજળી છે. તેના થકી બધું સ્પંદિત થાય છે. તેને કારણે લોહીનું ભ્રમણ શક્ય બને છે, મજા તંતુ સંદેશાની આપલે કરી શકે છે, ફેફસાં શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે. માનવીની ચલિતતા અને પ્રત્યેક કાર્યક્ષમતાના મૂળમાં પ્રાણ છે. આ પ્રાણ પર ચઢેલા ક્ષણિક આવરણને દૂર કરવાની, પ્રાણને તેની ક્ષમતા મુજબ કાર્યરત કરવાની, પ્રાણ-ઊર્જાને યોગ્ય દિશામાં પ્રવાહિત કરવાની, પ્રાણના સ્વરૂપને અંતે આત્માના સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા એટલે પ્રાણાયામ. આજના જમાનામાં પ્રાણાયામને નામે જે ફેફસાંની તંદુરસ્તી માટેની કસરતનું માર્કેટિંગ થાય છે તે પ્રાણાયામના મૂળ સિદ્ધાંત અને હેતુથી સાવ ભિન્ન છે. પ્રાણાયામથી ચોક્કસ પ્રકારની શારીરિક ઊર્જા પણ જાગ્રત થઈ શકે, પરંતુ પ્રાણાયામનો હેતુ તે પણ નથી.
યોગની પરંપરામાં પ્રાણાયામ તો એક વચગાળાની સ્થિતિ છે, વચગાળાનું ડગલું છે, વચગાળાનું પગથિયું છે. અંતે તો પરમ સ્થિતિને પામવાનું છે, અંતિમ ધ્યેય સુધી પહોંચવાનું છે, સૌથી ઊંચા સ્થાન સુધી પ્રયાણ કરવાનું છે. આઠ પગથિયાંની એક નિસરણી છે, જેના ચોથા પગથિયાંની ઓળખ પ્રાણાયામ તરીકે છે. નિસરણીનું આ વચ્ચેનું પગથિયું છે. નીચેના ત્રણ પ્રાથમિક પગથિયાં અને ઉપરના ચાર આધ્યાત્મિકતા તરફના પગથિયાં વચ્ચેની આ કડી છે. તે વચ્ચે હોવાથી નથી અહીં સીધું પહોંચી શકાતું કે નથી અહીંથી સૌથી ઉપરના સ્થાને છલાંગ મારી શકાતી. વચગાળાનું આ સૌથી મહત્ત્વનું, વિકલ્પ વિનાનું સ્થાન છે. અહીં વ્યક્તિ સ્થૂળ વિશ્વમાંથી સૂક્ષ્મ વિશ્વ તરફ જવાની શરૂઆત કરે છે, જેથી તે આગળ જતા કારણ વિશ્વ સુધી પહોંચી શકે.
અહીં પ્રાથમિક ભૂમિકા નિર્ણાયક તબક્કામાં પહોંચે છે અને અહીંથી આધ્યાત્મિક ભૂમિકાનો પાયો તૈયાર થાય છે. અહીં દેહભાવ નાશ પામે છે અને સૂક્ષ્મ ભાવનું ઘડતર શરૂ થાય છે. અહીં અસ્તિત્વની સ્થૂળતા ક્ષીણ થઈ જાય છે અને અંત:કરણના માધ્યમથી આગળનું લક્ષ પામવાનો પ્રયત્ન શરૂ થાય છે. અહીં પાંચ મહાભૂત અપ્રાસંગિક બની રહે છે અને આત્મા તરફનું સંધાન શરૂ થાય છે. અહીં પવનના માધ્યમથી પાંચ પ્રકારના પ્રાણ પર કામ શરૂ થાય છે જે આગળ જતા અંત:કરણના વિવિધ સ્વરૂપોના નિયમન માટે પણ ઉપયોગી બને છે.
પ્રાણાયામ એ ઊર્જાને યોગ્ય રીતે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય દિશામાં, યોગ્ય હેતુસર, યોગ્ય ક્રિયાથી, સમગ્ર અસ્તિત્વમાં પ્રવાહિત કરવાની પ્રક્રિયા છે. પ્રાણાયામ એ ‘સંપૂર્ણ પ્રવાસ’ પણ નથી. યોગની સાધના માટે એક અંગ માત્ર છે. પ્રાણાયામ જો સીધો જ શરૂ કરી દેવામાં આવે તો, જો આગળના ત્રણ અંગો પર કામ ન થયું હોય તો, તેનાથી માત્ર શારીરિક લાભ થઈ શકે. એમ
માનવા મન પ્રેરાય છે કે આ શારીરિક લાભ સાથે કેટલુંક સૂક્ષ્મ નુકસાન પણ સંભવતું હશે.
જુદા જુદા જે પ્રાણાયામ આજકાલ માર્કેટમાં પ્રચલિત છે તે મુખ્યત્વે શારીરિક ચેષ્ટા સમાન હોય તેમ જણાય છે. તેનાથી શરીરની તંદુરસ્તી વધી શકે. જોકે દરેક પ્રકારના પ્રાણાયામથી સૂક્ષ્મ અસ્તિત્વમાં કોઈ ચોક્કસ પ્રકારનું શુભ પરિવર્તન આવતું હોય છે. આ પ્રકારનું શુભ પરિવર્તન પ્રાણાયામ માટેના હેતુની શુદ્ધતા જરૂરી છે. અવૈજ્ઞાનિક રીતે પણ પ્રાણાયામ કરવામાં આવે તો થોડીક માનસિક શાંતિ તો મળે, ચિત્તની ચંચળતા થોડીક તો ઓછી થાય, મન થોડું ઠરે તો ખરું. પણ આ બધાની અસર ક્ષણિક રહેવાની. વૈજ્ઞાનિક ઢબે, ઋષિ પતંજલિએ જણાવ્યા પ્રમાણેના પગલાં મુજબ, આધ્યાત્મિક હેતુસર જ્યારે પ્રાણાયામ કરવામાં આવે ત્યારે તેની બધા જ પ્રકારની હકારાત્મક અસર કાયમી રહી જાય.
મને વધારે તો ખબર નથી, પણ તર્કબદ્ધ વિચારશીલતાથી, પ્રાણાયામ વિશે એવું તો ચોક્કસ કહી શકાય કે તે એક શારીરિક ચેષ્ટા નથી તે આધ્યાત્મિક પ્રગતિ માટે તૈયાર થતી ભૂમિકા છે.
Also Read –