આસુરી તત્ત્વના સંહાર માટે લોકો હંમેશાં દેવીની ઉપાસના કરશે

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
પૃથ્વી પર વેદોના અવતરણ બાદ અરવલ્લીના ડુંગરોમાં આબુની આસપાસ આહુક-આહુઆ નામનું ભીલ દંપતી રહેતું હતું. આ દંપતી ભગવાન શંકરનું પરમ ઉપાસક હતું. શિવભક્ત આહુઆ અતિથિના આદર સત્કાર માટે હંમેશાં તત્પર રહેતો. કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ખેલમાં વ્યસ્ત હતાં. ઘણાં સમયથી કોઈ ભક્તનો સ્વર કૈલાસ સુધી પહોંચ્યો નહોતો. માતા પાર્વતી કહે છે, ‘સ્વામી, ઘણો સમય થઇ ગયો તમારા કે મારા ભક્તોમાંથી કોઈનો સ્વર કૈલાસ સુધી પહોંચ્યો નથી, ચાલો આપણે જોઈએ કે આપણાં ભક્તો શું કરી રહ્યા છે.’ માતા પાર્વતી કહે છે, ‘જુઓ સ્વામી, અરવલ્લીના આબુ પર્વતની તળેટીમાં રહેતા ભીલ પતિ-પત્ની આહુક અને આહુઆ તો આપનાં પરમ ભક્ત છે. આવું અનુપમ જીવન વ્યતીત કરનાર દંપતીને તમે કંઈ જ આપ્યું નથી? શું ભીલ જાતિ પ્રત્યે તમને તિરસ્કાર તો નથી આવી ગયો ને?’ માતા પાર્વતીના સ્ત્રી સહજ વૃત્તિથી બોલાયેલા એ વેણને શિવજી સમજી ગયા. ભગવાન શિવે કહ્યું, ‘હું આ ભીલ-ભીલડી વિશે જ વિચાર કરી રહ્યો હતો, તેમની કસોટી કર્યા વગર તો કેમ ચાલે? ભગવાન ભક્તોની આડકતરી રીતે કસોટી તો કર્યા જ કરે છે. આથી શિવજી પૃથ્વી પર આવ્યા. તેમણે યોગીનું રૂપ ધારણ કર્યું. સંધ્યા સમયે આહુકના બારણે આવીને બૂમ પાડી, ‘છે કોઈ ઘરમાં?’ આહુક-આહુઆ બહાર આવ્યાં. યોગીને જોઈ પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. યોગીએ જમણો હાથ ઊંચો કરી કહ્યું : ‘તમારું કલ્યાણ થાઓ.’ આહુક શી સેવા કરું પૂછતાં બોલ્યો: ‘બોલો મહારાજ ! આપની શી સેવા કરું.’ યોગી રૂપધારી (ભગવાન શિવ): ‘આજે મારે નકરડો ઉપવાસ છે એટલે ભોજન તો નહિ લઉં. આરાસુરી અંબાના દર્શને જવું છે અને હું આદ્યશક્તિ અંબાનો પરમ ઉપાસક છું…’ શિવભક્ત આહુક: ‘મહારાજ! આપ આરાસુરી અંબાને દર્શને જાઓ એ પહેલાં અમારું આતિથ્ય સ્વીકારો અને અમને ‘અંબા’ મહાતત્ત્વનું ઐશ્ર્વર્ય સાંભળવાની ઉત્કંઠા છે તો તેમનો મહિમા અને ઐશ્ર્વર્ય કહી સંભળાવો.’
યોગીસ્વરૂપે શિવજી પાર્વતીજીની પ્રશંસા કરતાં કહે છે : સર્વ મનોકામના પરિપૂર્ણ કરનાર ભગવતી ભવાની ભુવનેશ્વરી શ્રી અંબાને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર માનવામાં આવે છે. વળી આ આદ્યશક્તિ અંબાને આદિમાયા, આદિશક્તિ, મહાશક્તિ પણ માનવામાં આવે છે. ‘બ્રહ્મ’ સાથેનો મહામાયાનો સંબંધ અભેદ્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ જ આ ‘અંબા’ મહાતત્ત્વ છે, જે સર્વની જનેતા છે, તે અનાદિ અનંત છે, જે જન્મ અને મૃત્યુથી મુક્ત છે. આ અંબા-ભવાનીનું યાને પાર્વતીજીનું સ્વરૂપ સગુણ, નિર્ગુણ અને કલ્યાણક છે. એને મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી બ્રહ્માણિ આદિ અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે.
‘શક્ત્ય: સર્વભાવાનામ નિન્ત્યજ્ઞાન ગોચરા:’
અર્થાત્ શક્તિ એ આપણા જ્ઞાનનો વિષય નથી પણ સાધનાનો વિષય છે. વેદનો જન્મ આ જગદંબા દ્વારા જ થયો છે. એનો સંબંઘ સત્ત્વ, તમ અને રજથી પર છે. આ ચારુહા સિની, મહેશ્ર્વરી, પરમેશ્ર્વરી છે, જેમનું રૂપ દેવાંશી અને અવર્ણનીય છે તે સાક્ષાત્ જગદંબા છે!
આદ્યશક્તિ ‘અંબા’ મહાતત્ત્વ એ પૂર્ણ પ્રકૃતિ છે, મહાવિદ્યા કે મહામાયા છે. મંદબુદ્ધિવાળા એવા આપણે આ મહાતત્ત્વને, આ મહા વિદ્યાને ઓળખી શકતા નથી. યોગગમ્ય એવી આ ભગવતી ભવાની ભુવનેશ્ર્વરીનો સાક્ષાત્ સંસર્ગ કે સાક્ષાત્કાર ‘યોગ’ દ્વારા જ શક્ય બને છે. પરબ્રહ્મની એ ઈચ્છા છે. હું જે ‘અંબા’ મહાતત્ત્વનું ઐશ્ર્વર્ય કહું છું તે જ ઐશ્ર્વર્ય ‘શિવા’ તત્ત્વની સર્વોપરિતા છે.
‘શિવા’ પોતે નિત્ય છે અને એમનો દેહ પણ નિત્ય છે. આ ભવાની ભુવનેશ્ર્વરી ભગવતી, વિશ્ર્વેશ્ર્વરી, વેદગર્ભા, અંબા, વૈષ્ણવી વગેરે નામે પ્રખ્યાત છે.
‘અંબા’ મહાતત્ત્વ એ આદિજનની હોવાથી વંદનીય અને પૂજનીય છે. પ્રલય સમયે સમગ્ર વિશ્ર્વને સમેટી લેવાની આ વિશ્ર્વેશ્ર્વરી અમોઘ શક્તિ ધરાવે છે. આ પૂર્ણ પ્રકૃતિમાં જીવપ્રાણીમાત્રની આકૃતિ પરિસમાપ્ત થાય છે, એમના દેહમાં સર્વ જીવોની આકૃતિ સમાઈ જાય છે. એમની કરોડો પ્રતિકૃતિઓ છે. સદાશિવની માફક શિવાના પણ અનેક અવતારો છે. એ મૂળ પ્રકૃતિ છે, એ અનાદિ છે, અનંત છે.
આહુક-આહુઆ યોગીજી મહારાજ (શિવજી)ને એકચિત્તે સાંભળી રહ્યાં છે.
બ્રહ્માંડની રચના આ ‘અંબા’ મહાતત્ત્વને આભારી છે. વિશ્ર્વમાં જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે તે એમને આભારી છે. આ મહાતત્ત્વ મહાશક્તિ છે, પરમ પુરુષ દૃષ્ટા છે, ચરાચર જગત દૃશ્ય છે. તે સર્વથી પર છે, દિવ્યાંગના છે. આ ‘અંબા’ આરાસુરી એટલે જીવપ્રાણીમાત્રની જનેતા, આખું જગત, બ્રહ્માંડ વગેરે ‘અંબા’માં આવિર્ભાવ પામ્યું છે. એમનામાં સમાયેલું છે. આ ‘અંબા’ અખિલ જગતની ધાત્રી છે. અંબાની શક્તિથી વંચિત એક પણ વસ્તુ આ વિશ્ર્વમાં દૃષ્ટિગોચર થતી નથી. જો આ આદ્યશક્તિની શક્તિ અલગ થઈ જાય તો વિશ્ર્વની વ્યવસ્થા ખોરંભે પડી જાય.
શક્તિઓનાં બેસણાં તો સઘળે ઠેકાણે છે. આ અદૃશ્ય શક્તિઓ તમારા જેવા શ્રદ્ધાળુ ભક્તોનો આર્તનાદ પૃથ્વીના કોઈ પણ છેડાએથી સાંભળે છે, અને ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે.
ભવાની ભુવનેશ્ર્વરી આદ્યશક્તિનો મહિમા અપરંપાર છે. પુરુષ શક્તિ જ્યારે પરાજય પામે અને એના બળના દીવડા જ્યારે ઓલવાઈ જાય છે, અસુરો વિજયઘેલા બની ત્રણેય લોકને ત્રાહિ ત્રાહિ પોકરાવે છે ત્યારે સ્ત્રી શક્તિ, માતૃ શક્તિ એટલે કે ભવાની ભુવનેશ્ર્વરી પોતાના મહાબળથી ધર્મ અને ધરતીનું રક્ષણ કરે છે. આસુરી તત્ત્વો સામે લડવાનું કર્તવ્ય આવીને ઊભું રહે છે ત્યારે આ શક્તિ ક્ષણભરની ઢીલ કર્યા સિવાય મહાદૈત્યો સામે યુદ્ધમાં ઊતરે છે, અને એનો ધ્વંસ કરી ધર્મની સ્થાપના કરે છે.
સૃષ્ટિમાં શક્તિ સદૈવ સર્વોપરી, સર્વવ્યાપી, અદ્ભુત અને અલૌકિક સામર્થ્ય ધરાવતી અભીષ્ટ ફળદાતા છે. મહાન પુરુષોને પણ શક્તિની ઉપાસના કરવી પડે છે. શ્રી કૃષ્ણે પણ અર્જુનને કહ્યું હતું કે, હે અર્જુન ! જો તારે વિજય પ્રાપ્ત કરવો હોય તો તું શક્તિની ઉપાસના કર.
લોકકવિ કહે છે,
‘સતીકુળ સતી નીપજ, સતીકુળ સતી થાય;
છીપ મહેરામણ માંય, ડુંગર ન થાય દાદવા.’
આદ્યશક્તિ ભવાનીનું દેવી કાલિકાને વરદાન મળ્યું હતું તે, તમે ચંડ-મુંડના મસ્તકો મારે ચરણ ધર્યા છે તેથી હવે તમારી ખ્યાતિ સંસારમાં ‘ચામુંડા’ દેવી તરીકે પણ થશે. આસુરી તત્ત્વના સંહાર માટે લોકો હંમેશાં તમારી ભક્તિ ઉપાસના કરશે. તમારું રૌદ્ર સ્વરૂપ હંમેશાં જગતના પાપીઓ, દુષ્ટાત્માઓ, નીચ અને શઠ લોકોને ભયભીત કરનાર બનશે.
સ્વાર્થ અને અહંકારથી અર્ચનપૂજન કરનાર સામે શિવા દૃષ્ટિ સુધ્ધા કરતાં નથી. શિવાદેવીને શરણે ગયેલ દેવ-દાનવ કે માનવ સૌ કોઈનું ભલું જ થયું છે, થાય છે. વળી શ્રદ્ધા અને વિશ્ર્વાસપૂર્વક કહી શકાય કે ભલું થવાનું જ છે.
શરણે આવેલાનું નિત્ય કલ્યાણ કરનાર રિદ્ધિ અને સિદ્ધ સ્વરૂપા માતા ભવાનીને આપણે હંમેશાં વંદન કરવાં જોઈએ, કારણ કે માતા ભવાની કૃપારૂપી ‘વર્ષા’ વરસાવે છે તેમ દલિત-પીડિત વર્ગને પરિતૃપ્ત કરે છે. સાથોસાથ પશુ-પંખી, માનવ, જીવ-જંતુ, વનસ્પતિ, વૃક્ષો વગેરેને પણ પરિતૃપ્ત કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે અને રક્ષણ કરે છે. મા અંબાએ તો આસુરી તત્ત્વોનો તો બહુધા વિનાશ કર્યો છે. દાનવ-શક્તિને આ ભવાની ભુવનેશ્ર્વરીએ હરહંમેશાં ભસ્મીભૂત કરી છે. (ક્રમશ:)