બીજાની નબળી વાતો સાંભળવામાં લોકોનેવધુ રસ: નિંદામાં અહંકારની તૃપ્તિ
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
એક ગામમાં એક માણસ રહેતો હતો. તેની વાત કોઈ સાંભળતું નહોતું. લોકો તેને મૂર્ખ માનતા હતા. તે જે કંઈ કહે તેને લોકો હસી કાઢતા હતા. કોઈ તેની વાતને ગંભીરતાથી લેતું નહોતું. આ માણસ પોતાની ઉપેક્ષાથી ખૂબ કંટાળી ગયો હતો.
ગામમાં એક ફકીરનુ આગમન થયું. તેણે આ ફકીરના ચરણો પકડીને પોતાની વિતક કથા કરીને કહ્યું; શું મારી જિંદગી આમને આમ મૂર્ખમાં ખપીને વીતી જશે? હું સારી સારી વાતો કરું છું પણ લોકો સાંભળવા તૈયાર નથી. મને આમાંથી ઉગારો. લોકો મારૂ મહત્વ સમજે એવું કાંઈક કરો.
ફકીરે કહ્યું; લોકો તારી તરફ ધ્યાન નથી આપતા ને? કારણ કે તું સારી વાતો કરી રહ્યો છે. પછી કોણ સાંભળે?
સારી વાત સાંભળવા માટે લોકોને ક્યાં સમય છે. હવે તું એક કામ કર. લોકોનું વાંકું બોલવાનું અને તેમની નિંદા કરવાનું શરૂ કરી દે. અહીંની વાત ત્યાં કર અને ત્યાંની વાત અહીં કર અને આમાં મીઠું મરચું ભભરાવતો રહે. પછી જો લોકો તને સામેથી બોલાવશે.
આ માણસે જે હાજર ન હોય તેના અંગે નિંદા કરવાનું અને તેની કહેવાતી ખાનગી વાતો કરવાનું શરૂ કરી દીધું લોકો હવે કાન સરવા કરીને તેની વાત સાંભળવા લાગ્યા. નિંદામાં કોને રસ ન હોય?
લોકો હવે આ માણસને સામેથી બોલાવવા લાગ્યા કારણકે તેની પાસેથી ગામની બે ચાર નવી વાતો સાંભળવા મળતી. કોની સ્ત્રી ભાગી ગઈ કોણ દારૂડિયો અને જુગારી છે. કોણ પૈસે-ટકે ખુવાર થઈ ગયો છે કોણે બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી છે. કોનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. આવી બધી મસાલેદાર વાતો સાંભળવા માટે લોકો તેની આસપાસ ફરવા લાગ્યા. તેના માનપાન વધી ગયા. તે આડું અવળુંબોલતો. કેટલીક વખત ન સમજાય એવી વાતો કરતો. લોકો હવે તેને બુદ્ધિમાન સમજવા લાગ્યા. આ માણસ મૂર્ખમાંથી વિદ્વાન બની ગયો.
લોકો નિંદામા ભારે કુશળ હોય છે. જલ્દીથી ખબર ન પડે તે રીતે ચતુરાઇથી બીજાનું ઘસાતું બોલીને પોતાની બડાઈ હાંકી લેતા હોય છે. નિંદારસ એવો છે કે એમાં થોડા થી કોઈને તૃપ્તિ થતી નથી. એટલે જાત જાતના પ્રશ્ર્નો કરીને, આશ્ર્ચર્ય વ્યક્ત કરીને, પોતાનો અભિપ્રાય ઉમેરીને વાતનાં ઉંડાણમા જવાનો પ્રયાસ થતો હોય છે. સારા કહેવાતા માણસો પણ ભલે મોઢેથી કશું બોલે નહીં પણ ધ્યાન દઈને સાંભળી લેતા હોય છે. કેટલાક માણસો આવુ બધુ સાંભળ્યા પછી બીજાને કહેવા આતુર હોય છે. આમ નિંદાનો દોર અવિરત ચાલ્યાં કરે છે. જે લોકો બીજાની નિંદા કરે છે તે પાછળથી આપણી પણ કરી શકે છે એવો ખ્યાલ કોઈને આવતો નથી.
નિંદાનુ એક અનોખું શાસ્ત્ર છે. તેનાથી અહંકારને તૃપ્તિ મળે છે. તેનો આશય છે આપણા દોષોને છુપાવીને બીજાના દોષો આગળ કરવાનો. આપણે બીજા કરતાં સારા છીએ એવો ભાવ ઉભો કરવાનો. દરેક માણસ પોતાને હોશિયાર, સમજદાર અને ડાહ્યો સમજતો હોય છે. આપણે બીજા કરતા ચડિયાતા છીએ એ સાબિત કરવાનું બહુ મુશ્કેલ છે પરંતુ બીજા આપણા કરતા ખરાબ છે એ સિદ્ધ કરવાનું સરળ છે. એનો સહેલો રસ્તો છે બિજાના છિદ્રો શોધવાનો. માણસને બીજી કોઈ રીતે નાનો બનાવી શકાતો નથી એટલે નિંદા કરીને તેને હલકો ચીતરી નાખવામાં આવે છે. નિંદામાં નવા નવા રંગો પૂરાતા રહે છે. સૌ ઉપરથી સજજન દેખાવા મથે છે.અને નિંદા જેવું લાગે નહીં એ રીતે બીજા માટે ન બોલવાનું બોલી નાખે છે. આપણાથી જે ઉંચો હોય, શ્રીમંત હોય,
શક્તિશાળી હોય તેની નિંદા કરવાનું આપણને ગમે છે. આપણાથી નાનો હોય તેની ટીકા નિંદા કરવામાં આપણને રસ પડતો નથી.તેને વધુ નાનો બનાવીને શો ફાયદો? આમાં અહંકારની તૃપ્તિ ક્યાં? મોટા માણસની નાની વાતો સાંભળવા લોકો આતુર હોય છે.
ઉપદેશ અને સલાહ આપવાનું સહેલું છે પરંતુ એ મુજબ જીવનમાં ઉતારવાનું કઠિન છે. ધર્મના ધુરંધર ચાર પંડિતો એક જગ્યાએ વ્યાખ્યાન માટે ભેગા થયા હતા. ધર્મની ઊંચી ઊંચી વાતો થઈ. સદાચાર, સદગુણ, નીતિ અને ચારિત્ર્યને જીવનમાં ઉતારવા પર ભાર મૂકાયો હતો. ચર્ચા અને પ્રવચન પૂરું થયા પછી કાર્યક્રમની સફળતાની વાતો કરતા તેઓ નિરાંતે બેઠા હતા. બનાવટી વાતો પૂરી થઈ હવે તેઓ અસલી વાત પર આવી ગયા હતાં.
એક વયોવૃદ્ધ પંડિતે કહ્યું ભાઈઓ આપણે સૌ માણસો છીએ. દોષ કોનામાં નથી? આપણે કેટલીક બાબતોનો એકરાર કરવો જોઈએ. આપણે તો મિત્રો છીએ. આપણે એક બીજાથી છુપાવવાનું શું? હું ધનને હાથનો મેલ કહું છું. પૈસાનો મોહ જતો કરવાં લોકોને ઉપદેશ આપું છું પરંતુ મારી મોટી નબળાઈ ધન છે. ધન પરની પક્કડ છોડી શકતો નથી. થોડા પૈસા ચાલ્યાં જાય તો રાતે ઊંઘ આવતી નથી. પ્રવચન માટે થોડા પૈસા મળે તો મારુ મન નારાજ થઈ જાય છે. સારા એવા પૈસા ભેગા થઈ જાય તો નિરાંત અને જલસા. મારૂં સમગ્ર મન પૈસા ભેગા કરવામાં છે.
બીજા પંડિતે કહ્યું ભાઈ તમારી વાત સાચી છે. મારી મોટી નબળાઈ અહંકાર છે. મને ક્યાંય આવકાર ન મળે, ઉંચા આસને બેસવાનું ન મળે, કોઈ મારી પ્રશંસા ન કરે તો મારૂં મન નારાજ થઈ જાય છે. શ્રીમંતોને સૌ નમસ્કાર કરે છે. મને પણ થાય છે કે જીવનમાં ધન જ
બધી વાતો અહંકારને દૂર કરવાની હોય છે પણ હું તેની પાર જઈ શકતો નથી.
નિખાલસતા ના માહોલમાં ત્રીજા પંડિતે કહ્યું તમારી નબળાઈ કરતા મારી નબળાઈ સાવ જુદી છે. હું બ્રહ્મચર્ય પર વ્યાખ્યાનો આપુ છું અને લોકોને સંયમને અનુસરવા
અનુરોધ કરૂં છું પરંતું હું સતત કામવાસનાથી પીડિત છું.
મને સ્ત્રી સિવાય બીજું કશું દેખાતું નથી. આ બધા ભોગ ભોગવવા માટે ધન ખૂબ જરૂરી છે. પૈસા વીના બધું નકામું છે.
આ પછી ત્રણે પંડિતોએ ચોથા પંડિતને કહ્યું બંધુ હવે તું તારી નબળાઈની કાંઈક વાત કર. તું તો અમારાથી ઉંમરમાં ઘણો નાનો છે. તારી પાસેથી ઘણી રસપ્રદ વાતો સાંભળવા
ચોથા પંડિતે કહ્યું; મારી કમજોરીની શું વાત કરૂં. તમને જાણીને આશ્ચર્ય અને ધક્કો પહોંચશે.
ત્રણે પંડિતોના કાન સરવા થઈ ગયા. ભાઈ બોલી નાખ કશું છુપાવતો નહીં. અમે કોઈને કશું કહેશું નહીં.
પ્રથમ તો તમારા ત્રણેની નબળાઈ મારામાં પણ છે. બીજું મને બીજાની હલકી વાતો સાંભળવી ગમે છે. બીજાનાં દોષ જોવાની મને મજા આવે છે. મારી સૌથી મોટી નબળાઈ એ છે કે મારા પેટમાં કોઈ વાત ટકતી નથી. હવે મારે અહીંથી ઉઠવું પડશે. જ્યાં સુધી હું લોકોને તમારી આ વાત નહીં કરૂં ત્યાં સુધી મને ચેન નહીં પડે.
ત્રણે પંડિતો ગભરાઈ ગયા. ભાઈ આવું કાંઈ કરતો નહીં. આનાથી અમારી બદબોઈ થશે. તને આમાં કાંઈ ફાયદો નથી. તું અમારાંથી કાંઈ ઓછો ઉતરે એવો નથી.
ચોથા પંડિતે કહ્યું: મને લાગે છે કે હું તમારા કરતાં સારો છું. અને લોકો પણ આ બધી વાતો સાંભળીને મને તમારા કરતાં સારો ગણશે.
ઓશોએ ટાંકેલી થોડા ફેરફાર સાથે રજૂ કરેલી ઉપરની બંને દષ્ટાંત કથાઓ આપણને ઘણું શીખવી જાય છે.
ટીકા અને નિંદાનુ આ જ શાસ્ત્ર છે. આપણને બીજાના દોષો શા માટે જોવા ગમે છે? કારણ કે આપણામાં માનવ સહજ નબળાઈ અને ઉણપો છે. બીજાનાં દોષોને મોટા કરી નાખીએ તો આપણને આપણા દોષો નાના લાગે છે. પોતાનામાં રહેલી નાનપ, અધુરપ અને ખામીઓને છુપાવવા આ શસ્ત્રનો ઉપયોગ થતો હોય છે.
આપણે જ્યારે કોઈની પ્રશંસા કે વખાણ કરીએ છીએ ત્યારે જેના અંગે આ વાત થતી હોય છે તે સિવાય બીજા કોઈને ભાગ્યે જ રસ હોય છે. બધા સાંભળવા ખાતર સાંભળતા હોય છે. અને માથું ધુણાવતા રહે છે. ખરાબ
વસ્તુ જેટલી ઝડપથી ગ્રહણ થઈ જાય છે એટલી સારી વસ્તુઓ સ્વીકાર્ય બનતી નથી.
મન, વચન અને કર્મથી કોઈને દુ:ખ પહોંચાડવું નહીં. કોઈનું અપમાન થાય, મન દુભાય કે કોઈની માનહાનિ થાય એવું કશું કરવું નહીં એ ધર્મનો બોધ છે. આમછતાં જીવન અને વહેવારમાં મોટા ભાગના માણસો જાણ્યે અજાણ્યે એક બીજાને ઠેસ પહોંચાડતા હોય છે.
આ જગતમાં કોઈ સર્વસંપન્ન નથી. માણસ ખૂબીઓ અને ખામીઓથી ભરેલો છે. સારૂં જોવું, સારૂં બોલવું અને સારૂં સાંભળવુ. બીજાનાં દોષોને જોવા કરતાં તેમના ગુણોનો ખ્યાલ કરવો જોઈએ. કોઈની ટીકા કરતાં પહેલાં આત્મ નિરીક્ષણ કરવું જોઈએ કે હું કેવો છું. સકારાત્મક વિચારો અને વલણ આપણને સારા સુધી પહોંચાડે છે. આપણા એક લોક કવિએ કહ્યું છે:
” તન ચોખ્ખા મન ઉજળા ભીતર રાખે ભાવ
કિનકા બૂરા ન ચિંતવે, તાક રંગ ચડાવ “
જેના આચાર વિચાર અને આચરણ સારૂં હોય, જેને બધા પ્રત્યે સરખો ભાવ હોય અને જે કોઈનું બૂરું ન ઈચ્છે એવો માણસ ગુણગ્રાહી અને મોટો છે.