બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા પવન પુત્ર હનુમાન
કવર સ્ટોરી -રોશન સાંકૃત્યાયન
પોતાના ઇષ્ટ પ્રત્યે સમર્પણ, લક્ષ પ્રત્યે કદી હાર ન માનવાની જીદ અને જ્ઞાન માટે ઝનૂન. કળિયુગના જાગૃત દેવતા કહેવાતા પવન પુત્ર હનુમાનની આ ત્રણ સૌથી મોટી ખૂબીઓ છે. ગોસ્વામી તુલસીદાસજીએ કળિયુગમાં હનુમાનજીની હાજરી જણાવી છે. માનવામાં આવે છે કે ગોસ્વામી તુલસીદાસને હનુમાનજીએ જ ભગવાન રામ અને લક્ષ્મણનું દર્શન કરાવ્યું હતું. કેમકે હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત છે, અને ભગવાન રામ કહે છે કે હું હનુમાન ભક્તોના હૃદયમાં રહું છું એટલે પવન પુત્ર હનુમાનનું પૂજન અર્ચન કરવાનો મતલબ એ છે કે તમે પણ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામના પરમ ભક્ત છો. આવા કળિયુગના ઉદ્ધારક પવન પુત્ર હનુમાનની જયંતી દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય છે. આ વર્ષે ૨૩ એપ્રિલ ૨૦૨૪ના જયંતી આવશે.
હનુમાનજીને સાહસ, શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. તેમની મૂર્તિઓને હંમેશાં ઘરો અને મંદિરોમાં સ્થાપિત કરવામાં આવે છે. હનુમાનજીનું સૌથી વધુ સન્માન તેમના સાહસિક અને શક્તિપુંજ હોવાના કારણે છે. આ જ કારણ છે કે જ્યારે પણ હનુમાન ભક્તોને કોઈ ચીજથી ડર લાગે ત્યારે તેઓ હનુમાનજીને યાદ કરી લે છે અને હનુમાનજી તેમની અંદરનો ડર કાઢી નાખે છે. તેથી હનુમાન ભક્તોમાં એવી ધારણા બંધાઈ ગઈ છે કે ભૂત, પ્રેત જેવાનો ડર લાગી રહ્યો હોય તો તેમને યાદ કરી લો, ડર દૂર થઇ જશે. બની શકે કે ભૂત, પ્રેતથી આશય સમાજના દબંગ લોકોથી હોઈ શકે, અને હનુમાનજી લોકોની આવા દબંગોથી રક્ષા કરતા હોય. તેથી એવું માનવામાં આવે છે કે હનુમાનજી પોતાના આધ્યાત્મિક બળથી અન્ય બધા મનુષ્યો અને દેવતાઓથી અલગ છે. તેમને માત્ર યાદ કરવાથી શરીરમાં ખાસ પ્રકારની ઊર્જાનો સંચાર થવા લાગે છે. જે ન માત્ર આપણી તાણ અને ચિંતાઓ દૂર કરે છે, પરંતુ દરેક પ્રકારની આકસ્મિક અને દીર્ઘકાલીન ચિંતાઓથી મુક્તિ મળી જાય છે.
હિન્દુ પંચાંગ મુજબ હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે થયો હતો. તેથી એ દિવસે તેમની જયંતી ઉજવાય છે. તેમની જયંતીને હનુમાન જન્મોત્સવ પણ કહેવાય છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ પર્વ ૨૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ આવે છે. કેમકે હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો, તેથી હનુમાનજી સાથે જોડાયેલા બધા અનુષ્ઠાનો સવારથી જ શરૂ થાય છે. મુખ્ય પૂજા બ્રહ્મ મુહૂર્ત પર થાય છે. આ વર્ષે હનુમાન જયંતી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, કેમકે મંગળવાર હનુમાનજીનો પણ વિશેષ છે. તેથી મંગળવારે હનુમાન જયંતી આવવી ખૂબ શુભ મનાય છે. તેને દુર્લભ સંયોગ મનાય છે, જે આ વર્ષે છે. જો શુભ મુહૂર્તની વાત કરીએ તો ૨૩ એપ્રિલ ૨૦૨૪ના સવારે ૩ વાગ્યે અને ૨૫ મિનિટથી લઈને ૨૪ એપ્રિલ ૨૦૨૪ ના ૬ વાગ્યે અને ૧૮ મિનિટે સમાપ્ત થશે. હનુમાન જન્મોત્સવના પાવન પર્વ પર તેમની પૂજા સિંદૂર, લાલ ફૂલ, જનોઈ, કળશ, ગંગાજળ, પંચામૃત, ફળ અને મીઠાઈઓ, પાન, સોપારી વગેરેથી કરવી જોઈએ. જે લોકો હનુમાન જયંતીના દિવસે વ્રત રાખે તેમણે વ્રતની આગલી રાત્રે જમીન પર સૂવું જોઈએ, અને સવારે ભગવાન રામ, માતા સીતાની સાથે હનુમાન શ્રુતિનો જાપ કરવો જોઈએ. હનુમાન જયંતીનું વ્રત કરનારે સવારે ઊઠીને રામ, સીતા અને પવન પુત્ર હનુમાનનું નામ લેવું જોઈએ. ત્યાર પછી દિવસની વિશેષ પૂજા માટે બજરંગબલીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તે પછી હનુમાનજીની આરાધના કરવી જોઈએ.
પૌરાણિક કથાઓ મુજબ હનુમાનજીની માતાજી અંજના અપ્સરા હતાં. તેમને દેવતાઓના શ્રાપના કારણે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપ ત્યારે જ દૂર થઇ શકે તેમ હતો જ્યારે પૃથ્વી પર તેઓ એક સંતાનને જન્મ આપે. માનવામાં આવે છે કે આ શ્રાપને કારણે તેમણે ૧૨ વર્ષ સુધી ભગવાન શિવની આરાધના કરી હતી, જેથી તેમના વિવાહ સુમેરના રાજા અને બૃહસ્પતિના પુત્ર કેસરી સાથે થયા હતા. ભગવાન શિવની આરાધનાના ફળ સ્વરૂપે તેમને પુત્ર રૂપે હનુમાનજીની પ્રાપ્તિ થઇ હતી. કેટલાક પૌરાણિક આખ્યાનો મુજબ હનુમાનજી સ્વયં ભગવાન શિવનો સાક્ષાત અવતાર છે. કેમકે હનુમાનજી કળિયુગના જાગૃત દેવ છે, એટલે કળિયુગમાં તેઓ ભક્તોની સહુથી નિકટ છે. હનુમાનજીની નિયમિત પૂજા કરવાથી ભૂત-પ્રેતની બાધા દૂર થવા ઉપરાંત, ખરાબ કર્મોથી સાહજિક દૂરી આવી જાય છે અને શરીરમાં ભૌતિક અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. જે લોકો હનુમાનજીના ઉપાસક હોય છે, તેમના ઉપર શનિની મહાદશાનો અને સાડાસાતીનો પ્રભાવ નથી પડતો.
હનુમાનજીને આરોગ્યના દેવતા પણ માનવામાં આવે છે. તેથી તેમના ભક્તો દરેક પ્રકારના રોગો અને વ્યાધિઓથી દૂર રહે છે. ભારતના દરેક ખૂણે હનુમાનજીનાં મંદિરો છે અને માનવામાં આવે છે દેશમાં સૌથી વધુ એમના જ ભક્તો છે. જેઓ શિવ અને વિષ્ણુના ભક્તો છે, તેઓ પણ અત્યંત આદર અને સન્માન સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે.
સમગ્ર ભારતમાં હનુમાનજીની એક મૂર્તિ પંચમુખી છે. માનવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ અત્યંત વિશિષ્ટ છે. આ મૂર્તિમાં પાંચ અલગ અલગ મુખ છે, જેમાં વાનરનું મુખ, ગરુડનું મુખ, નૃસિંહનું મુખ અને એક અશ્ર્વમુખ છે. હનુમાનજીની આ પ્રસિદ્ધ મૂર્તિ મહારાષ્ટ્રના શિરડીમાં છે, જેને પંચમુખી અંજનેય કહેવાય છે. અન્ય એક પંચમુખી પ્રતિમા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોલ્જર બજાર સ્થિત હનુમાન મંદિરમાં અને એક કર્ણાટકના ટુમકુર જિલ્લાના બિદાનગેરે ગામમાં સ્થિત છે, પરંતુ આ બાકીની પ્રતિમાઓ પ્રાણવાન નથી. ફક્ત શિરડીના પંચમુખી અંજનેયની પ્રતિમાને જ જીવંત માનવામાં આવે છે. તેથી અહીં દર વર્ષે લાખો લોકો હનુમાન જયંતીના દિવસે દર્શને આવે છે. આ પ્રતિમા પાછળનો ઇતિહાસ એ છે કે દેવતાઓને ઘોર સંકટમાંથી બચાવવા હનુમાનજીએ પંચમુખી અવતાર ધારણ કર્યો હતો. ત્યારથી મનુષ્યોના જ નહીં, દેવતાઓના પણ રક્ષક છે.