જગતજનની દેવી પાર્વતી તમારા પૂંજમાંથી આ શ્યામવર્ણી કન્યા પ્રગટ થઈ છે, એટલું હું એનું નામ ‘કૌશિકી’ રાખું છું
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
વરદાન મળતાં જ છાકટા થયેલા શુંભ-નિશુંભ અસુરોનું સૈન્ય તૈયાર કરવા માંડે છે. તેઓ પ્રથમ સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. દેવગણો ખૂબ જ હિંમતથી યુદ્ધમાં કૂદી પડે છે, પણ બ્રહ્માજીનું વરદાન મળેલું હોવાથી તેમને કોઈ પુરુષ પરાજિત કરી શકતો નથી અને છેવટે દેવગણોની હાર થઇ રહેલી જોઈ દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવગણો પલાયન થઇ બ્રહ્માજી પાસે પહોંચે છે. બ્રહ્માજી તેમને કૈલાસ મોકલે છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણો તુરંત કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ તેમને સાંત્વના આપતા કહે છે કે સમય આવ્યે હું અને પાર્વતી ચોક્કસ તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું. સામે પક્ષે સત્તાના નશામાં સ્વર્ગલોક પર આધિપત્ય જમાવી ચૂકેલા શુંભ-નિશુંભ પૃથ્વીલોક પર પણ અત્યાચાર ગુજારવાનું ચાલુ કરે છે. દેવગણો પર થઈ રહેલા અત્યાચારથી બચાવવા દેવગુરુ બૃહસ્પતિ શુંભ-નિશુંભને ચેતવણી આપવા જાણીજોઈને પકડાઈ જાય છે અને શુંભ-નિશુંભને કહે છે કે, મહાબલી શુંભ-નિશુંભ તમે બુદ્ધિમાની છો, જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ર્ચિત છે. એક સુંદર સ્ત્રીના હાથે તમારું મરણ નિશ્ર્ચિંત છે. ક્રોધિત શુંભ આદેશ આપે છે કે, ‘સૈનિકો આને પકડી લો.’ દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘અરે! મૂર્ખ મારી પાસે એવી વિદ્યા છે કે હું અદૃશ્ય થઇ શકું. તું મને પકડી નહીં શકે, મેં તમને સમજાવવાની કોશિશ કરવામાં જ હું તારા સૈનિકો પાસે પકડાયો હતો, સમજી જાઓ અને ભગવાન શિવના ચરણે જાઓ અન્યથા તમારો અંત નિશ્ર્ચિત જ છે, ભગવાન તમારું કલ્યાણ કરે.’
આટલું કહી દેવગુરુુ બૃહસ્પતિ અદૃશ્ય થઈ જાય છે. સુરક્ષા શોધતાં શોધતાં દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ઋષિઓના વેશમાં ઋષિ શૌણકના આશ્રમ પર પહોંચે છે. ઋષિ શૌણક આવેલા ઋષિઓને પોતાના આશ્રમમાં આશરો આપે છે. આ વાત અસુર શુંભ-નિશુંભના ગુપ્તચરને ખબર પડતાં અસુરો તેમના પર આક્રમણ કરે છે અને દેવગણોને બંદીવાન બનાવવાની કોશિશ કરે છે. આ જોઈ ક્રોધિત થયેલા ઋષિ શૌણક શુભ-નિશુંભના સૈનિકોને ભસ્મિભૂત કરી નાંખે છે.
શુંભ-નિશુંભને ખબર પડતાં તે આદેશ આપે છે કે, પૃથ્વી પર કોઈપણ ઋષિ-મુનિઓ દેખાય તો તેમનો વધ કરવામાં આવે. શુંભ-નિશુંભના સૈનિકો પૃથ્વી પર હાહાકાર મચાવે છે. ઋષિ-મુનિઓ પલાયન થઈ જાય છે અને અજ્ઞાતવાસ ભોગવે છે. બીજી તરફ તપોવન ખાતે તપસ્યા કરી રહેલાં માતા પાર્વતીનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચે છે.
માતા સરસ્વતી: ‘સ્વામી આ સ્વર કોનોે છે, આ સ્વર મેં ઘણી વાર સાંભળેલો છે.’
બ્રહ્માજી: ‘દેવી આ સ્વર તમારી સખી દેવી પાર્વતીનો છે. તેઓ તપોવન ખાતે તપસ્યા કરી રહ્યાં છે, પ્રથમ વાર તેમણે મહાદેવને મેળવવા અહીં જ તપસ્યા કરી હતી. તેઓ તો સ્વયં જગતજનની છે, મારે જાણવું પડશે કે તેઓ મારી આરાધના શું કામ કરી રહ્યાં છે?’
બ્રહ્માજી તુરંત તપોવન પહોંચે છે.
બ્રહ્માજી: ‘આંખ ખોલો દેવી પાર્વતી.’
માતા પાર્વતી: ‘બ્રહ્માજી મારી આરાધનાથી પ્રસન્ન થઈ તમે દર્શન આપવાની કૃપા કરી હું ધન્ય થઈ પણ હું મારી તપસ્યાને સિદ્ધ થઈ એમ ત્યારે માનીશ જ્યારે મને તમે વરદાન આપશો.’
બ્રહ્માજી: ‘દેવી પાર્વતી, તમે સ્વયં જગતજનની છો, મારા વરદાનની તમને શું જરૂરત.’
માતા પાર્વતી: ‘તમે પણ અંતર્યામી(અંતરયામી) છે, તમને ખબર છે મેં શા માટે તપસ્યા કરી છે.’
બ્રહ્માજી: ‘તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું એટલે હું તમને ગૌરવર્ણી બનાવી દઈશ, પણ શિવઇચ્છાએ તે પહેલાં મારે એક કાર્ય કરવાનું છે.’
માતા પાર્વતી: ‘એટલે શું હું શિવઇચ્છાથી જ શ્યામવર્ણી થઈ હતી?’
બ્રહ્માજી: ‘તમારું શ્યામવર્ણી થવું પણ સંસારના કલ્યાણ માટે જ હતું. હું તમને વરદાન આપું છું કે તમારા શ્યામવર્ણથી એક અજન્મી ક્ધયા પ્રગટ થાય અને તમને પુન: ગૌરવર્ણ પ્રાપ્ત થાય.’
માતા પાર્વતી: ‘જેવી તમારી અને શિવ ઇચ્છા.’
બ્રહ્માજી ‘તથાસ્તુ’ બોલતાં જ માતા પાર્વતીના શરીરમાંથી એક તેજપૂંજ પ્રગટ થાય છે અને ક્ષણિકવારમાં એક ક્ધયાનો આકાર લે છે અને માતા પાર્વતીની બાજુમાં ઊભા રહે છે. માતા પાર્વતી ફરી ગૌરવર્ણા થઈ જાય છે.
બ્રહ્માજી: ‘જગતજનની દેવી પાર્વતી તમારા પૂંજમાંથી આ શ્યામવર્ણી ક્ધયા પ્રગટ થઈ છે, એટલું હું એનું નામ ‘કૌશિકી’ રાખું છું.
કૌશિકી: ‘સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી તમે એ જણાવવાની કૃપા કરશો કે મારો જન્મ શું કામ થયો છે?’
બ્રહ્માજી: ‘સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર અત્યાચાર ગુજારી રહેલા શુંભ-નિશુંભના અંતનું કારણ તમે હશો.’
માતા પાર્વતી: ‘અર્થાત્ મને શ્યામવર્ણી બનાવવાનો ઉદ્દેશ કૌશિકીને ઉત્પન્ન કરવાનો હતો?’
બ્રહ્માજી: ‘જગતજનની તમે તો ભગવાન શિવના અર્ધાંગિની છો તેમની લીલા
તમારાથી વધુ કોણ જાણી શકશે, ભગવાન શિવ અને શિવગણો ઘણા સમયથી તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે તમે તુરંત કૈલાસ જવાની કૃપા
કરો.’
માતા પાર્વતી: ‘જેવી તમારી ઇચ્છા બ્રહ્મદેવ.’
બ્રહ્માજી: ‘દેવી કૌશિકી તમે અહીં જ શિખર પર નિવાસ કરો, સમયાંતરે શુંભ-નિશુંભ પોતાના વધથી પ્રેરિત થઈ તમારી સમક્ષ પધારશે.‘
માતા પાર્વતી તુરંત કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને બ્રહ્મદેવ બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે.
કૈલાસ ખાતે પરત ફરેલાં માતા પાર્વતીને જોઈ શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે અને ઉત્સવ મનાવે છે.
નંદી: ‘માતા પાર્વતી આપના કૈલાસ પર આપનું સ્વાગત છે, માતા ઘણા સમયથી આપની ખીરનો આનંદ નથી મળ્યો. આ આનંદ ઉત્સવમાં આપની ખીરનું ભોજન મળે તો કૈલાસ પ્રફુલ્લિત થઈ જશે.’
અન્નપૂર્ણા અવતાર માતા પાર્વતી ખીર બનાવતાં ભગવાન શિવ સહિત શિવગણો આનંદીત થઈ ખીરનો આસ્વાદ માણે છે.
(ક્રમશ:)