ધર્મતેજ

નવધા ભક્તિની પરાકોટિની નોબત: નરસિંહનાં પદો

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

નરસિંહના જીવન વિષ્ાયે ખૂબ અભ્યાસ થયા છે. નરસિંહના કર્ક્તુત્વ સંદર્ભે પણ ઘણા પ્રશ્ર્નો છે. આ બધામાંથી પસાર થયા પછી નરસિંહ નામે મળતી રચનાઓને એની પ્રકૃતિને આધારે મેં ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અભ્યાસ આરંભ્યો છે. નરસિંહની કેટલીક રચનાઓ લિખિત પરંપરાની મધ્યકાલીન પદરચના પ્રકારની જણાય છે. કેટલીક રચનાઓ કંઠસ્થ સંતવાણી પરંપરાની ભજન પ્રકારની જણાય છે. તો કેટલીક રચનાઓ કંઠસ્થ પરંપરાની લોકગીત પ્રકારની જણાય છે.

નરસિંહનાં કવિ તરીકેનાં બે સ્વરૂપો છે. એક કૃષ્ણભક્તિના ગાયક તરીકેનું અને બીજું જ્ઞાનમાર્ગી – તત્ત્વદર્શી કવિતાના ગાયક તરીકેનુંં કોણ. જાણે શાથી પણ કૃષ્ણલીલાની ભક્તિ કવિતા કરતાં વિશેષ્ારૂપે લોક્સમુદાયમાં લોકઢાળવાળાં પદો જ નરસિંહનાં પ્રતિનિધિત્વ પદો રૂપે પ્રસ્તુત થતાં રહ્યાં છે.

તત્ત્વદર્શન, જ્ઞાન અને ભક્તિ જેવા શુષ્ક વિષ્ાયને પણ એણે એવી રીતે અભિવ્યક્તિ અર્પી કે દુર્બોધ જ્ઞાન એકદમ સરળ અને રસળતું બનીને પ્રગટ થયું. નરસિંહની વિશિષ્ટતા જ્ઞાનનો મહિમા ગાવામાં જ કે સમજાવવામાં જ માત્ર નથી. અંતે તો એ પોતાની રીતે પ્રેમભક્તિનો મહિમા પણ ગાય છે અને પોતાનું કમિટમેન્ટ છતું કરે છે. મૂળ મુદ્દો પ્રગટ કરીને – ગાઈને આખરે તો એ પોતાને અભિપ્રેત ભક્તિની વિભાવના પ્રગટાવે છે. આ બધાં કારણે આવાં પદો આખરે તો નરસિંહની અને એ નિમિત્તે લોકહૃદયની કહો કે યુગની અભિવ્યક્તિ બની રહે છે અને નરસિંહને યુગકવિનું, યુગની સંવેદનાના ઉદ્ગાતા તરીકેનું બિરુદ બક્ષ્ો છે. નવધા – ભક્તિની પરાકોટિની નોબત વગડાવતી લોકઢાળમાં અભિવ્યક્તિ પામેલી આવી ભક્તિ પદરચનાઓ નરસિંહને ભક્ત, સંતકવિને બદલે લોકકવિનાં સ્થાન-માન
બક્ષ્ો છે.

સખી આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી…૧
પૂરો પૂરો સોહાગણા સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે. સખી…ર
સખી લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે. સખી…૩
સખી મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે. સખી…૪
સખી જમુનાજીનાં જળ મંગાવીએ રે,
મારા વહાલાજીનાં ચરણ પખાળીયા જી રે. સખી…પ
સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે. સખી…૬
સખી રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે. સખી…૭
સખીને ઉદ્દેશીને ગવાયેલી આ રચનામાં કૃષ્ણનાં સ્વાગત માટેની ગોપાંગનાની અંતરની આરજૂ અભિવ્યક્તિને પામી છે. શ્રીહરિનું ચરણામૃત લેવાની અને કૃષ્ણઉપાસનાથી પ્રાપ્ત આનંદરસ સર્વથી મીઠો છે, સર્વોચ્ચ છે એમ કહેતી ગોપી હકીક્તે નરસિંહની કૃષ્ણપ્રીતિને પ્રગટાવે છે. આવા શ્રીહરિની ભક્તિઉપાસના એ જ મહત્ત્વની છે. આ ભક્તિ સ્વર્ગલોકને પણ દુર્લભ છે.

નવધા ભક્તિમાં પ્રભુની સેવા – પાદસેવનનું અને સખાભાવનનું ભારે મહત્ત્વ છે. આ બંને પદ પ્રભુકૃપાથી પ્રભુની સંમતિથી જ પ્રાપ્ત થતાં હોય છે. સ્તુતિ, પૂજા વગેરે તો તમે તમારી ઈચ્છાથી કરી શકો, પણ આમાં તો પ્રભુ પ્રત્યક્ષ્ા હોય અને એ સંમત હોય તો જ અર્થાત્ એમના દ્વારા જ પ્રાપ્ત થતી પ્રસાદીરૂપ આ બે બાબત છે. અહીં એનું નિરૂપણ છે. ચરણ પખાળવાની અને એને ગીતો ગાવાની કામગીરીમાં સામેલ કરીને તથા હરખના ગાનના ઉત્સવમાં સન્મિત્ર તરીકે સામેલ કરીને એની સંગતની અનુભૂતિની અભિવ્યક્તિ છે. વહાલોજી આવ્યા છે, લાવવામાં નથી આવ્યા, હસ્તિ હાથિયા નક્ષ્ાત્રની માફક વર્ષ્ાાની વરસતા આવ્યાના અવસરનું આ કારણે વિશેષ્ા મહત્ત્વ છે. એનું સ્વાગત – સન્માનરૂપ સાથિયા, મંડપ, ચોકરૂપ માંગલિક ક્રિયા બાદ જમુનાજીના જળથી ચરણ પખાળવાની અને એને મંગળ ગીતો ગાવાની ક્રિયામાં સામેલ કરાવીને ગીતો ગવરાવીને આ પરાકોટિરૂપ અતિ મીઠારસની પરમ સંતૃપ્તિનું અહીં નિરૂપણ છે. પાદસેવન અને સખાભાવના આલેખનનું આ લોકઢાળનુંં નરસિંહ નામછાપનું પદ ગુજરાતી કવિતાની કેટલીક ચિરંજીવ કવિતામાં શોભી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…