પનઘટ લીલા પરમેશ્ર્વરની-૧

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
એક સમયે પાણીશેરડા-જળાશયો સાથે લોકજીવનનો અતૂટ સંબંધ હતો. આખા ગામની વહુવારૂઓ ત્યાં મુક્ત રીતે ભેળી થાય, પોતાનાં સુખદુ:ખની વાતો કરીને હળવી થાય. માટી કે તાંબા પીત્તળનાં ચકચક્તિ બેડાં ત્યાં ધોવાય-ઉટકાય, કોઈ વટેમારગુની તરસ પણ છીપે.લોકસંસ્કૃતિમાં કૂવા કે જળાશય પૂજનનો મહિમા પણ ઓછો નથી. જળદેવતાની ઉપાસના-આરાધનાનું સ્થાનક તે જળાશય. આવા જળાશય ઉપર- જમુનાજીના આરે થયેલી ભગવાન શ્રીકૃષ્ણની પનઘટલીલાને સૂરદાસજી તથા અષ્ટછાપના કવિઓ દ્વારા પોતાની કવિતામાં ખૂબ જ સ્થાન મળ્યું છે. સૂફી કવિ જાયસીએ પનઘટમાં આવતી પદમણી નારીઓનું વર્ણન કરતાં લખ્યું છે :
‘પાનિ ભરૈ આવહિ પનિહારી, રૂપ સુરૂપ પદમનિ નારી.
પદમ ગંધ તિહ અંગ બસાહી,ભંવર લાગી તિન્હ સંગ ફિરાહીં
લંક સિંઘિની, સારંગ નૈની, હંસ ગામિની કોકિલ બૈની
આવહી ઝૂંડ તો પાંતહી પાંતી,ગવન સોહાઈ સુ ભાંતહી ભાંતી
કનક કલશ મુખ ચન્દ દિપાહી,રહસ કેલિ સન આવહી જાહીં
જા સહું વે હેરે ચખ નારી, બાંકે નૈન જનુ હનહિ કટારી
કેશ મેઘાવર સિર તા પાઈ, કહિં દસન બીજુ કૈ નાઈ
માથે કનક ગાગરી આવહિ રૂપ અનૂપ
જેહિ કે અસ પનિહારી સો રાની કેહિ રૂપ.
ભગવાન શ્રીકૃષ્ણની આવી પનઘટલીલા તથા મુરલીલીલાને આપણે ત્યાં ગુજરાતી સંતસાહિત્ય અને લોકસાહિત્યમાં પણ અનોખું સ્થાન મળ્યું છે. નરસિંહ,મીરાં, પ્રેમસખી પ્રેમાનંદ,મીઠો ઢાઢી જેવા અનેક સંત-ભક્તકવિઓએ આ પ્રસંગને લગતી વિવિધ રચનાઓ આપી છે.
મેં કાનુડા તેરી ગોવાલણ
મોરલીએ લલચાણી રે…મેં કાનુડા…
હરખે મેં તો ઇંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે,
ગાગર વરાહેં મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે…
મેં કાનુડા તેરી રે ગોવાલણ…૦
ગાય વરાહેં મેં તો ગોધાને બાંધ્યો, દોયાની હું
અજાણી રે,
વાછરું વરાહેં મેં છોકરાંને બાંધ્યા, બાંધ્યા છે બહુ તાણી રે…
મેં કાનુડા તેરી રે ગોવાલણ…૦
રવાઈ વરાહેં મેં ધોંસરૂં લીધું, વલોવાની અજાણી રે,
નેંતરાં વરાહેં સાડી લીધી, દૂધમાં રેડયાં પાણી રે…
મેં કાનુડા તેરી રે ગોવાલણ…૦
ઘેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી હું રંગમાં રેલી રે,
ભલે મળ્યા મેતા નરસીના સ્વામી પૂરણ પ્રીત બંધાણી રે… મેં કાનુડા તેરી રે ગોવાલણ…૦
મીરાંબાઈ ગાય છે –
કાનુડો શું જાણે મારી પીડ ?
બાયું અમે બાળ કુંવારા રે …કાનુડો શું જાણે મારી પીડ ?..
જળ રે જમુનાના અમે , પાણીડાં રે ગ્યાતાં બેની
કાનુડે ઉડાડયાં આછા નીર, ઉડયાં ફરરરર રે…કાનુડો શું જાણે મારી પીડ ?..
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે બાયું
સોળસો ગોપીના તાણ્યાં ચીર, ફાડયાં ચરરરર રે.કાનુડો શું જાણે મારી પીડ ?..
હું રે વેરાગણ કાના તમારા રે નામની રે ,
તાણીને માર્યા છે અમને તીર, વાગ્યા અરરરર રે.કાનુડો શું જાણે મારી પીડ ?
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા
વાલીડે બાળીને કીધાં રાખ, ઊડી ખરરરર રે.કાનુડો શું જાણે મારી પીડ ?..
સ્વામિનારાયણી સંતકવિ પ્રેમસખી પ્રેમાનંદજીની એક રચના છે-
સજની એક દિવસ જળ ભરવા જમુના હું ગઈ રે લોલ ;
સામા મળિયા નંદજીના લાલ કે જોઈ મોહી રહી રે લોલ..
જે દહાડાથી સુંદર શ્યામ મારી દૃષ્ટે પડયા રે લોલ ;
લખીને રાખ્યા રૂદિયા માંહ્ય કે ચિત્તે આવી ચડયા રે લોલ…
લાગ્યાં લાગ્યાં ચંચળ નેણ, હવે કેમ વિસરે રે લોલ ;
લટકાં કરતાં પેઠા લાલ, હવે કેમ નિસરે રે લોલ…
સખી ચૌદ ભુવનમાં એક એની મારે આશ છે રે લોલ ;
હવે મારે મન કર્મ વચને નાથ ચરણમાં વાસ છે રે લોલ…
કીધી કીધી મુજ પર મહેર કે આજ અઢળક ઢળ્યા રે લોલ ;
મળીયા પ્રેમસખીનો નાથ કે આડા અંક વળ્યા રે લોલ…
યમુનાતીરે પાણી ભરવા ગયેલી ગોપાંગનાને કૃષ્ણ કનૈયો સામે મળે છે અને એને જોતાં જ મોહિત થયેલી ગોપી મન કર્મ વચને સ્નેહથી બંધાઈ જાય છે. સુંદર શામળિયાના ચંચળ મનહરણ નેણ તથા એનાં લટકાં ગોપીહૈયામાં એવાં કામણ કરી ગયાં છે કે ચૌદ ભુવનમાં એના સિવાય કશું જ દેખાતું નથી. અઢળક ઢળેલા પરમ પિયુએ અપાર કૃપાનો આડો આંક જ વાળી દીધો છે.