ધર્મતેજ

પનઘટ લીલા પરમેશ્ર્વરની-ર

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

સંતકવિ મીઠા ઢાઢીના નામાચરણ સાથે આ જ પ્રસંગની ત્રણેક રચનાઓ લોકકંઠે ગવાતી રહે છે.
ચાલો જળ જમુના રે હો નાવા,
ગિરધર આવશે ગૌધન પાવા..
ગોવાળુંની મંડળી રે હો લઈને,
વ્હાલો મારો નાચશે થૈ થૈ થૈ ને…
ચાલો જળ જમુના રે હો નાવા..૦
જો જો એની ચાલનો રે હો ચટકો,
કાંધે જેને કાંબળીનો છે કટકો,
દાણીલો આવશે રે હો લોઠો,
દાણ સાટે દઈશું અંગૂઠો…
ચાલો જળ જમુના રે હો નાવા..૦
દાણીલો દાણ રે હો લેશે,
અંગૂઠો આપણી પાસે રહેશે,
દાસ મીઠાના રે હો સ્વામી,
સુંદરી વ્રજની મહાસુખ પામી… ચાલો જળ જમુના રે હો નાવા..૦


જમનાજી ગ્યાંતાં રે હો પાણી,
વાલે મારે જાતાં મુજને જાણી,
ધોડી હરિ છેડલે રે હો વળગ્યા,
રહો રહો રસિયા મુજથી અળગા..
મારે મૈડાં વેચવા રે હો જાવા,
તારે નિત્ય લૂંટી લૂંટીને ખાવા,
મારે મૈના દોકડા રે હો કરવા,
જઈને કંસ રાજાને ભરવા,
ચાલો સૈયરું રાવે રે હો જાયો,
જઈને નંદબાવાને કહીએ..
તમારા કાનને રે હો વારો,
રોક્યો મારો જમુનાજીનો આરો,
જઈને જ્યારે કહેશો જશોદા માને,
ત્યારે હરિ સખણા રે હો રેશે..
ત્યારે જઈને કીધું જશોદામાને,
માખણ લૂંટ્યા રે હો કાને,
દાસ મીઠાનો રે હો સ્વામી,
ત્યારે ગોપી આનંદ સુખડાં પામી…


કીધી મને ઘેલી ઓધા,
કીધી મને ઘેલી રે ,
ાનુડે કામણગારે, કીધી મને ઘેલી …
જળ જમનાનાં ગયાંતા,
માથે બેડું મેલી ઓધા
મુખડાની માયા લાગી,
નવ શકું મેલી રે,
ઘર તણો ધંધો ભૂલી,
સોળસે સાહેલી ઓધા
વનમાં વગાડી વ્હાલે,
મોરલી રંગીલી રે…
કાનુડે કામણગારે, કીધી મને ઘેલી …
સાળુડાની શુદ્ધ રે ભુલી,
ભાંગ પીધી લીલી ઓધા
સેંથાને ઠેકાણે મેં તો,
ચોડી દીધી ટીલી રે,
આંખલડીમાં એવી લાગી,
અષાઢની એલી ઓધા
મળ્યો રે મીઠાનો સ્વામી,
રંગ રિયો રેલી રે…
કાનુડે કામણગારે, કીધી મને ઘેલી …
આપણાં અનેક લોકગીતોમાં ગવાયું છે-
ચંદન તલાવડી રોકી કાનુડે,
ને જળ ભરવા ન દિયે;
-કાનુડો મારે ખેધે પડ્યો છે…૦
ખેધે પડ્યો છે ગુણગારો,
હઠીલો મારે ખેધે પડ્યો છે.
વનમાં કાનો દાતણ મગાવે,
વનમાં દાતણ ક્યાંથી?
વનમાં કાનો નાવણ મંગાવે,
વનમાં નાવણ ક્યાંથી?
-કાનુડો મારે ખેધે પડ્યો છે…૦
ખેધે પડ્યો છે ગુણગારો,
હઠીલો મારે ખેધે પડ્યો છે.
વનમાં કાનો ભોજન મગાવે,
વનમાં ભોજન ક્યાંથી?
વનમાં કાનો મુખવાસ મગાવે,
વનમાં મુખવાસ ક્યાંથી?
-કાનુડો મારે ખેધે પડ્યો છે…૦
ખેધે પડ્યો છે ગુણગારો,
હઠીલો મારે ખેધે પડ્યો છે.
વનમાં કાનો પોઢણ મગાવે,
વનમાં પોઢણ ક્યાંથી?
ચંદન તલાવડી રોકી કાનુડે,
ને જળ ભરવા ન દિયે,
-કાનુડો મારે ખેધે પડ્યો છે…૦
સંતકવિ દાસી જીવણ પનિહારીની સુરતા-લગન-ધ્યાનના રૂપક દ્વારા સંતોની અધ્યાત્મમાર્ગની સહજસાધના વર્ણવે છે.
એવાં હેત રાખજો તમે રામસે,
રાખે જેમ ચંદ્ર ને ચકોર,
રાખે જેમ બાપૈયા ને મોર,

  • એવાં હેત રાખજો તમે રામસે…૦
    હેત રે વખાણીયે પનિહારી કેરાં,
    જળ ભરવાને રે જાય,
    હસે રે બોલે ને કર તાળીયું દિયે,
    એની સુરતા છે બેડલિયાની માંય…
  • એવાં હેત રાખજો તમે રામસે…૦
    બે-ચાર પનિહારીઓ નદી કાંઠેથી પાણી ભરીને ચાલી આવે છે. સોના ઈંઢોણી રૂપા-બેડલાં ચળકતાં આવે છે. સરખી સૈયરો એકબીજી સાથે મીઠી મજાક મશ્કરી કરતી અંગે અંગે હિલોળા લેતી તાળી લેતી, આજુબાજુ નજર ફેરવતી તો ક્યારેક હાથ એકના ઘૂંઘટમાં લાજ કાઢીને નાચતી ગાતી ચાલી આવે છે. પણ એની સુરતા,લગન,તલ્લીનતા અને એનું ધ્યાન તો માથા પરના બેડા પ્રત્યે જ છે. તો સતત અજ્ઞાનપણે અભાનપણે એનું માનસ એક જ ઠેકાણે કેન્દ્રીત થયેલું છે કે બેડું નમી ન જાય, પડી ન જાય, ક્યાંક પગે ઠેશ ન આવી જાય. એવી સતત કાળજી જો ભક્તિસાધનાના ક્ષ્ોત્રમાં લેવાય, શ્ર્વાસે શ્ર્વાસે સ્મરણ થતું રહે તો પછી હરિ ઢુંકડો જ હોય ને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button