ધર્મતેજ

આપણું કથાસાહિત્ય


અલૌકિક દર્શન -ભાણદેવ

આપણે બાળકોને મેના-પોપટ કે રાજા-રાણીની વાર્તા કહીએ છીએ. એક રીતે આ બાળવાર્તાઓ પણ કથાઓ જ છે, પરંતુ આવી કથાઓ નરી કલ્પનાસૃષ્ટિ જ હોય છે. સિંદબાદની સફરોની કથા પણ એક સ્વરૂપની કથાઓ જ છે. આવી કથાઓને આપણે સાહસકથાઓ કહીએ છીએ. ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની વાર્તાઓ તથા ‘ઈસપ નીતિકથાઓ’ પણ એક અન્ય સ્વરૂપની કથાઓ જ છે. આવી કથાઓમાં વ્યાવહારિક ડહાપણ આપવાની દૃષ્ટિ હોય છે. આવી કથાઓ દ્વારા કોઈક સ્વરૂપનો બોધ આપવામાં આવે છે. આ ઉપરાંત નૈતિક મૂલ્યોની મહત્તા દર્શાવનારી કથાઓ પણ દરેક સમાજમાં હોય જ છે.

આપણાં પુરાણો અને આપણાં મહાકાવ્યો પણ કથાઓથી ભરપૂર છે. આ કથાઓ આપણે ઉપર ગણાવેલી કથાઓ કરતાં તદ્દન ભિન્ન સ્વરૂપની કથાઓ છે. આપણા કથાસાહિત્યમાં આપણાં પુરાણો અને ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ મહાકાવ્યોનો સમાવેશ થાય છે. આ પુરાણો ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ કથાગ્રંથો જ આપણું યથાર્થ કથાસાહિત્ય છે. આપણા આ કથાસાહિત્યનો આધાર, તેમાં અભિવ્યક્ત થતાં તત્ત્વો, તેનું સ્વરૂપ, તેની વ્યંજના – આ બધી દૃષ્ટિથી તે ઉપરોક્ત ગણાવેલાં વાર્તા આદિ કથાસ્વરૂપો કરતાં મૂળભૂત રીતે જ જુદું પડે છે.

જો આપણે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ભારતીય અધ્યાત્મવિદ્યાને યથાર્થત: સમજવા ઇચ્છતા હોઈએ તો તેના ભાગરૂપે આપણે આપણા આ કથા-સાહિત્યને પણ સમજવું જોઈએ. આપણું યથાર્થ કથાસાહિત્ય એટલે પુરાણો તથા મહાકાવ્યોમાં રજૂ થયેલી આપણી કથાઓ. આપણા આ યથાર્થ કથાસાહિત્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણું કથાસાહિત્ય શું છે તે સમજતાં પહેલાં આપણે એ સમજીએ કે તે શું નથી.

1. અહીં આપણે જે કથાસાહિત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં ધાર્મિક-આધ્યાત્મિક કથાસાહિત્યનો જ સમાવેશ કરીએ છીએ. બાળવાર્તાઓ, સાહસકથા, ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’ આદિની કથાઓ, મનોરંજક કથાઓ કે હાસ્યકથાનો તેમાં સમાવેશ થતો નથી. તેમને જુદા જ વર્ગમાં ગણવામાં આવે છે.

2. આપણું કથાસાહિત્ય માત્ર કલ્પનાવિહાર નથી. જેમ નાનાં બાળકોને સાવ કાલ્પનિક વાર્તાઓ દ્વારા રોમાંચક રસાસ્વાદ કરાવવામાં આવે છે તે સ્વરૂપની આ કથાઓ નથી.

3. આપણું કથાસાહિત્ય મનોરંજન માટે નથી. બે ઘડીના આનંદ માટેનું એ હળવું વાચન નથી. આપણા કથાસાહિત્યમાં મનોરંજનનાં તત્ત્વો છે, પરંતુ મૂળભૂત રીતે આ કથાઓ મનોરંજન માટે નથી.

4. આપણું કથાસાહિત્ય સાહસકથાઓ કે યુદ્ધકથાઓ પણ નથી. આ કથાઓમાં સાહસ અને યુદ્ધનાં તત્ત્વો છે, પરંતુ તેમનો મૂળ હેતુ યુદ્ધનું વર્ણન કે સાહસનું કથન નથી.

5. આપણા કથાસાહિત્યનો મુખ્ય હેતુ નૈતિક શિક્ષણ નથી. આપણા કથાસાહિત્યમાં નૈતિક શિક્ષણનાં તત્ત્વો ખૂબ છે, પરંતુ આ કથાસાહિત્ય મૂલત: નૈતિક રક્ષણ માટે લખાયું નથી.

હવે આપણે જોઈએ કે આપણું કથાસાહિત્ય શું છે અને આપણા કથાસાહિત્યનો હેતુ શો છે. આપણે એ પણ સમજીશું કે આપણા કથાસાહિત્યનું સ્વરૂપ શું છે અને આપણા કથાસાહિત્ય દ્વારા તેનો હેતુ કઈ રીતે સિદ્ધ કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રસ્થ તત્ત્વ અધ્યાત્મ છે. અધ્યાત્મ છે તો ભારત છે. અધ્યાત્મ નથી તો ભારત નથી. અધ્યાત્મ વિનાનું ભારત એકડા વિનાનાં અનેક મીંડાં સમાન છે. દરેક દેશને પોતાનું એક પ્રધાન તત્ત્વ હોય છે. તે દેશની સંસ્કૃતિ તે પ્રધાન તત્ત્વને કેન્દ્રમાં રાખીને તેની આજુબાજુ ગોઠવાય છે, વધે છે અને વિકસે છે તથા તેને આધારે ટકી રહે છે. ભારતીય સંસ્કૃતિનું આ પ્રધાન તત્ત્વ કે કેન્દ્રસ્થ તત્ત્વ અધ્યાત્મ છે. તેથી જ ડાહ્યા માણસો કહે છે કે આર્યાવર્ત અધ્યાત્મવિદ્યાનું પિયર છે.

વેદ આપણી અધ્યાત્મગંગાની ગંગોત્રી છે. વેદમાંથી નીકળેલી આ અધ્યાત્મગંગા આજ સુધી અસ્ખલિત સ્વરૂપે વહી રહી છે અને અગણિત માણસોને પાવન કરી રહી છે. આપણી અધ્યાત્મ-પરંપરા અપરંપાર રહસ્યોથી ભરપૂર છે. અધ્યાત્મની આ મહાન ખાણ આપણો મહામૂલો નિધિ છે.

કહેવાય છે કે ગ્રીસમાં ભૂમિતિનો વિકાસ યુદ્ધવિદ્યામાંથી અને યુદ્ધવિદ્યાના એક ભાગરૂપે થયો હતો અને ભારતમાં ભૂમિતિનો વિકાસ યજ્ઞવિદ્યામાંથી અને યજ્ઞવિદ્યાના એક ભાગરૂપે થયો હતો. ભારતીય સંસ્કૃતિ અને પશ્ર્ચિમી સંસ્કૃતિની ભિન્નતા સમજવા માટે આ એક દૃષ્ટાંત મૂલ્યવાન સંકેત આપે છે. હજારો વર્ષોથી તપશ્ર્ચર્યાને અંતે આપણી પાસે અધ્યાત્મવિદ્યાનો એક અણમોલ નિધિ તૈયાર થયો છે અને ગ્રંથસ્થ પણ થયો છે. અધ્યાત્મ વિદ્યાવિષયક અનેકવિધ સાહિત્યનો અપાર રાશિ આ પુણ્યવતી ધરતી પર રચાયો છે, ગ્રંથસ્થ થયો છે અને પ્રકાશિત પણ થયો છે.

અધ્યાત્મવિદ્યાનો આપણો ગ્રંથભંડાર અનેક સ્વરૂપો ધરાવે છે. વેદની સંહિતાઓમાં આ રહસ્યો મંત્રોરૂપે વ્યક્ત થયાં છે. ઉપનિષદોમાં પણ અધ્યાત્મવિદ્યા મંત્રોના સ્વરૂપમાં જ છે. ‘યોગસૂત્ર’, ‘બ્રહ્મસૂત્ર’, ‘સાંખ્યસૂત્ર’, ‘ભક્તિસૂત્રો’, ‘પૂર્વમીમાંસાસૂત્ર’, ‘શિવસૂત્ર’ આદિ ગ્રંથોમાં અધ્યાત્મવિદ્યા સૂત્રોના રૂપે રજૂ થયેલ છે. ‘સાંખ્યકારિકા’, ‘સૌંદર્યલહરી’, ‘ગૌડપાદકારિકા’ (‘માંડૂક્યકારિકા’), ‘પંચદશી’, ‘માધ્યમિકકારિકા’ (‘શૂન્યકારિકા’) આદિ ગ્રંથોમાં આપણી આ વિદ્યા શ્ર્લોકો રૂપે રજૂ થયેલ છે. આ ઉપરાંત અનેક ભાષ્યગ્રંથો પણ લખાયા છે. ભાષ્યગ્રંથોમાં અધ્યાત્મવિદ્યાનું વિશદીકરણ અને વિસ્તૃતીકરણ થયેલ છે.

આ બધાં સ્વરૂપો ઉપરાંત અધ્યાત્મવિદ્યાનાં રહસ્યોને અભિવ્યક્ત કરવાની એક બીજી પદ્ધતિ પણ આપણા દેશમાં વિકસી છે. આ પદ્ધતિ છે આપણું કથાસાહિત્ય. અધ્યાત્મવિદ્યાનાં રહસ્યોને કથા દ્વારા અભિવ્યક્ત કરવાની એક વિરલ અને વિશિષ્ટ પદ્ધતિનો અને તે પ્રકારના કથાસાહિત્યનો આપણા દેશમાં ઘણો વિકાસ થયો છે. આપણું કથાસાહિત્ય ઘણું વિસ્તૃત છે.

આપણા આ આધ્યાત્મિક કથાસાહિત્યનાં મૂળ વેદની સંહિતાઓમાં છે. વેદની સંહિતાઓ તો મંત્રોના જ સંગ્રહ છે, છતાં આ મંત્રોમાં પણ ક્યાંક-ક્યાંક કથાઓના અંશ જોવા મળે છે. આ કથાઓ દ્વારા સાંકેતિક રીતે અધ્યાત્મવિદ્યાનાં તત્ત્વો સૂચિત કરવામાં આવેલાં છે. આરણ્યકો અને ઉપનિષદોમાં તો આવી કથા સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરે છે. ઉપનિષદોની માર્મિક અધ્યાત્મકથાઓ તો જે જાણે તે માણે અને માણે તે જાણે!

વેદની સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો તથા ઉપનિષદોમાં જે કથાઓ છે તે અધ્યાત્મમીમાંસાના ભાગરૂપે, અધ્યાત્મતત્ત્વને વધુ સ્પષ્ટ અને માર્મિક બનાવવા માટે વચ્ચે-વચ્ચે મૂકવામાં આવેલ છે. વૈદિક સાહિત્ય મૂલત: તો મંત્રસાહિત્ય જ છે. કથાઓ તો તેમાં એક સહાયક સાધનસ્વરૂપે મૂકવામાં આવેલ છે, પરંતુ ઉપનિષદકાળ પછી કથાસાહિત્ય એક સ્વતંત્ર સ્વરૂપ ધારણ કરે છે અને પછી તો કથાસાહિત્યનો ઘણો વિકાસ થયો છે. આપણા કથાસાહિત્યમાં અર્થાત્ આધ્યાત્મિક કથાસાહિત્યમાં શાનો સમાવેશ થાય છે?

1. ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ ધાર્મિક-આધ્યાત્મિક મહાકાવ્યો,

2. ‘શ્રીમદ્ભાગવત’ આદિ પુરાણો તથા ઉપપુરાણો,

3. ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’ જેવા તત્ત્વજ્ઞાનના કથાગ્રંથો.

4. સંસ્કૃત સિવાય ભારતની અન્ય ભાષાઓમાં રચાયેલું વિપુલ આધ્યાત્મિક કથાસાહિત્ય. દા. ત. ગુજરાતમાં ‘ચંદ્રકાંત’.

હવે આપણે જોઈએ કે આ વિપુલ કથાસાહિત્ય વસ્તુત: શું છે.

કથા એટલે આધ્યાત્મિક, તાત્ત્વિક અને સૃષ્ટિમીમાંસાવિષયક સિદ્ધાંતોને પાત્રો અને પ્રસંગોના માધ્યમ દ્વારા વ્યક્ત કરવાની પદ્ધતિ.

કથામાં પાત્રો તો અવશ્ય હોય છે. આ પાત્રો દ્વારા પ્રસંગો અને પ્રસંગોની હારમાળા પણ રચવામાં આવે છે, પરંતુ આ પાત્રો અને પ્રસંગો દ્વારા ગહન આધ્યાત્મિક તત્ત્વો અભિવ્યક્ત કરવામાં આવે છે. કથાના સ્વરૂપનું કેન્દ્રસ્થ તત્ત્વ આ છે. આપણે એક દૃષ્ટાંત દ્વારા આ વસ્તુ વધુ સ્પષ્ટ રીતે સમજવા પ્રયત્ન કરીએ.

‘કેનોપનિષદ’નો પ્રધાન વિષય છે : વ્યક્તિ અને સમષ્ટિના જીવનમાં જે ક્રિયાઓ થઈ રહી છે તે બધી કોના થકી થાય છે? બધાનું પ્રેરક તત્ત્વ કોણ છે? આ તત્ત્વને જાણવું, સમજવું, તેની શોધ કરવી. ‘કેનોપનિષદ’ના ઋષિ પ્રારંભમાં આ પ્રશ્ન ઉપસ્થિત કરે છે અને પછી તેનો ઉત્તર આપે છે: ‘એ તત્ત્વ આત્મા અર્થાત્ બ્રહ્મ છે.’ આ સત્ય તેઓ મંત્રો દ્વારા રજૂ કરે છે. આ સત્યનું નિર્ધારણ કર્યા પછી તે અભિવ્યક્તિને વધુ સ્પષ્ટ કરવા માટે ઉપનિષત્કાર એક નાની પણ માર્મિક કથા આપે છે.

Also read: દેવદિવાળીએ વિષ્ણુજી ઉઠશે ચાર મહિનાની નિંદ્રામાંથી અને કરશે આ રાશિઓ પર કૃપા

બ્રહ્મની શક્તિથી દેવોએ અસુરો પર વિજય મેળવ્યો, પરંતુ દેવો એમ માનવા લાગ્યા કે આ અમારો જ વિજય છે, અમારી શક્તિથી આ વિજય મળ્યો છે. તે વખતે અચાનક તેમની સમક્ષ એક રહસ્યપૂર્ણ સત્ત્વ વ્યક્ત થયું. દેવો આ રહસ્યપૂર્ણ સત્ત્વ (યક્ષ)ના સ્વરૂપને સમજી શક્યા નહીં. આથી તેઓએ અગ્નિદેવને કહ્યું : ‘અગ્નિદેવ! તમે જાઓ અને આ સત્ત્વ કોણ છે તે જાણી આવો.’ અગ્નિ તેમની પાસે ગયા, પરંતુ તેમના સ્વરૂપને જાણી ન શક્યા અને અગ્નિ શક્તિહીન સિદ્ધ થયા. ત્યાર પછી દેવોએ વાયુદેવને તે જ કાર્ય માટે મોકલ્યા, પરંતુ વાયુદેવ પણ તેમને જાણી શક્યા નહીં અને તેઓ પણ શક્તિહીન સિદ્ધ થયા. આખરે તે સત્ત્વને જાણવા માટે ઇન્દ્ર પોતે ગયા. તે વખતે તે સત્ત્વ અદૃશ્ય થઈ ગયું અને આકાશમાં ઉમાહૈમવતી પ્રગટ્યાં. ઉમાહૈમવતીએ કહ્યું : ‘તે બ્રહ્મ છે.’ જે સત્ત્વનો પરિચય દેવો પોતાની શક્તિથી પામી શક્યા નહીં તેનો પરિચય ભગવતી ઉમાહૈમવતી દેવોને આપે છે કે તે બ્રહ્મ છે. આમ આ કથા દ્વારા પણ એમ જ ફલિત થાય છે કે બ્રહ્મની જ શક્તિથી બધું થાય છે. તેમની જ શક્તિથી દેવો પણ શક્તિમાન બને છે અને તેમની શક્તિના અભાવમાં દેવો પણ શક્તિહીન જ છે.

(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button