પ્રભુને પામવા પ્રેમમાર્ગમાંથી પસાર થવું પડે
આચમન -અનવર વલિયાણી
જયારે વ્યક્તિનો પ્રેમ કામના વગરનો હોય છે ત્યારે તે શક્તિ બની જાય છે અને જ્યારે પ્રેમમાં કોઈ ચીજ મેળવવાનો લોભ રહેલો હોય ત્યારે તે આસક્તિ બની જાય છે.
*મીરાંબાઈને આપવામાં આવેલા ઝેરની કોઈ અસર થઈ ન હતી.
*ધ્રુવને પર્વતની ટોચ પરથી ફેંકવામાં આવ્યો તો પણ બચી ગયો હતો.
*પ્રભુ ભક્ત પ્રહલાદને અગ્નિના હવાલે કરી દેવામાં આવ્યો હોવાં છતાં પણ હસતો હતો.
- આ પ્રેમની શક્તિનાં ઉદાહરણો છે.
*સંતો-શાહો- સૂફીઓલિયાઓ કહે છે જેના હૃદયમાં સાચો પ્રેમ હોય છે તે વ્યક્તિ ઈશ્ર્વરનો ભક્ત હોય છે માત્ર સાચા પ્રેમની જ જરૂર છે. પછી તે સ્ત્રી- બાળક કે અન્ય સાંસારિક વસ્તુઓ પૈકી ગમે તેનો હોય. *શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે કે જેના હૃદયમાં પ્રેમનું અંકુર હોય છે તે વ્યક્તિને ભક્તિ તરફ વાળી શકાય છે. કેમ કે પ્રેમનું વૃક્ષ ત્યારે જ ઊગી શકે છે જ્યારે પ્રેમનું બીજ, પ્રેમનું અંકુર હૃદયમાં હોય. બીજ વગર ખેતી કેવી રીતે થઈ શકે? - આ સંદર્ભમાં એક કથા છે.
- એક વાર સંત શ્રી ગોસાઈ ગોકુલનાથજીને ત્યાં એક ખૂબ ધનવાન વ્યક્તિ બહુ ધન લઈને તેમનો શિષ્ય બનવા આવી. ગોસાઈએ તે વ્યક્તિને પૂછયું કે, શું તારો કોઈ વસ્તુ પર એવો સ્નેહ છે કે જેના વગર તારું મન વ્યાકુળ બની જાય?
- આ વ્યક્તિએ જવાબ આપ્યો કે મારો કોઈ વસ્તુ પ્રત્યે સ્નેહ નથી.
-તેનો જવાબ સાંભળીને ગોસાઈજીએ કહ્યું કે હું તને ક્યારેય દીક્ષા ન આપી શકું. તું બીજા કોઈને ગુરુ તરીકે શોધી લે.
બોધ: ભક્તિમાર્ગમાં પ્રેમ જ મુખ્ય છે. વ્યક્તિનો સંસાર પ્રત્યે જે પ્રેમ હોય છે તેને દીક્ષામાં ફેરવીને ભગવાનમાં લગાવી શકાય છે.
જ્યારે તમારા હૃદયમાં કોઈના પ્રત્યે પ્રેમ જ ન હોય તો ભગવાનને કેવી રીતે પ્રેમ કરી શકો?
સંસારમાં દુ:ખ શા માટે
એક રાજા પોતાની સભામાં પંડિતો સાથે વાદવિવાદ કરી રહ્યા હતા. અચાનક એમણે પોતાના એક વિદ્વાન પંડિતને પ્રશ્ર્ન કર્યો
-‘સંસારમાં આટલું બધું દુ:ખ શા માટે છે?’
-‘માનવ આટલો પીડિત શા માટે રહેતો હશે?’
પંડિતજી તુરત જવાબ આપી ન શક્યા. પછી બોલ્યા:
*‘મહારાજ, આ પ્રશ્ર્નનો ઉત્તર શોધવા મને સમય લાગશે.’ – રાજા એ કહ્યું, ‘ઠીક છે, તમે એ માટે બે દિવસ વિચારી શકો છો’ – પંડિતજી રાજાના પ્રશ્ર્નનો જવાબ શોધવા નીકળી પડ્યા. પણ ક્યાંય સંતોષકારક ખુલાસો ન મળ્યો. છેવટે થાકીને એક ઝાડ નીચે બેઠા. થોડી વારમાં ત્યાંથી એક ફકીરને પસાર થતા જોયાં એમને ઊભા રાખી વિનંતી કરી,‘ તમે મારા સવાલનો જવાબ આપી શકશો? સંસારમાં આટલા દુ:ખોનું કારણ શું છે.?’ – ફકીર એમને જોતા રહ્યા. પછી ધીરેથી કહ્યું, ‘આનો હું તમને પછી જવાબ આપીશ. અત્યારે તો મારે પાસેના ગામમાં પાણી માટે કૂવો ખોદવા જવાનું છે. તમે પણ મને મદદ કરી શકો છો’
-બંને જણ બાજુના ગામે ગયા અને કૂવો ખોદવા લાગ્યા. – પંડિતજી મને-કમને કામમાં જોડાયા હતા એટલે થોડીવારમાં કંટાળીને બબડાટ કરવા લાગ્યા: મારા માટે આવા કામનો શું અર્થ? આવી મજૂરીથી મને શું મળવાનું છે? ખોટી હેરાનગતિ છે…!
- પેલા ફકીર આ સાંભળી ગયા. તેમણે કહ્યું, ‘પંડિતજી, અહીં જ તમારા પ્રશ્ર્નનો જવાબ છે. જ્યાં સુધી મનુષ્ય ફક્ત પોતાના સ્વાર્થનો જ વિચાર કરતો રહેશે ત્યાં સુધી એ દુ:ખી રહેવાનો, પણ જ્યારે એ બીજાના ભલાના વિચાર કરશે ત્યારે એનાં અંગત સુખ-દુ:ખ ગૌણ બની જશે!’
- આ ઉત્તરથી પંડિતજી ખુશ થઈ ગયા અને તરત રાજાને કહેવા દોડ્યા.