ધર્મતેજ

ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

  • ડૉ. બળવંત જાની

(ગતાંકથી ચાલુ)

  1. વચનસિદ્ધિ' સારસિદ્ધિ’માં બોધ-ઉપદેશકથનમાં નિષ્કુળાનંદે ધર્મનો પણ સમાવેશ કરેલો. ધર્મ એટલે પ્રગટ પુરુષોત્તમની વાણી. વચનનું ભાવે અનુપાલન, `વચનસિદ્ધિ’ના કેન્દ્રમાં એની મીમાંસા છે. જ્યાં સુધી વ્યક્તિ પરમેશ્વરની વાણીને-શાસ્ત્રને – જીવનમાં ધારણ કરતો નથી ત્યાં સુધી પરમેશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતો નથી. શ્રુતિ-સ્મૃતિમાં જે વચનો છે એ શ્રીહરિએ જ કથેલાં છે. બાવન કડવા અને તેર પદોમાં આ ભાવબોધને નિષ્કુળાનંદે વચનસિદ્ધિ ગ્રંથમાં વણી લીધેલ જણાય છે.

પ્રારંભના પાંચ કડવામાં વિવિધ દૃષ્ટાંતોથી વચનપાલન કરનારાને સુખ, શાંતિ તથા વચનનું પાલન ન કરનારાને દુ:ખ અને પીડા આપતી હોવાનું જણાય છે અને પછી બોધ આપતા ગાય છે કે
`વચન વાલાનું લોપશોમાં લેશ જી, એટલો તો માની લેજો ઉપદેશ જી,
લોપતા વચન આવશે કલેશ જી, હેરાનગતિ પછી રહેશે હંમેશ જી.’

છઠ્ઠાથી પંદરમા કડવા સુધી ધર્મશાસ્ત્રો-પુરાણોમાંથી વચનવિમુખ થવાથી કોણ કોણ કેવી વિપત્તિને પામ્યા તેનાં દૃષ્ટાંતોને વણી લઈને કથન કર્યું છે. પછી સત્તાવીશ કડવા સુધી દંભી સંતોના અને સાચા સંતોનાં લક્ષણો કથેલ છે. પછી છેક અંત સુધી હરિવચનને અનુસરવાનું અને પાળવાનું ઉપદેશ કથન કેન્દ્રમાં રહૃુાં જણાય છે.
`મોટુ થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હંમેશ રૈયે
નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કૈયે.’

ઉપદેશબોધમાં આ રચનામાં નિષ્કુળાનંદે સંસ્કૃતનિષ્ઠ પદાવલિ પણ
પ્રયોજી છે.

વિવિધ શાસ્ત્ર અને શ્રીમદ્ભાગવતના પરિચિત દૃષ્ટાંતોને અનુસંગે પ્રભુમય થવાનું કવિ કહે છે.
`વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ
તેણે કરીને તોલે તેને, નાંવે શિવ, બ્રહ્મા સુરતાજ.
સ્થાનભ્રષ્ટનો સર્વ ઠેકાણે, અતિ અનાદર થાય છે
દંત, ને નખ કેશ નરા, ખરા નકારા કેવાય છે.’

પુરુષોત્તમ પરત્વે શ્રદ્ધા અને એમના શાસ્ત્ર અનુપ્રાણિત વચનોનું અનુપાલન કરવા માટેનો ભાવબોધ તર્કપૂત દૃષ્ટાંતો, ભાવપૂર્ણ ભાષા અને સાંપ્રદાયિક સંદર્ભ છતાં એમાંથી દ્રવે છે સનાતન અને શાશ્વત ધર્મતત્ત્વમૂલક સત્ય. આવા કારણથી ભાવબોધ અને સૌંદર્યબોધનો પણ અનુભવ કરાવે છે, એ આ રચનાની મોટી મહત્તા છે.

  1. અરજીવિનય' : પુરુષોત્તમ ભગવાનને દાસત્વભાવે, વિનમ્રતાપૂર્વકની પ્રાર્થના-અરજ તેઅરજીવિનય’ની વિષયસામગ્રી છે. હરિભક્તોને મોક્ષપ્રાપ્તિને માટે શરણાગતિભાવ અપનાવવાનો બોધ આપતી આ 102 કડીની રચનામાં ઇશ્વરની-ઇષ્ટદેવની પ્રતિમા-મૂર્તિમાં ચિત્તને રોપીને એમની દિવ્ય લીલાઓનું ગાન કેન્દ્ર સ્થાને છે. ઈશ્વરનું ઐશ્વર્ય અને તેમનું અપાર કરુણાવાન વલણ પ્રાર્થનાનો ભાવ બને તે જોવાનું સૂચવે છે. શરણાગતિ ભાવ, પ્રાર્થના ઈશ્વરની મૂર્તિ સમક્ષ, નિષ્કુળાનંદે આ નિમિત્તે શ્રીહરિની મૂર્તિના વિવિધ અંગોના વર્ણનો 41 થી 54 કડી સુધી કર્યા છે. પછી ઇશ્વરે અનેક શરણાર્થી ભક્તોને મદદ કરી એના દૃષ્ટાંતોને પણ વણી લીધા છે. ધ્રુવ, પ્રહ્લાદ, શબરી, દ્રૌપદી, અજામિલ વગેરેની મનોકામના પૂર્ણ કરી એનું આલેખન કરેલ છે. અરજીવિનય' ઉપદેશ પ્રધાન કૃતિ છે. એમાં ઉપદેશ બોધ, ભક્ત તરીકેનું વ્યક્તિત્વ ઘડાય એ અંગેનો છે. નિષ્કુળાનંદનો ભાવબોધ, ભક્તિબોધ અર્થપૂર્ણ અને દયસ્પર્શી બાનીમાં પ્રગટાવે છે.અરજીવિનય’ આ કારણે મહત્ત્વની રચના છે.
  2. લગ્નશકુનાવળિ' (ઈ.સ. 1827) ભારતીય શાસ્ત્રો, પુરાણોનું શ્રૃતપરંપરાનું જ્ઞાન નિષ્કુળાનંદજી ધરાવતા. સાથે-સાથે જ્યોતિષવિદ્યાની પણ તેઓને જાણકારી હતી,લગ્ન શકુનાવળી’માં સત્તર દોહામાં બારેય રાશિઓના શુભ, અશુભ ફળની વિગતો, કયું લગ્ન હોય એને શું ફળ પ્રાપ્તિ થાય? એનું આલેખન અહીં છે. વૃષભ વિશે નારદ પ્ૃાચ્છા કરે છે એના પ્રત્યુત્તર રૂપે શ્રીહરિ અર્થલાભ સૂચવે છે. વિવિધ રાશિઓના લગ્નફળ દર્શાવતી પ્રસ્તુત રચના હરિભક્તજનોમાં અને સંપ્રદાયની બહાર પણ ઘણી પ્રચલિત છે.
  3. અનુવાદ અને પદમૂલક સાહિત્ય : શ્રીહરિ દ્વારા દીક્ષિત સંતો શાસ્ત્ર, યોગ, વિવિધ ભાષાઓ અને કળાઓ પરત્વે ઊંડું જ્ઞાન ધરાવનારા હતા. વિચરણ, વ્રત-ઉપાસના, પ્રભુમતનું ગાન, સત્સંગ અને સાહિત્યસર્જન એમની નિત્યની પ્રવૃત્તિ હતી. શિક્ષાપત્રી ગ્રંથ મૂળ સંસ્કૃતમાં રચાયેલ. એ ગ્રંથના ગુજરાતી અને હિન્દીમાં અનુવાદો જુદા-જુદા કવિઓએ કર્યા છે. પણ પ્રથમ ગદ્યમાં ભાષાંતર ઈ.સ. 1826માં નિષ્કુળાનંદજીએ કરેલું. પ્રથમ પદ્યાનુવાદ પણ નિષ્કુળાનંદજીએ એ પછી મુક્તાનંદ અને બ્રહ્માનંદ સ્વામીના અને પ્રેમસખી પ્રેમાનંદના ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયા. મુક્તાનંદ અને પ્રેમસખી પ્રેમાનંદે તો હિન્દીમાં પણ અનુવાદ કરેલા આ અનુવાદ ઉપરાંત નિષ્કુળાનંદજીએ ગદ્યમાં `શ્રીમદ્ ભાગવત’ના દશમસ્કંધના ચોથા અને પંદરમા અધ્યાયનો અનુસાર પણ કરેલો.

આ પણ વાંચો:  મનન : તારી શક્તિ શ્રીરામની

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શ્રીમદ્ ભાગવતના `રાસપંચાધ્યાયી’ વગેરેને અનુસંગે અનેક પદો પણ રચ્યાં છે. કૃષ્ણલીલાના પદો ઉપરાંત શ્રીહરિની વિવિધ ચેષ્ટાઓ તથા વિવિધ ઉત્સવો અને પ્રસંગોની ઉજવણી માટેના સહસ્ત્રાધિક પદોની રચનાઓનું પણ નિષ્કુળાનંદ સ્વામીએ સર્જન કરેલું એમનું વિપુલ અને સત્વશીલ પદસાહિત્ય મધ્યકાલીન ગુજરાતી પરંપરાની રિદ્ધિ છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button