શિવ રહસ્ય
પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ અવિચળ રાજ રહે, મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો
-ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
હિરણ્યકશિપુ મંદરચાલ પર્વતની ગુફામાં એક પગના અંગૂઠા ઉપર ઊભો રહી ઘોર તપસ્યા કરવા લાગ્યો, હજારો વર્ષ વિતી ગયા, તેની આરાધના વધુ ને વધુ ઉગ્ર બની રહી હતી. એની આરાધનાનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડ્યો હતો, બીજી તરફ તેના અસુરો પૃથ્વીલોક પર ભગવાન વિષ્ણુના આરાધકોની હત્યા કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર સહિત અન્ય દેવગણો પર ભયભીત થઈ હિરણ્યકશિપુની આરાધના કેમ અટકાવવી તેનો વિચાર કરી રહ્યા હતા. દેવરાજ ઇન્દ્ર વજ્રનો ઘાત કરે છે પણ વજ્ર હિરણ્યકશિપુુ પાસે જઈ પરત આવે છે, અગ્નિદેવ અગ્નિના ગોળા છોડે છે પણ હિરણ્યકશિપુની આરાધના તૂટતી નથી. દેવતાઓના આક્રમણથી એ વધુને વધુ આક્રમણ રીતે તપસ્યા કરવા લાગ્યો. અંતે થાકી હારી દેવગણો બ્રહ્માજી પાસે પહોંચે છે. બ્રહ્માજી તેમને જણાવે છે કે આરાધના કરતા આરાધકને આરાધ્યએ મનવાંચ્છિત વરદાન આપવું જ પડે છે, વરદાન એ તેમનું ફળ છે. હવે નજીકના ભવિષ્યમાં જ મારે હિરણ્યકશિપુને વરદાન આપવું પડશે, હું વરદાન આપતા ધ્યાન રાખીશ કે દેવગણોનું ઓછું અહિત થાય, તમારે ભગવાન શ્રીહરિ વિષ્ણુની શરણમાં જવું જોઈએ. દેવરાજ ઈન્દ્ર, દેવર્ષિ નારદ અને દેવગણ વૈકુંઠલોક પહોંચે છે, ભગવાન શ્રીહરિ વિષ્ણુ તેમને સાંત્વન આપતા કહે છે કે ‘વિધિના લેખ હું પણ બદલી નહીં શકું, પણ એટલું જરૂર કહીશ કે દૈત્ય શક્તિ ચરમસીમા પર પહોંચશે ત્યારે દેવરક્ષક, માનવરક્ષક અને ધર્મરક્ષક તરીકે હું મારી ફરજ જરૂર પૂર્ણ કરીશ, પણ તમારે એ ધ્યાન રાખવું પડશે કે દૈત્યશક્તિ ચરમસીમા એ પહોંચે તે દરમિયાન તમારે ધૈર્યપૂર્ણ સંકટોનો સામનો કરી ધર્મનું આચરણ કરવું જોઈએ અન્યથા તમારો પક્ષ નબળો પડશે અને હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.’ દેવર્ષિ નારદ પણ દેવરાજને સલાહ આપતાં કહે છે કે, ‘દેવરાજ હું પણ તમને એટલું જ કહીશ કે, શ્રીહરિ વિષ્ણુની ચેતવણીને ન અવગણતાં કાયરતા, કપટ અને ક્રૂરતાથી દૂર રહેશો તો તમારું કલ્યાણ નિશ્ર્ચિત છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગ્ય સમયે તમને અવશ્ય સહાય કરશે.’ બીજી તરફ બ્રહ્માજી પ્રસન્ન થઈ હિરણ્યકશ્પુને વરદાન આપવા મંદરાચલ પર્વત પહોંચે છે. હિરણ્યકશિપુુ વરદાન માગતા કહે છે કે ‘પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો.’
બ્રહ્માજી: ‘મહાબલી હિરણ્યકશિપુુ વરદાન તરીકે તમારી માગણી ઉચિત નથી, અજર અને અમર થવાનું વરદાન અશક્ય છે કારણ કે જેણે જન્મ લીધો છે તેને મૃત્યુ નિશ્ર્ચિત છે. સૃષ્ટિના નિર્માણથી લઈને પ્રલય સુધી ક્યારેય આવી પરિસ્થિતિ નહીં આવે કે કોઈને અમરતાનું વરદાન મળે. બીજું કોઈ પણ વરદાન માગો.’
હિરણ્યકશિપુુ: ‘નહીં પરમપિતા, મને તો અજર અમર થવાનું વરદાન જ જોઈએ છે.’
બ્રહ્માજી: ‘મેં તમને કહ્યું કે એ સંભવ નથી, પણ એવું વરદાન માગો કે મૃત્યુ તમારી પાસે સરળતાથી પહોંચી ન શકે, અર્થાત્ મૃત્યુને તમારા સુધી પહોંચવામાં અગણિત અવરોધો આવે.’
હિરણ્યકશિપુુ: ‘તો બ્રહ્મદેવ મને એવું વરદાન આપો કે આપના દ્વારા બનાવેલા કોઈપણ પ્રાણી દ્વારા ક્યારેય મારું મૃત્યુ નહીં થાય, પછી એ માનવ હોય કે પ્રાણી, પશુ-અપશુ કે પક્ષી, દેવ, દાનવ કે નાગ કોઈના પણ હાથે મારું મૃત્યુ ન થઈ શકે, ન ઘરમાં કે ઘરની બહાર, ન દિવસે કે ન રાતે, ન અસ્ત્ર કે ન શસ્ત્રથી, ન પાશથી કે ન વજ્રથી, ન જળથી કે ન અગ્નિથી, ન પૃથ્વી પર કે ન આકાશમાં ક્યાંય મારો વધ ન થઈ શકે. હું સમસ્ત પ્રાણીઓનો એકમાત્ર સમ્રાટ બની જાઉં, બસ બ્રહ્મદેવ મને આ જ વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘તથાસ્તુ, પણ યાદ રહે હિરણ્યકશિપુુ કે આ વરદાનનો જો દુરુપયોગ થયો તો આ વરદાન તમારા માટે અનિષ્ટકારી સિદ્ધ થશે.’
હિરણ્યકશિપુુ: ‘પરમપિતા જો હું વરદાનનો દુરુપયોગ નહીં કરું તો મારું અનિષ્ટ નહીં થાય ને?’
બ્રહ્મદેવ: ‘હું જોઈ રહ્યો છું કે મૃત્યુનો ભય તમને બુદ્ધિકુશળતા તરફ લઈ ગયો છે, તમે તમારી બુદ્ધિકુશળતાથી મૃત્યુના તમામ માર્ગ લગભગ બંધ કરી દીધા છે.’
હિરણ્યકશિપુુ: ‘અંતે તમારે પણ એ સત્યનો સ્વીકાર કરવો જ પડ્યો કે મેં મારા મૃત્યુનાં તમામ માર્ગ લગભગ બંધ કરી દીધા છે.’
બ્રહ્મદેવ: ‘વરદાન મેળવીને તમે ખૂબ પ્રસન્ન છો, પણ આ પ્રસન્નતામાં તમારા વિચારોનું સંતુલન જાળવી રાખજો.’
હિરણ્યકશિપુુ: ‘શું આપના વરદાનનો પ્રભાવ ઓછો થઈ શકે બ્રહ્મદેવ?’
બ્રહ્મદેવ: ‘નહીં , મારા વરદાનનો પ્રભાવ ક્યારેય ઓછો નહીં થાય.’
હિરણ્યકશિપુુ: ‘તો પછી પરમપિતા તમે મને વિચારોનું સંતુલન જાળવવા કેમ કહ્યું?’
બ્રહ્મદેવ: ‘મેં એટલા માટે કહ્યું કે બ્રહ્માના વરદાનને જેટલા માર્ગોનું જ્ઞાન છે એના કરતાં વધારે માર્ગોનું જ્ઞાન મૃત્યુને છે. મૃત્યુ આજુ-બાજુ કે ઉપર-નીચેથી ક્યારે માર્ગ બનાવી લે તેની ખબર પડતી નથી.’
હિરણ્યકશિપુુ: ‘પરંતુ હું નિશ્ર્ચિત છું બ્રહ્મદેવ, મેં આપના આશીર્વાદને એટલું શક્તિશાળી કવચ બનાવી લીધું છે કે એમાં મૃત્યુને પ્રવેશવા માટે રતીભર જગ્યા નથી. હવે મને મૃત્યુનો ભય રહ્યો નથી.’
અજ્ઞાની હિરણ્યકશિપુુની વાતો સાંભળી બ્રહ્મદેવ ત્યાંથી વિદાય લે છે. વરદાન મેળવી હિરણ્યકશિપુુ પોતાના મહેલ પર આવે છે. એજ સમયે અસુર જમ્ભ અસુર માતા દિતીને મળવા આવે છે, વરદાની હિરણ્યકશિપુુની પ્રતિભાથી અસુર જમ્ભ અંજાઈ જાય છે અને અસુર જમ્ભ પોતાની પુત્રી કયાધુના લગ્ન અસુર હિરણ્યકશિપુુ સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે. માતા દિતીની સહમતીથી હિરણ્યકશિપુુ અને કયાધુના લગ્ન યોજાય છે. થોડા જ વર્ષોમાં તેમના દામ્પત્યજીવનમાં સંલ્હાદ, અનુલ્હાદ, લ્હાદ, અને પ્રહલાદ નામના ચાર પુત્ર અને સિંહીકા નામની પુત્રીનો સમાવેશ થાય છે. હિરણ્યકશિપુુના ચાર પુત્રોમાં પ્રહલાદ અસુરીવૃત્તિથી દૂર રહે છે અને તેમનામાં એક અલૌકિક શક્તિના માધ્યમથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિના અંકુર ફૂટવા માંડે છે. પ્રહલાદની શ્રીહરિ વિષ્ણુ ભક્તિથી હિરણ્યકશિપુુ અને કયાધુ સંતાપ અનુભવે છે.
હિરણ્યકશિપુુના રાજમહેલમાં જ તેમની બહેન હોલિકા પણ ભાઈ હિરણ્યકશિપુુની જેમ બ્રહ્મદેવની આરાધના કરવા માંડે છે. થોડા જ સમયમાં બ્રહ્મદેવ પ્રસન્ન થાય છે.
બ્રહ્મદેવ: ‘હોલિકા આંખ ખોલો, હું પ્રસન્ન છું વરદાન માંગો.’
(ક્રમશ)