મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિક રૂપના દર્શન કરાવો

શિવ રહસ્ય -ભરત પટેલ
ભગવાન શિવે યોગી સ્વરૂપે ‘શક્તિ’ના ઐશ્ર્વર્યની વાત કરીને કહ્યું કે, ‘હું ખૂબ જ થાકી ગયો છું, એટલે રાત્રે હું અહીં વિશ્રામ કરવા ઈચ્છું છું, રાતવાસો કરીને સવારે ચાલ્યો જઈશ.’ આહુકે જરા વિચારીને કહ્યું, ‘મહારાજ! અમારી આ નાનકડી પર્ણકુટિમાં આપ શી રીતે રહેશો?’ આટલું સાંભળતાં જ યોગી મહારાજે ચાલવા માંડયું. ભીલ આહુકે પ્રેમપૂર્વક આગ્રહ કરતાં આગંતુક યોગી (ભગવાન શિવ) રોકાઈ ગયા. ભીલ આહુકે યોગી (ભગવાન શિવ) માટે પથારી બનાવી આપી. યોગી તુરંત નિદ્રાધીન થઈ ગયા. ભીલ આહુક વિચારવા લાગ્યો કે, તેની પત્ની આહુઆ સ્ત્રી-અબળા છે કોઈ જંગલી જાનવર આવી ચઢે તો શું થશે, માટે મારે જ શસ્ત્રો ધારણ કરીને ઝૂંપડીનાં દ્વારે બેસવું જોઈએ અને પત્નીની પથારી પણ ઝૂંપડીની અંદર જ કરાવવી જોઈએ. રાત બહુ વીતી ગઈ હતી. તેઓ બંને અંદર સૂતા અને ભીલ આહુક બારણાની બહાર અગ્નિ પ્રગટાવીને, શસ્ત્રો ધારણ કરીને બેઠો, જેથી જંગલી જાનવર નજીક ન આવે. દિવસના અથાગ પરિશ્રમને લીધે ભીલ આહુકને નિંદર આવી ગઈ. આહુક પાસે જે અગ્નિ પ્રઝ્વલિત હતો તે ઓલવાઈ ગયો અને મધરાતે હિંસક પશુએ નિદ્રાધીન ભીલ આહુકને મારી નાખ્યો. સવારે યોગી મહારાજે અને ભીલડી આહુઆએ જાગીને જોયું તો ઘવાયેલો અને મૃત્યુ પામેલો આહુક આંગણા પાસે પડ્યો હતો. ભીલડી આહુઆ આક્રંદ કરવા લાગી. પતિના અવસાનથી દુ:ખી થયેલી ભીલડી આહુઆએ પતિનું શરીર (શબ) ખોળામાં રાખી સતી થવા તૈયારી કરી. ભગવાન શિવે તે વખતે દર્શન આપી ભીલડી આહુઆને વરદાન માગવા કહ્યું, પરંતુ ભીલડી તો ચિતા પર ધ્યાનમગ્ન બની ગઈ હતી અને એ જ ક્ષણે યોગાગ્નિ દ્વારા એ ચિતા સાથે બળવા માંડી. આખરે શિવજીએ તેમને સામે ચાલીને વરદાન આપ્યું કે ‘હે આહુક અને આહુઆ તમે મારા પરમ ઉપાસક હતા, તમારી પરીક્ષા લેવા આવ્યો હતો કે તમે ખરેખર મારા ઉપાસક છો કે ઢોંગી છો. હું તમને વરદાન આપું છું કે આગલા જન્મમાં આહુક નિષઘ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્ર નળ રૂપે જન્મ લેશે અને આહુઆ તારો જન્મ વિદર્ભ દેશમાં રાજા ભીમસેનને ત્યાં પુત્રી દમયંતી રૂપે થશે. જતિ એવો હું ભગવાન શિવ હંસ સ્વરૂપે અવતાર ધારણ કરીશ અને આપત્તિકાળ દરમિયાન તમારા બંનેનો સંયોગ કરાવીશ. તમે બંને રાજસુખ ભોગવીને અંતે મોક્ષમાર્ગના સોપાન સર કરશો.’ એટલું કહીને ભગવાન શિવ ત્યાં ‘અચલેશ્ર્વર’ લિંગ રૂપે સ્થિત થયા. નળ – દમયંતિના અવતાર રહસ્યની આ કથા અતિ પાવનકારી છે. આ કથાનું જે શ્રવણ-પઠન કરે છે તે મોક્ષગતિને પામે છે.
નિષધ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજ જ્યોતિષિને બોલાવવામાં આવ્યાં.
રાજ જ્યોતિષિ: ‘મહારાજા વીરસેનની જય હો, બોલો સ્વામિ શું સેવા કરું.’
વીરસેન: ‘નિષદ દેશને આજે બપોરે 12.00 કલાકે રાજકુમારની પ્રાપ્તિ થઈ છે, તમે રાજકુમારની કુંડળી બનાવી તેનું નામકરણ કરો.’
રાજ જ્યોતિષિ: ‘મહારાજ રાજકુમારની કુંડળી જોતાં તેમનું નામ નળ રાખવું ઉત્તમ રહેશે.’
નિષદ દેશને રાજકુમાર મળતાં નિષદવાસીઓ ઉત્સવ મનાવે છે.
સામે વિદર્ભ દેશમાં ત્રણ રાજકુમારો હતાં તેમનું નામ, દમ, દંત અને દમન હતું, તેમને પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ. તેમના રાજ જ્યોતિષીએ તેનું નામ દમયંતી રાખ્યું.
સમય વહેતો જતો હતો, રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતી યુવાન થઈ ગયા હતાં. એક દિવસ રાજકુમાર નળ બગીચામાં બેઠાં હતાં, તે સમયે એક સુંદર હંસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાજકુમાર નળે તેને પકડી લીધો.
હંસે કહ્યું, ‘રાજકુમાર મને છોડી દો, આપની ખૂબ કૃપા થશે. હું એના બદલામાં રાજકુમારી દમયંતી પાસે જઈ એવી પ્રશંસા કરીશ કે તે નિશ્ર્ચિતપણે આપને પરણી જશે.’
રાજકુમાર નળ: ‘રાજકુમારી દમયંતી એ કોણ છે?’
હંસે કહ્યું, ‘રાજકુમારી દમયંતી આ સંસારની સૌથી સુંદર યુવતી છે, હું ઇચ્છું છું કે તે તમારી પત્ની બને.’
રાજકુમારી દમયંતી વિશે માહિતી મળતાં રાજકુમાર હંસને છોડી દે છે. હંસ રાજકુમારી દમયંતી પાસે જઈને કહે છે: ‘હે દમયંતી! નિષધ દેશમાં નળ નામનો રાજકુમાર છે. મનુષ્યજાતિમાં એના જેવો સુંદર કોઈ પુરુષ નથી. જો આપ તેની પત્ની બનો તો આપનો જન્મ અને સ્વરૂપ બંને સાર્થક થઈ જાય. આમ હંસના મુખેથી આ વાત સાંભળતાં રાજકુમાર દમયંતી રાજકુમાર નળને પ્રેમ કરવા લાગી.
સામે પક્ષે આવીને હંસ રાજકુમાર નળને કહ્યું કે મેં તમારા વિશે રાજકુમારી દમયંતીને જણાવી દીધું છે અને એ મનોમન તમને પ્રેમ કરવા લાગી છે. સમય જતાં આસક્તિ એટલી વધી ગઈ કે રાજકુમારી દમયંતી રાજકુમાર નળના વિચારોમાં જ ખોવાયેલી રહેતી.
રાજા ભીમસેને જોયું કે પુત્રી લગ્ન યોગ્ય થઈ ગઈ છે એટલે તેમણે રાજકુમારી દમયંતીનો સ્વયંવર યોજયો. તેમણે દેશ-પરદેશના દરેક રાજાઓને આમંત્રણ મોકલ્યું, દેવર્ષિ નારદ થકી દેવતાઓને પણ સ્વયંવરમાં જોડાવાનું આમંત્રણ મોકલ્યું.
રાજકુમાર નળનું મન તો પહેલેથી જ રાજકુમારી દમયંતી સાથે જોડાયેલું હતું, તેમણે પણ વિદર્ભનો પ્રવાસ ખેડવાનું ચાલુ કર્યું. સ્વર્ગલોકથી આવતાં દેવરાજ ઈન્દ્ર અને દેવતાઓએ રાજકુમાર નળને જોયાં.
દેવરાજ ઇન્દ્ર: ‘રાજકુમાર નળ તમે સત્યવ્રતિ છો અમારું એક કામ કરવા અમારા દૂત બનશો?’
દેવરાજ ઇન્દ્રની ચાલાકીથી અજાણ રાજકુમાર નળ તેમના દૂત બનવા તૈયાર થઈ ગયાં. દેવરાજ ઇન્દ્રએ તેમને કહ્યું, વિદર્ભ દેશ જઈ ત્યાંની રાજકુમારી દમયંતીને જણાવો કે તેમના સ્વયંવરમાં દેવતાઓની જ વરણી કરે.’
રાજકુમાર નળ: ‘દેવરાજ મને માફ કરો, હું જ્યારે સ્વયં રાજકુમારી દમયંતીને પત્ની બનાવવા સ્વયંવરમાં જોડાઈ રહ્યો છું તો તમારો દૂત કઈ રીતે બની શકું.’
દેવરાજ ઇન્દ્ર: ‘રાજકુમાર નળ તમે વચન આપ્યું હતું, હવે તમારે અમારા દૂત બનીને જવું જ પડશે.’
લપાતા છૂપાતા રાજકુમાર નળ રાજકુમારી દમયંતીના કક્ષમાં પહોંચી ગયા.
રાજકુમારી દમયંતી: ‘હે વીરપુરુષ, તમે કોણ છો એ પહેલા જણાવો.’
રાજકુમાર નળ: ‘હું રાજકુમાર નળ છું પણ દેવરાજ ઇન્દ્રની ચાલાકીથી અજાણ હોવાથી મારે તેમના દૂત બની તમને સંદેશો આપવા આવ્યો છું.’
રાજકુમારી દમયંતી: ‘દેવરાજ ઇન્દ્રનો સંદેશો જણાવો.’
રાજકુમાર નળ: ‘દેવતાઓના રાજા ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ તમને પત્ની બનાવવા ઉત્સુક છે, તમે એમનામાંથી જ કોઈની વરણી કરજો.’
રાજકુમારી દમયંતી: ‘હે વીર પુરુષ નળ, તમારો દેખાવ પેલા હંસે આપેલા વિવરણ મુજબનો હોવાથી હું તમને ઓળખી જ ગઈ હતી, હું તમને પહેલેથી જ વરી ચૂકી છું, દેવરાજ ઇન્દ્રનો સંદેશો મારા માટે નિરર્થક છે. હું તમને એટલું કહીશ કે તમે સ્વયંવરમાં અવશ્ય પહોંચજો, હું તમારી જ વરણી કરીશ.’
આ વાતની જાણ થતાં ચારેય દેવતાઓ દેવરાજ ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ રાજકુમાર નળનો વેશ ધારણ કરી પહોંચી ગયા. સ્વયંવરમાં રાજકુમારી દમયંતીને પાંચ રાજકુમાર નળ દેખાતાં અવઢવમાં મુકાઈ ગઈ. તેણે દેવતાઓનું શરણ લેવું યોગ્ય લાગ્યું. એટલે હાથ જોડીને કહ્યું, ‘હે દેવતાઓ! હંસના મુખેથી રાજકુમાર નળનું વર્ણન સાંભળીને મેં તેમને જ પતિ તરીકે પસંદ કરી લીધા છે, હું તેમના સિવાય કોઈને પતિરૂપે નથી ચાહતી. મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિક રૂપના દર્શન કરાવો જેથી હું મારા પતિ રાજકુમાર નળને ઓળખી શકું.‘
દેવતાઓએ રાજકુમારી દમયંતીનો આર્ત-વિલાપ સાંભળી પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા, દેવતાઓનો પડછાયો ધરતી પર પડતો નહોતો. રાજકુમાર નળનો પડછાયો ધરતી પર પડતો દેખાતાં ખરા રાજકુમાર નળને ઓળખી લીધો અને તેને વરમાળા પહેરાવી દીધી. રાજા ભીમસેને વાજતે-ગાજતે રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતીને વિદાય આપી. (ક્રમશ:)