ધર્મતેજ

હે દેવી! હું મહાપરાક્રમી શંખચૂડ છું, બ્રહ્માજીની આજ્ઞાથી તમને મારા અર્ધાંગિની બનાવવા છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
પૃથ્વીલોક પર એક અસુર તપસ્યા કરી રહ્યો છે તેનો મસ્તકમાંથી તેજ પણ નીકળી રહ્યું છે એ જોઈ બ્રહ્માજી દેવરાજ ઈન્દ્ર સહિત તમામ દેવગણો સાથે વિષ્ણુલોક પહોંચી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાની વ્યથા કહે છે. દેવગણોની વ્યથા સાંભળી ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા અને પ્રેમપૂર્વક બોલ્યા: ‘હે બ્રહ્માજી આપના પુત્ર મહર્ષિ મરિચીના પુત્ર કશ્યપ અને દક્ષ પુત્રી દનુના પુત્ર વિપ્રચિત્તિના પુત્ર દંભ છે. જે મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે. હું એને વરદાન આપીને શાંત કરી દઇશ.

પુષ્કર જ્યાં દંભ તપ કરી રહ્યો હતો ત્યાં પહોંચીને શ્રીહરિ વિષ્ણુએ અસુર દંભને વરદાન માગવા કહ્યું, તેણે એક મહાબલશાલી, મહાપરાક્રમી પુત્ર જે ત્રિલોકને જીતી લે પણ દેવતા એને પરાજિત ન કરી શકે તેવા પુત્ર માટે વરદાન માગ્યું. ભગવાન શ્રીહરિ વિષ્ણુનું વરદાન મળતાં જ થોડા જ સમયમાં દંભની પત્ની ગર્ભવતી થઈ અને એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તે બાળકનું શંખચૂડ એવું નામકરણ કર્યું. શંખચૂડ મોટો થતાં જ તેમના ગુરુ જૈગીષવ્ય મુનિના ઉપદેશથી પિતાની જેમ પુષ્કર જઈ બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપસ્યા કરવા લાગ્યો. સમય આવતાં શંખચૂડને વરદાન આપવા બ્રહ્માજી ત્યાં પધાર્યા. બ્રહ્માજી પાસે વરદાન માગતા કહ્યું, ‘હે ભગવન! હું દેવતાઓને માટે અજેય થઈ જાઉં.’ બ્રહ્માજીને વરદાન આપી શંખચૂડને કૃષ્ણકવચ આપતા કહ્યું, ‘આ કવચ સંપૂર્ણ જગતનાં મંગલોનું મંગલ છે અને સર્વત્ર વિજય અપાવનારું છે.’ ત્યારબાદ બ્રહ્માજીએ શંખચૂડને આક્ષા આપી કે, ‘તમે બદરીવન જાઓ ત્યાં ધર્મધ્વજની ક્ધયા તુલસી સકામભાવથી તપસ્યા કરી રહી છે, તમે એની સાથે લગ્ન કરી લો.’ આટલું કહી બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીની આજ્ઞા મુજબ બદરીવન તરફ ચાલી નીકળ્યો. શંખચૂડ થોડા જ સમયમાં ધર્મધ્વજની પુત્રી તુલસી જ્યાં તપ કરી રહી હતી ત્યાં પહોંચે છે અને કહે છે, બ્રહ્માજીની આજ્ઞાથી ગંધર્વ વિવાહ વિધિથી તમને ગ્રહણ કરવા તમને શોધતો અહીં આવ્યો છું.

તુલસી: ‘હે તેજસ્વી પુરુષ તમે કોણ છો? હું તમને ઓળખતી જ નથી તો તમારી સાથે વિવાહ કરવાનો વિચાર કઈ રીતે કરી શકું.’
શંખચૂડ: ‘હે દેવી હું મહાપરાક્રમી શંખચૂડ છું, હું દનુનો વંશજ તથા દંભ નામના દાનવનો પુત્ર છું અને બ્રહ્માજીની આજ્ઞાથી તમારી સાથે ગંધર્વ વિવાહ વિધિથી તમને મારા અર્ધાંગિની બનાવવા છે.’

તુલસી: ‘હે ભદ્રપુરુષ! આજે તમે પોતાના સાત્વિક વિચારોથી મને પરાજિત કરી છે. જે પુરુષ સ્ત્રી દ્વારા પરાસ્ત ન થઈ શકે, તે સંસારમાં ધન્યવાદને પાત્ર છે, કેમ કે જેને સ્ત્રી જીતી લે છે, તે પુરુષ સદાચારી હોવા છતાં પાવન હોતો નથી. દેવતા, પિતૃ અને સમસ્ત માનવ તેની નિંદા કરે છે. જનમ-સૂતક અને મરણ-સૂતકમાં બ્રાહ્મણ દશ દિવસમાં તો શૂદ્ર એક માસમાં સુદ્ધ થઈ જાય છે, પરંતુ સ્ત્રીથી પરાજિત થયેલા પુરુષની શુદ્ધિ ચિતાદાહ સિવાય સંભવ નથી. પાવન ન હોનારા પુરુષ દ્વારા અપાયેલા પિંડ-તર્પણ પણ પિતૃ સ્વીકાર કરતા નથી. મેં આપની વિદ્યા, જ્ઞાન અને પ્રભાવની વાતો સાંભળી હતી પણ પતિરૂપે વરણી કરવા વિચાર કરવો પડશે.
બ્રહ્માજી જોઈ રહ્યા હોય છે કે તુલસીને શંખચૂડ મનાવી શકશે નહીં, તેથી તેઓ તુલસી સમક્ષ જાય છે.

બ્રહ્માજી: ‘હે શંખચૂડ! તમે તુલસી સાથે શો વ્યર્થમાં વાદ-વિવાદ કરી રહ્યા છો? તમે ગાંધર્વવિધિથી વિવાહ કરીને એનું પાણિ ગ્રહણ કરો, કેમ કે તમે પુરુષરત્ન છો જ તેમ તુલસી પણ સતી-સાધ્વી સ્ત્રીઓમાં રત્નસ્વરૂપા છે. તમે બંને નિપુણ છો. નિપુણાનો નિપુણ સાથે સમાગમ ગુણાકારી જ હોય છે.’ તુલસી તરફ લક્ષ્ય દેતાં ‘હે દેવી તમે આવા ગુણવાન કાન્તની પરીક્ષા કેમ લઈ રહ્યાં છો? આ શંખચૂડ તો દરેક દેવતાઓ, અસુરો અને દાનવોને મર્દન કરનારો છે, હે સુંદરી! તું એની સાથે સંપૂર્ણ લોકમાં ઉત્તમ સ્થાનો પર ચિરકાળ સુધી વિહાર કરો, શરીરનો અંત થઈ ગયા પછી પુન: ગોલોકમાં શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરશે અને મૃત્યુ થઇ ગયા બાદ તું વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાનને પ્રાપ્ત થશે.’

બ્રહ્માજીની વાત સાંભળી તુલસી શંખચૂડ સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરવા તૈયાર થાય છે અને બ્રહ્માજીની સમક્ષ જ શંખચૂડ તુલસીનું ગાંધર્વ વિધિથી પાણિગ્રહણ કરે છે. નવયુગલ વિવાહિત થઈને પોતાને ઘેર આવે છે. પિતા દંભ અને સમસ્ત દૈત્ય પરિવારો ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. અસુર ગુરુ શુક્રાચાર્યને તુલસી સાથે થયેલા ગંધર્વ વિવાહની જાણ થતાં તેઓ આશીર્વાદ આપવા પધારે છે અને શંખચૂડને દાનવો તથા અસુરોનો અધિપતિ બનાવે છે. દંભપુત્ર શંખચૂડ અધિપતિ બનતાં જ તેણે સમસ્ત દેવતાઓ પર આક્રમણ કરે છે અને તેઓને મારી હટાવે છે. દેવગણ એકત્ર થઈને પણ શંખચૂડનો સામનો કરી શકતા નથી. શંખચૂડ ત્રિલોકને અધિન કરી શાસન કરવા લાગ્યો અને સ્વયં ઈન્દ્ર બનીને બધા યજ્ઞ ભાગો પણ હડપ કરવા માંડતા કુબેર, સોમ, સૂર્ય, અગ્નિ, યમ અને વાયુ વગેરેના અધિકારોનું પણ પાલન પોતે જ કરવા લાગ્યો. થોડા જ સમયમાં શંખચૂડ સમસ્ત સંસારના દેવતાઓ, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગ, ક્ધિનર તથા મનુષ્યોનો એકમાત્ર સમ્રાટ બની જાય છે. તેના રાજયમાં ન તો દુકાળ પડતો કે ન તો ગ્રહોનો પણ પ્રકોપ થતો, આધિવ્યાધિઓ પણ પોતાનો પ્રભાવ પાથરી શકતી નહીં. આમ પૃથ્વીલોકન પ્રજા સુખથી રહેતી હતી. ફક્ત દેવતાઓ જ પોતાના લોકથી પ્રતાડિત થઈ અહીં-તહીં ગુફાઓમાં જઇને સંતાઈને વનવાસ વેઠી રહ્યા હતા. ત્યારબાદ પરાજિત થઈ રાજ્ ખોઈ બેસેલા દેવગણો પરસ્પર મંત્રણા કરીને બ્રહ્માજીને મળવા બ્રહ્મલોક પહોંચ્યા. બ્રહ્માજીનાં દર્શન કર્યા અને તેમના ચરણોમાં અભિવાદન કરી સ્તુતી કરવા લાગ્યા.

બ્રહ્માજી દેવગણો સહિત શ્રીહરિ વિષ્ણુને મળવા વૈકુંઠ લોક પહોંચે છે. તેઓ જુએ છે કે શ્રીહરિ
દેવરાજ ઇન્દ્ર: ‘હે વૈકુંઠાધિપતિ, આપ અમારા સ્વામી છો, આપ તો ત્રિલોકીના નાથ છો અમે સૌ આપની શરણે આવ્યા છીએ, તમે ભક્તોના પ્રાણસ્વરૂપા છો આપને અમારા નમસ્કાર.’
શ્રીહરિ વિષ્ણુ સમક્ષ સમગ્ર દેવતાઓ રડી પડયા. રડી રહેલા દેવતાઓને જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, ‘હે દેવો તમારા દુ:ખથી હું અજાણ નથી, શંખચૂડ બ્રહ્માજીનો જ ભક્ત છે. શંખચૂડને ભગવાન શિવ જ કાબૂમાં રાખી શકે છે. તમામ દેવગણ ભગવાન શિવની શરણે જવું જોઈએ. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker