હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મનેમળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને માફ કરો
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક થતાં જ અસુર અંધકના ભાઈઓ તેની ચેષ્ટા કરવા લાગ્યાં. ભાઈઓની વાત સાંભળી અંધક વિચારતો થઈ ગયો. એણે બુદ્ધિપૂર્વક લાંબો વિચાર કરીને પોતાના મનને શાંત કર્યું અને એક રાત્રિએ નિર્જળ વનમાં ચાલ્યો ગયો, ત્યાં એણે ઘણા વરસો સુધી ઘોર તપસ્યા કરી, એ તપસ્યા દરમિયાન એનું શરીર કૃશ થઈ ગયું અને અંતમાં એ શરીરને અગ્નિમાં હોમી દેવાનો વિચાર કરતાં બ્રહ્માજી પ્રસન્ન થયાં. વરદાનમાં અંધકે માંગ્યું કે, ‘હે પરમપિતા, જે નિષ્ઠુરોએ મારું રાજ ઝૂંટવી લીધું છે, એ બધા દૈત્યો વગેરે મારા સેવક થઈ જાય, ઈન્દ્ર સહિત દેવગણ મને કર આપે, દેવતા, દૈત્ય, ગંધર્વ, યક્ષ, નાગ, મનુષ્ય, દૈત્યોના શત્રુ શ્રીહરિ વિષ્ણુ, સર્વશક્તિમાન શિવ તથા અન્ય કોઇપણ પ્રાણીથી મારું મૃત્યું ન થાય.’ બ્રહ્માજીએ કહ્યું કે, ‘હે દાનવ શ્રેષ્ઠ, તમારી બધી વાતો મને માન્ય છે, પરંતુ તું તારા વિનાશનું કોઈપણ એક કારણ સ્વીકારી લે.’ અંધકે કહ્યું કે, ‘ત્રણે કાળમાં જે ઉત્તમ, મધ્યમ અને નીચ સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી મારી જનની હશે, અને એ સ્ત્રીને જોઈને રાક્ષસભાવને કારણે મારામાં કામ-ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે જ મારો નાશ થાય, એવું વરદાન આપો.’ બ્રહ્માજીએ પ્રસન્ન તેની માંગણી સ્વીકારી વરદાન આપ્યું અને દાનવ શ્રેષ્ઠ અંધકની પ્રાર્થના સાંભળી બ્રહ્માજીએ પોતાના હાથથી એના શરીરને સ્પર્શ કર્યો. બ્રહ્માજીના સ્પર્શથી દૈત્ય અંધકનું શરીર ભર્યું-ભર્યું થઈ ગયું, હટ્ટું-કટ્ટું થઈ ગયું, જેનાથી એમાં બળસંચાર થઈ ગયો. બ્રહ્માજીના સ્પર્શથી તેના નેત્રોમાં રોશની આવી જતાં એ સુંદર દેખાવા લાગ્યો. પ્રહ્લાદ અને અન્ય શ્રેષ્ઠી દાનવોએ રાજ્ય એને સમર્પિત કરીને એના સેવક બની ગયા. અંધક સેના અને સેવકવર્ગને લઈને સ્વર્ગ પર આક્રમણ વ્રજધારી ઇન્દ્રને પોતાના કરદાતા બનાવ્યો. એણે યત્ર-તત્ર ઘણી લડાઈઓ લડીને નાગ, સુવર્ણ, શ્રેષ્ઠ રાક્ષસ, ગંધર્વ, યજ્ઞ, મનુષ્યો, મોટા મોટા પર્વતો, વૃક્ષો અને સિંહો વગેરે સમસ્ત પ્રાણીઓને પણ જીતી લીધાં. ત્યારબાદ એ પાતાળલોકમાં, પૃથ્વીલોક પર તથા સ્વર્ગલોકમાં જેટલી પણ સુંદર રૂપાળી નારીઓ હતી તેઓને લઈને વિભિન્ન પર્વત તથા નદીઓના રમણીય પટ પર વિહાર કરવા લાગ્યો. મહામનસ્વી દૈત્ય અંધક પોતાની શક્તિના નશામાં ઉન્મત્ત થઈને પોતાના બધા પ્રધાન અને પ્રધાન પુત્રોને કુતર્કવાદથી પરાજિત કરીને દૈત્યો સહિત સંપૂર્ણ વૈદિક ધર્મોનો વિનાશ કરવા લાગ્યો. અંધક ધનના મદને વશીભૂત થઈને વેદ, બ્રાહ્મણ અને ગુરુ વગેરે કોઈપણ માનતો ન હતો.
ઘણા વરસો આવી રીતે વીતી જતાં અંધક સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને પૃથ્વીવાસીઓને ત્રાસ આપી રહ્યો હતો. દાનવશ્રેષ્ઠના ત્રણ મંત્રી હતા દુર્યોધન, વેધસ અને હસ્તી. એક સમયે ત્રણેએ એક રમણીય પર્વત પર એક પરમ રૂપવતી નારી જોઈ. તેઓ હર્ષમગ્ન થઈ તુરંત અસુર અંધક સમક્ષ પ્રગટ થયા અને એ પર્વત પર જોયેલી રમણીય ઘટનાનું વર્ણન કરવા લાગ્યા.
હસ્તી: ‘હે દૈત્યેન્દ્ર ઉત્તર પૂર્વ દિશાના એક પર્વત પર અમે એક ગુફાની અંદર એક મુનિને જોયો છે. એ ધ્યાનસ્થ હોવાને કારણે તેના નેત્ર બંધ હતા, પણ દેખાવે ખૂબ જ રૂપવાન હતો. એના મસ્તક પર અર્ધચંદ્રની કલા શોભા પાથરી રહી હતી, એના શરીર પર એક મોટો નાગ વળગેલો છે અને મૂંડમાલા પહેરી છે એની તેમની સુરક્ષા માટે એક સફેદ રંગનો બળદ બેઠો છે જે એ તપસ્વીની સુરક્ષા કરી રહ્યો છે. એ તપસ્વીની બાજુમાં અમે એક શુભલક્ષણ સંપન્ના નારી પણ જોઈ છે. એ નારી આ ભૂતલ પર રત્નસ્વરૂપા છે. એનું રૂપ બહુ મનોહર છે અને તરુણી હોવાને કારણે મનને મોહી લેનારી છે. મોતી, મણિ, સુવર્ણ, રત્ન અને ઉત્તમ વસ્ત્રોથી એ સુસજ્જિત છે, એના ગળામાં સુંદર માળાઓ છે.’
મંત્રી હસ્તીના આ વચન સાંભળી દૈત્યરાજ અંધક કામાતુર થઈ ગયો અને એણે તુરંત તેના મંત્રીઓને ભગવાન શિવ પાસે મોકલ્યા. મંત્રીઓની વાત સાંભળી ભગવાન શિવજીનો ઉત્તર સાંભળી તે પાછા આવ્યા.
હસ્તી: ‘અસુરરાજ એ તપસ્વી મુનિએ હસતાં હસતાં કહ્યું કે, ‘અસુર શિરોમણી અંધક કૃપણ, ક્રૂર અને સદાયે પાપ કર્મ કરનારો છે, શું એને સૂર્યપુત્ર યમનો ભય નથી? કયાં મારું સ્વરૂપ અને ક્યાં એની ક્રૂરતા. જો એનામાં કંઈ સામર્થ્ય હોય તો યુદ્ધ માટે તૈયાર થા અને આવીને કંઈ કરતૂત દેખાડ. મારી પાસે એના જેવા પાપીઓના વિનાશ કરવા ભયંકર શસ્ત્ર છે. આવી પરિસ્થિતિમાં વિચાર કરીને તને જે રુચિકર પ્રતીત હોય તે કર.’
અસુર અંધક આ વાત સાંભળી ખૂબ ક્રોધિત થયો અને દૈત્ય વિશાળ સેના લઈ કૈલાસ પહોંચ્યો. પોતાની સમક્ષ દૈત્ય અંધક વિશાળ સેના સાથે આવેલો જોઈ નંદીશ્ર્વર તેને પડકારે છે. ખૂબ ભયાનક યુદ્ધ થાય છે. અંતે દૈત્ય અંધકની ભૂજાઓમાંથી છૂટેલા આયુધોના પ્રહારથી નંદીશ્ર્વરનું શરીર ઘાયલ થાય છે અને ગુફાદ્વાર પર પડતા જ મૂર્ચ્છિત થઈ જાય છે. એમના મૂર્છિત થવાથી ગુફાનો આખો દરવાજો જ ઢંકાઈ ગયો, જેથી અસુરો માટે એ ખોલવાનું અશક્ય બન્યું. ભગવાન શિવ ધ્યાનમગ્ન હોવાથી માતા પાર્વતી બ્રહ્માજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરે છે. સ્મરણ કરતાં જ બ્રાહ્મી, નારાયણી, ઐન્દ્વી, કૌબેરી, યામ્યા, નૈઋતિ, વારુણી, વાયવી, યક્ષેશ્ર્વરી, ગારુડી વગેરે દેવીઓનારૂપે સમસ્ત દેવતાઓ પોતપોતાના વાહન પર બેસી માતા પાર્વતી સમક્ષ આવી પહોચતાં દૈત્યો સાથે ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધના કોલાહલથી ભગવાન શિવની આરાધનામાં ભંગ થતાં ભગવાન શિવ પણ યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. યુદ્ધ દરમિયાન મૃતપાય થયેલા દૈત્યોને સંજીવન વિદ્યા દ્વારા ફરી જીવિત કરી રહેલા અસુર ગુરુ શુક્રાચાર્યને ભગવાન શિવ ગળી જાય છે. એ જોઈ સમગ્ર દૈત્યો ઢીલા પડે છે અને તેઓ પલાયન થાય છે.
અંધક મહાન પરાક્રમી, વીર અને ભગવાન શિવ સમાન બુદ્ધિશાળી હતો. અસંખ્ય વરદાન મેળવતાં તે ઉન્માદને વશીભૂત થઈ ગયો હતો. યુદ્ધ દરમિયાન ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી તેને છેદી નાખ્યો. ભૂમિ પર પડી રહેલા તેના રક્તમાંથી અસંખ્ય અંધક રણભૂમિમાં પ્રગટ થઈ ગયા. ભગવાન શિવ દ્વારા માર્યા ગયેલા સૈનિકોના રક્તમાંથી બીજા અસુર સૈનિકો ઉત્પન્ન થવા લાગ્યાં. આ જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુએ એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, જે ઉગ્ર, વિકરાળ અને કંકાલ(હાડપિંજર) હતું. એ દેવીએ રણભૂમિમાં ઉપસ્થિત થઈને દૈત્યરાજના શરીરમાંથી પડી રહેલા રક્તનું પાન કરવા લાગી. (જેથી રાક્ષસોનું ઉત્પન્ન થવું બંધ થઈ ગયું). છેલ્લે ભગવાન શિવના ત્રિશૂળથી છેદાયેલો અંધક ભગવાન શિવનું સ્તવન પાઠ કરવા લાગ્યો.
અંધક: ‘હે ભોલેનાથ – હે જગદંબા હું તમારો જ પુત્ર છું, મને મળેલા વરદાનથી ઉન્મત્ત થઈ ગયો હતો, મને તમારી શક્તિઓનું ભાન થયું છે, મને માફ કરો હવે પછીનું જીવન તમારા ગણ તરીકે વ્યથિત કરવા માગું છું.’
માતા પાર્વતી: ‘જેવી તમારી મરજી.’
ભગવાન શિવ: ‘દેવી મારા ઉદર (પેટ)માં શુક્રાચાર્ય પર માફી માગી રહ્યા છે.’
માતા પાર્વતી: ‘સ્વામી એમને પર મુક્ત કરો.’
ભગવાન શિવ મુખ ખોલતાં જ અસુર ગુરુ શુક્રાચાર્ય બહાર આવે છે અને નમસ્કાર કરતાં કહે છે. ‘પ્રભુ મારી ભૂલ હતી હવે કયારેય સંજીવની વિદ્યા અસુરો માટે નહીં વાપરું.’
ભગવાન શિવ અને માતા પાર્વતીના જયજયકાર વચ્ચે અંધક ભગવાન શિવના ગણ તરીકે કાર્યરત થઈ જાય છે અને શુક્રાચાર્ય અસુરોના ઉત્થાન માટે વિંધ્યાચલની ટોચ પર આરાધના કરવા બેસે છે. (ક્રમશ:)