ધર્મતેજ

હે દાનવ શ્રેષ્ઠ, તેં જે કંઈ પણ ચાહ્યું છે, એ બધાં વચન પૂર્ણ થશે: બ્રહ્માજી

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
બ્રહ્મદેવ દ્વારા ચેતવણી મળતાં હિરણ્યકશિપુ ક્રોધિત થઈ બ્રહ્મલોકથી વિદાય લે છે અને પોતાની રાજસભામાં પધારે છે. તે જ સમયે એક સૈનિક આવીને કહે છે કે, ‘ત્રિલોકવિજેતા હિરણ્યકશિપુની જય…. રાજકુમાર પ્રહ્લાદ ફરી શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં જ લીન છે.’ હિરણ્યકશિપુ સૈનિકોને આદેશ આપે છે કે ‘રાજકુમાર પ્રહ્લાદને સામેના સ્તંભ સાથે બાંધી દો જેથી એને દેવરાજ ઇન્દ્રની પરિસ્થિતિ કેવી છે એ જોઈ શકે.’ સૈનિકો રાજકુમાર પ્રહ્લાદને લાવી સ્તંભ સાથે બાંધતા હિરણ્યકશિપુ કહે છે, ‘રાજકુમાર પ્રહ્લાદ જો તમે શ્રીહરિ વિષ્ણુનું રટણ બંધ નહીં કરો તો હું પોતે તમારો વધ કરીશ, એ શ્રીહરિ વિષ્ણુ તમને બચાવવા અહીં નહીં આવે.’ રાજકુમાર પ્રહ્લાદ કહે છે, ‘નહીં પિતાશ્રી શ્રીહરિ વિષ્ણુ તો દરેક જગ્યાએ છે, તેમણે અહીં આવવાની ક્યાં જરૂર છે તેઓ આ રાજમહેલના કણ કણમાં છે .’ ક્રોધિત હિરણ્યકશિપુ રાજકુમાર પ્રહ્લાદ પર પોતાની તલવારથી ઘા કરવા જાય છે, હિરણ્યકશિપુની તલવાર રાજકુમાર પ્રહ્લાદ સુધી પહોંચી શકતી નથી એક અદૃશ્ય શક્તિ રાજકુમાર પ્રહ્લાદનું ચારેકોર રક્ષણ કરે છે. આથી હિરણ્યકશિપુ વધુ ક્રોધિત થાય છે અને કહે છે, ‘આ સ્તંભમાં છુપાઈને શ્રીહરિ વિષ્ણુ લીલા કરી રહ્યા છે ને… હું આ સ્તંભને જ તોડી નાખું છું જોઈએ મારી સમક્ષ કઈ રીતે આવે છે.’ અને હિરણ્યકશિપુ પોતાની ગદા દ્વારા એ સ્તંભ પર પ્રહાર કરે છે. એ જ સમયે એક મોટો વિસ્ફોટ થાય છે અને એ સ્તંભ તૂટી પડે છે. એમાં એક બટુક પ્રાણી જેવું દેખાતાં હિરણ્યકશિપુ અટ્ટહાસ્ય કરે છે અને કહે છે: ‘રાજકુમાર શું આ તમારા શ્રીહરિ વિષ્ણુ છે, આ તુચ્છ પ્રાણી મારું શું બગાડી લેશે.’ આટલું સાંભળતાં જ શ્રીહરિ વિષ્ણુ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કરે છે, જે અર્ધું સિંહનું અને અર્ધું મનુષ્યનું હતું, એમનું મુખ ખૂબ જ ફેલાયેલું અને વિસ્તૃત હતું, નાક ખૂબ જ સુંદર અને નખ તીક્ષ્ણ અને અણીદાર હતા, ગરદન પર કેશવાળી (યાળ) લહેરાઈ રહી હતી. દાઢો આયુધ હોવાથી કરોડો સૂર્ય સમાન પ્રભા વેરાઈ રહી હતી અને એનો પ્રભાવ પ્રલયકાલીન અગ્નિ જેવો હતો, તેઓ નરસિંહરૂપે પ્રગટ થાય છે, ગભરાયેલો હિરણ્યકશિપુુ દરવાજા તરફ દોડતા દરવાજાના મધ્ય ભગવાન નરસિંહ તેને ઊંચકી લે છે અને પોતાના ઘૂંટણ પર સૂવડાવી પોતાના તીક્ષ્ણ નખ-અંકુરોથી એની છાતી ચીરી નાંખે છે. રાજકુમાર પ્રહ્લાદની વિનવણીથી નરસિંહરૂપી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાનું વાસ્તવિકરૂપ ધારણ કરે છે. ગભરાયેલા અસુરો ત્યાંથી પલાયન થઈ જતાં દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ભગવાન શ્રીહરિ વિષ્ણુનો જયજયકાર કરે છે, દેવર્ષિ નારદ ત્યાં પધારતાં રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક કરી તેમને રાજ્યના રાજા તરીકે ઘોષિત કરે છે.


રાજકુમાર પ્રહ્લાદનો રાજ્યાભિષેક થતાં જ અસુર અંધકના ભાઈઓ તેની ચેષ્ટા કરવા લાગ્યાં. તેઓ કહેવા લાગ્યા કે, ‘અરે, અંધક, તારે હવે રાજ્યનું શું પ્રયોજન છે? પિતાજીતો મૂર્ખ હતા જેમણે ભગવાન શિવની ઘોર તપસ્યા કરીને તારા જેવો કુરૂપ, બેડોળ અને અંધ પુત્ર પ્રાપ્ત કર્યો, નાના ભાઈને રાજગાદી મળી ગઈ છે હવે તમારું શું?

ભાઈઓની વાત સાંભળી અંધક વિચારતો થઈ ગયો. એણે બુદ્ધિપૂર્વક લાંબો વિચાર કરીને પોતાના મનને શાંત કર્યું અને એક રાત્રિએ નિર્જળ વનમાં ચાલ્યો ગયો, ત્યાં એણે ઘણા વરસો સુધી ઘોર તપસ્યા કરી, એ તપસ્યા દરમિયાન એનું શરીર કૃશ થઈ ગયું અને અંતમાં એ શરીરને અગ્નિમાં હોમી દેવાનો વિચાર કરતાં બ્રહ્માજી પ્રસન્ન થઈ અને રોકતાં કહ્યું, ‘હે અંધક! દાનવ શ્રેષ્ઠ હવે તું વરદાન માંગી લે. આખા સંસારમાં જે દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય એને તું મારી પાસેથી લઈ લે.’

અંધક: ‘હે પરમપિતા, જે નિષ્ઠુરોએ મારું રાજ ઝૂંટવી લીધું છે, એ બધા દૈત્યો વગેરે મારા સેવક થઈ જાય, ઈન્દ્ર સહિત દેવગણ મને કર આપે, દેવતા, દૈત્ય, ગંધર્વ, યક્ષ, નાગ, મનુષ્ય, દૈત્યોના શત્રુ શ્રીહરિ વિષ્ણુ, સર્વશક્તિમાન શિવ તથા અન્ય કોઇપણ પ્રાણીથી મારું મૃત્યું ન થાય.’

બ્રહ્માજી: ‘હે દાનવ શ્રેષ્ઠ, તમારી બધી વાતો મને માન્ય છે, પરંતુ તું તારા વિનાશનું કોઈપણ એક કારણ સ્વીકારી લે, કેમકે જગતમાં એવું કોઈ પ્રાણી નથી અને થશે પણ નહીં, જે કાળના ગર્તામાં ન ગયું હોય, તો પછી તારા જેવા સત્પુરુષે આવા લાંબા જીવનનો વિચાર જ ન કરવો જોઈએ.’

અંધક: ‘ત્રણે કાળમાં જે ઉત્તમ, મધ્યમ અને નીચ સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી મારી જનની હશે, અને એ સ્ત્રીને જોઈને રાક્ષસભાવને કારણે મારામાં કામ-ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે જ મારો નાશ થાય, એવું વરદાન આપો.’

બ્રહ્માજી: ‘હે દાનવ શ્રેષ્ઠ, તેં જે કંઈ પણ ચાહ્યું છે, એ બધાં વચન પૂર્ણ થશે. હવે તું ઊઠ અને સદા વીરોની સાથે યુદ્ધ કરતો રહે.’

અંધક: ‘પરમપિતા! મારા શરીરમાં હવે માત્ર નસો અને હાડકાં જ શેષ રહી ગયા છે, ત્યારે ભલા આ દેહથી શત્રુસેનામાં પ્રવેશ કરીને હું કેવી રીતે યુદ્ધ કરી શકીશ. તમે જ હવે તમારા પવિત્ર હાથથી મારો સ્પર્શ કરીને આ શરીરને માંસલ બનાવી આપો.’

પરમપિતા બ્રહ્માજીએ દાનવ શ્રેષ્ઠ અંધકની પ્રાર્થના સાંભળી બ્રહ્માજીએ પોતાના હાથથી એના શરીરને સ્પર્શ કર્યો. બ્રહ્માજીના સ્પર્શથી દૈત્ય અંધકનું શરીર ભર્યું-ભર્યું થઈ ગયું, હટ્ટું-કટ્ટું થઈ ગયું, જેનાથી એમાં બળસંચાર થઈ ગયો. બ્રહ્માજીના સ્પર્શથી તેના નેત્રોમાં રોશની આવી જતાં એ સુંદર દેખાવા લાગ્યો. એને પ્રસન્નતાપૂર્વક પોતાના નગર ખાતે પહોંચ્યો. પ્રહ્લાદ અને અન્ય શ્રેષ્ઠી દાનવોએ જ્યારે એ વરદાન પ્રાપ્ત કરીને આવેલો જાણીને બધું જ રાજ્ય એને સમર્પિત કરીને એના સેવક બની ગયા. અંધક હવે અંધક ન રહેતાં સમસ્ત સંસારવાસીઓ તેના નામથી કાંપવા માંડયા. અંધકે તેના સૈન્યને આદેશ આપ્યો કે, ‘હે અસુરો ચાલો સ્વર્ગલોક પર આક્રમણ કરવા.’ આદેશ મળતાં જ સૈન્ય તેની પાછળ ચાલવા માંડયું. અંધકસેના અને સેવકવર્ગને લઈને સ્વર્ગ પર આક્રમણ કર્યું. સંગ્રામમાં સમસ્ત દેવતાઓને પરાજિત કરીને એણે વ્રજધારી ઇન્દ્રને પોતાના કરદાતા બનાવ્યો. એણે યત્ર-તત્ર ઘણી લડાઈઓ લડીને નાગ, સુવર્ણ, શ્રેષ્ઠ રાક્ષસ, ગંધર્વ, યજ્ઞ, મનુષ્યો, મોટા મોટા પર્વતો, વૃક્ષો અને સિંહો વગેરે સમસ્ત પ્રાણીઓને પણ જીતી લીધાં. ત્યારબાદ એ પાતાળલોકમાં, પૃથ્વીલોક પર તથા સ્વર્ગલોકમાં જેટલી પણ સુંદર રૂપાળી નારીઓ હતી તેઓને લઈને વિભિન્ન પર્વત તથા નદીઓના રમણીય પટ પર વિહાર કરવા લાગ્યો. દૈત્યરાજ અંધક સદા દુષ્ટોનો જ સંગ કરતો હતો, એની બુદ્ધિ મદથી અંધ થઈ ગઈ હતી, જેથી એ મૂઢને એવું કશું પણ જ્ઞાન ન રહ્યું કે પરલોકમાં પણ આત્માને સુખ દેનાર કાર્ય પણ કરવું જોઈએ. આ રીતે મહામનસ્વી દૈત્ય પોતાની શક્તિના નશામાં ઉન્મત્ત થઈને પોતાના બધા પ્રધાન અને પ્રધાન પુત્રોને કુતર્કવાદથી પરાજિત કરીને દૈત્યો સહિત સંપૂર્ણ વૈદિક ધર્મોનો વિનાશ કરવા લાગ્યો. અંધક ધનના મદને વશીભૂત થઈને વેદ, બ્રાહ્મણ અને ગુરુ વગેરે કોઈપણ માનતો ન હતો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button