ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

મનન: શૂન્યની સમગ્રતા

-હેમંત વાળા

કહેવાય છે કે ‘નેતિ નેતિ’ કરતાં કરતાં તે પરમ તરફ – પૂર્ણ તરફ પ્રયાણ કરી શકાય છે. દરેક બાબતનો છેદ ઉડાડતા ઉડાડતા અંતે જે બાકી રહે તે જ શાશ્ર્વત છે, સંપૂર્ણ છે, સમગ્ર છે. શૂન્ય તરફનું પ્રત્યેક કદમ તે સમગ્ર તરફ લઈ જાય છે. આ જ છે શૂન્યની સમગ્રતા. તે પરમને પામવા માટેનો – પરમને સમજવા માટેનો બીજો માર્ગ પણ છે. આ માર્ગ સમાવિષ્ટતાનો છે. અહીં ‘આ પણ તે છે અને તે પણ તે જ છે’, એમ ધારણા કરી બધી જ બાબતોનો સમાવેશ કરતા જવાનું હોય છે. અને એ રીતે જે પ્રાપ્ત થાય તે તે સમગ્ર – તે જ તે પરમ. તેથી એમ કહી શકાય કે શૂન્ય જ અનંત છે.

શૂન્ય જ સમગ્ર છે. શૂન્ય જ સંપૂર્ણ છે. શૂન્ય માટેની આવી અવધારણાને કારણે જ સનાતની સંસ્કૃતિમાં શૂન્યની શોધ થઈ હશે. આપણે શૂન્યથી જે પામી શકવા સમર્થ છીએ તે જ બાબત અનંતથી પણ પામી શકાય.

સંપૂર્ણ અભાવને વ્યક્ત કરવા માટે શૂન્ય એ પૂર્ણ અભિવ્યક્તિ છે. ખાલીપણું દર્શાવવા શૂન્ય મદદરૂપ થાય છે. ગેરહાજરી શૂન્ય થકી દર્શાવી શકાય. શૂન્ય એ અસ્તિત્વનું વિરોધી હોવાથી તેનાથી ક્યારેક અસ્તિત્વ હીનતાની સ્થિતિ પણ દર્શાવી શકાય. શૂન્ય ઘણા બધા પ્રકારની અભિવ્યક્તિ માટે હાથવગું સાધન છે. શૂન્ય ઘણા કામ કરી જાણે છે – બિન હયાતીની સ્થિતિમાં પણ તે કામગરું છે. શૂન્ય એ કશું જ ન હોવા છતાં તેના વગર ચાલતું પણ નથી.

જ્યારે પાસે કશું જ ન હોય ત્યારે કોઈપણ બાબતમાં મોહ, માયા કે લોભ જાગતો નથી. શૂન્યની સ્થિતિમાં બધી જ સંભાવના જાણે લુપ્ત થઈ જાય છે. શૂન્યને પામ્યા પછી કશું જ ગુમાવવાનો ભય નથી રહેતો. શૂન્યત્વને પ્રાપ્ત કર્યા પછી કોઈ વિકાર કે કોઈ વિકૃતિને પણ અવકાશ નથી રહેતો.

શૂન્યતા એ એવી સ્થિતિ છે કે જ્યાં હોવાપણું જ નથી રહેતું, તો પછી અહંકાર કે વાસના ક્યાંથી બાકી રહે. જ્યાં અસ્તિત્વ જ ન હોય ત્યાં તેની સાથે જોડાઈ શકનારાં નકારાત્મક સંભવિત પરિબળો સાથેના જોડાણની કોઈ શક્યતા જ ન રહે, જોડાણનું કોઈ કારણ જ ન રહે.

સર્જન શૂન્યમાંથી જ થયું છે. બધું જ અંતે શૂન્યમાં જ લય પામવાનું છે. અર્થાત શૂન્ય શાશ્ર્વત છે, શૂન્ય કાયમી છે. શૂન્યમાંથી સર્જન થાય છે એટલે કે શૂન્ય એ કારણ પણ છે અને સાધન પણ. અંતે શૂન્ય જ બાકી રહેતું હોવાથી તે જ જાણે અંતિમ સત્ય છે. તેનાથી પણ આગળ વિચારતા એમ કહી શકાય કે શૂન્ય પૂર્ણતા ત્યારે જ પામે કે જ્યારે શૂન્ય પણ શૂન્યતા પામી જાય. ઉપનિષદના એક શાંતિ પાઠમાં જણાવાયું છે કે શાંતિ પણ શાંતિ પામો: એ તર્ક પ્રમાણે શૂન્ય એ પણ શૂન્યતા ધારણ કરવાની છે. આમ થયા પછી જ – શૂન્યનો પણ લય થયા પછી જ અંતિમ શૂન્ય બાકી રહે. આ એક મજાની ઘટના કહેવાય. આમ થાય તો શૂન્ય સમગ્રતાને પ્રાપ્ત કરી ચૂક્યું છે એમ કહેવાય.

પહેલું ડગલું માંડતા પહેલા શૂન્ય-શૂન્યની સ્થિતિ હોય છે. શૂન્યતા એ ગણિતમાં – ગણતરીમાં ઉદ્ભવતી ઘટના છે અને સાથે સાથે આધ્યાત્મના વિશ્ર્વમાં આકાર લેતી ઘટના પણ. શૂન્યતા એ એક એવી ઘટના છે કે જે પોતાનાથી સાવ જ વિપરીત ગણાતી અનંતતા સુધી પહોંચાડી દે છે.

જ્યાં સ્થૂળ બાબત સંપૂર્ણ ક્ષીણ થઈ બિન હયાતીમાં આવી જાય, જ્યાં અંત:કરણના દરેક પાસા લય પામે અને અસ્તિત્વ હીન બની જાય, ત્યાં શૂન્યતાની પરાકાષ્ઠા છે એમ કહેવાય. આવી સ્થિતિમાં બધી જ બાબતો તેની સાંદર્ભિક યથાર્થતા ગુમાવી દેશે. અધ્યાત્મના ક્ષેત્રમાં આને જ સમગ્રતા સભરની સ્થિતિ કહેવાય. આ કંઈ નાની ઘટના નથી. કદાચ પૂર્ણતા કે અનંતતા કે સમગ્રતા તરફનો પ્રવાસ શૂન્યતાથી જ શરૂ થાય છે, શૂન્યતા વડે જ આગળ વધે છે અને શૂન્યતામાં લઈ પામી અંતિમ મુકામ – અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે છે.

ભક્તિમાં સમર્પણ ભાવથી શૂન્યતા પામવાની હોય છે. યોગમાં વૈજ્ઞાનિક ઢબે શૂન્યતા સિદ્ધ કરવાની હોય છે. જ્ઞાનમાં શૂન્યતા અને અનંતતા વચ્ચેનું સમીકરણ સમજવાનું હોય છે. કર્મમાં સંલગ્ન થયા બાદ પણ શૂન્યતાનો ભાવ ધારણ કરવાનો હોય છે. સ્થાપિત પ્રત્યેક માર્ગમાં શૂન્ય સાથે સંબંધ બાંધવો જરૂરી છે. શૂન્યની સમજ થકી અનંતની સમજ સ્થાપિત થવાની સંભાવના વધતી હોય છે.

શૂન્ય એ સૃષ્ટિની એક કળાત્મક રજૂઆત છે. શૂન્ય એ એક એવી ઘટના છે કે જે અનંતતા તરફ લઈ જાય છે. શૂન્ય થકી મોટામાં મોટી બાબતની રજૂઆત સરળ બની જાય છે. શૂન્ય એ ઉકેલ લાવવા માટેની ઘટના નથી. એ સ્વયં પરિણામ સ્વરૂપ છે. શૂન્ય એ સાધન નથી, પણ કારણ છે. શૂન્ય એ એક આંકડો નથી પણ અંકગણિતની ઘણી ઘટનાઓનો આત્મા છે. શૂન્ય અમૂર્ત વિચારધારાનું પ્રતીક ભૂવા સાથે તે જટિલ તથા મુશ્કેલ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સંરચના છે. શૂન્ય આપણને જે આપી શકે છે તે બીજો કોઈ પણ અંક આપી શકતો નથી. શૂન્ય મહાન છે. શૂન્ય આધાર છે. શૂન્ય સત્ય છે. શૂન્યમાં પ્રવેશ કરવો એટલે મુક્તિના દ્વાર ખોલી દેવા. શૂન્યને પામવું એટલે અહંકારનો સંપૂર્ણતામાં ત્યાગ કરવો. શૂન્યનો સ્વીકાર એટલે વ્યવહારના બધા જ સમીકરણથી ક્રમશ: મુક્ત થવું. શૂન્યની અભિવ્યક્તિ એટલે અધ્યાત્મનું સંપૂર્ણતામાં આલેખન. શૂન્યની સ્વીકૃતિ એટલે કર્તાપણામાંથી સંપૂર્ણ અને શાશ્ર્વત મુક્તતા.

શૂન્યની પ્રતીતિ એટલે અસ્તિત્વની સાચા અર્થમાં અનુભૂતિ. શૂન્યની યથાર્થ સમજ એટલે અનંત ઈશ્ર્વરની કૃપાની શરૂઆત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button