કશું નથી અકારણ અહીં
મનન -હેમંત વાળા
બધું જ વ્યવસ્થિત છે. બધું જ કારણસર છે. બધાની પાછળ કોઈક હેતુ છે. કશું જ અર્થહીન નથી. કશું જ આકસ્મિક નથી અને જો આકસ્મિક હોય તો તે અકસ્માત માટેનાં પણ કારણો છે. કશું જ અનિયંત્રિત નથી, બધું જ નિયંત્રણમાં છે. સમગ્ર સૃષ્ટિમાં એકસૂત્રતા પ્રવર્તે છે. માળામાં પરોવાયેલા મણકાની જેમ બધું જ એક સત્તાને આધારે જ છે. આ સત્તા ક્યારેય અકારણ કશું થવા ન દે.બધું જ પરસ્પર આધારિત છે. પ્રત્યેક અસ્તિત્વ માટેનાં કારણો છે, પ્રત્યેક ઘટના પાછળ પ્રયોજન છે, પ્રત્યેક પ્રક્રિયા સુનિયોજિત છે, પ્રત્યેક પરિસ્થિતિ નિર્ધારિત છે. પ્રત્યેક હેતુ પરસ્પર સંકળાયેલા છે. પ્રત્યેક પરિણામ પરસ્પર આધારિત છે. અહીં કશાનું આગવું અસ્તિત્વ શક્ય નથી. જે કંઈ ઘટિત થાય છે તે શૃંખલાના એક નાના ઘટક સમાન હોય છે. આ શૃંખલાનો દરેક તબક્કો પૂર્વ ઘટનાને આધારિત હોય છે અને આગળ અસ્તિત્વમાં આવનારી ઘટનાને અસર કરે છે. સૂર્યની ગરમીને કારણે વાદળ બંધાય અને વાદળને કારણે વરસાદ થાય. વાદળનું કારણ સૂર્યની ગરમી છે તો વાદળને કારણે વરસાદ શક્ય બને છે. અહીં કશું જ એકલતાવાદી નથી.
અહીં એકને કારણે બીજું છે તો બીજાને કારણે ત્રીજું અસ્તિત્વમાં આવે છે. શરૂઆતના પ્રાથમિક તત્ત્વ માટે, પહેલાના અસ્તિત્વ પાછળ પણ ઘણાં પરિબળો કાર્યરત હોય છે. સૃષ્ટિની રચનામાં કોઈને અહીં સ્વતંત્ર રહેવાની સ્વતંત્રતા નથી. દરેક તત્ત્વ પોતાના ગુણ પ્રમાણે અન્ય તત્ત્વ સાથે ચોક્કસ રીતે સંલગ્ન થાય છે, અને એક પરિણામ ઊભરે છે. બધું જ નિયમબદ્ધ છે. અપવાદના પણ પોતાના નિયમો છે.
પાણીમાં સાકર મૂકવામાં આવે તો પાણી મીઠું થાય અને સાકર ઓગળી જાય. પાણીના ગુણ અને સાકરના ગુણ પરસ્પર કાર્યરત થાય અને આ પરિણામ ઉદ્ભવે. આમાં નથી સાકરની પાણીને મીઠું કરવાની ઈચ્છા કે પાણીની સાકરને ઓગાળી દેવાની ઈચ્છા. પાણીમાં સાકર મુકનાર વ્યક્તિ નિમિત્ત બની રહે છે. તેના નિમિત્ત બનવા પાછળ પણ ચોક્કસ પરિબળો કાર્યરત હોય. આમાં કર્તાપણું નથી સાકર સાથે સંકળાતું, નથી પાણી સાથે જોડાતું કે નથી નિમિત્ત સાથે સંલગ્ન થતું. નિયમ અનુસાર કાર્ય થાય છે અને પરિણામ સ્થપાય છે.
દ્રશ્ય છે કારણ કે દ્રષ્ટા છે. દ્રશ્ય અને દ્રષ્ટા છે કારણ કે દર્શન શક્ય છે. દર્શન છે કારણ કે દ્રશ્ય અને દ્રષ્ટા અસ્તિત્વ ધરાવે છે અને બે વચ્ચેનું સંકલન જરૂરી છે. પ્રકાશ છે કારણકે દર્શન શક્ય બની શકે. દ્રશ્ય છે કારણ કે સૃષ્ટિ છે, બાહ્ય જગત છે. દ્રષ્ટા છે કારણ કે એ પરમ એક પોતાની મોજ માટે અનેક તરીકે પ્રતીત થાય છે. દ્રશ્ય દ્રષ્ટા અને દર્શન અસ્તિત્વ ધરાવે છે કારણ કે ત્રણેયે પોત પોતાનો ભાગ ભજવવાનો છે. કશું જ આકસ્મિક નથી.
કર્તા કોઈ એક યોજનાના ભાગરૂપે અસ્તિત્વમાં આવે છે તો તેનું કર્મ તેના નિર્ધારિત થયેલ ઉત્તરદાયિત્વ સમાન હોય છે. તે કર્મનું પરિણામ પણ સુ-નિર્ધારિત હોય છે. આ પરિણામ આગળ જતા અન્ય કારણમાં પરિણમે છે. ક્યાંક એમ જણાય છે કે કર્તા પાસે, કરવા – ન કરવાની સ્વતંત્રતા હોઈ શકે. પણ આવી સ્વતંત્રતા નાના સ્તરની હોય. વ્યક્તિ ઝઘડો અટકાવી શકે, મહાયુદ્ધ નહીં. પરતંત્રતા સર્વત્ર છે તો નાની વાતો માટે સ્વતંત્રતા પણ છે. આ સ્વતંત્રતા-પરતંત્રતાનો ખેલ પણ નિયમ આધારિત છે.
સૃષ્ટિનું સર્જન જ પરસ્પરિક આધારિત ઘટનાનું પરિણામ છે. શરૂઆત મહા ચૈતન્યના નિર્વિકલ્પ સંકલ્પથી થાય છે. પછી હેતુ-કાર્ય-પરિણામની એક શૃંખલા સ્થપાય છે. આ સમગ્ર પ્રક્રિયા નિયમબદ્ધ રીતે અસ્તિત્વમાં આવે છે. અહીં દુનિયાનું દરેક તત્ત્વ પોતાના ગુણધર્મ પ્રમાણે પરિણામ આપે જ. તત્ત્વ પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો. પાણીમાં સાકર મૂકવામાં આવે એટલે સાકરે ઓગળવું જ પડે અને પાણીએ સાકરને ઓગાળવી જ પડે. નિયમ એટલે નિયમ. ગુણધર્મ એટલે ગુણધર્મ. કાર્ય-પરિણામનો સિદ્ધાંત એટલે કાર્ય-પરિણામનો સિદ્ધાંત. અહીંયા કશું જ આમ-તેમ સંભવ જ નથી.તત્ત્વના બંધારણમાં જો ફેર થાય તો પરિણામમાં થોડો બદલાવ આવી શકે. સાકર યોગ્ય પ્રમાણમાં સાકરતા પામી ન હોય તો પાણી ઇચ્છિત માત્રામાં મીઠું ન પણ થાય. સાકર મીઠાશ છોડીને ખારાશ ધારણ કરે તો પાણી ખારું બને. તેવા સંજોગોમાં સાકરને મીઠું – લવણ કહેવામાં આવે. સાકર હોય તો પાણી મીઠું જ થાય અને મીઠું હોય તો પાણી ખારું જ થાય. આ વ્યવસ્થિત છે. આ કાયમી છે. આ સ્થળ-સમયના બંધન વગરની ઘટના છે.
અમુક નિર્ણય ત્યારે જ લઈ શકાય જ્યારે પરિસ્થિતિ નિયમબદ્ધ હોય. સૃષ્ટિમાં પ્રવર્તમાન નિયમબદ્ધતાને કારણે જ વ્યવહાર સંભવ બને. કયું કાર્ય કેવું પરિણામ આપશે એની જાણ હોવાથી જ ઈચ્છિત પરિણામ માટે જે તે પ્રકારનું કાર્ય કરવાની પ્રેરણા થાય. જો કાર્ય-પરિણામ વચ્ચે સંબંધ જ ન હોય તો કોઈ પણ પ્રકારના પુરુષાર્થ માટે કોઈ આધાર જ ન રહે.
સમર્પિત ભક્તિથી ઈશ્વરની પ્રાપ્તિ શક્ય છે. શાસ્ત્રીય રીતે યોગમાં સંલગ્ન થવાથી જે તે સિદ્ધિ મેળવી શકાય. જ્ઞાન વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજ સ્થાપિત કરવામાં મદદરૂપ થાય. નિષ્કામ કર્મથી કર્મ-બંધનથી મુક્તિ મળી શકે. વિવેક અને સંયમ જાળવવાથી સમાજમાં સ્વીકૃતિ મળે. પરિશ્રમ કરવાથી જે તે ફળ પ્રાપ્ત થાય. આંબો ઉગાડવામાં આવે તો કેરી મળી શકે. આ પ્રકારના નિયમો, નિયમબદ્ધતાપ્રવર્તમાન હોવાથી વ્યક્તિ પુરુષાર્થ કરવા પ્રેરાય. મુક્તિ માટેના પણ નિયમો છે અને બંધન માટેના પણ. કાર્ય-પરિણામના સમીકરણની સમજ પ્રાપ્ત થતાં વ્યક્તિ મુક્તિ માટે કાં તો બંધન માટે કાર્યરત થઈ શકે. સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વ અકારણ નથી.