પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે
અલૌકિક દર્શન – ભાણદેવ
અલૌકિકતા
એક મોટા સરોવરના કિનારે એક નાનો આશ્રમ છે. આશ્રમમાં એક સાધુ રહે. એક વાર તે આશ્રમમાં જવાનું થયું. સાધુમહારાજના દર્શન પણ થયા. સાધુમહારાજ યુવાન હતા. તેમની પાસ બે-ત્રણ ભક્તો પણ બેઠા હતા. સાધુમહારાજ સાથે થોડી વાર બેસવાનું પણ બન્યું. જોવામાં આવ્યું કે સાધુમહારાજે જમણા હાથમાં પિત્તળનો એક નાગ પહેરેલો છે. કોણી અને ખભાની વચ્ચે જે સ્થાનમાં બાજુબંધ પહેરવામાં આવે છે, ત્યાં તેમણે આ નાગ ગોઠવેલો છે. પિત્તળનો આ નાગ પ્રમાણમાં મોટો છે અને મહારાજે તે લગભગ પાંચ આટા મારીને દૃઢતાપૂર્વક ગોઠવેલો છે.
સાધુઓનો અને સાધુસમાજનો મને સારો પરિચય છે. ભારતના લગભગ બધા સંપ્રદાયના સાધુઓને મળવાનું, તેમની સાથે બેસવાનું, સત્સંગ કરવાનું બન્યું છે, પરંતુ મેં કોઈ સંપ્રદાયના સાધુના હાથે આ રીતે નાગ પહેરેલો જોયો નથી. મને થોડી નવાઈ લાગી.
થોડી પ્રારંભિક વાત થયા પછી મેં સાધુમહારાજને વિનયપૂર્વક પૂછ્યું:
“મહારાજ! હાથમાં આ નાગમહારાજ પહેરેલાં છે, તેનું રહસ્ય સમજાવવાની કૃપા કરો.
બાજુમાં બેઠેલા ભક્તો પણ આ રહસ્ય સાંભળવા માટે કાન સરવા કરીને તૈયાર થયા. થોડી વાર તો સાધુમહારાજ કાંઈક ગૂંચવાઈ ગયા, કાંઈક મૂંઝાઈ ગયા હોય તેમ લાગ્યું, પણ તેમને લાગ્યું કે હવે કાંઈક ઉત્તર આપ્યા વિના છૂટકો જ નથી. મનમાં ને મનમાં ઉત્તર ઘડાતો હોય તેમ લાગ્યું. અમે સૌ તેમના ઉત્તરને સાંભળવા આતુર બન્યા.
જાણે કોઈ ગહન રહસ્ય અભિવ્યક્ત કરતાં હોય તેવો દેખાવ ધારણ કરીને તેઓ બોલ્યા:
“આમાં જાણે એવું છે કે નાગ તો શિવજી પણ ધારણ કરે છે. ત્યારથી આ નાગ ધારણ કરવાની પરંપરા ચાલી આવે છે. અમારી પણ એ જ પરંપરા છે.
સાધુમહારાજનો આ ખુલાસો મને જરા પણ પ્રતીતિકર જણાયો નહીં, પરંતુ તે સ્થાનમાં અમારી સાથે તે સાધુમહારાજના જે સેવકભક્તો બેઠા હતા તેઓ સાધુનાં આ વચનોથી ખૂબ પ્રભાવિત થઈ ગયા, તેમ લાગ્યું. સંભવત: તેમના મનમાં આવો ભાવ ઉત્પન્ન થયો હશે કે જેમ શિવજીના હાથ પર નાગ છે, તેમ અમારા ગુરુમહારાજના હાથમાં નાગ છે. તેમને કોણ સમજાવે કે શિવજીના હાથમાં જે નાગ હોય તો તે પિત્તળનો નથી, સાચો છે અને શિવજીનું અનુકરણ કરવું જ હોય તો-તો ઝેર પીવું પડે. હાથમાં નાગ ધારણ કરવાની કોઈ સાંપ્રદાયિક પરંપરા હોવાનું પણ જાણમાં નથી. આપણા આ સાધુમહારાજે આ એક નવો નુસખો અપનાવ્યો છે અને આ નુસખાથી તેમના અભણ અને ભોળા શિષ્યો-સેવકો પ્રભાવિત પણ થયા છે.
હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે આ સાધુમહારાજે આવો નુસખો અપનાવ્યો શા માટે?
પોતે બીજા કરતાં કાંઈક જુદા છે, કાંઈક અસામાન્ય છે, તેમ બતાવવા માટે! બધા લોકો તો લૌકિક છે, પોતે લૌકિક નથી. અલૌકિક છે, તેમ દર્શાવવા માટે.
પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે, આવું સિદ્ધ કરવાની, આવો દેખાવ કરવાની અને આવું અનુભવવાની ઇચ્છા જેમનામાં ન હોય તેવા માનવો શોધવા મુશ્કેલ છે!
મને નાનપણનો એક સાવ નાનો પણ નોંધવાલાયક પ્રસંગ યાદ આવે છે. અમારા પાડોશમાં એક બહેન રહે, અમે એમને માસીબા કહીએ. અમારા સૌના ઘરમાં દેશી ચોખા વપરાય અને માસીબાના ઘરમાં બાસમતી ચોખા વપરાય. માસીબા આ હકીકતની વારંવાર જાહેરાત કરે, સૌને ગાઈ-વગાડીને કહે:
“તમે બધાં લોકિયા ચોખા ખાઓ છો. અમે એવા લોકિયા ચોખા ન ખાઈએ, બાસમતી!
માસીબા બાસમતી ચોખા ખાય તો ભલે ખાય, પણ તેમને આ હકીકતની આટલી બધી ગાઈ-વગાડીને જાહેરાત કરવાની શી જરૂર પડી? તેઓ આ જાહેરાત દ્વારા એમ સિદ્ધ કરવા માગતા હતા અને તેથી પણ વિશેષ તો તેઓ એમ અનુભવવા ઈચ્છતા હતા કે પોતે બધા જેવા સામાન્ય નથી, પોતે કોઈક સ્વરૂપે અસામાન્ય છે.
અસામાન્ય હોવાનું સિદ્ધ કરવાની અને તેવો દેખાવ કરવાની તથા તેવો અનુભવ લેવાની વૃત્તિ કેવાં-કેવાં સ્વરૂપો ધારણ કરે છે!
સિકંદરને જગત જીતવાની જરૂર કેમ પડી? પોતે અસામાન્ય છે, તેમ સિદ્ધ કરવા માટે જ ને! સિકંદર પોતાને અસામાન્ય, અલૌકિક માનતો, પોતાને દેવોના રાજા ઝયુસનો પુત્ર માનતો. સિકંદર એમ પણ માનતો કે પોતાનું શરીર પણ અલૌકિક છે, સૌને હોય છે તેવું લૌકિક શરીર પોતાનું નથી. સિકંદર એમ પણ માનતો કે સામાન્ય લોકોના શરીરને ઈજા થાય તો તેમાંથી લોહી નીકળે, પરંતુ પોતાના શરીરમાં આવું કોઈ લોહી નથી. પોતાના અલૌકિક શરીરમાં આવું કોઈ લોહી હોઈ શકે જ નહીં. તેથી જ્યારે એક યુદ્ધમાં સિકંદરના શરીરને ઈજા થઈ અને તેમાંથી લોહી નીકળ્યું ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો.
જગત જીતવા માટે નીકળતાં પહેલાં પોતાના ગુરુ એરિસ્ટોટલની સૂચનાથી સિકંદર તે સમયના ગ્રીસના એક મહાન સંત ડાયોઝિનીસના આશીર્વાદ લેવા ગયો. ડાયોઝિનીસ પોતાના સામાન્ય ક્રમ પ્રમાણે એક વૃક્ષ નીચે દિગંબર અવસ્થામાં પડ્યા હતા. સિકંદરે તેમને આશીર્વાદ માટે પ્રાર્થના કરતાં કહ્યું:
“સમગ્ર જગતને જીતવા માટે નીકળું છું. આપના આશીર્વાદ ઈચ્છું છું.
ડાયોઝિનીસે સિકંદરને પૂછ્યું:
“જગતને જીતીને પછી શું કરીશ?
સિકંદર કહે છે:
“પછી શાંતિથી જીવીશ.
ડાયોઝિનીસે મૂલ્યવાન સૂચના આપી:
“અત્યારથી જ શાંતિથી જીવ ને! શાંતિથી જીવવા માટે જગત જીતવાની શી જરૂર છે?
(ક્રમશ:)