ધર્મતેજ

શિવના દૂત પુષ્પદન્તની વાતો ન સ્વીકારતાં હું યુદ્ધ માટેતૈયાર થયો છું, હું વિજયી થઇશ મને વિદાય આપ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
બ્રહ્માજીની વાત સાંભળી તુલસી શંખચૂડ સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરવા તૈયાર થાય છે અને બ્રહ્માજીની સમક્ષ જ શંખચૂડ તુલસીનું ગાંધર્વ વિધિથી પાણિગ્રહણ કરે છે. નવયુગલ વિવાહિત થઈને પોતાને ઘેર આવે છે. પિતા દંભ અને સમસ્ત દૈત્ય પરિવારો ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. અસુર ગુરુ શુક્રાચાર્યને તુલસી સાથે થયેલા ગંધર્વ વિવાહની જાણ થતાં તેઓ આશીર્વાદ આપવા પધારે છે અને શંખચૂડને દાનવો તથા અસુરોનો અધિપતી બનાવે છે. દંભપુત્ર શંખચૂડ અધિપતી બનતાં જ તે સમસ્ત દેવતાઓ પર આક્રમણ કરે છે અને તેઓને મારી હટાવે છે. થોડા જ સમયમાં શંખચૂડ સમસ્ત સંસારના દેવતાઓ, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગ, ક્ધિનર તથા મનુષ્યોનો એકમાત્ર સમ્રાટ બની જાય છે. તેના રાજયમાં ન તો દુકાળ પડતો કે ન તો ગ્રહોનો પણ પ્રકોપ થતો, આધિવ્યાધીઓ પણ પોતાનો પ્રભાવ પાથરી શકતી નહીં. આમ પૃથ્વીલોકની પ્રજા સુખથી રહેતી હતી. ફક્ત દેવતાઓ જ પોતાના લોકથી પ્રતાડિત થઈ અહીં-તહીં ગુફાઓમાં જઇને સંતાઈને વનવાસ વેઠી રહ્યા હતાં. ત્યારબાદ પરાજિત થઈ રાજ ખોઈ બેસેલા દેવગણો પરસ્પર મંત્રણા કરીને બ્રહ્માજીને મળવા બ્રહ્મલોક પહોંચ્યા. બ્રહ્માજી તેમને વૈકુંઠલોક મોકલે છે. શ્રીહરિ વિષ્ણુ સમક્ષ સમગ્ર દેવતાઓ રડી પડયા. રડી રહેલા દેવતાઓને જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, ‘હે દેવો તમારા દુ:ખથી હું અજાણ નથી, શંખચૂડ બ્રહ્માજીનો ભક્ત છે તેને ભગવાન શિવ જ કાબૂમાં રાખી શકે છે. તમામ દેવગણે ભગવાન શિવની શરણે જવું જોઈએ.


સમગ્ર દેવતાગણ કૈલાસ પહોંચી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે શિવ, હે પ્રભુ! તમે તો કૃપાના સાગર છો. દીનોનો ઉદ્ધાર કરવો એ તો આપની જ રીત છે. હે પ્રભુ! દાનવરાજ શંખચૂડનો વધ કરી દેવતાઓને વિપત્તીથી ઉગારી, ઇન્દ્રને તેના ભયથી મુક્ત કરો.’
આટલું સાંભળતા ભગવાન શિવ બોલ્યા, ‘હે દેવગણ! તમે લોકો પોતપોતાને સ્થાને પાછા જતા રહો. હું નિશ્ર્ચય જ સૈનિકો સહિત શંખચૂડનો વધ કરી દઈશ, એમાં જરાય સંશય નથી.’
ભગવાન શિવના આ વચન સાંભળીને સંપૂર્ણ દેવતાઓને પરમ આનંદ થયો. એ જ સમયે એમણે માની લીધું કે હવે દાનવ શંખચૂડ માર્યો જશે અને દેવતાગણે પોતપોતાના લોક તરફ પ્રયાણ કર્યું. દેવગણોની વિદાય બાદ ભગવાન શિવે શિવદૂત પુષ્પદન્ત (ચિત્રરથ)ને આદેશ આપ્યો કે તમે શીઘ્ર શંખચૂડને મળી તેને સમજાવોે કે દેવતાઓ, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગ અને ક્ધિનરો પર જમાવેલું સ્વામિત્વ છોડી દઈ તેમને પોતપોતાના લોક પરત આપે.

શંખચૂડ આવેલા શિવદૂત પુષ્પદન્ત (ચિત્રરથ)નું સ્વાગત કરે છે અને કહે છે, ‘શિવદૂત પુષ્પદન્તનું સ્વાગત છે. મેં એવો દૃઢ નિશ્ર્ચય કરી લીધો છે કે મહેશ્ર્વરની સાથે યુદ્ધ કર્યા વગર ન તો હું રાજ્ય પાછું આપીશ, અને ન તો મારા અધિકારોને પાછા આપીશ, તમે ભગવાન શિવ પાસે પરત ફરો અને મેં કહેલી વાત તેમને કહી દેજો. તેમને ઉચિત લાગશે તે કરશે.’
પરત આવેલા પુષ્પદન્ત શંખચૂડે કહેલી વાત ભગવાન શિવને કહે છે. આટલું સાંભળતાં ભગવાન શિવ ક્રોધિત થાય છે અને કહે છે, ‘હે નંદી, હે ક્ષેત્રપાળ, હે આઠેય ભૈરવ હું શીઘ્ર જ શંખચૂડનો વધ કરવાને નિમિત્તે પ્રસ્થાન કરું છું, તેથી મારી આજ્ઞાથી મારા બધા જ બળશાળી ગણ આયુધોથી કટિબદ્ધ તૈયાર થઈ જાઓ અને હમણાં જ કુમાર કાર્તિકેય અને કુમાર ગણેશ સાથે રણયાત્રા કરો. ભદ્રકાળી પણ પોતાની સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે.

આદેશ મળતાં જ ભગવાન શિવ પોતાની સેના સાથે ચાલી નીકળ્યા, પછી તો બધા વીરગણ હર્ષમગ્ન થઇને એમની પાછળ પાછળ ચાલવા માંડયા. આ જ સમયે સંપૂર્ણ સેનાઓના અધ્યક્ષો, કુમાર કાર્તિકેય અને કુમાર ગણેશ પણ કવચ ધારણ કરીને સશસ્ત્ર શિવજીની નિકટ આવી પહોંચ્યા. પછી વીરભદ્ર, નન્દી, મહાકાલ, શુભદ્રક, વિશાલાક્ષ, બાણ, પિંગલાક્ષ, વિકંપન, વિરૂપ, વિકૃતિ, મણિભદ્ર, બાષ્કલ, કપિલ, દીર્ઘદૃંષ્ટ, વિકાર, તામ્રલોચન, કાલંકર, બલીભદ્ર, કાલજિહ્વ, કુટીચર, બલોન્મત્ત, રણશ્ર્લાધ્ય, દુર્જય તથા દુર્ગમ વગેરે પ્રધાન સેનાપતિઓ ભગવાન શિવજીની પાછળ સેનામાં જોડાયા. તેમની જોઈ, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, આઠેય ભૈરવ, આઠેય વસુ, વિશ્ર્વકર્મા, નવ ગ્રહ, વગેરે પણ ભગવાન શિવની સેનામાં જોડાયા. ભગવાન શિવ સમસ્ત સેનાને લઈને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે ચંદ્રભાગા નદીના તટ પર મનોહર વટવૃક્ષ નીચે ઊભા રહી ગયા.


શિવદૂત પુષ્પદન્ત (ચિત્રરથ)ને પરત મોકલ્યા બાદ સામે પક્ષે શંખચૂડ પણ યુદ્ધની તૈયારી કરવા લાગ્યો. પ્રતાપી શંખચૂડ પોતાના કક્ષમાં જઈ તુલસીને બધી વાતો કહી સંભળાવી કે, ‘પક્ષપાતી શિવના દૂત પુષ્પદન્તની વાતો ન સ્વીકારતાં હું યુદ્ધ માટે તૈયાર થયો છું, હું વિજયી થઇને આવીશ મને વિદાય આપ.’ બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રાત:કર્મ પૂરાં કરીને દાન ધર્મ કર્યાં, પોતાના પુત્રને રાજ્ય અને સર્વ સંપત્તિ સમર્પિત કરી. શંખચૂડની પત્ની તુલસી રડતાં રડતાં રણયાત્રાનો વિરોધ કરવા લાગી તો શંખચૂડે પોતાના પરાક્રમની વિવિધ કથાઓ કહી સંભળાવી ધીરજ ધારણ કરવા કહ્યું. પત્ની તુલસીને વિશ્ર્વાસમાં લીધા બાદ સેનાપતિઓને આદેશ આપ્યો કે, ‘હે સેનાપતિઓ મારા બધા વીરો કવચ ધારણ કરો અને યુદ્ધને માટે પ્રસ્થાન કરો. કરોડો પ્રકારના પરાક્રમ કરનારા જે અસુરોનાં પચાસ કુલ છે તે પણ દેવોનાં હિતેચ્છુ અને પક્ષપાતી શિવ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ, દરેક અસુરોને મારી આજ્ઞા સંભળાવો કે શિવ સાથે સંગ્રામ કરવા માટે સુસજ્જ થઈને ચાલો.’
સેનાપતિઓને આદેશ આપી મહાબલી શંખચૂડ મોટી સેના સાથે નગરની બહાર નીકળે છે. નગર બહાર સામ-સામે બંને સેનાઓ ઊભી છે. એ સમયે વિવિધ પ્રકારના રણવાદ્યો વાગવા લાગતાં યુદ્ધનો આરંભ થયો અને ચારેય બાજુ કોલાહલ ગુંજી ઉઠયો. દેવતા અને દાનવોમાં યુદ્ધ થવા માંડયું. મહેન્દ્ર વૃષપર્વા, વિપ્રચિત્તિની સાથે સૂર્યનું, ભગવાન શ્રીહરિ વિષ્ણુનું દંભ, કાલાસુરનું કાળ, ગોકર્ણ સાથે અગ્નિદેવ, કાલેકય સાથે કુબેર, મય સાથે વિશ્ર્વકર્મા, સંહાર સાથે યમ, કાલામ્બિકા સાથે વરુણ, ચંચલ સાથે વાયુ, રકનાક્ષ સાથે શનિદેવ, રાહુ સાથે ચંદ્રમા, શુક્રાચાર્ય સાથે બૃહસ્પિત યુદ્ધ કરવા લાગ્યાં. બંને સેના યુદ્ધમાં વ્યસ્ત હતી. ઘણા સમય સુધી ભયંકર યુદ્ધ ચાલતુ રહ્યું, કંટાળી શંખચૂડ પણ આ ભીષણ સંગ્રામમાં જોડાઈ ગયો. શંખચૂડ સાથે ટક્કર લેવા વીરભદ્ર યુદ્ધમાં જોડાઈ ગયા.
દાનવરાજ શંખચૂડ જે જે અસ્ત્રોની વર્ષા કરવા લાગ્યો તેને વીરભદ્ર રમતાં રમતાં પોતાના બાણો વડે કાપી નાખતા હતા. ભીષણ રણસંગ્રામને જોઈ ભદ્રકાળીએ યુદ્ધભૂમિમાં જઈ મોટી સિંહનાદ કર્યો. એમની એ ગર્જનાથી કરોડો અસુરો મૂર્છિત થઈ ગયા. તેમની સેનાને મોટી સંખ્યામાં મૂર્છિત થયેલીજોઈ શંખચૂડ ભદ્રકાળીને લલકારે છે. ભદ્રકાળી પ્રલયકાલીન અગ્નિની શીખા સમાન ઉદિપ્ત આગ્નેયાસ્ત્ર છોડતાં શંખચૂડ તેની સામે વૈષ્ણવાસ્ત્રનો ઉપયોગ કરે છે અને આગ્નેયાસ્ત્રને શાંત કરી દે છે. ભદ્રકાળી નારણાસ્ત્રને છોડતાં શંખચૂડ દંડની જેમ ભૂમિ પર આળોટી નારણાસ્ત્રને વારંવાર પ્રણામ કરે છે.

શંખચૂડને આટલો નમ્ર બનેલો જોઈ નારણાસ્ત્ર નિવૃત થઇ જાય છે. નારણાસ્ત્ર કામ ન કરતાં ભદ્રકાળી બ્રહ્માસ્ત્ર છોડે છે, બ્રહ્માસ્ત્રને પ્રજ્વલિત થતું જોઈને શંખચૂડ તેને નમસ્કાર કરતાં બ્રહ્માસ્ત્ર પણ નિવૃત થાય છે. ભદ્રકાળી પાસે વધુ શક્તિમાન અસ્ત્ર ન હોતાં શંખચૂડ પોતાના દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ ભદ્રકાળી પર કરે છે. ભદ્રકાળી ભયંકર અટ્ટહાસ્ય કરતાં એ સમસ્ત અસ્ત્રોનો પોતે ગળી જાય છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button