મારા જેટલો કોઈ ઊંચો નહીં એવી ગ્રંથિ છૂટવી જોઈએ
માનસ મંથન -મોરારિબાપુ
આપણા ગ્રંથોમાં ઉપમન્યુ આખ્યાન આવે છે જે મન, વચન અને કર્મથી શિવનો ભક્ત છે. એક વાર ભગવાનને કસોટી કરવાની ઈચ્છા થઈ છે, ઈન્દ્રનું રૂપ લીધું છે ભગવાન શિવે. કહે માગ, માગ, તું જે માગે તે આપું. ઉપમન્યુએ કહ્યું કે આપ પ્રસન્ન થયા છો એ મારું સદ્ભાગ્ય છે, પણ હું તો ભગવાન શંકરનો ઉપાસક. મારો બાપ તો શિવ છે, એને પૂછ્યા વગર બીજા દેવ પાસે માગું નહીં. આ ભરોસો અને નિષ્ઠા જોઈ ભગવાન શંકરે પ્રગટ થઇ ઉપમન્યુને કૃતકૃત્ય કર્યા છે. बानी करुनानिधान की सो प्रिय जाके गति न आन की આવો ભરોસો હશે તેની ગ્રંથી ઠાકોર છોડશે. આપણે છોડવા ગયા તેમાં તો મુશ્કેલી પડશે. ઉપાયો જરૂર બતાવ્યાં છે શ્રુતિમાં, વેદમાં, વેદાંતમાં.
ભાગવતમાં શુકદેવજી બોલ્યા છે-નિર્ગ્રન્થા. આ ગાંઠ છૂટે કઈ રીતે ? આત્મામાં રમણ કરનારા મુનિઓ, પરમહંસો અને અવધૂતો પણ ક્રમે ક્રમે આ ગાંઠ છોડી શકે છે. આત્મવેત્તાઓ પણ જ્યારે શ્રી કૃષ્ણની ભક્તિમાં ગદ્ગદ થશે ત્યારે નિર્ગ્રંથ બનશે. એક વાત મારી તમને ગમે તો સ્વીકારજો, અમુક ઉંમર થાય પછી પોતાના બગીચામાં ફરવું, બીજાના બગીચામાં ન ફરવું. એટલે કે આત્મામાં રમમાણ થયા પછી બીજાની-તારી આવી વાતો ન કરો. મહાપુરુષો પણ જ્યાં સુધી ભક્તિ તરફ નહીં જાય, કૃષ્ણ ભક્તિમાં ગદ્ગદ નહિ થાય ત્યાં સુધી નિર્ગ્રંથ નહીં થાય ! ભાગવતકારે ઉપાયો બતાવ્યાં છે નિર્ગ્રંથ થવાના. પહેલી આવી ગ્રંથિનું નામ છે કામગ્રંથિ.
ભગવાનની ભક્તિ વગર નહિ છૂટે. ભગવાનની ભક્તિ કરો એટલે સંસારમાં જે કામ છે તે કૃષ્ણમાં લાગી જાય. ગોપીઓ કામથી જ ગઈ છે કૃષ્ણ પાસે. શુકદેવજી તો કહે છે ‘વ્યભિચાર દૃષ્ટા’-ગોપીઓ માટે આવો શબ્દ વાપરે છે. ગોપીઓને આમ કહેવું એ તો મોટું અપમાન છે પણ શુકદેવજી કહે છે. શ્રીધર સ્વામીએ આની ટીકા કરી એવો અર્થ કહ્યો કે ગોપી જાતિહીન, સાધનહીન અને સદ્ગુણહીન છે છતાંય કૃષ્ણને પ્રિય બની છે, એ સિદ્ધ કરવા માટે કે ભક્તિ કેટલી મહાન છે ! ભક્તિમાં કેટલી તાકાત છે ! ગમે તે જાતિના હો, ગમે તેટલા હીન હો, તમે હરિની ભક્તિ કરશો તો તમે પ્રભુ પ્રિય બનશો. પરમાત્માના વહાલા બનશો. ભક્તિ નાનાને મોટો કરી દે. જીવમાં કઈ ન હોય પણ વિશ્ર્વવંદ્ય થઈ જાય. અને સાચું જ્ઞાન મોટાને નાનો કરી દે છે. તમને બે સ્તોત્ર આવડી જાય, આ આવડી જાય, પેલું આવડી જાય ને માથા ઊંચા કરીને ફરીએ એ જ્ઞાન નહીં, સાચું જ્ઞાન મોટાને નાનો કરી દે અને ભક્તિ નાનાને મોટો કરી દે. ભક્તિ તો ગંગા છે ને ? ગંગોત્રીમાં નીકળે ત્યારે કેટલી નાની હોય છે ને ? ગંગા સાગરમાં જાય ત્યારે મોટો દરિયો બની જાય. નાનાને મોટો કરે એ ભક્તિ છે, મોતને નાનું કરવું એ જ્ઞાનનું લક્ષણ છે. ભાગવદ્ગ્રંથ એ શિરોમણી છે. વ્યાસજીને ભાગવતની રચના પછી શાંતિ મળી છે. પરમ વિશ્રામ થયો. ભાગવતના એક એક શ્ર્લોકની કથા કરવા જેવી છે. અહા ! કૃષ્ણને કહું છું બે-ત્રણ કથાઓથી… કે તું ગીતામાં એમ કહે છે કે આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ માની લીધું, પણ તારાં શાસ્ત્રો અમને મારી નાખે છે તેનું શું ? શસ્ત્રો નથી છેદતાં, કબૂલ. પણ તારી ગીતા અમને છેદી નાખે, તેનું શું કરવું ? વાયુ આત્માને સૂકવી નથી સકતો, પણ પવનપુત્રની કથા અમને આખા ને આખા વૈરાગી કરી મૂકે એનું શું ? ઉદાસીન કરી નાખે છે તેનું શું ? પાણી આત્માને પલાળતું નથી, પણ તારું ભક્તિનું જળ અમને અંદરથી સાવ ભીંજવી નાખે છે એનું શું ? આનો જવાબ છે ? એનો ઘાવ કેમ રુઝાવવો?
ભક્તિ વગર કામ નહીં છૂટે. લાખ પંડિત કે ડાહ્યા કહેવડાવવાની કોશિશ કરો, પણ
રામભજન બિનુ મિટહિ કિ કામા
થલબિહિન તરુ કબહ કિ જામા
રામભજન વગર કામ નહીં છૂટે અને ભજન કર્યા પછી પણ તમારી કસોટી કરવા માટે તમારી કામગ્રંથિ નહીં છૂટે, હેરાન કરે તો ઈશ્ર્વરને ચૈતન્ય મહાપ્રભુજીની જેમ બે વાત પૂછો: કાં’તો અમને નિષ્કામ કર, અને કાં’તો અમારી સાથે લગ્ન કરી લે. બેમાંથી અમને માર્યા નહીં કર. અમને નિષ્કામ કર, કાં’તો લગ્ન કર. અમારો કામ પૂર્ણકામ બની જાય. બે જ ઉપાય છે. કેટલીયે ચીજોમાં હોય છે પણ પૂજ્યભાવ નથી હોતો. પ્રેમભાવ નથી હોતો.
એક વસ્તુ સૂત્રનાં રૂપમાં સમજી લ્યો કે જેટલી દીનતા તમારામાં આવશે એટલી મહાનતા સદ્દ્ગુરુ તરફથી ફૂટશે. તમને લબાલબ ભરી દેશે. શરત છે તમારી દીનતા જેટલી તીવ્ર એટલી એમની મહાનતા વહે છે. તમે દીન બનો-થઈ જાઓ નીચા. વધુ નીચા થઈ જાઓ. એ ગંગા તમારી તરફ આવી જશે ! રાંક બની રહો. શિષ્ય છીએ આપણે. શિષ્યનો અર્થ છે-જે શીખવા માટે તૈયાર છે! શીખ ધર્મ શિષ્ય પરથી આવ્યો છે. સદ્દ્ગુરુ પાસે બેસીને, સદ્દ્ગુરુની પ્રત્યેક ક્રિયાને ઉપદેશાત્મક સમજે છે એ શિષ્ય !
ભરતજી ચિત્રકૂટ જાય છે ને ભીલોને પૂછે છે કે તમે રામજીને જોયા ? તો બે જણાએ કહ્યું કે અમે પરમ દિવસે લાકડાં કાપતાં હતાં ત્યારે ત્રણેય ફરી રહ્યાં હતાં. અમે રામજીને જોયા છે. જે ભીલે કહ્યું કે ‘અમે રામજીને જોયા છે’ શ્રી ભરતજીએ એ ભીલનાં ચરણોમાં દંડવત કર્યા! આ ભાવ, દાસાનુદાસ ભાવ રાખો.
બીજી ગ્રંથિનું નામ ક્રોધગ્રંથિ. ક્રોધગ્રંથિ છૂટે ઈશ્ર્વરનું ચિંતન કરવાથી. ક્રોધ આવે તેમાંથી છૂટવા માટે ચિંતન કરો. ચિંતનનો અર્થ અહીં દર્શન છે. પોતાનું દર્શન કરો. બીજા નથી કરતાં ને હું કેમ ક્રોધ કરું છું ? મારા જેવા જ એ છે. દુનિયા એની વાહ વાહ કરે ને મારો કેમ નહીં કરે ? મારાથી ગુસ્સો કેમ થઈ જાય છે ? જેને બહુ ગુસ્સો આવે, એણે કાચની સામે જોવું. ખીજ કરો, પણ દર્પણની સામું જોઈને કરો, તો તમને ખબર પડશે કે ખીજ કરો ત્યારે તમારું મોઢું કેવું લાગે છે ? એ દર્શન કર્યા પછી ક્રોધ ધીરે ધીરે છૂટશે. તમને થશે કે હું આવો બની જાઉં છું ક્રોધમાં? ક્રોધગ્રંથિ ઈશ્ર્વરચિંતનથી છૂટશે. કામગ્રંથિ ભગવદ્ભજનથી ક્રમે ક્રમે છૂટશે. (સંકલન: જયદેવ માંકડ)