ધર્મતેજ

ઉદ્વેગ નહીં, આવેગ નહીં

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં યોગી પુરુષના સંયમના વર્ણન પછી હવે ભગવાન કૃષ્ણ ભક્તના એક સામાજિક ગુણ તરફ નિર્દેશ કરી રહ્યા છે, તેને સમજીએ.
ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः।
हर्षामर्षभयोद्वेगैर्मुत्को यः स च मे प्रियः॥12/15॥

અર્થાત્ જેનાથી જનસમૂહ ઉદ્વેગ પામતો નથી અને જે જનસમુદાયથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે મને પ્રિય છે

મનુષ્ય માટે લગભગ અશક્ય લાગતી બાબત કઈ?- દુ:ખી ન થવું અને દુ:ખી ન કરવું. દરેક વ્યક્તિ પોતાનો વિચાર કરે તો શું ક્યારેય એવું શક્ય બન્યું છે કે જીવનમાં આપણે કોઈને જાણે અજાણે પણ દુભવ્યા ન હોય કે આપણને કોઈ દુભવી ન ગયું હોય? સૌનો અનુભવ છે કે જીવનમાં અનેકવાર આવી પળ આવી છે અને આવતી પણ રહેશે. દુ:ખી થવા કે કરવાના મૂળમાં શું રહેલું છે તે જાણવા સહેજ ઊંડાણથી વિચારીયે તો સમજાશે કે મહદઅંશે ક્રોધ, ભય અને ઈર્ષા એટલે કે આપણા સ્વભાવ જ તેના માટે કારણભૂત હોય છે. પોતાની મરજી વિરુદ્ધ થતી કોઈપણ ક્રિયા કે ઘટના ક્રોધ ઊપજાવે છે. ધન, સંબંધો કે જીવનને ગુમાવવાની શંકા ભય ઊપજાવે છે. અને બીજાનું સારું ન જોઈ શકવાની મનની સંકુચિતતા ઈર્ષાને જન્મ આપે છે. વિદ્વાન હોય કે મૂર્ખ, ગરીબ હોય કે ધનવાન, રાજા હોય કે પ્રજા, સૌ કોઈ સ્વભાવથી પરાજય પામેલાં છે. અરે! મોટા મોટા મહાત્માઓ પણ ક્યારેક સ્વભાવથી પરાસ્ત છે. વિશ્ર્વામિત્રે રાજપાટ મૂકી હજારો વર્ષ તપ કર્યું, છતાં વસિષ્ઠ મુનિએ તેમને બ્રહ્મર્ષિને બદલે રાજર્ષિ કહીને સંબોધ્યા તેને કારણે તેઓનો ક્રોધ ઝળકી ઉઠ્યો અને વસિષ્ઠનું અહિત કરવા માટે તેઓના આશ્રમે પહોંચી ગયેલા. દુર્વાસા ઋષિના ક્રોધથી તો ત્રણે લોક થરથર કાંપતા.

એક વક્તાનું ઓલ ઇન્ડિયા રેડિયો-આકાશવાણી પર પ્રવચનનું રેકોર્ડિંગ હતું. આયોજનમાં થોડી ગરબડ થઈ ને એકદમ તેઓ ગુસ્સે થઈ ગયા. આશ્ર્ચર્યની વાત તો એ હતી કે તેઓના પ્રવચનનો વિષય હતો- “ક્રોધ રહિત કેમ વર્તવું? અહીં સહેજે સમજાય કે બોલવામાં અને વર્તવામાં આસમાન જમીનનો ફરક છે. સ્વભાવ એટલેકે મનની સ્થિતિ જ આપણાં વાણી અને વર્તનને ઘડે છે.
અપેક્ષિત પરિણામથી હર્ષ અને અનપેક્ષિત પરિણામથી ઉદ્વેગ થવો તે આપણને સ્વાભાવિક જણાય છે. કારણ મનુષ્યમાત્ર સ્વભાવનો ગુલામ છે. એકવાર અકબર અને બિરબલ વચ્ચે ચર્ચા થઈ. અકબર કહે : “સંગ બળવાન અને બીરબલ કહે: “સ્વભાવ બળવાન. અકબર કહે: “જો હું રોજ કુરાન વાંચું છું, તે વખતે મારી બિલાડી મશાલ લઈને ઊભી રહે છે. મારા અને મારા ગ્રંથના પ્રતાપે તેની આમ-તેમ દોડવાની પ્રકૃતિ ટળી ગઈ છે.

બે દિવસ બાદ જ્યાં અકબર કુરાન વાંચતા હતા ત્યાં બિરબલ ગયો. બિલાડી મશાલ પકડીને ઊભી હતી. તે વખતે જ બિરબલે બે-ત્રણ નાની ઉંદરડીને ખંડમાં રમતી મૂકી દીધી. અને તે જોતાં જ બિલાડી મશાલ નીચે નાખીને શિકાર કરવા દોડી ગઈ. અને ત્યારે બિરબલે પૂછ્યું કે સંગ બળવાન કે સ્વભાવ? અકબરને સ્વભાવની બળવત્તા સમજાઈ ગઇ હતી.

સ્વભાવ એટલે કે પ્રકૃતિ! જે જન્મો જન્મથી જીવની સાથે જોડાયેલી હોય છે. એટલે તેનાં મૂળિયાં એટલા ઊંડા હોય છે કે તેને કાઢવા બહુ મુશ્કેલ છે, પણ સાચા સંતને માટે આ સહજ છે. તેઓને વ્યક્તિગત કંઇ હોતું જ નથી. તેઓ કોઈ લાભ કે પ્રશંસાથી હર્ષ નથી પામતા કે કંઈ ગુમાવી દેવાનો ભય નથી હોતો. રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના મુખે, ભગવાન જેને વશ થઈને રહે છે તેવા સંતનાં લક્ષણો વર્ણવતાં તુલસીદાસજી લખે છે –
“ષટબિકાર જિત અનઘ અકામા
અચલ અકિંચન સુચિ સુખધામા
અર્થાત્ એ સંત છ દોષો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર)ને જીતેલા, પાપરહિત, સ્થિરબુદ્ધિ, સર્વત્યાગી, અંદર અને બહાર પવિત્ર અને સુખના ધામ છે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પોતાના ૯૫ વર્ષનાં જીવનકાળનો મોટા ભાગનો કાળખંડ જાહેર જીવન જીવ્યા છે, છતાં પોતાનાથી કોઈને જરા પણ દુ:ખ ન થાય તે બાબતે અત્યંત સભાન રહીને વર્ત્યાં છે. ક્યારેય કોઈ પણ જનસમુદાયને દુ:ખ પહોંચે તેવી વાણી નથી ઉચ્ચારી કે તેવું વર્તન નથી કર્યું. એટલે જ દરેક ધર્મ, રાષ્ટ્ર કે સંપ્રદાયના લોકોએ તેમને અપનાવ્યા છે. તેમને બધાની સાથે ફાવતું, બધાને તેમની સાથે ફાવતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker