અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી
-ડૉ. નિરંજન રાજ્યગુરુ
રામ નામનો પ્યાલો રે,
પીવે જો કોઈ ગુરુ મુખે,
ઈ તો સચરાચર વ્યાપે રે,
દેખો તો કાહુ ખાલી નહીં..
એવો રામ નામનો પ્યાલો..૦
જે પીવે પ્યાલા, ભયે મતવાલા, રોમ રોમ મેં પ્રકાશ,
ઓહં સોહં દોઉ ધ્યાન ધરત હે, સત્ત પુરુષ્ાકો પાસ,
આનંદ ભયો ઉરમાં રે, દુરમતિ તો દૂર ગઈ… એવો રામ નામનો પ્યાલો..૦
જો કોઈ મિલે શબ્દકો ભેદુ, સો જાણે નિરધાર,
નિરાકાર નિર્ગુણ અવિનાશી, ઝળક્ત જ્યોત અપાર,
એવા અપાર દેશ હે ન્યારા રે, નામ વિના ઈ કછુ ના મિલે..એવો રામ નામનો પ્યાલો..૦
ચાર વેદ ખટ શાસ્તર પઢ ગયે, પઢ ગયે સકલ પુરાણ,
વાદ વિવાદ કરે સંતન સે,જ્યોં મરઘલા હે વન મેદાન,
વસ્તુ તો એની પાસે રે, જંગલ બિચ ઢૂંઢત ફિરે.. એવો રામ નામનો પ્યાલો..૦
ચાર વેદ બ્રહ્માએ નિપજાવ્યા, તિનહું નહીં પાયા પાર,
ઉનસે જ્યાદા કૌન પઢેલા? કે નિકલ પડે મેદાન
અકલ ગતિ તો ન્યારી રે, એવું નિરમળ દાસ કહે… એવો રામ નામનો પ્યાલો..૦
મારવાડના જીંથડા ગુરુદ્વારાથી પોતાના સદ્ગુરુ કુબાજી મહારાજના આદેશથી નિર્મળદાસજી ગુજરાતમાં આવ્યા અને સુરતના સૂબેદારને ચેતાવી એમણે ઈ.સ.૧પપ૬માં ખરવાસામાં સંતધામની સ્થાપના કરેલી. એમણે અનેક જીવોને નામસ્મરણના અનુરાગી બનાવેલા. તેમની પચીસેક પદ રચનાઓનું સંકલન ઈ.સ. ૧૯૧૯, વિ.સં. ૧૯૬૯માં સુરતના બુક્સેલર માસ્તર ત્રિભુવનદાસ લલ્લુભાઈએ કરીને અમદાવાદના ત્રણ દરવાજા પાસે, ચૂડોઓળમાં ધી રત્નસાગર પ્રિન્ટિંગ પ્રેસમાં અમરતલાલ શાહ પાસે ‘શહેરોમાં ગવાતાં પ્રખ્યાત નિરમળદાસનાં ભજન સંગ્રહ’ નામે બે હજાર પ્રતમાં પ્રકાશન કરાવેલું. એમાં કબીરજીનાં કેટલાંક પદોના જવાબ પણ પદ્યમાં જ અપાયા છે. પરંપરિત સંતસાધનાની પરિભાષ્ાા સાથેનાં આ ભજનો એ સમયે ખૂબ લોકપ્રિય હશે એમ પ્રથમ આવૃત્તિની પ્રત સંખ્યા જોતાં લાગે છે. આ પુસ્તિકા ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં નં. ૪૬૪૧મુજબ નોંધાયેલી છે.
ભોળાનાથ વિના દુ:ખ કોણ હરે? શેષ ચન્દ્ર માંહી જ્યોત ઝળે..
હાથ ચક્ર અરુ ત્રિશુલ બિરાજે, રૂદ્રમાલ અંગ ભસ્મ ચડે,
કર ડમરૂ કિરતાલ બજાવે, નાચે સદાશિવ હર હર કરે…ભોળાનાથ વિના…૦
ઈન્દ્રાદિક સનકાદિક મોહે, પારવતી મુખ મોડ વસે,
ધોળે બૈલ સવારી સોહે, શૂન્ય શિખર કૈલાસ પરે.. ભોળાનાથ વિના…૦
જો કોઈ ધ્યાન ધરે શંકરકો, જો માગે સો તુરત ફળે,
નામ સમાધ સગુન હો નિરગુન, નિરમળદાસ વાહે ચરણ પડે.. ભોળાનાથ વિના…૦
મેરી સૂરત શ્યામસે લાગી રહી,
નિશદિન વ્યાકુલ ફિરત જગતમેં, સતગુરુ આય દરશાય ગહી..
એસી સુરતા લગી શબદમેં, દેખન ઔરકી ન આશ કહીં,
જૈસે નિરધનિયાકો ધન પાયો, દેખ દેખ મુસકાઈ રઈ.. -મેરી સૂરત..૦
જયજયકાર મન તબ હિ બોલે, રોમ રોમ રંગ છાંહી લહી,
નિરમળદાસ મિલા જબ સતગુરુકું, અરસ પરસ એક હોઈ રહી..
-મેરી સૂરત શ્યામસે લાગી રહી..૦
નામ હી નામ સંસાર સબ ધ્યાન ધરે, નામકો તો ભેદ કોઈ ગુરુગમ પાવા હે,
જનુનીકી જોનીમેં, નામ તો આવત નાંહી, નામકું પરખેગી ઔર વહીં કાયા હે,
પિંડ ઓ બ્રહ્માંડ નામ,રોમ રોમમેં રમતા રામ,નામકા નગર ન્યારા,એહી બસાયા હૈ
બોલત નિરમળ વાણી, બૂઝે કોઈ અગમ જ્ઞાની,
નામકો તો ભેદ મેરે સતગુરુને લિખાયા હે..
સ્વામી રામાનંદ શિષ્ય અનંતાનંદજીના શિષ્ય કૃષ્ણદાસજી પયહારી (ગલતા ગાદી) ના ર૪ શિષ્યોમાંના એક તે કુબાજી ઉર્ફે કેવલરામજી. જે કેવલકૂબાના નામથી પણ ઓળખાતા. જેમણે રાજસ્થાન-મારવાડ જોધપુરના જીંથડા ગામે ગુરુગાદીની સ્થાપના કરેલી. વૈષ્ણવ સાધુ સમાજના બાવન દુવારામાં રામાવત કુબાજી દુવારા-જીંથડાનો સમાવેશ થાય છે. મારગી ગૃહસ્થ સંતોની જૂની સાડાબાર શાખામાં સૌરાષ્ટ્રના કુબાવત -દેશાણી, વાઘાણી અને આશાણી પરિવારોનું ગુરુસ્થાન આ જીંથડા ગાદી મનાય છે.
કુબાજી મહારાજ જ્ઞાતિએ પ્રજાપતિ કુંભાર હતા એમ નોંધાયું છે. સાધુ સંતોને ભોજન કરાવવા માટે વણિકને ત્યાં કૂવો ખોદવા ગયા અને માટીમાં દબાયા. એક વરસ પછી ત્યાં યાત્રાળનો સંઘ નીકળ્યો, એમણે જમીનની અંદરથી સંકિર્તનનો અવાજ સાંભળ્યો અને બહાર કાઢ્યા. તેઓ માધુકરી માગીને અન્નક્ષ્ોત્ર ચલાવતા હતા.(નાભાજી કૃત ‘ભક્તમાળ’માં એમના નામનો ઉલ્લેખ મળે છે.) કુબાજીના શિષ્યોમાં ગોપાલદાસજીએ ગાદી સંભાળેલી, એમના પછી રામદાસજી-હિરાદાસજી-ચેતનદાસજી એમ શિષ્ય પરંપરા ચાલી. આ ચેતનદાસજીના શિષ્ય થયા ગરણી ગામના આહિર સંત દેશળદાસજી/દેહાભગત, દડવાના વાઘારામજી અને જામનગરના આશારામજી.