આરાધના ને અધ્યાત્મનો અવસર છે નવલી નવરાત્રી
વિશેષ -આર. સી. શર્મા
મા દુર્ગા એટલે તમામ દેવતાઓની એકત્રિત શક્તિઓનું એકાકાર રૂપ છે. આ મહાશક્તિને કારણે જ ત્રણેય લોકને ત્રસ્ત કરનાર રાક્ષસોના રાજા મહિષાસુરનો વધ કર્યો હતો. સંસ્કૃતમાં દુર્ગા શબ્દનો અર્થ છે કે જેની સામે જીતી ન શકાય, જે અભેદ્ય હોય. મા દુર્ગા માતૃશક્તિનું અભેદ્ય અને અપરાજિત રૂપ છે. શારદીય નવરાત્રીની આરાધના અને અધ્યાત્મમાં ડૂબેલી પાંચ મહારાત્રીમાં માતૃશક્તિનો મહોત્સવ થાય છે. એમાં પહેલી રાત છે-
મહાપંચમી
શારદીય નવરાત્રીમાં મહાપંચમીના દિવસે જગતજનની મા દુર્ગા અને મહાકાળની વિશેષ પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા મુજબ શક્તિના રૂપ સમાન એવા મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું અને દસમા દિવસે મા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો સંહાર કરીને ધરતીને તેના આતંકથી મુક્તિ અપાવી હતી. એથી નવરાત્રીના દસમા દિવસે વિજયા દશમી ઉજવવામાં આવે છે. એથી પાંચમા દિવસે મહાપંચમીનું વ્રત રાખવામાં આવે છે. એ દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે, જે ભગવાન કાર્તિકેયની માતા છે અને દુર્ગાના નવ રૂપોમાંનું એક રૂપ છે. મહાપંચમીનો એ દિવસ હતો જ્યારે મહિષાસુર પર મા દુર્ગા ભારે પડવા માંડ્યા હતાં. એથી દુર્ગાપૂજામાં જે છ દિવસની પૂજા કરવામાં આવે છે, એની શરૂઆત મહાપંચમીથી થાય છે.
મહાષષ્ઠી
શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસને મહાષષ્ઠી કહેવામાં આવે છે. એ દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાયની સિંહ પર સવાર છે. તેમના ડાબા હાથમાં તલવાર અને કમળ છે. જમણા હાથમાં અભય અને વરદ મુદ્રાઓ છે. દુર્ગાપૂજામાં ષષ્ઠિનું ખૂબ મહત્ત્વ છે. એ દિવસે એ લોકો વ્રત રાખે છે જે લોકો આખી નવરાત્રીમાં વ્રત નથી રાખી શકતાં. મા કાત્યાયનીની પૂજાથી વિવાહ સંબંધી બાધાઓ દૂર થાય છે. એ દિવસે માતા સામે આખી રાત ઘીનો દીવો કરવો જોઈએ. મા કાત્યાયનીની પૂજામાં નાળિયેર પર લાલ ચુંદડી વિટાળીને અને કલાવા લગાવીને પૂજા કરવી જોઈએ.
મહાસપ્તમી
શારદીય નવરાત્રીમાં સાતમા દિવસે મા દુર્ગાના કાળરાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રીમાં સપ્તમીની પૂજા મધ્યરાત્રીએ કરવાથી અતિશય પૂણ્ય મળે છે. મા દુર્ગાએ આ રૂપ ધારણ કરીને શુંભ, નિશુંભ રાક્ષસોનો વધ આ રાત્રીએ કર્યોં હતો. મા કાળરાત્રીનો રંગ કાળો છે. એને કાળરાત્રી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે માનું આ સ્વરૂપ કાળનો વિનાશ કરે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી મા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાનું વરદાન આપે છે. સાથે જ આપણાં પાપો અને દુશ્મનોનો નાશ થાય છે. સાથે જ આ રાત્રીએ પૂજા કરવાથી ભય અને રોગ નાશ પામે છે. મા કાળરાત્રીની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે. તણાવ દૂર થાય છે. દરેક પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે અને ખરાબ શક્તિઓના પ્રભાવથી બચી શકાય છે.
મહાઅષ્ટમી
આ દિવસે મા દુર્ગાએ ચંડ-મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. એ દિવસે જે પણ માતાની પૂજા કરે છે, મા તેમનાં જીવનનાં તમામ દુખોને દૂર કરે છે અને શત્રુઓ પર વિજયનું વરદાન આપે છે. મહાઅષ્ટમીના દિવસે મા ભગવતીની પૂજા કરનારાઓને તમામ પ્રકારના ધન-વૈભવ મળે છે. એ દિવસે મા દુર્ગાને મહાગૌરી તરીકે પૂજવામાં આવે છે. મહાઅષ્ટમીના દિવસે મહાસ્નાન સાથે મા દુર્ગાનો ષોડશોપચાર કરવામાં આવે છે અને પૂજા અને હવન કરીને નવ ક્ધયાઓને તેમનું મનપસંદ ભોજન કરાવવુ જોઈએ. તેમને મિઠાઈ અને ગોળ આપવો જોઈએ.
મહાનવમી
નવરાત્રીના નવમા દિવસે મહાનવમી ઉજવવામાં આવે છે. એ દિવસે મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એ જ દિવસ છે જ્યારે મા દુર્ગાએ મહિષાસુર વિરુદ્ધ યુદ્ધ કરીને પોતાની તમામ દિવ્યશક્તિઓનો ઉપયોગ કર્યો હતો અને મહિષાસુરને હણ્યો હતો. આ દિવસે મા દુર્ગાનું જે સિદ્ધિદાત્રી રૂપ છે એ તેમના નવ રૂપોમાંનુ અંતિમ રૂપ છે. એ દિવસે માતાની પૂજા કરવાથી તેઓ સાહસ, શક્તિ અને દૃઢસંકલ્પનું વરદાન આપે છે. આ દિવસની પૂજાથી નવ દિવસની પૂજા પૂર્ણ થાય છે. આ દિવસે ઘરમાં રાખેલી મા દુર્ગાની મૂતિર્ર્ને શણગારીને પંડાળોમાં લાવવામાં આવે છે અને બીજા દિવસે એનું વિસર્જન થાય છે.
મહાદશમી
ઉત્તર ભારતમાં સામાન્ય રીતે નવમા દિવસે નવરાત્રી પૂરી થાય છે, પરંતુ પશ્ચિમ બંગાળ, ત્રિપૂરા અને ઉત્તર પૂર્વમાં દુર્ગા પૂજાની પરંપરા છે, ત્યાં વિજયા દશમી અથવા મહાદશમીને પૂજાનો અંતિમ દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે નવમા દિવસે મા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરને હરાવ્યો હતો અને માયાના જોરે તે ગાયબ થઈ ગયો હતો. વિજયા દશમીએ ધરતી તેના ત્રાસથી મુક્ત થઈ હતી. એથી એને વિજયા દશમીના રૂપમાં મનાવવામાં આવે છે. એ જ દિવસે ભગવાન રામે પણ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. એથી એ દિવસે દશેરા મનાવવામાં આવે છે. આવી રીતે પંચમીથી દશમ સુધી આ છ દિવસ શારદીય નવરાત્રીમાં ખૂબ અગત્યના ગણવામાં આવે છે.