નરસિંહ મહેતાની કવિતા …ને ભગવદ્ ગીતા
ગીતા મંથન -રાજેશ યાજ્ઞિક
ગયા અઠવાડિયા સનાતન ધર્મ માટે એક અતિ મહત્ત્વનો દિવસ ગયો. એ હતો ગીતા જયંતીનો દિવસ. ગીતા જયંતી કેમ મનાવાય છે?
ભગવાન શ્રી કૃષ્ણએ સનાતન ધર્મનો સાર ગાગરમાં સાગર ભરતા હોય તેમ શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં આપ્યો છે. તેના પ્રત્યેક અધ્યાય અને પ્રત્યેક શ્ર્લોકમાં એટલું અદ્ભુત જ્ઞાન છે કે કેટલાય વિદ્વાનો સમગ્ર જીવન માત્ર આ એક ગ્રંથનું વિવેચન વિવિધ ક્રિટે કરતા રહ્યા છે અને છતાં તેનો અંત આવતો નથી. માત્ર વિદ્વાનો જ શા માટે? આપણા સંત કવિઓએ પણ ગીતાના જ્ઞાનને પોતાની કૃતિઓમાં સુપેરે ઉતાર્યું છે.
ગુજરાતીમાં સંત કવિઓની એક લાંબી પરંપરા અને ઇતિહાસ છે. મોટેભાગે લોકોને એવું કહેતા સાંભળ્યા છે, કે આ અભણ લોકોએ પોતાના પદોમાં જ્ઞાન પીરસ્યું છે. પણ મને હંમેશાં એક પ્રશ્ર્ન થાય કે શું ખરેખર તેમનામાંથી એકેયને અભણ કહેવાય એવા હતા ખરા? હા, તેમની પાસે યુનિવર્સિટીઓની ડિગ્રી કે ડોક્ટરેટ કર્યાના સર્ટિફિકેટ નહોતા, તેમની પાસે કોઈ શાસ્ત્ર વિશેષનું દોહન કરીને રચેલા સંશોધન ગ્રંથો પણ નહોતા. તેમ છતાં તેમના પદોમાં શાસ્ત્રોનું જ્ઞાન ઉતર્યું છે, એ બતાવે છે કે શિક્ષણ કદાચ ઓછું હોય તો પણ તેમનું જ્ઞાન અગાધ હતું જ. તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ નરસિંહ મહેતા છે. તેમના એક અતિ પ્રસિદ્ધ પદમાં ઝીલાયેલા ગીતાના સંદેશની વાત આજે કરવી છે. અને હમણાં જ ગીતા જયંતી ગઈ હોવાથી આ વાત કરવાનો ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે?
નરસિંહ મહેતાનું સૌથી વધુ પ્રખ્યાત થયેલું પદ એટલે ‘વૈષ્ણવ જન’. સાવ સરળ શબ્દમાં વાતમાં કોઈ જાતનું મોણ નાખ્યા વિના, શબ્દાલંકારોનો કોઈ ભભકો કર્યા વિના નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના લક્ષણો પોતાના પદમાં ઉતાર્યા છે. પણ ઘણા એ વાત જાણતા નથી કે નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનનાં જે લક્ષણો બતાવ્યાં છે એ ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના ધર્મક્ષેત્રમાં ઊભા રહીને અર્જુનને કહી ચુક્યા છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા તે આપણને પ્રાપ્ત થયા છે. શ્રીમદ ભગવદ ગીતાના બારમા અધ્યાયમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તે જ વાત નરસિંહ મહેતાના ‘વૈષ્ણવ જન’માં પણ આપણને કહેવાઈ છે. ગીતાના બારમા અધ્યાયમાં ભગવાને જે વ્યક્તિ (ભક્ત) પ્રિય છે તેનાં લક્ષણો વિશે જણાવ્યું છે, તેથી તેનું નામ ભક્તિયોગ છે. આ ગીતાનો સૌથી નાનો અધ્યાય છે જેમાં ફક્ત ૨૦ શ્ર્લોકો છે, પરંતુ તે આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ અધ્યાયના પ્રથમ શ્ર્લોકમાં અર્જુને ભગવાનને પૂછ્યું કે જેઓ સગુણસાકાર પરમાત્માની પૂજા કરે છે અને જેઓ નિર્ગુણ નિરાકાર ભગવાનની પૂજા કરે છે, એ બે પ્રકારના ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ છે?
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે મ
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમા: ય ૧ ય
નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે; અથવા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ભક્તિ કરે છે, તેઓમાં ઉત્તમ યોગવેત્તા કોણ?
ભગવાન આ પ્રશ્ર્નનો જવાબ આ પ્રકરણના આગળના ૧૯ શ્ર્લોકો અને સમગ્ર અધ્યાય ૧૩માં અને ૧૪મા અધ્યાયના પ્રથમ ૨ર શ્ર્લોકોમાં સતત આપે છે, અર્જુનનો ઉપયોગ આપણા બધાને જ્ઞાન આપવા માટે એક માધ્યમ તરીકે કરે છે. ભગવાન દ્વારા સતત બોલાતા આ ૭૩ શ્ર્લોક જ્ઞાન અને ભક્તિનો સંગમ છે.
ગીતાના અધ્યાય ૧૨ ના ૭ શ્ર્લોક ૧૩ થી ૧૯ મા, ભગવાને તે ભક્તો (મનુષ્ય) નાં ૩૯ લક્ષણો આપ્યા છે જે ભગવાનને પ્રિય છે. જયારે આ શ્ર્લોકનું અધ્યયન કરીએ અને તેને વૈષ્ણવ જન પદ સાથે સરખાવીએ તો તરત સમજાઈ જાય કે નરસિંહ મહેતાએ પોતાના પદની પાંચ પંક્તિઓની દસ લાઈનોમાં આ જ વાત કહી છે. ગીતાના આ ૭ શ્ર્લોકોમાં, ભગવાને તેમના પાંચ વખત, અર્થાત શ્લોક ૧૩-૧૪, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮-૧૯ માં પ્રિય મનુષ્ય (ભક્ત)ના લક્ષણોનું વર્ણન કરીને તેમને તેમના પ્રિય કહ્યા છે.
ભગવાને શરૂઆતમાં એમ કહ્યું કે જે મારામાં મન સ્થિર રાખે તે અંતે મારામાં વાસ કરે છે. મન સ્થિર ન રાખી શકતા હો, તો ભક્તિયોગના નિયમોનું પાલન કરીને પ્રભુ પ્રાપ્તિ થઇ શકે છે. એ પણ ન થઇ શકે તો જીવનનું પ્રત્યેક કર્મ મારા માટે અર્થાત કે ભગવાન માટે જ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. અને જો કર્મ પણ એ રીતે ન થઇ શકતું હોય તો ભગવાનની ભક્તિ કરી, મનને વશ કરી અને બધા કર્મોના ફળનો ત્યાગ કરવો. આમ, ભક્તિ એ પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ છે એમ સ્વયં ભગવાને કહ્યું છે. કહેવાનો અર્થ એ પણ છે કે ભક્તિ એ પહેલું પગથિયું છે. આપણે એક પછી એક પગથિયું ચડતા જવાનું છે અને પરમ બ્રહ્મને પામવાના છે. આપણે આગળ ઉપર આ પ્રત્યેક શ્ર્લોક, અને તેમાં આપેલ ભક્તના અથવા નરસિંહ મહેતાના શબ્દોમાં વૈષ્ણવનાં લક્ષણો વિશે જાણીશું