મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણીમાતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દૈવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરે છે. એ જોઈ દેવર્ષિ નારદ કૈલાસ પહોંચી માતા પાર્વતીને કહે છે, ‘માતા, શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દેવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’ પોતાની પુત્રી પર આવી રહેલા સંકટને ખાળવા માતા પાર્વતી પોતે જ તપોવન પહોંચે છે. આવી રહેલા લક્ષ ચૌર્યાસી સૈનિકોને જોઈ માતા પાર્વતી ક્રોધિત થાય છે અને ચામુંડાનું રૂપ ધારણ કરે છે. આમને-સામને બાણોની વર્ષા થવા લાગતાં માતા ચામુંડાએ લીલાપૂર્વક યુદ્ધ કરીને ચંડ-મુડ સહિત લક્ષ ચોર્યાસી સેનાનો વધ કરે છે. ચંડ-મુડના કપાયેલા શિર્ષ તેમની સમક્ષ પડતાં શુંભ-નિશુંભ આતંકિત થઈ જાય છે અને આદેશ આપે છે કે, ‘હવે તમારે કંઈ કરવાનું નથી, જે કરીશ તે હું કરીશ, એ ત્રિલોકસુંદરીને હું પરાજિત કરી મારી પટરાણી બનાવીશ. ચાલો સૈનિક વીરો આક્રમણ માટે તૈયાર થઈ જાઓ. શુંભ-નિશુંભ યુદ્ધસંબંધી વસ્ત્રો તથા કવચ વગેરે ધારણ કરી યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા. ક્રોધિત થયેલો નિશુંભ સમરભૂમિમાં બાણોની અદ્ભુત વૃષ્ટિ કરવા લાગ્યો, જાણે વર્ષાઋતુનું આગમન થઈ રહ્યું હોય. મદથી ઉદ્વત થયેલો શુંભ તીક્ષણ બાણ, શૂલ, ફરસો, ભિન્દિપાલ, પરિઘ, ભુશુંડિ, પ્રાશ, ક્ષુરપ્ર જેવી મોટી મોટી તલવારોથી યુદ્ધ કરવા માંડયો. તેને જોઈ દેવી ચામુંડા વધુ ક્રોધિત થાય છે અને ઝેર પાયેલાં તીક્ષણ બાણ દ્વારા નિશુંભને ધારાશાયી કરી દે છે. નાના ભાઈના માર્યા જવાથી શુંભ રોષે ભરાય છે અને રથ પર બેસી આઠ ભુજાઓથી યુક્ત થઈને માતા ચામુંડા પાસે આવી જોરશોરથી શંખ વગાડવા માંડે છે. એ જોઈ માતા ચામુંડાનો સિંહ પણ ગર્જના કરવા માંડયો. સામ-સામે અસ્ત્રોની રમત રમાવા માંડી અને અંતે માતા ચામુંડાએ ત્રિશૂળ ઉઠાવીને શુંભ પર આક્રમણ કર્યું, ત્રિશૂળની ચોટથી એ મૂર્છિત થઈ જમીન પર પડી ગયો. પોતાને જમીન પર પડેલો જોઈ શુંભ જોત-જોતામાં દસ-હજાર બાહુઓ ધારણ કરી લે છે. તે દસ-હજાર બાહુઓથી માતા પર બાણોની વર્ષા કરે છે. ક્રોધિત માતા ચામુંડા ફરીવાર ત્રિશૂળ ઉઠાવે છે અને શુંભ પર ઘાટક પ્રહાર કરે છે. માતા ચામુંડાના લોકપાવન પાણિપંકજથી શુંભ મૃત્યુને વરે છે. આમ બંને અસુરો પરમપદના ભાગી થાય છે.
શુંભ-નિશુંભનો વધ થતાં જ દેવરાજ ઇન્દ્ર અને દેવગણ અસુર સેના પર આક્રમણ કરે છે. પોતાના અસુરશ્રેષ્ઠોના થયેલા વધને જોઈ અસુરગણ ભયભીત થઈ જાય છે અને પલાયન થવાની કોશિશ કરે છે પણ દેવગણ તેમનો ખાતમો બોલાવે છે. યુદ્ધ ભૂમિમાં માતા પાર્વતી અને દેવી કૌશિકીનો જયજયકાર થવા માંડે છે. એ જ સમયે ત્યાં ભગવાન શિવ પ્રગટ થાય છે.
માતા પાર્વતી: ‘પુત્રી કૌશિકી તમે અદમ્ય સાહસનો પરચો બતાવી તમારા પિતા ભગવાન શિવની પરાક્રમી રૂપની ગરિમા વધારી છે. તમે ચંડ-મુંડ અને શુંભ-નિશુંભના સૈન્ય સાથે યુદ્ધ ભૂમિમાં અજેય ભૂમિકા ભજવી છે, જ્યાં સુધી સૂરજ-ચાંદ ધરતી સાથે જોડાયેલા રહેશે ત્યાં સુધી પૃથ્વીવાસીઓ તમને યાદ રાખશે.’
ભગવાન શિવ: ‘પુત્રી કૌશિકી તમે અદમ્ય સાહસનો પરચો તો બતાવ્યો જ છે સાથે સાથે તમારી માતાના શક્તિ રૂપને પણ સાર્થક કર્યું છે.’
દેવી કૌશિકી: ‘માતા-પિતાના આશીર્વાદ અને કૃપા સંતાન સાથે હોય તો તેનું અહિત કોણ કરી શકે અને એ પણ પરાક્રમી ભગવાન શિવ અને જગતજનની માતા પાર્વતીના સંતાનનું?
ભગવાન શિવ: ‘પુત્રી કૌશિકી તમારા સાહસથી દેવગણો અસુરોના અત્યાચારથી મુક્ત થયા છે.’
દેવી કૌશિકી: ‘મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણી માતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’
ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ દેવી કૌશિકી તેજપૂંજના સ્વરૂપે માતા પાર્વતીના અંગમાં સમાઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણ ફરી સ્વર્ગલોક પહોંચે છે અને શાસન સંભાળે છે.
બીજી તરફ શુંભ-નિશુંભનો વધ તથા અસુર માતા દિતી દુ:ખ અનુભવે છે. અસુર માતા દિતી ક્રોધિત થઈ દેવશત્રુ દુન્દુભિનિર્હાદને બોલાવે છે.
દુન્દુભિનિર્હાદ: ‘માતા તમારે સમજવાની જરૂર છે કે, દેવતાઓનું બળ બ્રાહ્મણ છે, જો બ્રાહ્મણ નષ્ટ થઈ જાય તો યજ્ઞ સંસ્કૃતિ સમાપ્ત થઈ જશે અને યજ્ઞ સંસ્કૃતિ સમાપ્ત થશે તો દેવતાઓને ્રઆહાર પ્રાપ્ત નહીં થાય અને દેવગણો નિર્બળ થઈ જશે અને ત્યારે હું એમના પર આક્રમણ કરીને વિજય મેળવી લઈશ. આવો તે વિચાર કરીને બ્રાહ્મણોને મારવા લાગ્યો. વનમાં વનચર બનીને સમિધા લેનાર, જળમાં જળચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણોને ખાવા માંડયો. એકવાર એક ભક્ત પોતાના પર્ણશાળામાં દેવાધિદેવ શંકરનું પૂજન કરીને ધ્યાનસ્થ થઈને બેઠો હતો. બલાભિમૌની દુન્દનિભિર્હાદે વાઘનું રૂપ ધારણ કરી ખાઈ જવાનો વિચાર કર્યો. એ ભક્તે દૃઢચિત્તે શિવદર્શનની લાલસા લઈને ધ્યાનમાં તલ્લીન થઈ ગયો અને મંત્રરૂપી અસ્ત્રનો વિન્યાસ કરી લીધો. આ કારણે તે દૈત્ય એના પર આક્રમણ કરવામાં સમર્થ ન થઈ શક્યો. બીજી તરફ ભગવાન શિવ મોકો મળતાં જ પ્રગટ થાય છે અને અસુર દુન્દુભિનિર્હાદને બગલમાં દબાવી તેના માથા પર વ્રજથી પણ કઠોર મુક્કો માર્યો, મુષ્ટિપ્રહાર તથા બગલમાં દબાવાથી મ્ાાતા પાર્વતીનો વાઘ પોતાના ગર્જનાથી પૃથ્વી અને આકાશને કંપાવતો મૃત્યુનો ગ્રાસ બની ગયો. એ સમયે પાપી દુન્દુભિનિર્હાદને બગલમાં દબાવેલો જોઈ દેવગણો ત્યાં આવી પહોંચ્યા અને તેમના ચરણે પડી જયજયકાર કરી સ્તુતિ કરવા લાગ્યા.
ભગવાન શિવ: ‘જે મનુષ્ય અહીં આવીને શ્રદ્ધાપૂર્વક મારા આ રૂપનાં દર્શન કરશે, નિ:સંદેહ હું એનાં બધાં ઉપદ્રવોને નિસંદેહ નષ્ટ કરી દઈશ, જે માનવ મારા આ ચરિત્રને સાંભળીને પોતાના હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એની અવશ્ય વિજયની પ્રાપ્તિ થશે અને આ અનુપમ આખ્યાનનું શ્રવણ કરનારને સ્વર્ગનું તથા આયુષ્યનું યશ અને કીર્તિ પ્રાપ્ત કરશે. (ક્રમશ:)