ધર્મતેજ

મારી શરત એ છે કે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવી માતા શક્તિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ લઈ આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદને ત્વષ્ટા ઋષિના આશ્રમમાં થઈ રહેલા યજ્ઞમાંથી અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળતાં દેખાય છે. કુતૂહલવશ દેવર્ષિ નારદ તેમની પાસે જઈ અને પૂછે છે કે, ‘તમારા હવનમાંથી આ અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળ્યાં છે. હું એ જાણવા ઉત્સુક છું કે આની પાછળ તમારું પ્રયોજન શું છે.’ ત્વષ્ટા ઋષિ દેવર્ષિ નારદને જણાવે છે કે, ‘દેવરાજ ઇન્દ્ર એવો અહંકાર અનુભવી રહ્યા છે કે ફક્ત તેમની પાસે જ યજ્ઞમાંથી કંઈક મેળવવાની શક્તિ છે, એટલે મેં માતા શક્તિને પ્રસન્ન કરી આ શક્તિ મેળવી છે. મેં ઉત્પન્ન કરેલાં પશુ-પક્ષીઓને સ્વર્ગલોક મોકલ્યાં છે જેથી દેવરાજ ઇન્દ્રને મારી શક્તિનો અનુભવ થાય.’ દેવર્ષિ નારદ ત્વષ્ટા ઋષિને સમજાવે છે કે, ‘દેવરાજ ઇન્દ્રના અહંકારને તોડવા તમે પણ અહંકાર કરી રહ્યા છો અને તમે પરમજ્ઞાની હોવાથી એ પણ જાણતા જ હશો કે એક અહંકાર બીજા અહંકારને તોડી શકતો નથી.’ ક્રોધિત ત્વષ્ટા ઋષિ તેમને ઉપદેશ ન આપવાની વાત કરી જણાવે છે કે ઉપદેશ આપવો જ હોય તો એ અહંકારી દેવરાજ ઇન્દ્રને આપે.’ દેવર્ષિ નારદ તુરંત સ્વર્ગલોક પહોંચે છે. તેમને દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોક તરફ આવી રહેલા અલભ્ય પશુ-પક્ષીઓ વિશે પૂછે છે. દેવર્ષિ નારદ તેમને જણાવે છે કે, ‘ઋષિ ત્વષ્ટાએ દેવી શક્તિની આરાધનાથી મળેલા વરદાન દ્વારા આ અલભ્ય પશુ-પક્ષીઓને તમારા અહંકારનો નાશ કરવા મોકલ્યાં છે.’ ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર એનો ઉકેલ માગે છે.’ દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર આનો એકમાત્ર ઉકેલ એ છે કે ઋષિ ત્વષ્ટાને સ્વર્ગલોકમાં સ્થાન આપવું.’ દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘શું ત્વષ્ટા ઋષિ સ્વર્ગલોક આવશે?’ તેના જવાબમાં દેવર્ષિ નારદ કહે છે, ‘જો તમે પોતે આમંત્રણ આપો તો ઋષિ ત્વષ્ટા જરૂર આવશે.’ દેવરાજ ઇન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ, સમગ્ર દેવગણ, દેવર્ષિ નારદ સાથે ત્વષ્ટા ઋષિના આશ્રમ પર પહોંચે છે.


ઋષિ ત્વષ્ટા: ‘દેવગુરુ બૃહસ્પતિ, દેવર્ષિ નારદ અને દેવરાજ ઇન્દ્રનું ત્વષ્ટાના આશ્રમમાં સ્વાગત છે. અહીં પધારવાનું આયોજન જણાવશોજી.’

દેવરાજ ઇન્દ્ર: ‘પ્રણામ ઋષિવર, તમે માતા શક્તિ દ્વારા મેળવેલા વરદાનથી અમે મંત્રમુગ્ધ છીએ, તમે યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરેલાં પશુ-પક્ષીઓ અલભ્ય છે. તમારી સુરક્ષા ખૂબ જ અનિવાર્ય હોવાથી તમે સ્વર્ગલોક ખાતે નિવાસ કરો એવી અમારા દેવગણોની ઇચ્છા છે.’

ઋષિ ત્વષ્ટા: ‘દેવરાજ એ કઈ રીતે શક્ય બને? હું અહીં મારા શિષ્યગણ સાથે માતા શક્તિની આરાધના કરી રહ્યો છું, ત્યાં કઈ રીતે શક્ય બનશે.’

દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિવર તમે ફક્ત સ્વર્ગલોક પધારો ત્યાં પણ તમને એક આશ્રમ બનાવી આપીશું, તમે જે કહેશો એ પ્રમાણે થશે. તમે ફક્ત સ્વર્ગલોક ખાતે નિવાસ કરો.’

ઋષિ ત્વષ્ટા: ‘આશ્રમ તો અનિવાર્ય છે જ, પણ મારી એક શરત છે, જો એ તમે પૂર્ણ કરી શકતા હો તો હું સ્વર્ગલોક આવવા તૈયાર છું.’

દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિવર તમારી બધી શરતો મંજૂર છે, ફક્ત તમે શરત જણાવો.’

ઋષિ ત્વષ્ટા: ‘મારી શરત એ છે કે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવવામાં આવે અને ત્યાં માતા શક્તિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે.’

દેવરાજ ઇન્દ્ર: ‘જેવી તમારી ઇચ્છા ઋષિવર, હું તમારી શરત પ્રમાણે તુરંત માતા શક્તિની સ્થાપના કરીશ.’

ઋષિ ત્વષ્ટા: ‘તમે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવો, હું અવશ્ય ત્યાં નિવાસ કરીશ.’


દેવરાજ ઇન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે અને સ્વર્ગલોક પહોંચે છે, દેવરાજ ઇન્દ્ર ભગવાન વિશ્ર્વકર્માનું આહ્વાન કરે છે.

ભગવાન વિશ્ર્વકર્મા: ‘દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને પ્રણામ.’

દેવરાજ ઈન્દ્ર: ‘ત્વષ્ટા ઋષિની વિનંતી છે કે, અહીં સ્વર્ગલોક ખાતે તુરંત માતા શક્તિનું ધામ બનાવવામાં આવે.’

દેવગુરુ બૃહસ્પતિનો આદેશ મળતાં જ ભગવાન વિશ્ર્વકર્મા સ્વર્ગલોક ખાતે શક્તિધામ બનાવે છે. દેવરાજ ઇન્દ્ર ફરી ત્વષ્ટા ઋષિને આમંત્રણ આપતાં કહે છે કે, ‘હે ઋષિવર આપની ઇચ્છા મુજબ સ્વર્ગલોક ખાતે માતા શક્તિધામ તૈયાર થઈ ગયું છે, હવે તમે સ્વયં માતા શક્તિની મૂર્તિની સ્થાપના કરો અને ત્યાં નિવાસ કરો.’

પ્રસન્ન ઋષિ ત્વષ્ટા તેમના શિષ્યગણ સહિત સ્વર્ગલોક ખાતે નિવાસ કરે છે.


દેવર્ષિ નારદ આકાશમાર્ગે આગળ વધતાં જુએ છે કે થોડાક સૈનિકો ત્યાંથી પસાર થનારા બાજુના પ્રદેશના રાજા સંજયને બંદી બનાવવાનું ષડ્યંત્ર બનાવી રહ્યાં છે. એ જોઈ દેવર્ષિ નારદ રાજા સંજયને પહેલા જ આંતરે છે અને કહે છે, ‘રાજન આ માર્ગથી જવાનું ટાળો, તમારા દુશ્મન પ્રદેશના સૈનિકો તમને બંદી બનાવવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે.’ ચતુર રાજા સંજય દેવર્ષિ નારદને પોતાની સાથે જ રાજમહેલ પધારવાનું આમંત્રણ આપે છે. દેવર્ષિ નારદ તેનો સ્વીકાર કરતાં રાજા સંજય અને દેવર્ષિ નારદ બીજા માર્ગે તેમના રાજમહેલ પર પહોંચે છે. પોતાના રાજા સાથે પધારેલા દેવર્ષિ નારદને જોઈ રાજસભાના સભ્યો આનંદિત થઈ જાય છે અને તેઓ દેવર્ષિ નારદનું સ્વાગત કરે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker