શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

જીવનનું અમૃત -ભાણદેવ
(ગયા અંકથી ચાલુ)
૬. શ્રીકૃષ્ણનું પ્રેમાળ વ્યક્તિત્વ
શ્રીકૃષ્ણ પ્રેમાવતાર છે. તદ્નુસાર શ્રીકૃષ્ણ માત્ર પરમ પ્રેમાસ્પદ જ નથી; તેઓ પરમ પ્રેમી પણ છે જ!
શ્રી કૃષ્ણનો ગોપબાળકો પ્રત્યે પ્રેમ; શ્રીકૃષ્ણનો ગોપીઓ પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો ગોપો પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો નંદબાબા અને યશોદામા પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો ગાયો અને વાછરડાઓ પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો વ્રજક્ષેત્ર પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો યમુનાજી પ્રત્યે પ્રેમ – આ છે ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યકાલીન પ્રેમનાં વિવિધ સ્વરૂપો!
ભગવાન શ્રીકૃષ્ણનો માતાપિતા દેવકી-વસુદેવ પ્રત્યે પ્રેમ; શ્રીકૃષ્ણનો પાંડવો અને વિશેષત: અર્જુન પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો દ્રૌપદી પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો બલરામજી પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો યાદવો પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો ઉદ્ધવજી પ્રત્યે પ્રેમ, અરે! શ્રીકૃષ્ણનો સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમીપુરુષ છે અને તેમની ચેતનામાં સર્વ પ્રત્યે વહેતો પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે!
મહાભારતના યુદ્ધમાં ભગવાને હથિયાર હાથમાં ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શા માટે? ભગવાન હથિયાર ધારણ કરે તો મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલે? ના, માત્ર થોડા કલાકોમાં જ પૂરું થઈ જાય. અને મોટા ભાગનો સંહાર કોના હાથે થાય? શ્રીકૃષ્ણના હાથે! શ્રીકૃષ્ણ આવો અને આટલો મોટો સંહાર કરી શકે? ના, કદાપિ નહિ! શ્રીકૃષ્ણ પ્રેમીપુરુષ છે અને તેથી જ આ મહાસંહાર પોતાના હાથે ન થાય તેમ વિચારીને તેમણે પ્રતિજ્ઞા કરી – મહાભારતના યુદ્ધમાં હથિયાર હાથમાં ધારણ કરીશ નહિ!
આવા છે પ્રેમાળ શ્રીકૃષ્ણ અને આવું છે શ્રીકૃષ્ણનું પ્રેમાળ વ્યક્તિત્વ!
૭. આદર્શ પતિ
ભગવાન શ્રીકૃષ્ણને ૧૬૧૦૮ રાણીઓ હતી, આ વાત સાચી નથી. આ તો એક પૌરાણિક કલ્પના કે રૂપકકથા છે. વસ્તુત: ભગવાનને આઠ રાણીઓ હતી, તે વાત સાચી છે. આ અષ્ટ પટ્ટરાણીઓનાં નામ આ પ્રમાણે છે – રુક્મિણી, જાંબવતી, સત્યભામા, યમુનાજી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા.
રુક્મિણીજી તો લક્ષ્મીજી છે અને ભગવાનનાં શાશ્ર્વત સંગાથી છે. રુક્મિણીજીએ ભગવાનને તેમનો પ્રસિદ્ધ પત્ર લખ્યો અને ભગવાને તેમનો સ્વીકાર કર્યો.
જાંબુવાનજી ભગવાનને ઓળખી ગયા અને પોતાનાં પુત્રી જાંબવતી ભગવાનને અર્પણ કર્યા. સત્રાજિતે સત્યભામાજી ભગવાનને અર્પણ કર્યાં. યમુનાજી તો ભગવાનનાં જ છે. મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા પણ યથાસમયે ભગવાનનાં ચરણોમાં પહોંચી ગયાં.
ભગવાનનું ગૃહસ્થજીવન ખૂબ સુખી પ્રસન્ન અને આદર્શ હતું. ભગવાન પ્રેમ તો છે જ; પરંતુ સાથે સાથે ભગવાન આદર્શ પતિ પણ છે. ભગવાને અષ્ટ પટ્ટરાણીઓને સર્વ પ્રકારે સુખ, સુવિધા અને સંતોષ આપ્યાં છે.
ગૃહસ્થજીવનમાં બધું જ હોય અને પ્રેમ ન હોય તો કશું જ નથી અને ગૃહસ્થજીવનમાં કાંઈ ન હોય અને પ્રેમ હોય તો બાકીનું બધું આવી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના ગૃહસ્થજીવનમાં અન્યોન્ય ભરપૂર પ્રેમ છે અને બીજું બધું જ પણ ભરપૂર છે. તો પછી ભગવાન અને અષ્ટ પટ્ટરાણીઓના ગૃહસ્થજીવન વિશે તો કહેવું જ શું!
આ ગૃહસ્થજીવનનો પાયો શો છે? પાયો છે – ભગવાન શ્રીકૃષ્ણ આદર્શ અને પ્રેમાળ પતિ છે!
૮. ભક્તવત્સલ
ભક્તવત્સલતા તો ભગવાનનું સ્વરૂપ-લક્ષણ છે. સર્વ અવતારોમાં ભક્તવત્સલતા હોય છે. રામ, વામન, નૃસિંહ આદિ સર્વ અવતારોમાં ભક્તવત્સલતા જોવા મળે જ છે; પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની તો વાત જ જુદી છે. શ્રીકૃષ્ણ પ્રેમાવતાર છે. પ્રેમાવતાર શ્રીકૃષ્ણ ભક્તવત્સલતાનું એક અદ્વિતીય સ્વરૂપ ધારણ કરે છે.
પોતાના ભક્તોના રક્ષણ માટે, પોતાના ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રીકૃષ્ણ એઠાં પાતળ પણ ઉપાડી શકે છે. દ્રૌપદીએ પુકાર કર્યો: ‘ગોવિંદ! ગોવિંદ!’ અને શ્રીકૃષ્ણ ભોજનના થાળ પરથી ઊભા થઈ જાય છે.
શ્રીકૃષ્ણ કહે છે –
મારા ભક્ત સૂતા હોય ત્યારે હું બાજુમાં બેસીને તેમની ચોકી કરું છું.
મારા ભક્ત બેઠા થાય ત્યારે હું તેમની સમક્ષ ઊભો થઈ જાઉં છું.
મારા ભક્ત ઊભા થાય ત્યારે હું તેમની સમક્ષ નાચવા લાગું છું.
આવી છે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તવત્સલતા!
અર્જુનનો રથ શ્રીકૃષ્ણ હાંકે છે. અર્જુનના રક્ષણ માટે શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞા તોડવા તૈયાર થઈ જાય છે!
આવી છે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તવત્સલતા!
૯. શરણાગત રક્ષક
જરાસંઘની કેદમાં પુરાયેલા રાજાઓએ ભગવાનને પુકાર કર્યો. તેમણે ભગવાનનું શરણ સ્વીકારીને બચાવી લેવા માટે પ્રાર્થના કરી. ભગવાન શરણાગતની રક્ષા માટે દોડે છે અને તેમને બચાવી લે છે.
ભૌમાસુરની કેદમાં રહેલી સોળ હજાર ક્ધયાઓ ભગવાનનું શરણ સ્વીકારે છે અને ભગવાન તેમને મુક્ત કરે છે અને ગૌરવયુક્ત જીવન આપે છે.
ઉત્તરાનો પુત્ર પરીક્ષિત મૃતાવસ્થામાં જન્મે છે. ભરતવંશનું આ છેલ્લું બીજ છે. ઉત્તરા આક્રંદ કરતી-કરતી ભગવાનને શરણે આવે છે અને પોતાના પુત્રને જીવનદાન આપવા કાકલૂદી કરે છે અને શરણાગત રક્ષક ભગવાન શ્રીકૃષ્ણ પરીક્ષિતને જીવનદાન આપે છે.
આવા છે શરણાગત રક્ષક ભગવાન શ્રીકૃષ્ણ!
૧૦. ઉત્તમ મિત્ર
ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યાવસ્થાના મિત્રો કોણ છે? ગોપબાળકો! ગોપબાળકો કેટલાં છે? ગણ્યાં ગણાય નહિ તેટલાં! આમાંથી પ્રધાન ગોપબાળકોનાં નામ આ પ્રમાણે છે – ૧. સ્તોકકૃષ્ણ ૨. અંશુ ૩. શ્રીદામા ૪. સુબલ ૫. અર્જુન ૬. વિશાલ ૭. ઋષભ ૮. તેજસ્વી ૯. દેવપ્રસ્થ ૧૦. વરુપથ ૧૧. ભદ્રસેન ૧૨. મધુમંગલ
ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના આ બાલસખાઓ વચ્ચે અપ્રતિમ મૈત્રી હતી. હા, તેઓ લાંબો વખત સાથે રહી શક્યા નહિ, પરંતુ તેમની મૈત્રી તો જીવનભર રહી. અરે! જન્મોજન્મ રહી! તેઓ સૌ ઉત્તરાવસ્થામાં જ્યારે કુરુક્ષેત્રના મહાસંમેલન વખતે મળે છે, ત્યારે તેમની આ શાશ્ર્વત મૈત્રીનાં દર્શન થાય છે.
મથુરાવાસ, ગુરુગૃહવાસ અને દ્વારિકાવાસ દરમિયાન પણ ભગવાન શ્રીકૃષ્ણના અનેક મિત્રો છે. આમાંના ત્રણ મુખ્ય છે – અર્જુન, ઉદ્ધવ અને સુદામાજી.
ભગવાન અર્જુનના સારથિ થયા; અરે! ભગવાને અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું. અર્જુનના રક્ષણ માટે ભગવાન સતત તત્પર રહ્યા.
આ છે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુન પ્રત્યેની મૈત્રી!
ભાગવતકાર ભગવાન વ્યાસ ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણના ‘ડરુ્રૂટ લફમળ (પ્રિય મિત્ર)’ ગણાવે છે. જેમ અર્જુનને ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા સંભળાવી છે, તેમ ઉદ્ધવજીને ભગવાને ‘ઉદ્ધવગીતા’ સંભળાવી છે. એટલું જ નહિ, પરંતુ ઉદ્ધવજીને પોતાની પાદુકા આપીને બદ્રીનાથ મોકલ્યા છે.