ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા-ભાગ-૧

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

કવિ શ્રી દલપતરામ, મહાકવિ શ્રી ન્હાનાલાલ અને શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સારસ્વતો જે સંપ્રદાયના પ્રતિબદ્ધ અનુયાયી રહ્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન અષ્ટસખા સમાન આઠ અંત્ય નંદ ઓળખધારી કવિઓનાં જીવનની પ્રમાણભૂત વિગતો અને કવનમાંથી તાત્ત્વિક પીઠિકાનો પરિચય કરાવવાનો ઉપક્રમ સેવ્યો છે. પ્રારંભ સંપ્રદાયના આદ્ય સંતકવિ મુક્તાનંદથી કરીએ.

॥ ૧ ॥
મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનાં મૂળ જે સંપ્રદાયમાં છે, એ ઉદ્ધવ સંપ્રદાયની સાધનાધારા અને સિદ્ધાન્તધારાના ઊંડા અભ્યાસી હતા. વળી વેદાન્ત, યોગસાધનાની ઉપાસના અને પ્રસ્થાનત્રયીના જ્ઞાતા હતા. સંગીતગાન અને વાદન, શાસ્ત્રીય રાગ-રાગિણી, તળપદા મૂળ ઢાળ-ઢંગના જાણકાર પણ હતા. ભૂજની વ્રજભાષા કાવ્યશાળામાંથી કાવ્યશાસ્ત્રનું પદ્ધતિસરનું જ્ઞાન અર્જિત કર્યું હોઈને કાવ્યસર્જન, પાઠ અને અર્થઘટન-કૌશલ્ય પણ ધરાવતા હતા. કથાકથન, સત્સંગ, વ્રજ, કચ્છી, ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. નાડીપરીક્ષણ અને વૈદકવિદ્યા પણ તેમણે હસ્તગત કરેલી. સરળતા, વિનમ્રતા, ધૈર્ય અને સાદગીથી નીતરતું સૌહાર્દ-સૌજન્યપૂર્ણ વ્યક્તિત્વ તેમની વિદ્વત્તામાં ઓગળી ગયેલું. સમર્પિત અને ઓતપ્રોતપણું એ તેમનું સરાહનીય પાસું હતું.

ગુજરાતમાં ઉદ્ધવ સંપ્રદાયના તત્કાલીન અધિકૃત ગુરુ રામાનંદ સ્વામી, કે જેઓ ભારે સિદ્ધસંત, વિદ્વાન અને પ્રવચનકર્તા હતા. એમની શિષ્યમંડળીમાં મોટાભાગના સેવકો વિદ્વાન, અભ્યાસી અને સાધનારત, ભિક્ષાર્થી, આશ્રમમાં તમામ પ્રકારનું સેવાકાર્ય અને સ્વાધ્યાય તથા નિરંતર વિચરણ. આવા શિષ્યવૃંદમાં મુક્તાનંદ સ્વામીની મહત્તા માત્ર રામાનંદ સ્વામી પૂરતી સીમિત ન હતી, તેઓ બહુ મોટો અનુયાયી સમાજ-સમુદાય ધરાવતા અને ગુરુબંધુઓમાં પણ માનનીય ગણાતા. વ્યક્તિત્વ જ એવું પ્રભાવક કે એમના પરિચયમાં આવનાર વ્યક્તિ સત્સંગી-અનુયાયી બની જાય. વિદ્યાભ્યાસ દરમ્યાન ભૂજ નિવાસકાળ દરમ્યાન જ અનેકને ઉદ્ધવ સંપ્રદાય પરત્વે આકર્ષિત કરેલા.

એમનું પ્રકાંડ પાંડિત્ય, વિદ્વત્તા અને શાસ્ત્રની અભિજ્ઞતાનો પરિચય તરુણ અવસ્થામાં ભારતનું પરિભ્રમણ, ભારતીય શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરનારા તપસ્વી નીલકંઠવર્ણી પામી ગયેલા એટલે મુક્તાનંદ સાથે તેઓ સહવાસી થયા.

રામાનંદ સ્વામી, નીલકંઠવર્ણી, તેમજ ભૂજ વ્રજભાષા પાઠશાળાના સહાધ્યાયીઓ-શિક્ષકોના અને સમાજના બહુ મોટા વર્ગના સ્નેહાદરનું ભાજન મુક્તાનંદ સ્વામી બની શક્યા એની પાછળનાં પરિબળો, પ્રસંગો અને ઘટનાઓથી ઘડાયેલ તેમના આવા મોહક-વિદ્વત્તાસંપન્ન વ્યક્તિત્વએ વેઠેલ સંઘર્ષો જાણવાથી એમના પરત્વે વિશેષ સમાદર પ્રગટે છે.


મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ અને મૂળ વતન અમરેલી. એમનો જન્મ ઈ.સ. ૧૭૫૮. વિ. સં. ૧૮૧૪ના પોષ વદિ સાતમને દિવસે. પિતાશ્રીનું નામ આનંદરામ ને માતુશ્રીનું નામ રાધા. બાલ્યાવસ્થા દરમ્યાન જ પિતાશ્રીનો સત્સંગ. શાસ્ત્રાદિ સદ્વિદ્યા, સદાચાર અને ભક્તિમય વાતાવરણમાં ઉછેર. અમરેલીના સંત મહાત્મા મૂળદાસના સ્થાનકમાં-મઠમાં સત્સંગ, સંગીત- ગાયન-વાદનનો અભ્યાસ કર્યો અને સાથે-સાથે પિતાશ્રી ઉપરાંત મહાત્મા મૂળદાસના શિષ્યો હાથીરામ અને જદુરામ પાસેથી સંસ્કૃત ભાષાનું અને શાસ્ત્રોનું વેદાંતમતનું જ્ઞાન અર્જન કરેલું. કથાવાર્તાના શ્રવણપાન પછી સમયનું જતન કરીને પોતે પણ રામાયણનો અભ્યાસ કરી, ચોપાઈગાન અને કથાકથન કરતા થયેલા. વૈદિક વિદ્યાનું જ્ઞાન પણ અર્જિત કરેલું. સમાજમાં પ્રભાવક બનવા લાગ્યા. પણ મનમાં આદર્શ તો નૈષ્ઠિક બ્રહ્મચર્ય કેળવી, યોગાભ્યાસ ને વેદ-વેદાંગમાં પારંગત થવાનો હતો. અનુજ ભગિનીનું નામ ધનબાઈ હતું. તરુણ અવસ્થામાં પ્રવેશી ચૂકેલા સદાચારી યુવાનને જલદીથી ગૃહસ્થ બનાવી દેવાના માતા-પિતાના મનોરથને લાગણીથી તાબે થઈને લગ્ન માટે સંમતિ આપી. સુશીલ ક્ધયા સાથે લગ્ન ગોઠવાયાં. વિરક્તવૃત્તિ, શાસ્ત્રમતના – રામાનુજાચાર્ય વેદાંત મતના અધ્યયન – મનનવાળું વ્યક્તિત્વ કુટુંબપ્રેમમાં લપેટાયું. થોડા જ સમયમાં મુકુંદદાસની પ્રજ્ઞાવાન વ્યક્તિમત્તાને ખ્યાલ આવી ગયો કે ‘ગૃહસ્થાશ્રમમાં, સામાજિક પ્રતિષ્ઠામાં લપેટાઈશ તો પછી શાસ્ત્રાર્થ-મત અને યોગસાધના-ઉપાસનામાં ભંગાણ પડશે. કુટુંબને હું ત્યજું એના કરતાં એવો વ્યવહાર જ આચરું કે કુટુંબ જ મારો ત્યાગ કરે.’ આવો ભારે બૌદ્ધિક તર્ક મનમાં ભંડારીને, શાસ્ત્રવિદ્યા-અધ્યયન, રામાયણકથન, સંગીતગાન-વાદન છોડીને પાગલની માફક એક રટણ ‘રામ ગટાગટ મહુડી ફૂલી’ એવું બબડ્યા કરે. ભટક્યા-રખડ્યા કરે અને કોઈની વસ્તુ ઉઠાવીને કોઈકને આપીને ‘રામ ગટાગટ મહુડી ફૂલી’ એવું બબડ્યા કરે.

પરિવારજનોને લાગ્યું કે ‘વધુ પડતા અધ્યયન અને યોગસાધનાનું આવું અવળું પરિણામ આવ્યું!’ પોતાના ભાગ્યને દોષ દઈને પુત્રવધૂને પણ મુક્તિ આપી. હવે ગામનો સમાજ, પરિવાર પણ તેમની આવી હરકતોથી કંટાળીને તેમના પ્રત્યે દુર્લક્ષ સેવતો થયેલો. મુકુંદદાસનું લક્ષ્ય પાર પડ્યું. શાસ્ત્રાભ્યાસથી એટલું જાણતા થયેલા કે ગુરુ વગર જ્ઞાન નહીં. અધ્યયન-ચિંતન ગુરુની નિશ્રામાં જ કરવાનું રહે. કોઈ દ્વારા ખ્યાલ આવેલો કે ઝાલાવાડના ધ્રાંગધ્રા ખાતે દ્વારકાદાસની મઢૂલી-મઠમાં જવું… ત્યાં પોતાની ભાવના ફળીભૂત થશે. ત્યાં પહોંચી એમની સેવાશુશ્રૂષા કરીને પોતાની અભિલાષા પ્રગટ કરી. દ્વારકાદાસે કહ્યું કે હું નહીં પણ વાંકાનેર મુકામે કલ્યાણદાસ યોગી નામના મહાત્મા બિરાજે છે. આ સાંભળી પદયાત્રી બનીને નામજપ કરતા-કરતા મકુંદદાસ વાંકાનેર મઠમાં પહોંચી ગયા. પ્રભુભજન, નામસ્મરણ અને સેવા કરે. કલ્યાણદાસને પણ ભાવ જાગ્યો. સત્સંગમાં બેસાડે. એક દિવસ એકાંત મળતાં કલ્યાણદાસ મહાત્માને મુકુન્દદાસે જણાવ્યું: ‘ગુરુદેવ નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં દિશાદર્શક બનીને પરબ્રહ્મની સંપ્રાપ્તિ કરાવે એવા ગુરુની શોધમાં હું નીકળ્યો છું.’

કલ્યાણદાસ કહે કે ‘મન, વચન અને કર્મથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત દુષ્કર ગણાય છે. દુરારાધ્ય વ્રત અને સાધનામાં હું દિશાદર્શક નહીં બની શકું. વર્ષો પૂર્વે ધર્મયાત્રા દરમ્યાન ઉજ્જૈન નગરીનો રસ્તો પૂછતાં એક સન્નારીએ જે મોહક લટકાથી દિશા દર્શાવેલી તે દૃશ્યને અદ્યાપિ મારા ચિત્તમાંથી દૂર નથી કરી શક્યો. પણ મારાથી વધુ તપસ્વી એવા એક મહાપ્રતાપી સંત તુલસીદાસ સરધાર ખાતે બિરાજે છે. ત્યાં જા. તને ઈચ્છિત દિશા મળશે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ