ધર્મતેજવીક એન્ડ

ભાત ભાત કે લોગ: આ `મુહાજીરો’નો કટ્ટરવાદ પાકિસ્તાનીઓથી ચડે એવો છે

  • જ્વલંત નાયક

`મુહાજીર’…..

ચાર અક્ષરના આ શબ્દ દ્વારા પાકિસ્તાનમાં વસતા મોટા સમૂહને આજની તારીખે ય ઊતરતી કક્ષાએ મૂકી શકાય છે.
આમ તો આ મુહાજીર' શબ્દ મૂળ અરબી ભાષાનો છે, જે પાછળથી ઉર્દૂમાં ઊતરી આવ્યો. એનો અર્થ થાયઇમિગ્રન્ટ’ બિનનિવાસી, જે પોતાનો મૂળ દેશ છોડીને અન્ય દેશમાં વસવાટ કરતો માનવો એટલે મુહાજીર. પાકિસ્તાની અર્થ મુજબ મુહાજીર એટલે એવા મુસલમાનો જે ભાગલા પહેલા હિન્દુસ્તાની હતા, પણ 1947માં ભારતના ભાગલા થઈને પાકિસ્તાન છૂટું પડ્યું એ પછી અહીં વસતા ઘણા મુસલમાનોએ ધર્મને આધારે અલગ થયેલા નવા દેશ પાકિસ્તાનમાં કાયમી સ્થળાંતર કરી જવાનું પસંદ કર્યું. આમાંના મોટા ભાગના સિંધ પ્રાંતમાં જઈને વસ્યા. ગુજરાતથી જે મુસલમાનો ગયા, એ મુખ્યત્વે સિંધમાં જ રહે છે. એક અંદાજ મુજબ આજે ય સિંધમાં વસી ગયેલા પાંત્રીસ લાખ મુસલમાનો ગુજરાતી ભાષા બોલે છે.

હવે પાકિસ્તાનની કઠણાઈ એવી છે કે અહીંના પંજાબ પ્રાંતના મુસલમાનો પોતાને સુપિરિયર બધાથી ઉપર સમજે છે. આજે બલૂચિસ્તાનથી માંડીને સિંધના લોકોમાં જે રોષ છે, એ પંજાબીઓની આવી આડોડાઈને પ્રતાપે છે. બલૂચિસ્તાન હમણાં રાજકીય કારણોસર બહુ ચર્ચામાં છે., પણ સિંધી ભાષા, સંસ્કૃતિ, અને ઓળખનું રક્ષણ હેતુ 1972માં જી. એમ. સૈયદે શરૂ કરેલી જીયે સિંધ’ ચળવળને પણ ભૂલવા જેવી નથી. પાકિસ્તાનમાં સિંધીઓને અવગણવામાં આવે છે. એટલે 1971માં બાંગ્લાદેશ છૂટું પડ્યા બાદ જી. એમ. સૈયદે સહિતના ઘણા નેતાઓએ અનુભવ્યું કે સિંધી અસ્મિતાના સંવર્ધન માટે સિંધી પ્રજા પાસે પણ બીજો કોઈ માર્ગ નથી. સિંધીઓએ પંજાબીઓનો ત્રાસ ભોગવવા કરતાં પાકિસ્તાનથી છૂટા પાડીને પોતાનો અલગ મુલ્ક બનાવી લેવો જોઈએ. આ તો થઇ એવા મુહાજીરોની વાત, જેમણે પાકિસ્તાની પંજાબીઓના જુલ્મો સામે વિરોધનો માર્ગ અપનાવ્યો, પરંતુ કેટલાક એવાય હતા જેમણેસવાયા પાકિસ્તાની’ બનીને કટ્ટર ભારત વિરોધી વિચારધારા અપનાવી.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?

ભાગલા પહેલા અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોના પોલીસ ખાતામાં ફરજ બજાવતા મિયાંદાદ નૂરમોહમ્મદનો પરિવાર મૂળ પાલનપુરનો. ભાગલા પછી એ લોકો પાકિસ્તાન જઈ વસ્યા. ત્યાં ગયા બાદ 1957માં પુત્ર જાવેદનો જન્મ થય્યો. આ જાવેદ આગળ જતા પાકિસ્તાની ક્રિકેટ ટીમના એક કુશળ ખેલાડી તરીકે જાણીતો બન્યો. મેદાન ઉપરના કટ્ટર વલણને કારણે આપણે ભારતીયો જાવેદ મિયાંદાદને ધિક્કારીએ છીએ. અધૂરામાં પૂરું, ભારતના કુખ્યાત ગુનેગાર અને મુંબઈ બોમ્બધડાકાઓ બાદ આતંકવાદીની શ્રેણીમાં આવી ગયેલ દાઉદ ઈબ્રાહીમની દીકરી સાથે પોતાનો દીકરો પરણાવીને જાવેદ મિયાંદાદ વધુ ધિક્કારને પાત્ર બન્યો. પોતાનો પરિવાર મૂળે ભારતનો હોવા છતાં જાવેદ મિયાંદાદ નામનો મૂળ ગુજરાતી માણસ હંમેશાં ભારત વિરોધી વલણ છતું કરતો રહ્યો છે.

આ જ રીતે, કારગિલ દુ:સાહસને અંજામ આપવામાં જેની મુખ્ય ભૂમિકા હતી એવો પરવેઝ મુશર્રફ પણ મુહાજીર હતો. ભાગલા પૂર્વે જૂના દિલ્હીના દરિયાગંજની નહેરવાલી હવેલી ખાતે એનો પરિવાર રહેતો. પરિવાર પહેલેથી જ ઉચ્ચ ભણતરમાં માને. દાદા બ્રિટિશ સરકારમાં ટેક્સ કલેકટર હતા. પિતા અંગ્રેજ સરકારમાં એકાઉન્ટન્ટની સરકારી નોકરી કરતા. પરવેઝની માતાએ પણ દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલું. ફેમિલીમાં પરવેઝ સહિત ત્રણ ભાઈ સારું એવું ભણેલા. મોટો ભાઈ જાવેદ મુશર્રફ રોમમાં રહે છે અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરના એક ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. નાનો ભાઈ અમેરિકામાં એનેસ્થેશિયોલોજિસ્ટ તરીકે કામ કરે. ખુદ મુશર્રફે અલીગઢ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને સિવિલ સર્વિસીસની કેરિયર પસંદ કરેલી. ઉચ્ચ ભણતર ધરાવતા આ પરિવારમાં કટ્ટરવાદને જરાય જગ્યા ન મળે એવી પરિસ્થિતિ હોવી જોઈએ. તેમ છતાં 1965 અને 71માં ભારત સામે લડીને ગેલેન્ટરી મેડલ મેળવી ચૂકેલા મુશર્રફે પાક. સેનાની કમાન હાથમાં આવ્યા પછી કારગિલમાં ઘૂસણખોરી કરાવેલી. સત્તવાર રીતે આ વાત સાબિત નથી થઇ શકતી, પરંતુ ઇતિહાસ મુશર્રફને જ કારગિલના વિલન તરીકે ચીતરે છે.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે

આવું જ અન્ય એક નામ છે પાકિસ્તાની અણુબોમ્બના પિતા’ ગણાતા અબ્દુલ કાદર ખાન. ઇસ 1936માં આપણા જ દેશના ભોપાલ શહેરમાં જન્મેલા અબ્દુલ કાદર ખાનનું ફેમિલી દેશના ભાગલા પછી પાકિસ્તાન ગયું. જો કે આ પરિવારના મૂળ પાછા પશ્તુન એટલે કે અફઘાન કબીલા સાથે જોડાયેલા. અબ્દુલ કાદરના નાના મૂળે ખૈબર વેલીના કબીલા સાથે જોડાયેલા. અને પરદાદાએ વળી ઈસુની બારમી સદીમાં ઉઝબેકિસ્તાનથી ભાડુતી લડવૈયા તરીકે ભારત આવેલા. અહીં એમણે ભારત પર આક્રમણ કરનાર મોહમ્મદ ઘોરીના લશ્કરમાં નોકરી કરેલી. કહેવાય છે કે આ જ કારણોસર અબ્દુલ કાદર ખાને પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલનેઘોરી’ નામ આપેલું. બોલો, ધાર્મિક કટ્ટરવાદના ચક્કરમાં ક્યાંનો છેડો ક્યાં અડાડી દીધો! અબ્દુલ કાદરનો પરિવાર પણ સાવ અભણ કે ગરીબ નહોતો. અહીં પણ શિક્ષણ અને સરકારી નોકરી મોજૂદ હતા. અબ્દુલના પિતા શિક્ષક હતા. પરિવાર પાકિસ્તાન જઈને વસ્યો એ પછી ખાને પોતે વિદેશ જઈને ન્યુક્લિયર ફિઝિસીસ્ટ તરીકે ભણતર મેળવ્યું.

1974માં ભારતે `બુદ્ધા ઈઝ સ્માઈલિંગ’ કોડનેમ સાથે પહેલી વખત પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે વિદેશમાં બેઠેલા અબ્દુલ કાદરનું મગજ ફરી ગયું. પાકિસ્તાન કરતાં ભારત આગળ નીકળી જાય એ કેમ ચાલે? એણે તરત પાકિસ્તાનની તત્કાલીન સરકારને પત્ર લખ્યો અને પાકિસ્તાનમાં પણ પરમાણુ કાર્યક્રમ શરૂ કરવામાં આવે તો પોતે સહયોગ આપવાની તત્પરતા દેખાડી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી….

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?

જો કે પાકિસ્તાને ન્યુક્લિયર ટેકનોલોજી બીજા દેશો પાસેથી માંગી-ભીખી-ચોરીને મેળવી હોવાનું કહેવાય છે.
વળી આ અબ્દુલ કાદર ખાને ન્યુક્લિયર ટેકનોલોજીઝના `ખરીદ-વેચાણ’ (એટલે કે ચોરી) બાબતે અનેક વાર વિવાદો ઉભા કર્યા છે.

સવાલ એ છે કે જે દેશે આજ સુધી `મુહાજીર’ શબ્દ વાપરવાનો બંધ નથી કર્યો એ દેશને વહાલા થવા કે પછી અંગત સ્વાર્થ ખાતર થઈને ય આ લોકો પોતાના મૂળ વતન તરફ આટલા કટ્ટર કઈ રીતે થઇ શકતા હશે? બની શકે કે પાકિસ્તાનના પાણીનો આ પ્રતાપ હોય.

આ બધા વચ્ચે સૌથી તાજો દાખલો પાકિસ્તાનના હાલના સેનાપતિ અસીમ મુનિરનો છે, જેના બાપ-દાદા પંજાબના જલંધરમાં રહેતા હતા.

નોંધ: પાકિસ્તાનના હાલના આ સેનાપતિ અસીમ મુનિર વિશે વાંચો વિશેષ લેખ આવતી કાલે `ઉત્સવ’ પૂર્તિમાં !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button