માતા, હું મારી વર્તણૂક પર શરમિંદો છું, મને માફ કરો!

શિવ રહસ્ય -ભરત પટેલ
કૈલાસ ખાતે માતા પાર્વતી કહે છે, ‘સ્વામી તમે તમારા એક ભક્ત મૂળનાથની કથા તો સંભળાવી હવે તમારા બીજા ભક્તની કથા સંભળાવો.’ ભગવાન શિવ પ્રસન્ન ચિત્તે જણાવે છે કે, ‘મારા બીજા ભક્ત છે શુક્રાચાર્ય, તમે એમના વિશે બધું જ જાણો છો. તેમણે પોતાનું પદ અને મહત્ત્વાકાંક્ષાને એટલું મહત્ત્વ આપ્યું છે કે તેની કોઈ સીમા નથી. હજારો વરસ અગાઉ તેમણે મારી આરાધના કરી મૃતસંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. દેવાસુર સંગ્રામમાં તેમણે મૃતસંજીવની વિદ્યાના પ્રયોગથી લાખો અસુરોને જીવીત કર્યા હતા, મૃતસંજીવની વિદ્યાનો ખોટો ઉપયોગ થતાં અંતે મૃતસંજીવની વિદ્યા પણ મૃત પામી હતી, તેમની મહત્ત્વકાંક્ષાથી હજારો અસુર ઉત્પન્ન થયા અને એ હજારો અસુરનો વિનાશ પણ થયો, જો તેમણે પોતાની વિદ્યાનો ઉપયોગ સંસારના ઉત્થાન માટે કર્યો હોત તો તેઓ આજે સંસારમાં દેવ તરીકે પૂજાતા હોત. ચર્ચા દરમિયાન જ ભગવાન શિવ અને માતા પાર્વતી કાશી જવા નીકળી પડે છે, આકાશ માર્ગે આગળ વધતાં તેઓ કનોજ પહોંચે છે. કનોજ રાજ્ય જોતાં જ માતા પાર્વતીની મૈત્રી વલ્લભાને મળવા ઉત્સુક થાય છે. માતા પાર્વતી અને ભગવાન શિવને જોઈ કનોજ નરેશ યશધવલ શાહી સન્માન સાથે તેમનું સ્વાગત કરે છે. સખી દ્વારા કંઈપણ ન કહેતાં માતા પાર્વતી પોતાના પતિ ભગવાન શિવ સાથે ત્યાં બેચાર દિવસ રોકાવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
વલ્લભાએ માતા પાર્વતીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, ‘સખી તારો પતિ જોગી છે, તેનો ભયંકર વેશ નિહાળી સૌ કોઈ મારી મશ્કરી ઉડાવશે, માટે તું કનોજમાં બેચાર દિવસ રોકાવાનો વિચાર માંડી વાળ અને સત્વરે કનોજ છોડી દે તો સારું.’ માતા પાર્વતીનો ક્રોધ ભભૂકી ઊઠે છે, તેમણે પોતાના પગની માછલી ત્યાં ઉતારીને ચૂપચાપ ફેંકી તે જ ક્ષણે કનોજ છોડીને ચાલ્યાં ગયાં. માતા પાર્વતી અને ભગવાન શિવના ગયા પછી કનોજનગરી પર વિપત્તીનાં વાદળો છવાયાં અને દુષ્કાળના ઓળા છવાઈ ગયાં. રાજા યશધવલે બોલાવતાં
પંડિતો અને બુદ્ધજીવીઓ હાજર થઈ ગયા. તેઓની ઇચ્છા હતી કે મહારાજ વરુણ દેવને પ્રસન્ન કરવા યજ્ઞનું આયોજન કરે.
રાજા યશધવલ 1001 કુંડી યજ્ઞનું આયોજન કરે છે. યજ્ઞ પૂર્ણ થઇ ગયા પણ વરસાદ વરસ્યો જ નહીં. દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થતા હતા. તેઓ રાજા યશધવલને કહે છે, ‘તારી પત્ની વલ્લભાએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો આતિથ્યસત્કાર કર્યો ન હતો અને શિવનિંદા કરી હતી. એટલે ત્યારથી તમારા રાજયની દશા બેસી ગઈ છે. તમારે અહીંથી ઉત્તર દિશા તરફ કૈલાસ પર ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ નામના બે હિમાચ્છાદિત બરફથી ઢંકાયેલા શિખરો છે. આ બંને શિખરો પરથી નીકળતી ધારા જ્યાં નદીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યાં વિશાળ શિલા પર હવનકુંડ છે. એ હવનકુંડમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જો તું હવન કરીશ તો માતા પાર્વતીની કૃપાથી તારા રાજ્ય પર આવી પડેલું સંકટ દૂર થશે અને ભરપૂર વરસાદ વરસશે.’ દેવર્ષિનું સૂચન સાંભળી રાજા યશધવલ મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો અને પ્રજાજનો સહિત ‘ત્રિશૂળ’ તેમજ ‘નંદા-ઘુંઘુટી’ શિખરો પર પહોંચવાનો આદેશ આપે છે.
રાજા યશધવલનો આદેશ મળતાં જ મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો, રાજનર્તકીઓ અને પ્રજાજનો પૂર્ણ ભક્તિભાવથી માતા પાર્વતીની પૂજા કરવા અને હવનકુંડમાં હવન કરવા રવાના થયા. આખાય નગરનો સમાજ વાંકીચૂંકી પગદંડીઓ, નદીનાળાં, ઝરણાં, જંગલો વગેરે વટાવીને ઊંચાઈએ પહોંચ્યો. કનોજનરેશ યશધવલે ત્યાં પડાવ નાખ્યો. થાકેલા યશધવલને પ્રફુલ્લિત કરવા રાજનર્તકીઓએ નાચગાનની મહેફિલનું આયોજન કર્યું. આ નૃત્યસંગીતનો જલસો જોઈ રાજપુરોહિત ક્રોધાયમાન થઈ ગયા.
રાજપુરોહિત: ‘મહારાજ, ઉત્તરાખંડના આ પ્રદેશ પર દેવતાઓનો વાસ છે, આપણે નાચગાન અને મહેફિલનું આયોજન કર્યું તો દેવતાઓનું ગૌરવ નહીં જળવાય. કોઈ સંકટ આવી પડે તે પહેલાં આપણે આ નાચગાન બંધ કરી દેવું જોઈએ.’
મંત્રી: ‘પુરોહિતજી તમે તો ખૂબ જ શંકાશીલ અને ડરપોક છો. તમે એવું કરો કે કોઈપણ એકાંત સ્થળે જઈ પંચાક્ષર મંત્રનો જાપ કરો ભજનકીર્તન કરો પણ અમને નાચગાનની મહેફિલ માણવા દો.’
રાજા યશધવલ પણ નર્તકીઓનો નાચ જોવામાં મશગૂલ હોય છે, તેઓ પણ રાજપુરોહિતની ગંભીર ચેતવણીનો દરકાર કરતાં નથી અને નાચગાનની મહેફિલ માણતાં રહે છે. પરંતુ આ શું? તેમના ઘુંઘરું બાંધેલા પગ પથ્થર બનીને ધરતી સાથે જડાઇ ગયાં! સૌ ગભરાઈ ગયાં. રાજા યશધવલને પુરોહિતની વાત સમજાઈ ગઈ, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. પોતે ફરીથી દેવી કોપનો ભોગ બન્યો. શિવનિંદામાંથી છૂટવાના પ્રયાસ પછી રાજાએ પુરોહિતની અવગણના કરીને દેવભૂમિને ભ્રષ્ટ કરવાનું પાપ આચર્યું અને તે પવિત્ર ભૂમિને અપવિત્ર કરવાનો દંડ રાજારાણીએ નગરવાસીએ ભોગવવો પડયો અને પ્રજા તે કોપમાંથી ઊગરી ન શકી.
એકાએક વાદળો ઘેરાયાં, વીજળી ચમકી અને પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું. સમગ્ર કનોજ શહેર જળમાં એકાકાર બની ગયાં. ચોતરફ પાણી પ્રચંડ વેગથી વહેવા લાગ્યું અને જળપ્રવાહમાં સમગ્ર કનોજ શહેર ડૂબી ગયું.
ગભરાયેલા યશધવલ અને રાણી વલ્લભા ‘નંદા-ઘુંઘુટી’ પર્વતની ટોચ પર પહોંચે છે અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા આરાધના કરવા માંડે છે. ઘણાં વરસો સુધી આરાધના કરતાં વલ્લભા અને યશધવલનો સ્વર કૈલાસ સુધી પહોંચે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી આ સ્વર સાંભળી પ્રસન્ન થાય છે અને વરદાન આપવા તેમની પાસે પહોંચે છે.
માતા પાર્વતી: ‘યશધવલ અને વલ્લભા આંખ ખોલો. માગો તમારે શું વરદાન જોઈએ છે.’
યશધવલ: ‘માતા હું મારી વર્તણૂક પર શરમિંદો છું, મને માફ કરો.’
ભગવાન શિવ: ‘હવે કંઈ ફિકર ન કરો, તમે વરદાન માંગો.’
વલ્લભા: ‘સખી હું પણ લજિજત છું, મને માફ કર, જો તમે વરદાન જ આપવા માગતાં હો તો મારું રાજય ફરી અમને આપો.’
માતા પાર્વતી: ‘તથાસ્તુ’
માતા પાર્વતીનું વરદાન મળતાં જ કનોજ રાજયમાં ફરી વળેલું પાણી દૂર થઈ ગયું. યશધવલ અને વલ્લભા ફરી રાજયની ધૂરા સંભાળવા લાગ્યાં અને ઘણાં વરસો સુધી તેણે રાજ કર્યું અને આજીવન શિવભક્તિનો પ્રચાર અને પ્રસાર કર્યો.
નંદભદ્ર નામનો એક પ્રમાણિક વૈશ્ય હતો. ત્યારે સમગ્ર સંસારમાં કહેવાતું કે નીતિમત્તા તો નંદભદ્રની! ક્યારેય અનીતિ ન આચરે. આ વૈશ્ય વેપારી એવો તો ધર્મનિષ્ઠ હતો કે લોકો તેને ધર્માત્મા કહીને બોલાવતા. કોઈ તેમની પ્રશંસા કરે તો તેને જરાય ગમતું નહીં, અને પોતે પણ કોઈ દિવસ પોતાના વખાણ કરતો નહીં. પોતાની પ્રશંસા સાંભળીને તે ત્યાંથી દૂર ચાલ્યો જતો. અહોનિશ શિવભક્તિમાં ડૂબેલો રહેતો. રાત્રે સૂતી વખતે સરવૈયું માંડે તેમ વિચારતો કે, ‘પોતાનાથી દિવસ દરમિયાન ક્ોઈ ખોટું કામ તો નથી થયું ને?’ કદાચ કંઈ ખોટું થયું હોય તો પ્રાયશ્ર્ચિત્ત માટે તૈયાર રહેતો.
નંદભદ્રની પડોશમાં સત્યવ્રત નામનો શૂદ્ર રહેતો હતો. તે હંમેશાં નંદભદ્રની નિંદામાં જ વ્યસ્ત રહેતો. નંદભદ્ર પૂરેપૂરો આસ્તિક હતો, ત્યારે સત્યવ્રત પૂર્ણ નાસ્તિક હતો. આ દૂરાચારી સત્યવ્રત એવા મોકાની રાહ જોતો રહેતો કે નંદભદ્રને
ધર્મભ્રષ્ટ કરી શકાય.
(ક્રમશ:)