આ ‘મોહ’ની માયા છે
![Mystical illustration of Moha's magic with spiritual symbols and glowing light effects.](/wp-content/uploads/2025/02/moha-magic-spiritual-symbols-illustration.webp)
મનન -હેમંત વાળા
સ્મશાનમાં રહેનાર વ્યક્તિ પણ કુટુંબીજનના મૃત્યુ વખતે રડે છે. જે વ્યક્તિ કાયમ સ્મશાનમાં રહેતી હોય, દરેકની અંતિમ સંસ્કાર વિધિમાં સંમિલિત થતી હોય, ચિતા તૈયાર કરીને અગ્નિદાહ માટે મદદરૂપ થતી હોય, મૃત વ્યક્તિના કુટુંબીજનોના ગયાં પછી ચિતાને ઠારતી હોય, તે પણ અંગત વ્યક્તિના મૃત્યુ સમયે ભાંગી પડે. આ વ્યક્તિ દરરોજ જીવનની ક્ષણભંગુરતાને નજીકથી સમજી શકી હોય. આ વ્યક્તિએ દરેક શરીરને ભસ્મમાં રૂપાંતરિત થતી જોઈ હોય. આ વ્યક્તિએ સંબંધોની વ્યર્થતાને પણ અનુભવી હોય. સંસારની દરેક કમાણી અહીં જ રહી જતી હોય છે તે સત્ય તેને દરરોજ સમક્ષ દેખાતું હોય. સાંસારિક વ્યવહારમાં રહેલો દંભ પણ સતત સમજતો હોય તો પણ જ્યારે કુટુંબમાં અંગત વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આ બધી બાબતોથી જાણે તે અજાણ હોય તેવો તેનો વ્યવહાર રહે. જે તે વ્યક્તિ સાથેના ભાવનાત્મક સંબંધોને કારણે તે મોહિત થાય છે.
જે ડૉક્ટર વાઢકાપ – સર્જરી કરતો હોય એને તો ખબર જ હોય કે શરીરની અંદર રુચિકર કશું જ નથી હોતું. શરીર તો હાડમાંસની એક ગોઠવણ માત્ર છે. અહીં કશું જ સુંદર નથી, વાસ્તવમાં સર્વત્ર બગાડ છે. ડોક્ટર એ પણ સમજી શકે કે શરીર મળમૂત્ર જેવી ગંદકી માટેનું વચગાળાનું સંગ્રહસ્થાન પણ છે. પેટ ચીરતાં તેને અંદર રહેલો વિકાર નજરે ચડે જ. તે છતાં પણ ડોક્ટર શરીર પર મોહિત થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, ડોક્ટરનો વિરોધી જાતિના શરીર માટેનો લગાવ આશ્ચર્ય પેદા કરે છે. ચામડીના બાહ્ય રૂપ-રંગમાં તે મોહિત થાય છે.
હવે તો સોશિયલ મીડિયા દ્વારા આ વાત વધારે ઉજાગર થઈ રહી છે. ક્યારેક ક્યારેક રેસ્ટોરાંના ખાવાનામાંથી કીડા નીકળે છે, થુંકવાળી રોટલી પીરસવામાં આવે છે, બનાવટી તેમ જ હાનિકારક પનીરનો છૂટથી ઉપયોગ થતો હોય છે, શાકના રસામાં પરસેવાનો સ્વાદ પણ ઉમેરાતો હોય છે, કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલ વાસી ખોરાક ગરમ કરીને પીરસવામાં આવે છે. એવું નથી કે દરેક રેસ્ટોરાંમાં આમ થતું હોય છે, પણ ક્યારેક, વધતાં ઓછાં પ્રમાણમાં આ પ્રકારની ઘટના કોઈક રેસ્ટોરાંમાં આકાર તો લેતી જ હોય છે. તે છતાં પણ બહારના ખાવાનો મોહ છૂટતો નથી. જીભના રસ માટેનો આ મોહ છે.
ધૂમ્રપાનથી નુકસાન થાય છે. ફેફસાં નબળાં પડે છે. કેન્સર થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. પૈસાનો બગાડ તો થાય છે જ, પણ સાથે સાથે કુટુંબનું વાતાવરણ પર કલુષિત થવાની સંભાવના હોય છે. આવું જ દારૂ માટે પણ કહી શકાય. બધાં જાણે છે કે દારૂ પીવાથી લીવર ખરાબ થાય. ક્યારેક પાચનતંત્રના અવયવો પર પણ નકારાત્મક અસર થાય. મનની નિષ્ક્રિયતા પણ વધતી જાય. આ પ્રકારની લતમાં જીવન પણ બરબાદ થઈ શકે. ક્યારેક તો દારૂ ઝેર સમાન બની જાય છે. છતાં પણ વ્યસન છુટતાં નથી. વ્યસનથી મળતાં જે તે પ્રકારના નશા માટેનો આ મોહ છે.
દરેક વ્યક્તિ જાણે છે કે વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવાથી બધાંને તકલીફ તો પડે જ, પરંતુ પોતે પણ મોટી મુશ્કેલીમાં પડી શકે. ચાલુ વાહને મોબાઈલ પર પ્રવૃત્ત રહેવાથી અકસ્માત સર્જાઇ શકે. બિનજરૂરી ઝડપ જીવનભર પસ્તાવા માટેનું કારણ બની શકે. આ બધું જાણમાં હોવાં છતાં, વ્યક્તિ આ બધાથી અજાણ હોય તે રીતના વ્યવહાર કરતો હોય છે. મનોવિજ્ઞાનનો આ એક મોટો કોયડો છે. વર્તમાનમાં જીવી લેવાનો આ મોહ છે. જાત પરનો વધારે પડતો વિશ્વાસ પણ આ પ્રકારના વ્યવહારનું કારણ હોય છે. ક્યારેક માત્ર વર્તમાનને મટીરીયલાઈઝ કરી દેવાની ભાવના, આ પ્રકારના વર્તનની પાછળ હોય તેમ જણાય છે. જે તે સમયે મહત્તમ પામી લેવાનો આ મોહ છે.
જીવનના અમુક તબક્કામાં ઈમાનદારીથી ભણી લેવું જોઈએ, પણ તેમ થતું હોય તેમ જણાતું નથી. અન્યને તકલીફ ન પડે તે રીતે જિંદગી જીવવી જોઈએ, પણ જીવનમાં પરની અપેક્ષાએ સ્વ મહત્ત્વનો બની રહે છે. પરંપરાગત મૂલ્ય તેમ જ સંસ્કારોનું પાલન કરવું જોઈએ, પરંતુ મહદ અંશે અન્ય સમાજ દ્વારા ઉધાર અપાયેલી બાબતોનું અનુકરણ પ્રચલિત બનતું જાય છે. યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લઈ, યોગ્ય માર્ગે આગળ વધી શકાય તે માટેની વ્યવસ્થા સમાજ અને સૃષ્ટિમાં સ્થાપિત થયેલી છે, પણ તે સત્યને નજરઅંદાજ કરવામાં આવે છે. એમ જણાય છે કે વ્યક્તિને માત્ર જીવી લેવું છે. જે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ નજીકથી સત્યને જોઈ શકતી હોય તે પણ આ પ્રકારના અભિગમથી મુક્ત થઈ શકતી નથી. માયાનો આ તો પ્રભાવ છે. માયાના સર્જન માટેના મોહનું આ પરિણામ છે. મોહ એ જીવનનું નકારાત્મક, પણ પ્રભુત્વ ધરાવતું ચાલક બળ છે.
જાણકારી તો બધાં પાસે છે, પણ વ્યવહાર તે મુજબનો નથી. સામે દેખાતાં સત્યની સહજ સ્વીકૃતિ મોટાભાગના લોકો માટે મુશ્કેલ છે. સતત પ્રતીત થતાં સત્ય તરફ ઉદાસીનતા પ્રવર્તતી જણાય છે. પસાર થતાં સમયની કિંમત સમજાતી નથી. એક પણ શ્વાસ પાછો મળવાનો નથી તેની જાણ હોવા છતાં શ્વાસ પર ઇન્વેસ્ટ – રોકાણ કરાતું નથી. સામાન્ય સંજોગોમાં જે સ્વાભાવિક પ્રતિભાવ સમાન હોય, તે પ્રમાણેનો પણ વ્યવહાર દેખાતો નથી. કોઈક વિરલા ક્યાંક જાતને સાચવીને બેઠા હોય, પરંતુ તેમના પર નજર જતી નથી, જો નજર જતી હોય તો, તે બાબતે રસ કે કુતુહલ જાગ્રત થતાં નથી, એકવાર એમ થાય તો પણ તે દિશામાં પરિશ્રમ થતો નથી, અને આ બધું જ થાય તો મોહ રહેતો નથી.