સંતવાણીમાં જંગમ તીરથ
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
તીર્થ કોને કહેવાય? પવિત્ર નદીનો ઘાટ કે સંગમ. ૠષિઓ દ્વારા સેવાયેલું જળ અને ગુને તીર્થ કહેવાય. તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોના ઈષ્ટ-આરાધ્ય દેવ દેવીઓનાં મંદિરો, મઠ, હવેલી, આશ્રમ, ધર્મસ્થાનકો, સંતસ્થાનકો – કૈલાશથી ક્ધયાકુમારી, ઓખાથી આસામ… હિમાલયથી રામેશ્વર, શૈવ ધર્મમાં- દ્વાદશ જ્યોતિર્લિંગ, વૈષ્ણવ પરંપરામાં – દ્વારિકાથી જગન્નાથપૂરી અને શાક્ત સંપ્રદાયમાં-બાવન શાક્તપીઠોને તીર્થ તરીકેનું સ્થાન-માન અપાયું છે.
જ્યાં જવાથી મન અને શરીર પવિત્ર બને, આપણો આત્મા દિવ્ય તત્ત્વ તરફ આકર્ષાય. કોઈ અગમ્યની અનુભૂતિ જે સ્થળે જવાથી થાય તેવું સ્થાન તે તીર્થ. ‘તીર્થ’ એટલે પવિત્ર ને સુંદર સ્થાન. સંસ્કૃત સાહિત્યમાં ‘તીર્થ’ શબ્દના; તરી જવા માટેનું સુગમ સ્થાન. ઘાટ, આરો, ઓવારા વગેરે અર્થો અપાયા છે. પ્રાચીન સમયમાં સાગર, સરિતા, સરોવર, વાવ, કૂવા, તળાવ, કુંડ વગેરે જળાશયોને કાંઠે જ તીર્થો રહેતાં એટલે આવાં પવિત્ર સ્થળો વિશે ‘તીર્થસ્થાન’ શબ્દ પ્રચલિત બની ગયો છે. અને વાત પણ ખરી છે. સંસાર સાગરને પાર કરવા માટે જે સ્થાન વિશેષ સહાયક બની શકે એવું હોય, સુગમ હોય, માર્ગદર્શકરૂપ હોય તેને આપણે ‘તીર્થસ્થળ’ કહી શકીએ.
આપણાં શાસ્ત્રો-પુરાણોમાં પ્રાચીન તીર્થસ્થાનો વિશે માહાત્મ્યો દર્શાવવાની પરંપરા ખૂબ જૂના સમયથી ચાલી આવી છે. ધર્મગ્રંથોમાં આવાં સ્થળો વિશે અપાયેલું માહાત્મ્ય લોક્સમુદાયને યાત્રા-પ્રવાસ માટે માર્ગદર્શન રૂપ થઈ પડે એ રીતે ધર્મ અને અધ્યાત્મના રંગે રંગીને રજૂ કરવામાં આવતું. ભારતની ચારે દિશાઓમાં આવેલાં પુરાણ પ્રસિદ્ધ પવિત્ર સ્થાનોનો મહિમા અને ચારધામ, સાત પવિત્ર નદીઓ, પાંચ સરોવરો, પાંચ પિતૃતીર્થ, સાત મોક્ષપુરીઓ, બાર જ્યોતિર્લિંગ, સાત પર્વત, ચૌદ પ્રયાગ, એકાવન શક્તિપીઠો, ચાર મઠ, ચોરાસી બેઠકો વગેરે સ્થળો વિશેનું માહાત્મ્ય આપણા ધર્મગ્રંથોમાં ખાસ્સો એવો ભાગ રોકે છે. આપણે ત્યાં એક જ તીર્થસ્થાનકમાં અનેક ધર્મ-પંથ-સંપ્રદાય કે ફાંટાનાં ધર્મસ્થાનકો સાવ અડોઅડ ઊભાં હોય એવું જોવા મળે છે. અને એ કારણે તમામ જાતિ-કોમ કે વર્ણના લોકો જુદા-જુદા ધર્મ-પંથો વિશે માહિતગાર બને છે.
સંતોની જગ્યાઓમાં નાત-જાતના ભેદભાવ વિના જીવમાત્રને પ્રવેશ તથા રહેવા-જમવાની સગવડ મળે છે, આ કારણે સમગ્ર દેશમાં એક પ્રકારની ભાવનાત્મક એક્તા સર્જવાનું કાર્ય આ તીર્થસ્થળો-યાત્રા ધામો કરતાં હોય એવું લાગે છે. નાના મોટા એક એક યાત્રાધામ પાછળ ઇતિહાસના લાંબા પટને વિસ્તરતી પૌરાણિક કથાઓ, દંતકથાઓ અને લોકમાન્યતાઓની સુવિશાળ પરંપરા આજ સુધી જીવંત રહી શકી છે. તેનું ખરું શ્રેય ભારતની ખાસ કરીને સૌરાષ્ટ્રની સંતસંસ્કૃતિને ફાળે જાય છે. ‘સાધુ તો ચલતા ભલા’ ની નેમ રાખીને આપણા ૠષિ-મુનિ-ભક્તોએ ઠેકઠેકાણે અધ્યાત્મ ચિંતનની મશાલો ચેતાવી છે.પણ આપણા લોક્સંતો દ્વારા આપણી સંતપરંપરામાં તો એમ ગવાતું રહે છે કે- ‘અડસઠ તીરથ સંતને ચરણે..’ બૌદ્ધ સિદ્ધ સરહપ્પાએ ગાયું છે: ‘ક્ધિતહ તિત્થ તપોવણ જાઈ, મોકરવ કિ-લબ્ભઈ પાણી ન્હાઈ..’ (તીરથયાત્રા કરવાથી, તપોવનમાં તપ કરવાથી કે જળમાં સ્નાન કરવાથી શું મોક્ષ્ા મળી જાય છે?)
અગિયારમી સદીના જૈન મુનિ રામસિંહ કહે છે: ‘તિત્થઈ તિત્થ ભમેહિ વઢ ધોયઉ ચમ્મુ જલેણ એહુ મણુ કિમ ધોએસિ તું હું મઈલઉ પાવમલેણ..’ (અરે મૂરખ! તીરથનાં તીરથ તું ભમ્યો, ચામડાની કાયાને પવિત્ર જળથી સ્નાન કરાવતો રહ્યો પણ તારી અંદરના પાપોથી મલિન થયેલા મનને કેવી રીતે પવિત્ર કરીશ? કેમ ધોઈશ?..)
નાથ સિદ્ધ ગોરખનાથજી તો એમ ગાતા રહે કે- ‘દેવળ જાત્રા સુંનિ જાત્રા, તીરથ જાત્રા પાણી, અતીત જાત્રા સુફળ જાત્રા, બોલે અમરિત વાંણી..’ (મંદિરોની યાત્રા તો શૂન્ય હોય છે, એનાથી કશું જ પ્રાપ્ત ન થાય, અને તીર્થયાત્રાઓ હોય પાણી જેવી. ભૂતકાળની યાત્રા જ- જનમોજનમની સાધનાની સ્મૃતિની યાત્રા જ સફળ યાત્રા કહેવાય. જે અમૃત વાણીને જન્મ આપે છે.)
કબીર સાહેબ આ બહારની યાત્રા વિશે શું કહે છે?
‘મનમેં મૈલા તીરથ નહાવે, તિનિ વૈકુંઠ ન જાનાં..’ ‘મન મથુરા, દિલ દ્વારકા, કાયા કાશી જાણ, દસમા દુવારા દેહુ રા, તા મેં જ્યોતિ પિછાંણ…’ ‘મથુરા જાવૈ દ્વારકા, ભાવે જાવે જગન્નાથ, સાધ સંગતિ હરિ ભજન બિન, કછૂ ન આવૈ હાથ…’
ચરણદાસજીએ ગાયું છે:
‘ઘટમેં તીરથ ક્યોં ન નહાવો? ઈત ઉત ડોલો પથિક બનેહી ભરમિ ભરમિ ક્યોં જનમ ગંવાવો ?
ઘટમેં… ગોમતી કરમ સુકારથ કીજે, અધરમ મેલ છુટાવો, શીલ સરોવર હિત કરી ન્હૈયે, કામ અગિનકી તપન બુઝાવો…
રેવા સોઈ ક્ષ્ામાકો જાનૌ, તા મેં ગોતા લીજે તનમેં ક્રોધ રહન નહીં પાવૈ, ઈસી પૂજા ચિત્ત દૈ કીજૈ સત જમુના, સંતોષ સરસતી, ગંગા ધીરજ ધારૌ જૂઠ પટકિ નિર્લોભ હોય કરી, સબહી બોજા સિરસૂં ડારો દયા તીરથ કર્મનાશા કહિયે, પરસૈ બદલા જાવે ચરણદાસ શુકદેવ કહત હૈ ચોરાશીમેં ફિર નહીં આવે…’
ગણપતરામ નામના સંતકવિ કહે છે :
‘તન તરવેણીમાં તીરથ મોટું, નિરમળ મન જે ન્હાય પ્રાગ પાંદડે પોઢ્યા પરિબ્રહ્મ, દેવનાં દરશન થાય…’
આપણે ત્યાં લોકભજનિકો તો કાયમ ગાતા રહે છે- ઘટમાં ગંગા ઘટમાં કાશી, ઘટમાં ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીરથધામ… અડસઠ તીરથ સંતના ચરણે, ગંગા જમુના રેવા…આનંદ મંગલ કરૂં આરતી, હરિ ગુરુ સંતની સેવા…