ધર્મતેજ

મનન: વૈરાગ્ય માટે નામ છોડવાનો મહિમા

-હેમંત વાળા

નામ એટલે વ્યક્તિની સામાજિક વ્યવહાર માટેની શાબ્દિક ઓળખ. નામ એટલે માતાપિતાના ઉમળકાનું પરિણામ. નામ એટલે વ્યક્તિના ગૌરવ સાથે ગૌરવ પામતું એક માધ્યમ. નામ એટલે દેહની ઓળખ. નામ એટલે વ્યક્તિની વિશેષતાની સાબિતી. નામ એટલે એક ટોળામાંથી વ્યક્તિને અલગ પાડવાની પ્રક્રિયા.

નામ એટલે વ્યવહાર માટેનું વ્યક્તિગત સાધન. આ નામ સાથે કેટલાંય સમીકરણો, કેટલાંય સંદર્ભો અને કેટલાંય અનુસંધાન જોડાયેલા હોય છે. સંન્યાસ લેતી વખતે, સૌ પહેલા આ નામનો ત્યાગ કરવો પડે છે. આ એક અગત્યની પ્રતીકાત્મક પ્રક્રિયા છે.
સનાતની સંસ્કૃતિમાં જ્યારે કોઈ વ્યક્તિ દીક્ષા ધારણ કરે ત્યારે તેના જૂના નામનો ત્યાગ કરાતો હોય છે. આ એક ફરજિયાત પગલું છે. જૂનું નામ છોડવાથી કેટલાક ઇચ્છિત પરિણામો સમક્ષ આવે છે. આ કંઈ એક સામાન્ય પ્રક્રિયા નથી, તેની પાછળ ગહન ચિંતન તથા ઊંડાણ કારણભૂત છે.

નામની સાથે જે જે પણ વસ્તુ જોડાયેલી હોય તે તે વસ્તુઓ છોડવાની વાત છે. નામ સાથે જે જે ભાવના ઉદભવતી હોય તે ભાવનાઓના ત્યાગની આ વાત છે. નામ સાથે જે ઉત્તરદાયિત્વ અને હક જોડાયેલા હોય તેનો પણ અહીં છેદ ઊડી જાય છે. પછી ઉત્તરદાયિત્વ વિશાળ પરિપ્રેક્ષ્યમાં ફેલાઈ જાય છે અને હક શૂન્યતાને પામે છે.

નામ સંદર્ભ સ્થાપિત કરે છે. નામ થકી વ્યક્તિગત, કૌટુંબિક તેમજ સામાજિક ઓળખ બંધાય છે. નામ વ્યવહારમાં તથા સામાજિક સંચાલનમાં અગત્યની ઓળખ તો છે જ પણ સાથે સાથે નામ થકી સંલગ્ન વ્યક્તિ-સમૂહની એક વિચારધારા સમજી શકાય. જો કોઈ વ્યક્તિનું નામ રામ રાખવામાં આવ્યું હોય તો તે વ્યક્તિને સંલગ્ન વ્યક્તિ-સમૂહ જીવનમાં શેને મહત્ત્વ આપે છે તે વિશે ખાતરીપૂર્વક અભિપ્રાય આપી શકાય.

આ પણ વાંચો : અલૌકિક દર્શન : સ્વપ્ન ઘણી વાર આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બને છે…

સંન્યાસ લેવો હોય તો, નામ દુર્યોધન હોય કે યુધિષ્ઠિર, ત્યાગ તો કરવો જ પડે. દુર્યોધન નામ સાથે પણ કેટલાંક સમીકરણ અને સમજણ જોડાયેલી છે તેવી જ રીતે યુધિષ્ઠિર નામ સાથે પણ અમુક છબી સ્થાપિત થયેલી છે. સંન્યાસ માટે આ બધાથી બહાર નીકળવું પડે.

દુર્યોધન તેમજ યુધિષ્ઠિર, બંને નામ પણ અમુક સંદર્ભ સ્થાપિત કરે. બંને નામ એક ચોક્કસ પ્રકારની માનસિકતા છતી કરે. જ્યારે વ્યક્તિ સંન્યાસ લે ત્યારે ભૂતકાળના પ્રત્યેક પ્રકારના આવરણનો ત્યાગ કરવો પડે-તેની બાદબાકી કરવી પડે. નામનો ત્યાગ કરવાથી ઘણાં બધાં સમીકરણો જાણે નાશ પામે છે. નામનો ત્યાગ કરવાથી વ્યક્તિના મનમાં ભૂતકાળના સંદર્ભ તથા ભૂતકાળના સંબંધ ભૂલવા માટેની ભૂમિકા બંધાય છે.

નામ બદલાતાં વ્યક્તિની ઓળખ બદલાઈ જાય છે. દીક્ષા લેનાર, વૈરાગ્યના માર્ગે જનાર, સંન્યાસના સિદ્ધાંતને સ્વીકારનાર વ્યક્તિના ભૂતકાળના સંબંધીઓ પણ તે સંબંધો પર પૂર્ણવિરામ મૂકે છે. તે સંબંધીઓ હવે માની લે છે કે હવે સમીકરણો પૂરાં થયાં.

કેટલીક પરંપરામાં દીક્ષા લેતા પહેલાં સ્વયંની ઉત્તરક્રિયા પણ કરવી પડે છે. ઉત્તરક્રિયા ત્યારે જ થઈ શકે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થયું હોય. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના નામનો પણ નાશ થાય-તેના નામનો કોઈ અર્થ ન રહે. એમ કહી શકાય કે વ્યક્તિ અને તેનું નામ એક સાથે મૃત્યુ પામે છે.

તેથી જ મૃત્યુ માટેની ઉત્તરક્રિયા કર્યા બાદ જૂનું નામ છૂટી જાય તે સ્વાભાવિક છે. વ્યવહાર માટે પછી નવું કોઈ નામ ધારણ કરવામાં આવે છે. આ નવું નામ-નવી વ્યવહારિક ઓળખ ઘણી રીતે સૂચક હોય છે. આ નામ સાથે એક સાત્ત્વિક અર્થ જોડાયેલો હોય. આ નામ આગળ પાછળ મુકાતા શબ્દ-સમૂહમાં જે તે સંપ્રદાયની ઓળખ પણ ગૂંથાયેલી હોય. આ નામમાં આધ્યાત્મિક માર્ગનું પણ સૂચન જોવા મળે.

જે વ્યક્તિ આ નવું નામ સાંભળે તેના મનમાં જુદા જ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય. આ ભાવ મુખ્યત્વે આધ્યાત્મિક અનુશાસનનો રહે છે.

ભૂતકાળના નામના ત્યાગ સાથે વ્યક્તિની જૂની ઓળખ નાબૂદ થાય, નવા નામ સાથે નવી ઓળખ સ્થાપિત થાય. પરંતુ સંન્યાસના ઉચ્ચતમ શિખર પર કોઈપણ પ્રકારની ઓળખ સ્વીકાર્ય નથી. ત્યાં તો બધું જ બ્રહ્મમય હોય છે. ત્યાં અહમ બ્રહ્માસ્મિની સ્થિતિ પ્રવર્તતી હોય છે. નામ-રૂપનું કોઈ પણ પ્રકારનું જોડાણ ત્યાં નથી હોતું.

કોઈપણ પ્રકારની વ્યક્તિગત ઓળખને ત્યાં સ્થાન નથી હોતું. ત્યાં તો બધું એકાકાર હોય છે. ત્યાં કોઈ ભેદ કે ભિન્નતા નથી હોતી. ત્યાં હું કે તું નથી હોતું, મારું કે તારું નથી હોતું, અહીં કે તહીં નથી હોતું, છે કે નથી પણ નથી હોતું. ત્યાં માત્ર એકત્વ છે. ત્યાં કોઈ પણ પ્રકારનું દ્વૈત નથી હોતું. તેથી ત્યાં નામની જરૂર નથી.

નામ બદલવાની ક્રિયા તો વચગાળાનો વ્યવહાર છે. એક તબક્કામાંથી અંતિમ તબક્કા સુધી જવા માટેની વચગાળાની સ્થિતિ છે. આ તબક્કામાં નામની જરૂર હોય છે પરંતુ પૂર્વાપર સંબંધોની જરૂર નથી હોતી. આ તબક્કામાં વ્યક્તિગત ઓળખ થવી જોઈએ, પણ તે નવા પ્રકારની હોય. આ ઓળખ સાથે ભૂતકાળની કોઈ પણ ઘટનાનો કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય. આ તબક્કામાં હજુ પણ દેહભાવ હોય છે.

તે દેહભાવ કદાચ ક્ષીણ થઈ ચૂકેલો હોય તો પણ જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી દેહને નામ આપવું પડે. પરમ સ્થિતિમાં જ્યારે દેહભાવનો નાશ થાય ત્યારે નામની જરૂર ન રહે. ત્યારે આત્માની ઓળખ માત્ર પૂરતી છે.

ઘણા વિરલાઓ એવા હોય છે કે જેમને નામ ચાલુ રહે છે કે બદલાય છે તેથી કંઈ ફેર નથી પડતો. તેઓ તો પોતાની મુક્તિના માર્ગ પર મસ્તીથી ચાલ્યા જાય છે. તેઓને નથી નામની ચિંતા કે નથી ઓળખની પરવા. તેઓ મુક્તિની સ્થિતિને સંપૂર્ણતામાં સમજી ચૂક્યા હોય છે.

દરેક પ્રકારની ઓળખને તેઓ સાંસારિક સમજે છે, અને સાંસારિક બાબતોથી તેઓ પર થઈ ગયા હોવાથી, આમાંની કોઈ બાબત તેમને અસર કરતી નથી. તેમની માટે નામ હોવું તે પણ ન હોવાની સ્થિતિ છે અને નામ ન હોવું તે તો ન હોવાની સ્થિતિ છે જ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button