ધર્મતેજ

ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ

-હેમુ ભીખુ

જીવનમાં સૌથી જરૂરી મનની શાંતિ છે, ખુશી નહીં. જો મન શાંત હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત લાગે, કશા માટે કશી ફરિયાદ ન રહે, ક્યાંય કોઈ પ્રકારનો અસંતોષ કે ઉદ્વેગ ન રહે, દરેક બાબતની સ્વીકૃતિ શક્ય બને, તટસ્થતા સ્થાપિત
થઈ શકે, કોઈપણ પ્રકારનું બિનજરૂરી ખેંચાણ ઊભું ન થાય, રાગદ્વેષને દૂર કરવાની શક્યતા ઊભી થાય, ક્યાંક અહંકારનો પણ નાશ થઈ શકે, ભક્તિ કરવામાં સરળતા રહે, જ્ઞાનના માર્ગમાં કોઈ અવરોધ ન આવે, ધ્યાન તથા સાધનામાં સરળતાથી સંમિલિત થઇ શકાય, સત્યનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપે સમજી શકવાની સંભાવના વધે, વિવેક જાગ્રત રહે, સંયમમાં વિક્ષેપ ઉભો ન થાય, સૃષ્ટિનાં વાસ્તવિક સ્વરૂપ પ્રત્યે ધ્યાન જઈ શકે અને આ બધાં કારણોસર પરમ તરફની ગતિ શક્ય બને.

મન શાંત હોય તો અસ્તિત્વની ચારે બાજુ જાણે શીતળતા છવાઈ જાય. મન શાંત હોય તો ગુરુદેવની કરુણા સ્પષ્ટપણે પ્રતિત થઈ શકે. મન શાંત હોય તો બધું જ શાંત થવાની શક્યતા વધી જાય. મન શાંત હોય તો મનની શાંતિ જાણે ચારે તરફ પ્રસરી જાય.

આ સાથે પ્રેય તથા શ્રેય, નિત્ય તથા અનિત્ય, નૈતિક તથા અનૈતિક, પવિત્ર તથા મલિન, સાત્વિક તથા તામસી, વિદ્યા તથા અવિદ્યા, મુક્તિ તથા બંધન – જેવી બાબતોની યથાર્થ સમજ સ્થપાવાની સંભાવના વધે. એમ કહી શકાય કે મનની શાંતિ એ શૂન્ય અને અનંત વચ્ચેનો સેતુ છે.

એકવાર મન શાંતિ અનુભવે પછી બીજા કોઈ પણ પ્રકારની અનુભૂતિ માટે તેને રસ ન જાગે. શાંતિની અનુભૂતિ થયાં પછી બધી જ કામનાઓ, બધી જ અપેક્ષાઓ, બધી જ ધારણાઓ, બધી જ માન્યતાઓ જાણે શૂન્યતામાં પ્રવેશી જાય. મન શાંત થાય ત્યારે કશું જ કરવાપણું બાકી ન રહે અને ન કરવાપણાં માટેનો પણ આગ્રહ ન રહે. મન શાંત થાય ત્યારે કર્તાપણું, કર્મ અને તે પાછળનાં ઉદ્દેશ્યનું અસ્તિત્વ જ ન રહે. અન્ય રીતે પણ મનની શાંતિ માનવ જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મન શાંત હોય તો આધ્યાત્મિક ઉન્નતિ તો શક્ય બને જ, પણ સાથે સાથે શરીર અને મગજ-બુદ્ધિની તંદુરસ્તી પણ સુધરી શકે.

શાંત વ્યક્તિ જીવનની સમસ્યાઓનો વધુ અસરકારકતાથી અને ધીરજપૂર્વક સામનો કરી શકે છે. મન શાંત હોય તો માનસિક તણાવ, ચિંતા, હતાશા કે સંભવિત વિફળતાનો પ્રભાવ ઓછો
થઈ શકે.

મન શાંત હોય તો લોહીના દબાણના, હૃદયની અનિયમિતતાના, અનિદ્રાના, માથાના દુખાવાના, કે આવાં અન્ય સ્વાસ્થ્યના પ્રશ્નો દૂર રહે. મન શાંત હોય તો તટસ્થતાથી પ્રતિભાવ આપી શકાય, પ્રતિભાવમાં સંયમ જાળવી શકાય, યોગ્ય-અયોગ્યનો યોગ્ય નિર્ણય લઈ શકાય અને આ બધાંને કારણે સામાજિક તેમજ કૌટુંબિક સંબંધ સકારાત્મક રીતે જળવાઈ જવાની સંભાવના વધે. શાંત મનને કારણે એકાગ્રતા વધી શકે જેનાથી સરળતાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. આ બધું જો એકત્રિત થાય તો સ્વાભાવિક છે કે જાત ઉપર આત્મવિશ્વાસ વધે. શાંતિની સ્થિતિમાં ક્રોધ આવવાની સંભાવના નહિવત થઈ જાય. જ્યારે મન શાંત હોય ત્યારે કામનાનો આવેગ પણ ન ઉદ્ભવે. શાંતિ એ સુખ નથી પરંતુ સુખનું કારણ છે, અને તેથી શાંતિથી સુખની અનુભૂતિ પણ થઈ શકે.

આથી જ શાંતિ નું મહત્તવ જીવનમાં સૌથી વધુ છે. શાંતિ હોય તો જ અમુક પ્રકારની સકારાત્મક સંભાવનાઓ ઉભરી શકે.

ધ્યાન અને પ્રાણાયામ, શ્વાસનું નિયમન, પરિસ્થિતિને સ્વીકારી લેવાની માનસિકતા, સંતુલિત જીવન શૈલી, સકારાત્મક વિચારોની સ્વીકૃતિ, નૈતિક બાબતોનું અનુસરણ, સાત્વિક ભક્તિ, સેવાવૃત્તિ વાળી કેટલીક પ્રવૃત્તિઓ તથા ધાર્મિક મનન-ચિંતન જેવી બાબતો મનને શાંત રાખવામાં મદદરૂપ બની શકે. સદગુરુ સાથે સંવાદ સ્થાપવાથી પણ શાંતિ મળી શકે.

સંપત્તિથી શાંતિ ન મળી શકે. સંપત્તિથી સગવડતા મળી શકે અને એશોઆરામ પ્રાપ્ત કરી શકાય, પણ તેનાથી શાંતિ ન મળે. સામાજિક પદ અને પ્રતિષ્ઠા પણ શાંતિ ન આપી શકે. તેનાથી તો અહંકાર પ્રગાઢ થઈ શકે. ચોક્કસ પરિસ્થિતિમાં આ અહંકાર અશાંતિનું કારણ બની શકે. પદ અને સંપત્તિથી હું અને મારુંની ભાવના વધુ દ્રઢ બને. શાંતિ માટે આ એક જોખમી સ્થિતિ ગણાય. સૃષ્ટિમાં એવી એક પણ બાહ્ય સ્થિતિ નથી કે જે શાંતિનું કારણ બની શકે. ક્યારેક એમ કહેવામાં આવે છે કે કુદરતની નજીક રહેવાથી શાંતિ પ્રાપ્ત થઈ શકે. પણ તેમ ત્યારે જ શક્ય બને કે જ્યારે શાંતિના બીજ મનમાં રોપાઈ ગયાં હોય.

આપણ વાંચો:  ફોકસ: પ્રબુદ્ધ પાટણની પ્રતિભા

શાંતિ એ મનનો વિષય છે. શાંતિ એ મનની ભૂમિકામાં સ્થાપિત થતી પરિસ્થિતિ છે. શાંતિ એ કોઈપણ પ્રકારની સંલગ્નતા કે આશય વગર પરિસ્થિતિને જેમની તેમ સ્વીકારવાની તૈયારી છે. શાંતિ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, બંને પ્રત્યે લગાવનો અભાવ. ગીતામાં કહેવાયું છે કે અશાન્તસ્ય કુત: સુખમ્ અર્થાત અશાંતને સુખ ક્યાંથી. શાંતિ અને સુખ પરસ્પર સંકળાયેલી બાબત છે, તેમ અહીં સ્થાપિત થાય છે. સુખ માટે શાંતિ એ ભૂમિકા સમાન છે. સુખ માટે શાંતિ એ પૂર્વ શરત છે. સુખ માટે શાંતિની આવશ્યકતા છે.

સૌથી જરૂરી મનની શાંતિ છે. જો મન શાંત હોય તો જ પરિસ્થિતિ યથાર્થ સ્વરૂપે સમજાઈ શકે. મન શાંત હોય તો જ પરમ-માર્ગ પર દ્રષ્ટિ પડી શકે.

મન શાંત હોય તો જ ગુદેવની ગેરહાજરીમાં પણ તેમની વાણી સંભળાઈ શકે. મન શાંત હોય તો જ ગુરુદેવ સાથે સૂક્ષ્મ સંવાદ સ્થાપિત થવાની સંભાવના ઊભી થઈ શકે. મન શાંત હોય તો જ પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનાં સમીકરણની અનુભૂતિ થઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button