ધર્મતેજ

ચિંતન : યજ્ઞોમાં જપયજ્ઞ હું છું

-હેમુ ભીખુ

શબ્દોનાં ઘણાં સ્વરૂપ હોય છે. તે લખાણ સ્વરૂપે સંદેશો વ્યક્ત કરી શકે. ઉચ્ચારણ થકી પણ અભિવ્યક્તિ કરી શકાય. શબ્દો સાંભળી પણ શકાય અને તેને અનુસાર જે તે બાબતનો અર્થ સમજી પણ શકાય. મનમાં ઘૂમરાતા શબ્દો પણ ચોક્કસ પ્રકારની માનસિકતા ઊભી થવા માટે જવાબદાર રહે. રામરોટીમાં પીરસતી વખતે જે ‘પૂરી-રામ’, ‘શાક-રામ’ તેની પાછળ આ સિદ્ધાંત જ કામ કરી જાય છે.

દરેક શબ્દ સાથે એક અર્થ જોડાયેલો હોય છે. જ્યારે હાથી શબ્દ કહેવામાં આવે હાથી વિશેની લગભગ પ્રત્યેક માહિતી મનના ઊંડાણમાંથી ઊભરી આવે. હાથીનો આકાર, તેનું માપ, તેનો રંગ, તેની ક્ષમતા, તેનાં અંગો અને તેની પરસ્પરની ગોઠવણ, તેની ઉપયોગીતા, પરંપરા સાથે તેનો સંબંધ-બધું જ લગભગ એકસાથે મનમાં સ્થાપિત થવા માંડે.


Also read: શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે


આ સાથે હાથી સાથે જોડાયેલી, અનુભવાયેલી કેટલીક વ્યક્તિગત બાબતો પણ મનના કોઈક ખૂણામાં ઊભરતી વર્તાય. હાથીની લગભગ સંપૂર્ણતામાં પ્રતીતિ થઈ જાય, માત્ર એક શબ્દ સાંભળવાથી, તે નજર સમક્ષ ન હોય તોપણ.
આવું જ ‘રામ’ શબ્દ સાથે પણ થાય.

આ શબ્દના ઉચ્ચારણથી શ્રીરામની ‘આકૃતિ’ તો મનમાં ઊભરે જ પણ સાથે સાથે તેમનું જીવન, તેમના સિદ્ધાંત, તેમનો સંદેશ, તેમની પવિત્રતા, તેમની કર્તવ્યપરાયણતા, અધર્મ સામે તેમની લડત, સંબંધોની સાચવણીમાં તેમની કાળજી, સમાજના દરેક વર્ગને મહત્ત્વ આપવાની તેમની પ્રતિબદ્ધતા, ‘અવતાર’ હોવા છતાં માનવીય મર્યાદાઓ સ્વીકારવાની તેમની તૈયારી, દરેક વ્યક્તિને યોગ્ય તક આપવાની તેમની કટિબદ્ધતા, પુરુષાર્થ માટેનો તેમનો લગાવ, સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે તેમની નિશ્ર્ચલતા, પવિત્રતા તથા નિર્દોષતા પ્રત્યે તેમનું સન્માન, જે તે સ્વરૂપે પ્રવર્તમાન અહંકાર પર વિજય સ્થાપિત કરવાના તેમના પ્રયત્નો-આ બધું જ એકસાથે મનમાં ઉદ્ભવે. જ્યારે રામ નામનો જપ કરવામાં આવે ત્યારે આ બધી બાબતો મનમાં વારંવાર સ્થાપિત થતી રહે અને વ્યક્તિ રામમય બનતો જાય. જપયજ્ઞનું આ મહત્ત્વ છે.

લગભગ દરેક શબ્દ સાથે ભાવનાત્મક સંબંધ પણ જોડાયેલો હોય છે. જ્યારે રામ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે શ્રીરામ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિગત સમીકરણ પણ ભાવના બનીને ઊભરે. શ્રીરામ સાથે સંલગ્ન અયોધ્યા સમાન ધામની જે યાત્રા કરી હોય, શ્રીરામના સ્થાનિક મંદિરની મૂર્તિ પર જે નજર ટેકવી હોય, શ્રીરામને લગતાં જે પુસ્તકો વંચાયાં હોય, શ્રીરામના જે સ્વરૂપનું ઘરે રોજ પૂજન થતું હોય, નાનપણમાં દાદીમાના મોઢેથી શ્રીરામની જે વાતો સાંભળી હોય, રામનવમીની જે રીતે ક્યારેક ઉજવણી કરી હોય અથવા દર વખતે જે રીતે ઉજવણી થતી હોય-એ બધું જ ભાવના બનીને અસ્તિત્વમાં ઊભરી આવે. જપયજ્ઞ ભાવનાત્મક સંબંધ બાંધવા માટેનું એક અગત્યનું માધ્યમ બની શકે. જપયજ્ઞથી આ ભાવનાનું દૃઢીકરણ થયા કરે. અધ્યાત્મમાં પ્રગતિ માટે આ એક અગત્યનું ચરણ છે.

ભમરી અને કીડાના ઉદાહરણ પરથી એ તો સ્થાપિત થઈ ચૂક્યું છે કે જો એક બાબતનું ચિંતન વારંવાર થાય તો પરિસ્થિતિ તે બાબતમાં રૂપાંતરિત થતી જાય. જો કીડો ભમરીમાં રૂપાંતરિત થઈ શકતો હોય તો માનવી તો રામમય થઈ જ શકે. આ માટે શ્રીરામનું સતત મનન અને ચિંતન ચાલુ રહેવું જોઈએ.

શ્રીરામના નામનું રટણ એકાગ્રતાથી જળવાઈ રહેવું જોઈએ. શ્રીરામ શબ્દના મંદ ધ્વનિ તરંગો તથા તેની સાથે જોડાયેલ ભાવનાત્મક માહોલ ચારે બાજુ પ્રસરેલો હોવો જોઈએ. આ પ્રક્રિયા સતત એકધારી વિક્ષેપ વિના ચાલુ રહેવી જોઈએ. એ બધા સાથે શ્રીરામ તથા તેના નામનો મહિમા મનમાં છવાયેલો રહેવો જોઈએ.

આ એક ભાવનાત્મક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમાં સ્થૂળ શરીર દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોની સાથે સૂક્ષ્મ અસ્તિત્વની ભાવના જોડાય છે. આ બંનેના એકત્રીકરણથી કારણ અસ્તિત્વ સુધી પહોંચવાનો માર્ગ સ્થાપિત થતો જાય છે. શબ્દનું ઉચ્ચારણ શરીર કરે છે. તેની અસર અંત:કરણનાં વિવિધ સ્વરૂપ પર થાય છે. પ્રક્રિયા આગળ વધતાં અસ્તિત્વમાં જે સૂક્ષ્મ તરંગો ઉદ્ભવે તેનાથી કારણ અસ્તિત્વ અનુભવાય છે.

કારણ અસ્તિત્વની અનુભૂતિમાં અધ્યાત્મની અને મુક્તિની અનેક વાતો, અનેક સંભાવનાઓ વણાઈ જાય છે. જપયજ્ઞની આ ક્ષમતા છે. જપયજ્ઞમાં આ સંભાવના છે. જપયજ્ઞનો આ હેતુ છે. જપયજ્ઞનું આ સત્ય છે. તેથી જ ભગવદ્ગીતાના વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે ‘યજ્ઞોના સર્વ પ્રકારમાં હું જપયજ્ઞ છું.’ આ એક નાનકડા કથનથી શ્રીકૃષ્ણએ જપયજ્ઞની પ્રતિષ્ઠા તેમ જ ક્ષમતા સ્થાપિત કરી દીધી.

જપયજ્ઞ કરવાના વિવિધ પ્રકાર છે. કેટલાક ભક્તજન માત્ર માનસિક સ્મરણ માટે આગ્રહ રાખતા હોય છે. તેમની દૃષ્ટિએ જપ એ મન દ્વારા ઈશ્ર્વરને વારંવાર યાદ કરવાની પ્રક્રિયા છે. કેટલાક મંદ ઉચ્ચારણમાં માનતા હોય છે. તેમની દૃષ્ટિએ જે તે સ્થાને જો થોડો અવાજ રહેતો હોય તો તે અવાજના મારણ તરીકે મંદ ઉચ્ચારણ જરૂરી રહે.

કેટલાક થોડે મોટેથી ઉચ્ચારણનો પક્ષ લેતા હોય છે. તેમના અભિપ્રાય મુજબ જો ઉચ્ચારણ મોટેથી હોય તો વાતાવરણમાં પણ એક પ્રકારના તરંગો પ્રસરે અને તેના લાભ વધુ રહે. તેઓ એમ પણ માનતા હોય છે કે આમ કરવાથી આ તરંગોનો લાભ અન્યને પણ મળી શકે. કેટલાક ભક્તજન લયબદ્ધ રીતે જપ કરતાં કરતાં સાથે સંગીતનો પણ સહારો લે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં તેમનું સમગ્ર અસ્તિત્વ ઈશ્ર્વર સાથે જાણે નૃત્ય કરવા માંડે છે. જપયજ્ઞનો પ્રકાર જે પણ હોય, તેનું પરિણામ એક જ છે, અને તે છે ઈશ્ર્વરના જે તે સ્વરૂપની પ્રાપ્તિ.


Also read: Vaishno Devi ના શ્રદ્ધાળુઓને માટે સારા સમાચાર, હવે 13 કિલોમીટરનું અંતર એક કલાકમાં કપાશે


અહીં શ્રીરામના નામની જ વાત થઈ છે, પણ આ વાત ઈશ્ર્વરના દરેક સ્વરૂપને લાગુ પડે. એ સ્વરૂપ નિરાકાર પણ હોઈ શકે અને સાકાર પણ. એ પ્રકૃતિ સ્વરૂપ પણ હોઈ શકે અને પુરુષ પણ.

તે અચિંત્ય પણ હોઈ શકે અને ચિંતનાત્મક પણ. તે બાળ સ્વરૂપે હોય કે યુવા સ્વરૂપે પણ. તે શાંત ભાવમાં હોય કે રૌદ્ર – ઈશ્ર્વરનું જે સ્વરૂપ જપયજ્ઞ સાથે સંમિલિત હોય તે સ્વરૂપ ‘આકાર’ ધારણ કરીને ઈશ્ર્વર પ્રગટ થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button