ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

મનન : સ્વાધ્યાયથી ઈષ્ટદેવની પ્રાપ્તિ

  • હેમંત વાળા

પતંજલિના યોગદર્શનમાં જણાવ્યું છે કે ‘સ્વાધ્યાયા’ ઇષ્ટ દેવતાસમ્પ્રયોગ: અર્થાત સ્વાધ્યાય ઇષ્ટદેવતા સાથે સંબંધ થાય છે. અહીં સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાવાયું છે, ઇષ્ટદેવતા સાથે સંબંધ શક્ય છે તે પણ દર્શાવાયું છે, અને આ બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરાયો છે.

સ્વાધ્યાય એટલે પોતાના દ્વારા કરાયેલ અધ્યયન. આ ક્રિયા પોતાના દ્વારા જ થઈ શકે. સ્વાધ્યાય એ સ્વ કેન્દ્રિત ઘટના છે. સ્વાધ્યાયના વિશ્વમાં કોઈનો સહકાર, કોઈની મદદ કારગત ન નીવડે. ‘આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય’ જેવી આ વાત છે.
ગુરુદેવ જ્ઞાન આપે પણ તે જ્ઞાન પર મનન અને ચિંતન વ્યક્તિએ જાતે કરવું પડે. શાસ્ત્રો દ્વારા દિશા સૂચન થયા પછી તે દિશામાં પ્રયાણ તો જાતે જ કરવું પડે.
જેને સત્યનો અનુભવ થઈ ચૂક્યો હોય તે સંત થોડી પ્રેરણા આપી શકે, થોડો ટેકો આપી શકે, માર્ગ બતાવી તે માટે ખાતરી આપી શકે, પણ અંતે તો વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવાનો છે. ઈશ્વર પ્રાપ્તિ માટેના આ પ્રયત્ન એટલે સ્વાધ્યાય.
ગીતામાં કામ અને ક્રોધ જેવા ભાવથી મુક્ત થવા અભ્યાસ અને વૈરાગ્યની વાત થઈ છે. આ અભ્યાસ એટલે જ એક પ્રકારનો સ્વાધ્યાય. જે કંઈ કરવું છે તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ એટલે સફળતા માટે વિશ્વાસ રાખીને લગનથી નિષ્ઠાપૂર્વક તે કાર્ય માટેની પ્રવૃત્તિ. આ અભ્યાસ જ્યારે માત્ર સ્વ આધારિત હોય ત્યારે તે સ્વાધ્યાય બને.

સ્વાધ્યાયમાં લક્ષ્ય જાતે નક્કી કરવાનું હોય, એ સિદ્ધ કરવાનો માર્ગ જાતે જ ચિન્હિત કરવાનો હોય, આ સમગ્ર પ્રક્રિયામાં જે જે ક્ષમતા જરૂરી હોય તે સ્વયં હાંસીલ કરવાની હોય, સમગ્ર પ્રક્રિયામાં જો કોઈ ઉપકરણો જરૂરી હોય તો તેની પ્રાપ્તિ પણ જાતે જ કરવાની હોય, જાતે જ ધીરજ ધારણ કરી સતત પ્રયત્ન કરતાં રહી લક્ષ્યને પામવા માટે એકાગ્રતા સ્થાપિત કરવાની હોય – આ આખી પ્રક્રિયાને સમગ્રતામાં સ્વાધ્યાય કહી શકાય.

નિષ્ઠાપૂર્વક કરેલ સ્વાધ્યાય હંમેશા સફળ થાય. આ સ્વાધ્યાય થકી લક્ષ્ય જો ઈશ્વર પ્રાપ્તિનું હોય તો તે પણ સિદ્ધ થાય. ગીતામાં જણાવાયું છે કે અનન્ય ચિત્તથી જ્યારે ઈશ્વર સાથે સંધાનનો પ્રયત્ન થાય ત્યારે ચોક્કસ પણે તે સફળ થાય. સ્વાધ્યાય દ્વારા આવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. જે વ્યક્તિ સ્વાધ્યાયમાં સંપૂર્ણપણે લીન હોય, અન્ય કોઈ બાબત તેના મનમાં પ્રવેશી શકતી ન હોય, કાચબો જેમાં અંગોને સંકેલી લે તેમ તેની ઇન્દ્રિયો સંકેલાઈ ચૂકી હોય, જેનું ચિત્ત માત્ર ઈશ્વર-ચિંતનમાં સંમિલિત હોય તે વ્યક્તિ માટે સ્વાભાવિક રીતે ઈશ્વર પ્રાપ્તિ સહજ બની રહે.

ચિત્તની આ પ્રકારની એકાગ્રતાને કારણે અન્ય કોઈ બાબત તરફ તેનું ધ્યાન જ ન જાય. વિષય સાથે સંલગ્ન રાગદ્વેષ, હોવાપણાનો અભિમાન, હું અને મારું પ્રત્યેનું મમત્વ, પરિણામ-લક્ષી કાર્યનો આરંભ કરવાની વૃત્તિ, સંસારના પ્રપંચમાં લિપ્તતા, માયાના આવરણથી ઊભી થતી પરિસ્થિતિ, શ્રદ્ધાના અભાવથી સ્વચ્છંદતા તરફની રુચિ – આ અને આવી બાબતો સ્વાધ્યાયીને ક્યારેય વિચલિત ન કરી શકે.

સ્વાધ્યાયી જ્યારે ઉચ્ચ સ્થિતિને પામે ત્યારે તેને સ્વયંના દેહના અસ્તિત્વનું પણ ભાન ન હોય. આ અસ્તિત્વ સાથે સંકળાયેલો અહંકાર પણ ક્ષીણ ક્ષીણ થઈ નાશ પામે. સ્વાધ્યાયી જ્યારે ઉચ્ચ સ્થિતિને પામે ત્યારે ઈશ્વર સ્વયં તેના તરફ ડગલા માંડે.

ઈશ્વર છે અને તેની સાથે સંધાન શક્ય છે. ઈશ્વર છે અને તેની પ્રાપ્તિ પણ શક્ય છે. ઈશ્વર છે અને તેના એશ્વર્યાને અનુભવી શકાય છે. આત્માની પ્રતીતિ દ્વારા ઈશ્વરને સમજી પણ શકાય છે. ઈશ્વરની આધ્યાત્મિકતા સાથે આધ્યાત્મિક સમીકરણ સ્થાપી શકાય છે. ઈશ્વરનું ધ્યાન આપણા તરફ ફેરવી શકાય છે. આ બધું શક્ય એટલા માટે છે કે તે માટે સ્વાધ્યાય નામનું સાધન પ્રાપ્ય છે.

ઈશ્વરને પામવાનો સતત પ્રયત્ન એટલે સ્વાધ્યાય. ઈશ્વરને સમજવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ એટલે સ્વાધ્યાય. સાત્ત્વિકતા જાળવી રાખીને નૈતિકતાના ઉચ્ચ ધોરણો સાથે આધ્યાત્મિકતાના માર્ગ પરનો પ્રવાસ એટલે સ્વાધ્યાય. શાસ્ત્ર દ્વારા સ્થાપિત વિચારધારા સંપૂર્ણતામાં સ્વીકારી તે પ્રકારનો વ્યવહાર એટલે સ્વાધ્યાય. ગુરુદેવના પ્રત્યેક વચનમાં શ્રદ્ધા રાખી તે મુજબનું વર્તન કરવાનો સતત પ્રયત્ન એટલે સ્વાધ્યાય.

સંત-જનો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ માર્ગનું સંપૂર્ણતામાં અનુસરણ એટલે સ્વાધ્યાય. આ બધી પ્રક્રિયા જાતે કરવાની હોય. ગુરુકૃપા હોઈ શકે, ઈશ્વરની કરુણા પણ હોઈ શકે, ક્યારેક સંજોગો પણ સાથ આપી શકે, ક્યારેક સમયનો પ્રવાહ અનુકૂળ હોય શકે, પણ તે માટે પણ વ્યક્તિગત સ્વ-અધ્યાયમાં લેશમાત્ર પણ કચાસ ન હોવી જોઈએ.

દરેક કાર્ય સંભવ છે, માત્ર તે માટેની નિષ્ઠા હોવી જોઈએ. કોઈપણ મંઝિલ સુધી પહોંચી શકાય છે, તે માટે માત્ર માર્ગ વ્યવસ્થિત રીતે નિર્ધારિત થયેલો હોવો જોઈએ. સિદ્ધિ પામી શકાય છે, તે માટે માત્ર નિર્વિકલ્પ યોગની સ્થિતિ માટેના પ્રયત્નો હોવા જોઈએ. બધું જ શક્ય છે, ઈશ્વરની પ્રાપ્તિ પણ શક્ય છે, માત્ર સ્વાધ્યાય અને, અડચણ રૂપી બાબતો પ્રત્યે, વૈરાગ્ય માટે મન તૈયાર હોવું જોઈએ. સ્વાધ્યાયથી વૈરાગ્ય પણ પ્રાપ્ત થઈ શકે અને વૈરાગ્યનો ભાવ જાગ્રત થયા પછી સ્વાધ્યાયમાં રૂચિ વધી જાય.

આ પણ વાંચો…માનસ મંથન: એક સમય થાય પછી સૌની સાથે સંબંધો ટકાવી રાખીને ફેલાવેલા પાથરણાં સંકેલી લેવા…

જીવનનું અંતિમ ધ્યેય ઈશ્વર પ્રાપ્તિનું હોઈ શકે. આ જન્મમરણના ફેરામાંથી તેનાથી મુક્તિ મળી શકે. ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થતાં પ્રત્યેક નકારાત્મક બાબત નાશ પામે. પૂર્ણ પુરુષોત્તમ માટે જ્યારે લગાવ જાગે ત્યારે સૃષ્ટિની અન્ય દરેક બાબતો નિરર્થક બની રહે. આ બાબતોની નિરર્થકતા માટે કાયમ જાળવી રાખવી પડતી સભાનતા એટલે જ સ્વાધ્યાય. માયાના પ્રપંચને, અજ્ઞાનના અંધકારને, ઇન્દ્રિયોની માયાજાળને અને માનવ સહજ મર્યાદાઓને ઓળખવા માટે સ્વાધ્યાય જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button