ધર્મતેજ

તમારા દર્શન બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
બાણાસુર ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચે છે અને માફી માગે છે અને કહે છે, પ્રભુ હું તમને ઓળખી શક્યો નહોતો. ભગવાન કૃષ્ણ કહે છે, ‘પ્રિય બાણાસુર તમે ફક્ત શિવના જ પ્રિય નથી, મારા પણ પ્રિય છો. તમારી દીકરી દ્વારકાપુરીમાં રાજ કરશે.’ ત્યારબાદ બાણાસુર ભગવાન શિવને વિનંતી કરે છે કે, ‘પ્રભુ હવે મને કોઈ રક્ષકની જરૂર નથી, મારી વિનંતી છે કે તમે શિવગણો સાથે કૈલાસ પરત ફરો.’ ભગવાન શિવ પોતાના શિવગણ સહિત શોણિતપુરથી વિદાય લે છે અને કૈલાસ પરત ફરે છે. શોણિતપુરમાં સત્યનું આચરણ થઈ રહ્યું હતું. પણ બાણાસુર બેચેન હતો. એક મધ્યરાત્રિએ મુનિવેશ ધારણ કરી કૈલાસ તરફ નીકળી પડયો. કૈલાસ પહોંચી એણે વિવિધ પ્રકારનાં સ્તોત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરી તાંડવનૃત્ય કરવા લાગ્યો. તે પોતાના મુખ દ્વારા વાજાં વગાડી રહ્યો હતો અને વચમાં વચમાં ભ્રમર વાંકીચૂંકી કરીને તથા મસ્તક કંપાવીને હજારો પ્રકારના હાવભાવ સાથે તાંડવ નૃત્ય કરતો હતો. નૃત્યથી પ્રસન્ન થઈ ભગવાન શિવે વરદાન માગવાનું કહેતાં બાણાસુરે કહ્યું ‘પ્રભુ, હવે મને કોઈ શક્તિ કે પદની ઈચ્છા નથી. હું એટલું ઇચ્છું છું કે મને અક્ષય ગણનાયકત્વ પ્રાપ્ત થાય, ઉષાપુત્ર અર્થાત મારા દોહિત્રનું શોણિતપુરમાં રાજ્ય થાય, દેવતાઓ સાથે મારો વૈરભાવ મટી જાય, મુજમાં રજોગુણ અને તમોગુણયુક્ત દૂષિત દૈત્યભાવનો પુન:ઉદય ન થાય, મુજબમાં સદાયે નિર્વિકાર શંભુ-ભક્તિ બની રહે અને શિવભક્તો પર મારો સ્નેહ અને સમસ્ત પ્રાણીઓ પર દયાભાવ રહે.’ વરદાન મળતાં બાણાસુર શોણિતપુર પરત ફરી સુશાસન કરવા લાગ્યો અને યોગ્ય સમયે મહાકાલને પ્રાપ્ત થયો.

ઘણા સમયથી ભગવાન શિવના દર્શન થયા ન હોવાથી દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે, કૈલાસ ખાતે આવી રહેલા દેવર્ષિ નારદને જોઈ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી જલ્દીથી અદૃશ્ય થઈ જાવ. હંમેશાં દેવર્ષિ નારદને આપણે સરળતાથી ઉપલબ્ધ થઈ જઈએ છીએ, આ વખતે હું તેમની પાસેથી તપશ્ર્ચયા કરાવવા ઇચ્છું છું.’ આટલું કહી ભગવાન શિવ અદૃશ્ય થઈ જાય છે.

દેવર્ષિ નારદ માતા પાર્વતી પાસે આવી કહે છે : ‘માતા આ શું થઈ રહ્યું છે, ભગવાન શિવને અદૃશ્ય થતાં મેં જોયા છે શું તેઓ મારાથી રુષ્ટ છે.’
માતા પાર્વતી: ‘નહીં, દેવર્ષિ એવું નથી.’

દેવર્ષિ નારદ: ‘એવું નથી તો ભગવાન શિવ અદૃશ્ય કેમ થઈ ગયાં.’

માતા પાર્વતી: ‘તેઓ તમને સરળતાથી ઉપલબ્ધ નહીં થાય, તમારે તપસ્યા કરવી પડશે.’

દેવર્ષિ નારદ: ‘માતા જેવી તમારી આજ્ઞા અને ભગવાન શિવની ઇચ્છા, હવે હું તપસ્યાના માધ્યમથી જ ભગવાન શિવને પ્રસન્ન કરીશ.’

એટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે અને જંગલ તરફ પ્રયાણ કરે છે, તેઓ આકાશ માર્ગે ભ્રમણ કરતાં વિચારે છે કે તપસ્યા માટે કઇ જગ્યા અનુકૂળ હશે. એ જ સમયે એક આશ્રમ તેમને દેખાય છે. તેઓ આગળ વધતાં જુએ છે કે આશ્રમમાં ઋષિ દધીચિ તેમની પત્ની માતા સુવર્ચા સાથે તપસ્યા કરી રહ્યાં છે. દેવર્ષિ નારદ વિચારે છે ક્ે ઋષિ દધીચિના આશ્રમમાં તેમની સાથે તપસ્યા કરવી સૌથી ઉત્તમ છે. દેવર્ષિ નારદ ઋષિ દધીચીની તપસ્યામાં ખલેલ ન પડે એ રીતે તેમની સામે બેસી તપસ્યા કરવા માંડે છે. તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદ વિચારે છે કે ઋષિ દધીચિ અને માતા સુવર્ચા બંને સાથે મળીને તપસ્યા કરે છે તો તેમને ફળ પણ બે ગણું (ડબલ) મળશે, હું રહ્યો બાળબ્રહ્મચારી મારી પણ પત્ની હોત તો મને પણ બે ગણું (ડબલ) ફળ મળત. એ જ સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં પધારે છે.

ભગવાન શિવ: ‘પ્રિય દધીચિ અને સુવર્ચા હું પ્રસન્ન છું તમારી મનોકામના જણાવો.’

ઋષિ દધીચિ: ‘મહાદેવ તમે ત્રિકાલદર્શી અને સર્વાન્તરયામી છો, તમને બધાના અંતરની વાત ખબર છે, તમારા દર્શન થયા બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું.’

ભગવાન શિવ: ‘ઋષિ તમે તમારી પત્ની સુવર્ચા સાથે મારા જેવો પુત્ર પ્રાપ્ત કરવા ઘણા સમયથી તપસ્યા કરતા હતા, હું તમને વરદાન આપું છું કે તમને પીપ્લાદ નામનો એક રૂદ્ર અવતારી પુત્ર પ્રાપ્ત થશે, જેના દર્શન માત્રથી શનિગ્રહની બધી બાધા દૂર થશે અને તમે જન્મજન્માંતર સુધી આરાધના કરવાની કામના દર્શાવી હોવાથી હું તમને વરદાન આપું છું કે તમારા શરીરની દરેક અસ્થિઓ વ્રજ સમાન અતૂટ બની જશે.’
સુવર્ચા: ‘માતા પાર્વતી અને ભગવાન શિવ આપના દર્શન અને મળેલા વરદાનથી અમારું જીવન ધન્ય થઈ ગયું.’

દેવર્ષિ નારદ: ‘ભગવાન શિવ અને માતા પાર્વતી અહીં તમારો બીજો ભક્ત પણ તપસ્યા કરી રહ્યો છે.’

માતા પાર્વતી: ‘દેવર્ષિ અહીં અમે વરદાન આપવા આવ્યા છીએ. તમને પણ વરદાન આપીએ છીએ કે તમે તપસ્યા દરમિયાન જે મનોકામના વિચારી એ પૂર્ણ થશે.’
દેવર્ષિ નારદ: ‘કઈ મનોકામના માતા.’

ભગવાન શિવ: ‘થોડા સમય પહેલા તમે કામના કરી હતી કે તમારી જો પત્ની હોત તો એ પણ તમારી સાથે તપસ્યા કરત અને તમારી તપસ્યાનું બે ગણું (ડબલ) ફળ મળત. હું તમને વરદાન આપું છું કે તમને ટૂંક સમયમાં એક નિષ્ઠાવાન અને સુંદર પત્ની મળશે.’

દેવર્ષિ નારદ: ‘પ્રભુ, હું બાળ બ્રહ્મચારી છું મને વિચિત્ર અને વિનાશકારી વરદાન નથી જોઈતું, મને તો માત્ર તમારા દર્શન જ પર્યાપ્ત છે.

ભગવાન શિવ: ‘દેવર્ષિ આપેલું વરદાન પરત લેવાતું નથી, સાધકે તે સ્વીકાર કરવું જ પડે છે.’

માતા પાર્વતી: ‘દેવર્ષિ હવે તમારા ગ્રહસ્થ જીવન ભોગવવું જ રહ્યું, અને હા હવે કૈલાસ આવો ત્યારે તમારી પત્નીને સાથે જરૂર લાવજો. તમારું કલ્યાણ થજો.’

આટલું કહી ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી અદૃશ્ય થઇ જાય છે. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button