ધર્મતેજ

મંજરી

ટૂંકી વાર્તા -ધરમાભાઇ શ્રીમાળી

પાછળ વાડો વાળી રહેલી રમા એકલી એકલી બોલ્યા કરતી હતી. ઉપેન્દ્ર મોમાં બ્રશ ઘાલીને પાછલા બારણે આવ્યો. આંબા નીચે પડેલા પાનનો ઢગલો એક બાજુ કરતી રમાને એ જોઇ રહ્યો. એને સહેજ હસવું આવી ગયું. મનમાં થયું, ‘આ હવે ચાલવાનું… પાન ખર્યા કરશે ને રમા વાડો વાળતાં વાળતાં ખરેલા પાન પર બબડ્યા કરશે….
ઉપેન્દ્રને બારણાં વચ્ચે બેસીને આ બધું જોતાં જોતાં હળવે હાથે બ્રશ કરવાની મજા પડતી. સૂકાં પાનના ઢગલા પરથી નજર હટાવીને એેણે ઊંચું જોયું.

‘શું જોઇ રહ્યા છો? બ્રશ કરી લ્યો… ચા ઠરે છે.’
અટકી પડેલો હાથ ઝડપથી બ્રશ કરવા લાગ્યો.

સૂકાં પાન તડતડ થતાં સળગી ઊઠયાં. અડધા પાકાં રહી ગયેલાં પાનને લીધે વચ્ચે વચ્ચે ઢગલામાંથી ધુમાડો ઊઠયા કરતો હતો. ઉપેન્દ્રની આંખ બળવા માંડી. એ ઝડપથી ઊભો થઇને બાથરૂમમાં ગયો, પછી ઉપરાછાપરી છાલક મારીને આંખો ધોવા માંડ્યો.

રમાએ ગરમ મૂકેલી ચાના કપમાં તર બાજવા લાગી હતી.

પાનખર પછીની વસંતના ખ્યાલે ઉપેન્દ્ર દૂર દૂર સરકતો ગયો…
હજી તો દાઢી કરવાનું, નહાવાનું અને નાસ્તો… બધું બાકી હતું. એણે ધીમે રહીને ઊંચકેલા કપ હોઠે માંડ્યો. કશી જ ઉતાવળ વગર મનના વિચારો વાગોળવાનું નક્કી કર્યું હોય એમ એ બબડ્યો: ‘નથી જવું આજ તો… બહુ બહુ તો એકાદ સી. એલ…’
રસોડામાં રમા બધું ફટાફટ રોજની જેમ તૈયાર કરવા લાગી હતી. ઉપેન્દ્રએ રવિવારની જેમ ધીમી ગતિએ રસોડું કરવાનું કહેવાની ઇચ્છા થઇ, પણ એ કશું બોલી શક્યો નહીં. એનું મન આંબાની ડાળે ફરતું ફરતું મંજરીની પાસે જઇ ચડ્યું. ગઇસાલ આંબાને મોર બેઠો ને પહેલો ટહુકો સંભળાણો કે, એ કાગળ અને પેન લઇ કશુક ટપકાવવા માંડેલો, પણ ‘મંજરીના બહેકે છે બોલ…’ જેવી અડધી પડધી લખેલી કડી એમ જ રહી ગયેલી, ને પછી, આજની જેમ જ… શામપુરના રસ્તે ચડી ગયો હતો.

બે રૂમ, રસોડું, ઓસરી ને આગળ મોટો ચોક… ચોક વચ્ચે ઢાળેલા ખાટલા પર આડા પડી, મોં આગળ ચોપડી રાખીને થઇ રહેલો વાંચવાનો ડોળ…
‘પવલો સાલો… વાંચશેય નહીં ને વાંચવા દેશેય નહીં…’ જેવી ચીડ ઉપેન્દ્રને થતી, પણ સામેના મકાનની અગાશીમાં ખુરશી ઢાળીને બેઠેલી કૃષ્ણા અને ઉપેન્દ્રની બાજુમાં ખાટલામાં આડા પડેલા પ્રવીણ વચ્ચેના ચેનચાળા જોવાનું ચૂકાતું નહીં.

ઉપેન્દ્રને પ્રવીણના શબ્દો યાદ આવી ગયા.

‘તારે પેલી સાથે ગોઠવવું છે ઉપલા’ અને એની આગળ એક ચહેરો ખડો થઇ જતો. બાજુના મકાનમાં વિધવા મા સાથે રહેતી મંજરી… સુંદર, ગોળ ચહેરો, ગોરી ચામડી, વાદળ છાયી ઝાંય જેવી આંખો ને કાળા ભમ્મર રેશમી વાળ… મોં પર શરમનો ભાર, સુડોળ બાંધો….
‘એમાં શું ખોટું છે? એ બે બહેનપણીઓ ને આપણે બંને મિત્રો… તારુય ચાલે મારી જેમ…’ પ્રવીણે કહેલું.

ઉપેન્દ્ર કશું બોલી શકેલો નહીં. પ્રવીણે કૃષ્ણાને લખેલા પ્રેમપત્રમાં મંજરીનું ઉપેન્દ્ર સાથે…. લખી નાખેલું. ને એ પછીના ત્રણેક દિવસે મળેલી ચિઠ્ઠી. ઉપેન્દ્ર ગભરાઇ ગયેલો. એણે વાચ્યા વગર જ ઝડપથી ચિઠ્ઠી મુઠ્ઠીમાં વાળીને પેન્ટના ખિસામાં સરકાવી દીધેલી. બીજી સવારે નદીની કોતરમાં દિશાએ ગયો ત્યારે માંડ પેલી ચિઠ્ઠી વાંચવાની હિંમત થયેલી. પ્રથમ મિલનનું આમંત્રણ… આસપાસ બધું સુમસામ. કોતરો વચ્ચે બેઠેલા ઉપેન્દ્રના શરીરે પરસેવો ફરી વળેલો. એણે ચિઠ્ઠીના ઝીણા ઝીણા ટુકડા કરીને ફેંકી દીધેલા નદીમાં….

રસોડામાં રમા કઇ ગણગણતી કામ કરી રહી હતી. ઉપેન્દ્ર ઊભો થયો. રસોડા સુધી જવાની હિંમત ના થઇ. ફરી પાછો હતો એમ જ બેસી ગયો. પાછલા દરવાજેથી આવતા પવનની સાથે પાન ખરવાનો અવાજ અથડાયો, એને થયું, ‘હમણાં પાછી રમા બબડશે. હાલ બધું સાફ કર્યું’તું ને… ફરી હતું એવું થઇ ગયું…’ પણ. રમાએ વધારેલા શાકનો છમકારો સંભળાયોને ઉપેન્દ્રનું મને આગળ ચાલ્યું…
મંજરી ચોક વચ્ચેથી જતી આવતી હોય, એનાં ઘર આસપાસ ક્યાંય ઊભી હોય કે કશાક કામે વળગી હોય પણ એ પોતાની સામે નજર મેળવવાની કોશિશમાં હોય એવું ઉપેન્દ્રને લાગવા માંડેલું. દરરોજ સાંજે પ્રવીણ હાથમાં ચોપડી લઇને ઉપેન્દ્રની પાસે, ચોકમાં આવી પહોંચતો. પછી, સામેના મકાનની અગાશી અને ચોક મોજાર ચાર આંખો ઉછાળતી, કુદતી રમતે ચડી જતી, પણ ઉપેન્દ્રને આસપાસનો ડર રહ્યા કરે. એ પૂરી સાવચેતીથી આ બધામાં જોતરાતો. રસ્તા વચ્ચે મંજરી સામે મળતી એ ક્ષણનું પીંછું ઉપેન્દ્રના મનમાં લખલખું પ્રસરાવી જતું, પછી તો ‘સ્માઇલ પ્લીઝ’ની મુખમુદ્રા રચાવા માંડતી. એ બધું યાદ આવતાં આજેય ઉપેન્દ્રના ચહેરા પર વર્ષો જૂની પ્રસન્નતા છવાઇ ગઇ.

‘શું કરો છો….’ હજુ દાઢીય બનાવી નથી!’
ઉપેન્દ્રને રમાના સવાલથી ચીડ જેવું થઇ આવ્યું, પણ બીજી જ પળે એ હસી પડ્યો, ને દાઢી પર હાથ પસવારતો અરીસા સામે જઇ ઊભો. સાબુ, બ્રશ, પાણી, ફીણ અને ચહેરો… બધું રોજની જેમ શરૂ થયું. પણ, એના મનમાં ‘ફોઇજી…’ શબ્દ પ્રવેશ્યો ને એ ફીણોટાવાળા ચહેરે મોટેથી હસવા ગયો, પછી હાસ્યના પડઘા રમા સુધી જાય… એ ખ્યાલે ખૂબ ધીમું ધીમું અરીસા સાથે મલકાતો રહ્યો.
પ્રવીણનું ચક્કર કૃષ્ણા સાથે હતું એ અરસામાં જ મંજરીના મોટાભાઇની પુત્રી કેતકી સાથે પ્રવીણનું એંગેજમેન્ટ થઇ ગયું. ‘લે… લેતો જા… ફોઇજીનું ગોઠવી આપવાવાળાં સાલા પવલા!’ પણ પ્રવીણ તો નતમસ્તકે ઊભા રહીને, ‘જી ફુવાજી!’ એવી રીતે કહેલું કે અને મિત્રો એકબીજાને સામસામા ધબ્બા માર્યા પછી ક્યાંય સુધી હસતા રહેલા.

ઉપેન્દ્રને લાગેલું, ‘સાલુ…. હવે આ બધું ઓછું કરવું જોઇએ. પ્રવીણને તો કશી લાજશરમ નથી પણ… મંજરીની ભત્રીજી -કેતકી જાણી જાય તો…!’ જોકે એ લોકો તો મુંબઇ રહેતાં હતાં, છતાં ઉપેન્દ્રને પ્રવીણ પર ગુસ્સો આવી જતો. એ કહેતો, ‘પવલા… હવે તું કૃષ્ણા સાથેનું ચક્કર બંધ કર યાર….’ પણ પ્રવીણ એમ કઇ બંધ કરે એવો નહોતો. ઉલટું એણે તો નવરાત્રિની એક રાત્રે ઉપેન્દ્રના ઘરે આવીને વાંચી રહેલા ઉપેન્દ્રના મોં આડેથી ચોપડી ઝૂંટવી લઇને બોલેલો, સાલા ભણેશરી! ઊઠ… જલદી… પેલી બે જણી આવે છે…’
પ્રવીણની ગોઠવણ જાણીને ઉપેન્દ્રને ગભરાટ થવા માંડ્યો, એણે જોયું તો, પેલી બંને જણી પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી ગઇ હતી.

‘પ્રવીણ… છોડ યાર… પ્લીઝ! પણ એક ઝાટકો મારીને પ્રવીણ ઉપેન્દ્રને ઘરમાં ખેંચી લીધો હતો.

અંદરના રૂમમાં મંજરી આંખો ઢાળીને એક બાજુના ખૂણામાં ઊભી હતી. પહેલા રૂમમાં ગોઠવાયેલાં પ્રવીણ – કૃષ્ણા… એનાથી એ તરફ જોવાઇ ગયેલું.

મંજરી હજુ એમ જ ઊભી હતી. ઉપેન્દ્ર થોડો આગળ વધ્યો, પછી ચોક તરફ ખુલતા બારણા પ્રતિ જોતાં જોતાં જ એણે હાથ ઊંચક્યો. મંજૂરીએ ઉપેન્દ્ર પ્રતિ એક નજર નાખી, તે ઝડપથી ડોક ઝુકાવતી પગનો અંગૂઠો નીચેની ભોંય પર ઘસવા માંડી. ઉપેન્દ્રનો હાથ મંજરીના ખભે સહેજ અડકે એ પહેલાં, ‘બસ બસ…

હવે બહાર નીકળો કોઇ આવી જશે…’ કરતો પ્રવીણ આગલા રૂમના દરવાજેથી બહાર નીકળ્યો ને ઉપેન્દ્રનો હાથ પાછો ખેંચાઇ ગયેલો. ચોકમાં ઢાળેલા ખાટલે બેઠાંય નહોતાં ને સામે બા-બાપુજી અને બહેનો ગરબા જોઇને આવતાં દેખાણાં ‘બચી ગયા!’ના ભાવ સાથે ઉપેન્દ્ર ચોપડી વાંચવા માંડેલો ને મંજરી…

હાથમાં પકડેલું રેઝર એક બાજુ મૂકીને ઉપેન્દ્ર આંગળીના ટેરવા સામે જોઇ રહ્યો. મંજરીના ખભે ટેરવુંય અડકયું નહોતું, છતાંય ટેરવે ટેરવે સ્પર્શની મહેક ફરી રહી હોય. એ ટેરવા જોવા લાગ્યો.
રસોડામાંથી વાસણનો ખડખડાટ સંભળાયો, ને એ જલદીથી બધું સમેટતો બાથરૂમમાં ઘુસી ગયો. નહાવાનું શરૂ કરે એ પહેલાં, ‘આગળ કશું વિચારવાનું જ નથી હવે… ઝટપટ તૈયાર થઇને ઓફિસે જતા રહેવું…’ જેવું મનમાં થયું, પછી નહાવા માંડ્યું. માથામાં સાબુ ઘસ્યો. આંખો મીંચીને ફરી પાછો મંજરીનો ચહેરો બંધ આંખોમાં ઉઘડવા માંડ્યો. ‘આજ કેમ એક સાથે જ બધું….?’ નો સવાલ થયો, પણ પછી, ‘જ્યારે એ યાદ આવે છે… ને આમ જ… બધું લંબાતું જાય છે…’ ના વિચારે એ ઘડીક સ્થિર થઇ ગયા.

‘હું નહીં આવી શકું, તમે જઇ આવો…’ પ્રવીણના લગ્નની કંકોત્રી આવી ત્યારે રમાએ કહેલું, બનીઠનીને એ ગયો હતો.

ચોરીમાં લગ્નવિધિને થોડીકવાર લાગે એમ હતું, એણે મોકો જોઇને ઘરમાં ઘુસ મારી, બધાં પોતપોતાની ધમાલમાં હતા. ઘરમાં એકબાજુ પ્રાયમસ ધમધમતો હતો, ને મંજરી ચા ઉકાળી રહી હતી. એ ફટ્ દઇને એની જોડે ઉભડક બેસી ગયેલો, પછી મંજરીના હાથમાંથી ડોયો લઇને તપેલામાં ઉકળતી ચામાં ગોળ ગોળ ફેરવવા માંડ્યો. મંજૂરીનું રૂપ સોળેકળાએ ખીલ્યું હતું, પણ આંખો…
બાથરૂમમાં મૂકેલી ડોલમાં વધ્યું ઘટ્યું પાણી ઉપેન્દ્રએ જલદી માથા પર ઢોળ્યું ને ઊભો થઇ ગયો. માથા પરથી ટપકતા પાણીને ચહેરા પરથી લૂછવા એણે બે હાથ ઢાંક્યા. એની ભીની હથેળીઓમાં, મંજરીની આંખોમાં જોયેલી વાદળી ઝાંય દેખાવા લાગી.

‘કેમ છો?’ એ માંડ બોલેલી, પછી મંજરીના પરણ્યા પછીના રૂપને જોતો રહેલો.

‘પેલો ફોટો છે તમારી પાસે?’
‘હા… છે ને!’
‘મને પાછો આપી દેજો.’ બોલતી મંજરીએ હળવે રહીને એના પાકીટમાંથી ઉપેન્દ્રનો ફોટો કાઢ્યો ને કશું બોલ્યા વગર ઉપેન્દ્રને પરત, કર્યો.

ઉપેન્દ્રથી ઝાઝીવાર ત્યાં બેસી શકાયું નહીં. એ ઊઠવા ગયો ને શબ્દો અથડાયા. ‘પરણ્યા પછી આ રીતે ફોટા રાખવા સારા નહીં…’

લગ્નની ધમાલ પુરજોશમાં શરૂ થયેલી. શરણાઇ, મંગલફેરા…. પુષ્પવૃષ્ટિ… પ્રવિણ પર પુષ્પવૃષ્ટિ કરતા ઉપેન્દ્રની નજર મંજરી પર જઇ ચડેલી. એ આ તરફ જ જોતી જોતી કેતકી પર પુષ્પવૃષ્ટિ કરવા પ્રયત્ન કરી રહી હતી, પણ એના હાથમાંથી ફેંકાતી પુષ્પ પાંખડી કેતકી પર પડવાને બદલે ચોરીમાં પ્રજવળતા અગ્નિમાં જઇ પડતી હતી.
‘ટપાલ..’
‘એ હા…’ રમાનો અવાજ.

ઉપેન્દ્રે ઝડપથી ટુવાલ વીંટાળ્યો ને માથાના વાળ ઝાટકતો બહાર આવ્યો.

પાછલા બારણે પવનનો સુસવાટો થયો. ખડ્ ખડ્ થતું એક પાન અંદરની ગેલેરીમાં ઊડી આવ્યું. ટપાલ લેવા જતી રમાએ બારણું જોરમાં આડું કર્યું. બારણું અથડાવાનો અવાજ આખા ક્વાર્ટરમાં ફરી વળ્યો.
‘ધીમેથી બંધ કરને!’ ઉપેન્દ્રથી સહેજ ઊંચા અવાજે બોલી જવાયું.

‘લો… તમારા ભાઇબંધનો કાગળ.’
‘હેં…!’ કરતો ઉપેન્દ્ર ખુશ થઇ ગયો. ‘પવલો… સાલો…. પરણ્યા પછી કાગળ લખતો જ બંધ થઇ ગયો છે…’ જેવું બબડતાં એણે ઝડપથી રમાના હાથમાંથી કાગળ લઇ લીધો.

‘આપું છું તો ખરી… પછી ઝાપટ મરવા જેવું શું લેવા કરો છો? તમારા ભાઇબંધ છે તો કંઇ મારાય ભાઇખરા કે?’ રમા બોલતી બોલતી રસોડામાં ગઇ, એણે થાળી પીરસવા માંડી. ખાસીવાર થઇ, એણે બે-ત્રણ બૂમો પાડી. પછી, ‘અહીં જમવાનું કાઢ્યું છે ને તમે છો તે… કાગળ મોં સામે ધરીને હજુય ઊભા છો?’ કહેતી બહાર આવી. પછી, ‘લાવો… વાંચવા દો મને!’ પણ આટલું બોલ્યા પછી રમા ઝંખવાણી પડી ગઇ. ઉપેન્દ્ર કશું બોલ્યા વગર રમાએ લઇ લીધેલા કાગળની આરપાર એક નજરે જોઇ રહ્યો હતો. એનો ચહેરો પેલા આંબાના સૂકા પાન જેવો થઇ ગયો હતો.
‘શું છે તે!’ તરડાતા અવાજે રમાએ કાગળ પર નજર નાખી.

‘પ્રવીણભાઇનાં ફોઇજીના ઘરવાળા? એ કોણ…? હા, હા…. પેલા આલ્બમમાં જોયા હતા એ…!’ બોલતી રમાનો અવાજ ધીમો પડી ગયો. ‘બચ્ચારા ખૂબ નાની ઉંમરમાં…’
ઉપેન્દ્રને કશું સૂઝતું નહોતું. એનું મન ખિન્ન થઇ ગયું હતું. ચહેરા પર ઉદાસીના થર એકસાથે જ જામવા લાગ્યા હતા. એનાથી રમા સામે ઊભું રહેવા કે જવાબ આપવા જેટલી શક્તિ રહી નહોતી. એ ઝડપથી વાડા બાજુ જતો રહ્યો.

ઘડી પહેલાં વાળીને સાફ કરેલા વાડામાં ફરી અડધાં લીલાં પાન ખરી પડ્યાં હતાં. ઉપેન્દ્રની નજર આંબાની ડાળે ડાળે કશુંક શોધતી શોધતી રમાના હાથમાં હજુયે પકડી રાખેલા કાગળમાં જડાઇ ગઇ. પ્રવીણના લગ્ન વખતે છેલ્લે જોયેલો મંજરીનો રૂપ રૂપના અંબાર સમો, સોળે શણગાર સજેલો ચહેરો એક ક્ષણ એની પાંપણો પર આવી બેઠો. એણે પાંપણો ઊંચીનીચી કરી. પછી કાગળ તરફ ફરીથી નજર ગઇ અને ઝળઝળિયાં આડે બધું ઝાખું- પાંખું થતું ગયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button