ધર્મતેજ

એકસ્ટ્રા અફેર: ભાજપ સરકારની નિષ્ફળતા, મણિપુર બીજું કાશ્મીર બની રહ્યું છે

ભરત ભારદ્વાજ

મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે રાહત કેમ્પ બનાવાયા છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં પોલીસ સ્ટેશનની નજીક મણિપુર હિંસાથી વિસ્થાપિત મૈતેઈ સમુદાયના લોકો માટેની રાહત શિબિરમાંથી છ લોકો ગાયબ થઈ ગયેલા. એક દિવસ પછી જીરી નદીમાં આ છ પૈકીની એક મહિલા અને બે બાળકોના મૃતદેહ તરતા જોવા મળ્યા.
આ ઘટનાના એક દિવસ પછી કહેવાતા કુકી ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન અને સીઆરપીએફ ચોકી પર હુમલો કર્યો હતો. સામે જવાનોએ પણ ગોળીબાર કર્યો તેમાં ૧૦ આતંકવાદી માર્યા ગયા. તેના કારણે આખા મણિપુરમાં પાછો તણાવ છે. કુકી સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. સૈનિકોની જેમ યુનિફોર્મ પહેરીને આવેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ એકે રાઇફલ, ચાર એસએલઆર, બે ઇન્સાસ રાઇફલ, એક આરપીજી, એક પંપ એક્શન ગન, બીપી હેલ્મેટ અને મેગેઝિન મળી આવ્યા હોવાનું કહેવાય છે.

માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ આસામના સિલચરની હોસ્પિટલમાં રખાયા છે તો ત્યાં પણ લોકોનાં ટોળાં જામી ગયાં છે. આસામ પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મૃતદેહો મણિપુર પોલીસને સોંપવામાં આવશે પણ પરિવારના સભ્યોએ મૃતદેહોને ત્યાં સોંપવાની માગ સાથે પથ્થરમારો કર્યો તેમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. સાવચેતીના પગલારૂપે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવ્યું છે અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

મણિપુર સાવ ટચૂકડું રાજ્ય છે. મણિપુરનો વિસ્તાર ૨૨,૩૨૭ ચોરસ કિલોમીટર છે એ જોતાં ૧૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગુજરાતના વિસ્તારના માંડ ૧૨ ટકા વિસ્તાર થયો જ્યારે વસતી તો ૨૮.૫૫ લાખ છે એ જોતાં ગુજરાતની કુલ વસતીના ૪ ટકા વસતી થઈ. આટલી ઓછી વસતી ને વિસ્તાર ધરાવતા મણિપુરમાં હિંસાને લગભગ ૫૦૦ દિવસ થઈ ગયા પણ ભાજપ સરકાર આ હિંસાને ડામી શકતી નથી તેના કરતાં વધારે શરમજનક બીજું શું કહેવાય ?

આ પણ વાંચો : મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યું

મણિપુરની કુકી-મૈતેઈ વચ્ચે ચાલી રહેલી હિંસાના ૫૦૦ દિવસ દરમિયાન સત્તાવાર રીતે ૨૩૭ લોકોના મોત થયાં છે અને ૧૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. બિન સત્તાવાર રીતે કેટલાં મર્યાં ને કેટલાં ઘાયલ થયાં એ કહેવું તો અશક્ય છે કેમ કે અંદરના વિસ્તારોમાં આર્મી જ જઈ શકતી નથી તો પોલીસ પહોંચીને સત્તાવાર ફરિયાદો નોંધે, મૃત્યુની નોંધ કરે એવી અપેક્ષા જ ના રખાય. આ હિંસાના કારણે ૬૦ હજાર લોકો તેમના ઘર છોડીને રાહત કેમ્પમાં રહે છે. લગભગ ૧૧ હજાર એફઆઈઆર નોંધવામાં આવી છે અને ૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે પણ છતાં હિંસા રોકાતી નથી.

આ હિંસાને રોકવા માટે શાળાઓ બંધ કરી દેવાઈ, મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું ને કરફ્યુ પણ લદાયો. મણિપુરમાં હિંસક ઘટનાઓમાં અચાનક વધારો થયા બાદ રાજ્ય સરકારે ૧૦મી સપ્ટેમ્બરે પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૨મી સપ્ટેમ્બરે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો પણ મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હજુ ચાલુ છે.

આ હિંસા દરમિયાન સામૂહિક હત્યાકાંડ, મહિલાઓની નગ્ન પરેડ, મહિલાઓ પર સામૂહિક બળાત્કાર, મહિલાઓ અને બાળકો સહિત આખેઆખા પરિવારોને જીવતા સળગાવી દેવા અને ગળું કાપવા જેવી આઘાતજનક ઘટનાઓ બની છે. આ એવી ઘટનાઓની વાત છે કે જે સોશિયલ મીડિયાના કારણે લોકોના ધ્યાનમાં આવી છે. બાકી ઈન્ટરનેટ બંધ હતું ત્યારે શું બન્યું હશે તેની તો કોઈને ખબર જ નથી.

મણિપુરમાં ભાજપની સરકાર છે અને એન. બિરેનસિંહ હિંસાનો રોકી જ નથી શકતા છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નથી બિરેનસિંહને બદલતી કે નથી પોતાના હાથમાં સત્તા લઈ લેતી. તેનું કારણ કદાચ એ છે કે, અત્યારે પણ મણિપુરનો વહીવટ તો દિલ્હીથી જ થઈ રહ્યો છે. બિરેનસિંહને હટાવીને મોદી સરકાર રાષ્ટ્રપતિશાસન લાદીને સીધો વહીવટ કરે ને છતાં જમ્મુ અને કાશ્મીરની જેમ હિંસાને કાબૂમાં ના રાખી શકાય તો દોષનો ટોપલો પોતાના પર આવે તેથી મોદી ડરી રહ્યા છે.
મોદી સાહેબ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ડંફાશો મારી રહ્યા છે કે, હવે આતંકવાદીઓ પોતાનાં ઘરોમાં રહેતાં પણ ફફડી રહ્યા છે ને સાવ ટચૂકડું મણિપુર ભડકે બળી રહ્યું છે તેની આગ ઓલવી શકાતી નથી. આતંકવાદીઓમાં ડર હોય તો આ ડર મણિપુરમાં કેમ દેખાતો નથી ?

કેન્દ્ર સરકારની નિષ્ફળતાના કારણે મણિપુર બીજું જમ્મુ અને કાશ્મીર બની રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર કાશ્મીર ખીણ અને જમ્મુ એમ બે ભાગમા વહેંચાઈ ગયું છે એમ અત્યારે મણિપુર પણ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે. પહાડી જિલ્લાઓમાં કુકી અને મેદાની જિલ્લાઓમાં મૈતેઈનું વર્ચસ્વ છે. આ બંને વિસ્તારો વચ્ચે સીમાઓ દોરવામાં આવી છે કે જેથી આર્મીને પણ ક્યો વિસ્તાર કોનો છે તેની ખબર પડે.


મણિપુરમાં હિંસાથી ત્રસ્ત લોકો હવે ધારાસભ્યોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. રાજધાની ઇમ્ફાલમાં લોકોએ ૩ મંત્રી અને છ ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો અને તેમના રાજીનામાની માગ કરી, મુખ્યમંત્રીના જમાઈનું ઘર સળગાવી દીધું. લોકોનું કહેવું છે કે, આ નેતાઓ લોકોના જાન-માલની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે તેથી તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ધારાસભ્યો પણ સલામત ના હોય તેનાથી વધારે અરાજકતા બીજી શું હોય ?


મણિપુરની હિંસાથી અસરગ્રસ્ત લોકો ભાગીને આસામમાં રહે છે તો હવે આસામમાં પણ તેમના પર હુમલા થઈ રહ્યા છે. આસામમાં પણ ભાજપની સરકાર છે ને કૉંગ્રેસ છોડીને આવેલા હિંમત બિસ્વ સરમાની સરકાર છે. હિંમત સરમાને મદરસા બંધ કરવા ને મુસ્લિમોમાં લગ્નને લગતા કાયદામાં સુધારો કરવા જેવી બાબતોમાં વધારે રસ છે એ જોતાં મણિપુરની હિંસાની આગ આસામને પણ લપેટી લે એવું બને.

મણિપુરમાં કુકી સમુદાયના કેટલાંક લોકોએ અલગ કુકીલેન્ડની માગ સાથે ઝંડો ઉઠાવ્યો છે અને આતંકવાદ તરફ વળ્યા છે તેથી ઉત્તર-પૂર્વનાં બીજાં રાજ્યોમાં પણ મણિપુરની હિંસાની અસર દેખાઈ શકે. કમનસીબે આ હિંસાને રોકવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ પ્લાન નથી, ખાલી થૂંક ઉડાડાય છે, મોટી મોટી વાતો કરાય છે ને લોકો આ હિંસામાં હોમાતાં જ જાય છે.
આ હિંસાનો અંત ક્યારે આવશે એ ખબર નથી કેમ કે મોદી સરકાર તો મણિપુર પ્રાયોરિટી જ ના હોય એ રીતે વર્તી રહી છે. ભાજપ માટે ચૂંટણીઓ જીતવી જ જરૂરી છે. ચૂંટણી જીત્યા પછી લોકોના જાનમાલનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે એ વાતમાં તેમને રસ જ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button