ધર્મતેજ

સહુની સાથે વિવેકપૂર્વક વ્યવહાર અને વિવેક સાથેઆપણે જીવીએ તો એ પણ ગણેશપૂજા છે

માનસ મંથન – મોરારિબાપુ

ગોસ્વામી તુલસીદાસજીએ સંસ્કૃત ભાષાને આદર આપીને પછી લોકબોલીમાં, ગ્રામગિરામાં, દેહાતી ભાષામાં ગામડાનો સામાન્ય માણસ પણ ધર્મનો સાર સમજી શકે, રામને સમજી શકે, સીતાને સમજી શકે એટલે એમની બોલીમાં કથાની રચના કરી. પાંચ સોરઠા લખ્યા.
પાંચ સોરઠમાં દેવતાઓનું સ્મરણ કર્યું. ગણેશજી, મા ભવાની, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને સૂર્ય એ પાંચેયનું સ્મરણ કર્યું. હું અવારનવાર કહેતો રહું છું એ વાત ફરી દોહરાવું કે આપણો ધર્મ કહે છે કે આપણે ગણપતિની પૂજા કરીએ.
મહારાષ્ટ્રમાં તો ગણેશનો કેટલો મોટો ઉત્સવ થાય છે! એ તો આપણે અવશ્ય કરીએ. પરંતુ ગણેશ વિવેકના દેવતા છે. એટલે ગણેશપૂજાનો મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે આપણે વિવેકપૂર્વક જીવીએ.
આપણે વિવેક જાળવીએ. બીજા લોકો સાથે કેવી રીતે બોલાય, કેવી રીતે વાતચીત કરાય, માતા-પિતા સાથે, ભાઈઓ સાથે, મિત્રો સાથે, દીન-હીન લોકો સાથે વિવેકપૂર્વક વ્યવહાર અને એવા વિવેક સાથે આપણે જીવીએ એ મારી દૃષ્ટિએ ગણેશપૂજા છે.
આપણી તકલીફ શું છે કે આપણે ગણેશની પૂજા કરીને ગણેશનું વિસર્જન પણ કરીએ છીએ! પરંતુ વિવેકરૂપી ગણેશનું વિસર્જન ક્યારેય ન કરશો. જે વિવેકરૂપી ગણેશનું વિસર્જન કરી દેશે તો પછી એની પાસે બચશે શું? અવિવેક, મૂઢતા, સ્વચ્છંદતા, એ બધા સિવાય આપણા હાથમાં કઈ નહિ બચે.
યુવાન ભાઈ-બહેનો, ગણેશને આપણે વિનાયક કહીએ છીએ. અને વિનય એ બહુ મોટું શીલ છે. રામતત્ત્વને પામવા માટે જે કેટલાંક શીલની જર છે એમાં વિનય એક શીલ છે.तमसो मा ज्योतिर्गमय। પ્રકાશમાં જીવવાનો સંકલ્પ એ શીલ છે.
શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિમાં એક પ્રકાશ છે. આનું નામ છે વિવેકનો પ્રકાશ. આપણું અધ્યાત્મ જગત, ભારત દેશના મનીષીઓએ સિદ્ધ કર્યું છે કે એ વિવેક પ્રકાશ જે છે તે બધામાં હોય છે. આમ તો અવિવેકની વ્યાખ્યા જ એ છે કે વિવેકનો તમે અનાદર કરો!
બીજી કોઈ અજ્ઞાનતા છે જ નહીં. જેનામાં વિવેકનો પ્રકાશ છે એ બધા ગુરુ છે, એટલે તમે બધા ગુરુ છો, પણ એનો આપણે આદર નથી કરતાં, તેથી કોઈ મને ને તમને માધ્યમ બનીને આપણા વિવેકનો પ્રકાશ છે તે ખોલવામાં મદદ કરે. ગુરુ તો બધા છે, પણ આપણા વિવેકનો પ્રકાશ ખોલે એ સદ્ગુરુ છે!
આપણે બજારમાં નીકળીએ, ટ્રાફિક લાલ લાઈટ હોય એ વિવેક બતાવે, એ આપણો હાથ પકડીને રોકવા ન આવે કે તું ઊભો રહે, એ લાલ બલ્બ અંદરથી નીકળી આપણી પાસે ન આવે, એ આપણને દૂરથી કહે તું
ઊભો રહી જા અને છતાંય આપણે અનાદર કરીએ તો અકસ્માતનો ભોગ બનીએ.
તેમ વિવેક તમારો હાથ પકડીને રોકવા ન આવે, પણ અંદરથી
ઈશારો કરે કે રોકાઈ' જા. એનો અનાદર એ જ જીવનનો મોટામાં મોટો અકસ્માત છે. પોતાનામાં રહેલા વિવેકનો અનાદર કરે એ મોટામાં મોટી અજ્ઞાનતા.રામચરિતમાનસ’ સદ્ગુરુ છે.
આપણા વિવેકને ખોલે છે. તુલસી કહે છે, મારા મા, બાપ છે. આ શાસ્ત્ર, રામચરિતમાનસ',ગીતા’, ભાગવત' ધર્મગ્રંથો નથી. સદ્ગ્રંથો છે. ધર્મગ્રંથો હોય તો એમ કહેવાય કે આ હિંદુઓના છે, પણ એ તો સાર્વભોમ છે. મારા ને તમારામાં પડેલા વિવેકના પ્રકાશને ખોલવાનું કામ કરે છે. આપણે આપણા વિવેકનો અનાદર કરી રહ્યા છીએ. એક વસ્તુ આપણા બધાના અનુભવમાં છે-જગતમાં બે રસ્તા છે-એક પ્રારબ્ધ ને બીજો પુરુષાર્થ. આપણે બધા અનુભવતા હોઈએ છીએ,જોતા હોઈએ છીએ કે ઘણીવાર માણસને પ્રારબ્ધને લીધે ઘણું મળે, પણ એનો પુરુષાર્થ બરાબર ન હોય તો બધું વેડફાઈ જાય. પ્રારબ્ધને લીધે ઘણું મળી જાય, પણ અવળો માર્ગ હોય, તો ખરાબ પુરુષાર્થને લીધે અવળે માર્ગે ખલાસ થઇ જાય. ઘણી વખત માણસ પુરુષાર્થથી મેળવતો હોય, ખૂબ પુરુષાર્થ કરે અને પ્રાપ્ત કરે, પણ પ્રારબ્ધ નબળું હોય તો બધું જતું રહે. આ બે માર્ગ છે. સત્સંગ નથી પુરુષાર્થથી મળતો કે નથી પ્રારબ્ધથી મળતો. કોઈ દિવસ ભ્રાંતિમાં ન રહેશો. સત્સંગ કેવળ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.રામચરિતમાનસ’નું અકાટ્ય સૂત્ર છે કે સત્સંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી.
મેં ઘણીવાર કહ્યું છે. બ્રાહ્મણદેવતા સંધ્યા માટે ગામના પાદરે ગયા. કર્મકાંડી બ્રાહ્મણ, સમયસર પોતાનું નિત્યકર્મ કરે. સ્નાન કર્યું. જળનો ત્રાંબાનો લોટો સંધ્યા માટે ભર્યો, જે ધોતી પહેરી તળાવમાં સ્નાન કરેલું, તે નીચોવી ખભા પર નાખી ઘેર આવ્યા.
સંધ્યા પૂજા કરવી હતી, તેથી જળનો લોટો નીચે મૂકી, ધોતી ઝાટકી, ખોલી, સૂકવવા ગયા, તો અંદરથી માછલી નીકળી, ફસાઈ ગઈ હશે. ધોતી ભીની એટલે જીવતી રહી. પ્રાણ ટક્યા, પછી ખંખેરીને સૂકવવા જતાં અંદરથી માછલી નીચે પડી, તરફડે. સંત હૃદય બ્રાહ્મણ દેવનું! થયું કે બીચારી મરી જશે! એકદમ માછલીને પકડીને ઘરમાં પાણીનો ઘડો હતો, એમાં નાખી દીધી.
માછલીને અડક્યા એટલે ફરી સ્નાન કરવું પડે. કર્મકાંડી માણસ હતા. પાણી પીવાના માટલામાં નાખી એટલે એ એને ઉપયોગમાં આવે જ નહિ
તેથી એ માટલું તળાવને કિનારે મૂકવા ગયા.
બહુ મોટું તળાવ હતું, તેથી એમાં લહેરો ઊઠતી હતી. પાણી કિનારે અથડાય, પાછું જતું રહે. એટલે પેલા બ્રાહ્મણે માટલું કિનારે એવી રીતે મૂક્યું કે તળાવનું પાણી માટલામાં અને માટલાનું પાણી તળાવમાં જાય. પેલી માછલી યે ઘડીમાં તળાવમાં જાય, ઘડીમાં ઘડામાં આવે.
માછલીને બંને બાજુ સરખું, તળાવ હોય કે ઘડો હોય! એમ, મારા ને તમારા મનની માછલી કોઈના સત્સંગની ધોતીમાં જો લપેટાઈ જાય, તો સંસારમાં યે સુખ છે, ને સંસારની બહારે સુખ છે, પછી કોઈ ચિંતા નથી, પરંતુ મનની માછલી પકડાઈ જવી જોઈએ.
બસ,પછી ગમે ત્યાં હોઈએ. પરદેશમાં પણ ઘટના ઘટે! મનની માછલી રામકૃપાથી મળતા સત્સંગમાં ફસાઈ જાય તો ઘડામાંયે જીવતદાન અને તળાવમાંયે જીવતદાન.
પહાડ જેવાં કઠોર આપણા જીવન થઇ ગયાં છે. હૈયાં પથ્થર જેવા થઇ ગયાં, એ બધા પર રામ છવાઈ જાય, ભાવનો વરસાદ વરસે અને આપણે વિવેકનો પાક પકાવી શકીએ, એટલા માટે કથા છે.
રામકથાનાં પ્રસંગો દ્વારા આપણે આપણી જાતને ભીંજવીએ, આપણા વિવેકને પ્રગટ કરીએ.
મારી દ્રષ્ટિએ ધર્મનો સાર એ છે કે ગણેશની પૂજા એટલે વિવેક જાળવી રાખવો. અને યાદ રાખજો મારાં ભાઈ-બહેનો, વિવેક આવે છે સત્સંગથી. સત્સંગ એટલે સજ્જનોની કંપનીથી, સજ્જનોના સંગથી વિવેક આવે છે. આવા વિવેકને આપણે જાળવી રાખીએ.
(સંકલન: જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…