ધર્મતેજ

માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય

-મોરારિબાપુ

આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં એક ભગત થઈ ગયા જેનો આ કિસ્સો બહુ હૃદયસ્પર્શી છે. એ વિસ્તારમાં ભગતની ખ્યાતિ ફેલાયેલી હતી. ભજનાનંદી સાધુ તરીકે એમને સૌ ઓળખે. આ વાત એ સમયની છે જ્યારે આપણા દેશ પર અંગ્રેજ શાસન હતું. એ સમયે અંગ્રજોમાં પણ ભક્તિભાવ ધરાવતા અને સમજણ ધરાવતા લોકો હતા. એમણે ભારતનાં સાધુ-સંતોને નજીકથી જોયા હતા એટલે તેમનાં ભજનની તાકાતને જાણતા હતા.

એક વખત દિલ્હીના કોઈ અંગ્રેજને જીવનમાં કંઈક મુશ્કેલી આવી છે. કોઈએ એમને કહ્યું કે હૈદ્રાબાદમાં જે ભગતબાપુ છે તેમને મળો તો બહુ સારું થશે. બે-ત્રણ મિત્રોને સાથે લઈ અંગ્રેજ પહોંચે છે હૈદ્રાબાદ.

આ પણ વાંચો:માનસ મંથન : આજના સમયમાં મન લાગે કે ન લાગે, હરિનામ જપતા રહો, એક દિવસ એ તેની પાસે પહોંચાડશે

ભગતનું નાનું મકાન અને નાનકડો પરિવાર. પોતે,પત્ની અને વીસેક વર્ષનો એક યુવાન પુત્ર. અંગ્રેજ લોકો પહોંચે છે ભગતને ત્યાં. ભગતે એમનું સ્વાગત કર્યું છે. ઉપરના ઓરડામાં બેસાડ્યા છે. ભગત ત્યાં બેસી રોજ ભજન-કીર્તન કરે છે. થોડીવાર થઇ એટલે ભગતે પૂછ્યું કે બોલો બાપ, કેમ આવવું થયું છે ? અંગ્રેજ કહે અમે આપના વિશે ખૂબ સાંભળ્યું છે.

આપના કીર્તન-ભજનમાં એટલી તાકાત છે કે લોકોની મુશ્કેલીઓ એને સાંભળવા માત્રથી દૂર થઈ જાય છે ! અમે દિલ્હીથી આવીએ છીએ અને મારા જીવનમાં પણ મુશ્કેલી આવી છે. બસ,આપના શ્રીમુખે થોડાં ભજનો સાંભળવાં છે. અરે મારા બાપ, એવું કંઈ નથી. હું તો બસ મને ગમે છે એટલે ભજન ગાતો રહું છું, ભગતબાપુએ કહ્યું. અને આ ભગતને તો કોઈ ભજન ગાવાનું નિમંત્રણ આપે એટલી જ વાર, તાર જોડાઈ ગયો છે. ભજન શરૂ થયાં છે. એક ભજન ગાયું, બીજું ભજન ગાયું છે અને ત્રીજું સંભળાવે છે એટલામાં આખું વાતાવરણ પવિત્ર બની જાય છે. અંગ્રેજો પણ તલ્લીન થઈ ઉઠ્યા છે.

આમ ભજન પર ભજન ચાલે છે એટલામાં નીચેથી કોઈએ આવીને ભગતના કાનમાં કંઈક કહ્યું. ભગતે અંગ્રેજોને કહ્યું કે માફ કરજો,પણ મારે એક ખાસ કામ આવી પડ્યું છે એટલે થોડીવાર માટે હું બહાર જાઉં છું. આપ છેક દિલ્હીથી આવ્યા છો પણ કૃપા કરી આપ થોડો સમય બેસશો ? હું બે કલાકમાં પાછો આવી જઈશ. અંગ્રેજો કહે ભગત કોઈ વાંધો નહીં. અમે સમય લઈને આવ્યા છીએ. આખો દિવસ રોકવાના છીએ, તમે જાવ, તમારું કામ કરી આવો.

આ પણ વાંચો:માનસ મંથન : આપણામાં પ્રેમના અંકુર ફૂટે તેની ને પ્રેમ પ્રગટે તેની નિશાની શી ?

ભગતના ગયાને બે કલાક થયા પણ ભગત આવ્યા નહીં. અંગ્રેજો હવે થાકયા છે. અને વાતાવરણમાં પણ કોઈ અદૃશ્ય ગમગીની ફેલાઈ ગઈ છે. નીચેના ઓરડામાં જાય છે. જોયું તો ત્યાં બે-પાંચ બહેનો એકદમ ઉદાસ બેઠી હતી. એમના ચહેરા પરના ભાવ કહી દેતા હતા કે કશુંક બન્યું છે.

અંગ્રેજ પૂછે છે કે બહેન, ભગત આવી ગયા ? હા, સ્નાન કરે છે. પણ ભગતને મોડું કેમ થયું ? કંઈક કહો તો ખરાં. આમ વાત થતી હતી ત્યાં ભગત સ્નાન કરી બહાર આવી ગયા છે. ભગત,અંગ્રેજે પૂછ્યું, કેમ મોડું થયું ? કોઈ ખાસ મુશ્કેલી છે?

ભગત બોલ્યા, માફ કરજો મારે થોડું મોડું થઈ ગયું. મારે ઘરે એક મહેમાન આવ્યા હતા. બહુ જૂનો મહેમાન હતો. વીસ વર્ષોથી એ મારે ત્યાં રહેતો હતો. ભગતની આ રહસ્યમયી વાણીમાં અંગ્રેજો કંઈ સમજ્યા નથી. કહે જરા ફોડ પાડીને વાત કરશો ? ભગતે કહ્યું કે મારો વીસ વર્ષનો પુત્ર હમણાં મૃત્યુ પામ્યો અને તેની અંતિમક્રિયા કરવા ગયો હતો તેમાં થોડું મોડું થયું છે …. આટલું કહેતાંની સાથે ભગતની આંખો ભરાઈ આવી છે, મેં તમને રોકી રાખ્યા તેનું દુ:ખ છે !

બાપ, વ્યાખ્યા બહુ સહેલી છે પણ ખરે વખતે ધીરજ રાખવી બહુ કઠિન છે. ધીરજ સંપદા છે. અને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય ને ! મુસીબત તમને ઘેરી લે ત્યારે તેની કસોટી થાય છે. હે સાધક, ધૈર્ય તારી ગુદડી છે. કોઇપણ સ્થિતિમાં ધીરજ રાખતાં શીખો. બહુ સુંદર ગુણ છે. કેટલાક લોકો એટલી ધીરજવાળા હોય છે કે ગમે તે પરિસ્થિતિમાં ધીરજ રાખે. અને કેટલાક લોકો હવાઈ જહાજમાં જવાનું હોય તો પણ કહે કે જલ્દી કરો,જલ્દી કરો ! બાપ,પરમાત્માને મેળવવામાં જલ્દબાજી ન ચાલે. કોઈ પણ સ્થિતિમાં જાતને બચાવીને રાખો. સાંભળીને રાખવા કોશિશ કરો. ગુજરાતીમાં કહેવત છે ને કે, ‘ધીરજના ફળ મીઠાં.’ અધૈર્યના ફળ ખાટાં છે. બી.એ કે એમ.એ થવામાં ૬-૭ સાલ સુધી ધીરજ રાખીએ છીએ તો

આ પણ વાંચો:માનસ મંથન : પાટીમાં આપણે લાભ લખીએ એનું લોભ થવામાં એક માત્રાનો જ ફર્ક પડે છે

પરમાત્માને મેળવવામાં જલ્દબાજી કેમ ચાલે ? એને મેળવવામાં તો કભી કભી જનમોજનમ નીકળી જાય છે ! અનંત જન્મો પછી પણ કદાચ મળે. ધૈર્ય રાખો તુકારામની જેમ,મીરાંની જેમ,નામદેવની જેમ. જેટલા ભક્તો છે, સંતો છે તેઓમાંથી આ ગુણ લેવા જેવો છે. કસોટી થાય અને ધીરજ રાખી શકો ત્યારે કહી શકો કે-

પહેલું સૂત્ર છે, વિભીષણ અધીર થઈ ગયો. બીજું સૂત્ર છે, વિભીષણના મનમાં સંદેહ પેદા થઈ ગયો; અધૈર્ય પેદા થયું. ગુરુકૃપાથી મારી સમજ એવી છે કે અધૈર્યનો જન્મ અભાવ અને પ્રભાવની વચ્ચેથી થાય છે. એક તરફ પ્રભાવશાળી માણસ અને એક તરફ કંઈ પણ નહીં. જ્યારે આપણે સમાજમાં કોઈને બહુ જ સંપન્ન અને કોઈને સાવ અકિંચન જોઈએ છીએ ત્યારે અણસમજુ માણસ ધૈર્ય ગુમાવે છે કે આ દુનિયાની કેવી રીત છે? સમાજના સમરાંગણમાં આ બે જે અસમાનતા પેદા થાય છે ત્યારે કોઈપણ ધૈર્યવાનનું ધૈર્ય તૂટવા લાગે છે.

આ પણ વાંચો:માનસ મંથન : સિંદૂરવાળા પથ્થરને આપણે ઠુકરાવતા નથી તો જીવંત માણસને કેમ ધિક્કારીએ છીએ?

ચારની કસોટી આપતકાલમાં, વિપત્તિમાં, મુશ્કેલીમાં થાય છે. એક ધીરજ,બીજું ધરમ,ત્રીજું મિત્ર,ચોથી નારી. વિભીષણના અધૈર્યનું કારણ છે, બે દ્રશ્ય. અને રામ જે રથનું વર્ણન કરે છે એ રથના એક પૈડાનું નામ છે ધૈર્ય, ધીરજ. મને કહેવા દો, વિભીષણે રથમાં યાત્રા ઓછી કરી છે, વધારે તો વિમાનમાં જ યાત્રા કરી છે. રામ પાસે ગયો તો પોતાનું ખુદનું ચાર્ટર લઈને ગયો! રથમાં ગયો હોત તો ખબર પડત કે પોતાનું પૈડું કેવું હોવું જોઈએ? એ રથ વગરનો માણસ છે; જો કે એ ધાર્મિક છે. કેમ કે તુલસીએ લખ્યું છે કે એના આંગણામાં તુલસીનો ક્યારો છે, હરિનું મંદિર છે. ક્યારે ગરીબનાં આંસુની આરતી ઉતારવામાં આવશે? ક્યારે માણસને પૂજવામાં આવશે? ક્યારે જેનું પેટ ભરવા રોટી નથી એના ખભા પર હાથ મૂકીને મહોબ્બતની વાતો કહેવામાં આવશે? જીવિતને પૂજો. જે પ્રત્યક્ષ છે, જે મોજૂદ છે એને પૂજો. આપણે બુદ્ધને ગુમાવ્યા. આપણે મહાવીરને ગુમાવ્યા. આપણે શંકરાચાર્યને ગુમાવ્યા. આપણે ઘણા બેઈમાન લોકો છીએ! આહટ તો આવી હતી, પરંતુ એ તો ગોપીઓએ જાણી. આપણે ચૂકી ગયા! તો અધૈર્ય પેદા થાય છે આવી ઘટનાઓથી. વિભીષણ હિંમત ન રાખી શક્યો. એ ધાર્મિક છે પરંતુ ધર્મરથ પર નથી એટલે એ અધીર થઈ ગયો.

  • સંકલન: જયદેવ માંકડ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button