માનસ મંથન : આત્મચિંતન માટે થોડો સમય રાખો, ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો-મોરારિબાપુ

આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો કે તમે ચોવીસ કલાકમાં તમારી ઊર્જા સાંસારિક પદાર્થોમાં વેડફી નાખી, એટલે દસ મિનિટ ભજન કરો, ત્યારે સૂઓ નહિ તો શું કરો? તમારી સમગ્ર ઊર્જા ભૌતિક પદાર્થોમાં વેડફી નાખી, પૈસામાં,આમાં, આમાં. તમે ચોવીસ કલાકમાં કેટલો વખત Free રહ્યા? થાક્યા પાક્યા ઘરે આવો અને પછી ધ્યાન કરો, શરીર તો એના ધર્મ કરશે. મને ઘણા લોકો પૂછે છે કે જપ કરીએ, એટલે ઊંઘ આવે છે. તમે ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો. ચોવીસે કલાક ગાડીઓમાં રોક રોલ કરો છો. ક્યાં જવું છે તમારે? ક્યાં પહોંચવું છે તમારે? કામ કરો, છ કલાક, આઠ કલાક, દસ કલાક, જે કરો તે પણ જીવનની સંપદા માટે થોડો સમય રાખો, તો તમને ઊંઘ નહિ આવે. ઊંઘ આવે તો તમારો દોષ નથી,કારણ કે તમે થાકેલા છો. ઊંઘ ન આવે તો શું થાય? બધાને આ અનુભવ છે કે માળા કરીએ, ત્યાં સૂઈ જાવ. તે સૂઈ જ જાઓને, આખો દિવસ તમે ચાળા કર્યા. આખો દિવસ આ તે, આ તે કર્યું. પણ પછી તમને ઊંઘ આવે એમાં તમારોયે દોષ નથી, ભજનનોયે દોષ નથી. ભજન માટે શરીર ઠીક હોવું જોઈએ.
એટલા માટે કદાચ આપણે ત્યાં સંન્યાસ પરંપરામાં આ વ્યવસ્થા આવી, કે ચોથી અવસ્થામાં ઊર્જાને સાચવવા માટે બધાથી મુક્ત થવું. જાનકીજીની ઉંમર તો નાની હતી, પણ બ્રહ્મચર્યાશ્રમ સિદ્ધ કર્યો. અયોધ્યામાં ગૃહસ્થાશ્રમ સિદ્ધ કર્યો. ચિત્રકૂટ અને દંડકારણ્યમાં વાનપ્રસ્થાશ્રમ સિદ્ધ કર્યો. અને અગ્નિમાં લંકામાં હોમીને સંન્યાસાશ્રમ સિદ્ધ કરશે. એ સંન્યાસ આશ્રમ છે મારી માનો.
तुम्ह पावक महुं कररु निवासा
जौ लगि करोें निसाचर नासा॥
એ સીતાનો સંન્યાસ આશ્રમ છે. શક્તિ રિઝર્વ રાખી, એટલે ઊંઘ નથી આવતી.
निज पद नयन दिए मन |
राम पद कमल लीन ॥
બહુ સરસ દર્શન છે. તમારો પ્રશ્ન બિલકુલ પાયાહીન છે. તમને ઊંઘ ન આવે તો શું થાય?
પ્રભુ ભજન માટે,આત્મચિંતન માટે થોડો સમય રાખો. બહુ મહત્ત્વનો સમય રાખો. જેટલો જલદી નિર્ણય થાય એ સારી વસ્તુ છે. થોડીક અને થોડીક ગડ વળી જાય, તો કામ થઈ જાય.
રમણ મહર્ષિ પાસે કોઈએ દલીલ કરી કે સમય નથી રહેતો. અને બહુ સટીક દલીલ મૂકી કે આટલો સમય આમાં, આટલો છોકરાઓમાં, આટલો ઓફિસમાં જાય,આટલો સગાંવહાલાંમાં જાય,આમ સમય જ રહેતો નથી. અમારે ભજન કરવું હોય તો કેમ કરવું? રમણ મહર્ષિની આંખમાં આંસુ આવી ગયાં કે તમારો પ્રશ્ન બહુ સરસ છે. કબૂલ છે,ને પછી રડવા માંડ્યા. પેલાએ પૂછ્યું કે રડો છો કેમ? કહે, મને પણ આ જ ચિંતા સતાવે છે કે આમાં હું ભોજન કરું,એટલે પૃથ્વીમાં અનાજ નથી પાકતું. કેમ? પૃથ્વીમાં આ ત્રણ ભાગમાં દરિયો છે,એક ભાગમાં જમીન છે,એશિયા,યુરોપ એ બધા ખંડો છે. એ ખંડોની જમીનમાં ફેક્ટરીઓ પાડવા લાગી,એટલે ખેતી લાયક જમીન ખાલી થઈ ગઈ,બધાએ બાકીની જમીનમાં મકાનો બનાવી દીધાં,ઘણાએ આમ કરી નાખ્યું,એટલે મારું પેટ ભરાય એટલું અનાજ નથી પાકતું. એટલે પેલાએ કહ્યું કે આપ જેવા સંત આવી રીતે રડે છે? તમારા એકનું પેટ ભરાય એટલું અનાજ ન નીકળે? શું વાત કરો છો તમે? બોલે નહિ,એકનું ભરાય એટલુંયે નથી. તમે જોયુંને આખી પૃથ્વી પર બધાએ કબજો કરી લીધો,કોઈને આમ કરી લીધું,કોઈએ આમ કરી લીધું,મારા એકલાને થાય એટલું અનાજ ક્યાં છે? કહે,બાપજી,તમારા એકલાનો રોટલો નીકળે, એટલું અનાજ ન હોય, એવું હોય? આખી દુનિયાના રોટલા નીકળ્યા છે. બોલે, તને હરિ ભજવાનો ટાઈમ ન હોય એવું હોય કંઈ? આ તો તારી કાયરતા છે. મને સમય નથી. સમય નથી, આ અતૃપ્તિ છે.
ચોવીસ કલાકમાંથી સમય કાઢવો પડશે,તમારા માટે પચીસ કલાક નહિ થાય., સાંઠ,સિત્તેર કે સો વર્ષની આયુ હશે,એમાં જ કાઢવો પડશે. અને સમય નીકળે, જો કાઢવો હોય તો નીકળે. આ તમે કાઢી જ લ્યો છો ને? તમે આટલી પ્રવૃત્ત દુનિયામાં રહો છો, એમાંથી આ નવ દિવસ કાઢ્યા જ છે તમે. સમજણ આવે તો સમય છે જ. ન આવે તો સવાલ નથી. ઘણા તો કંઈ કરતા ન હોય,બીજાની વાત્યુ જ કરતા હોય. સમય મળતો નથી. આદત હોવી જોઈએ,મને હરિ ભજવાની ટેવ પડી. આદત થઈ જાય,સ્વભાવ થઈ જાય,તો આનંદ આવે. તો અતૃપ્તિ શોકનું કારણ છે. સાહસ કરવાની વૃત્તિ ખતમ થઈ ગઈ, શોકનું કારણ છે, નજર સામે દેખાય છે, આગ લાગી છે આમાં અને છતાંયે એમાંથી નીકળવાની વૃત્તિ નહિ,આ વૃત્તિએ શોક આપ્યો છે.કબીર સાહેબ કહેતા કે તને જ્યારે મૂળ તત્ત્વ સમજાઈ જાય પછી તને બીજા કર્મકાંડની જરૂર નથી.ભૂખ લાગી હશે તો ગમે તેવો સુકો રોટલોય મીઠો લાગશે અને ઊંઘ આવે ત્યારે માણસ ગમે ત્યાં સુઈ જાય.
દિવસે ગૃહસ્થી રહેવું ને રાતે સંન્યાસી થઈ સૂવું ! જો લહેર આવે… દિવસે ગૃહસ્થી-સાંજ પડી ત્યાં સુધી ગૃહસ્થી રહેવું. છોકરાંઓને સાચવવાં, બધો જ વ્યવહાર કરવો. નીતિથી રહેવું, પણ રાત પડે એટલે બધું મૂકીને સંન્યાસી થઈ જવું. આજે શું થઈ ગયું છે? કે આપણે દિવસે સાધુ દેખાઈએ, રાતે પૂરા ગૃહસ્થી! દિવસે આપણે સજ્જન દેખાતા હોઈએ ને રાતે દુર્જન દેખાતા હોઈએ, આ આપણી દશા ! માણસ દિવસે ગૃહસ્થ હોવો જોઈએ ને સમજે સાત-આઠ કે સંધ્યાવંદન થઈ જાય એટલે ફકીર થઈને સૂતો હોવો જોઈએ. જે હતું એ બધાને પડદા પર મૂકી ફકીરની જેમ રહે. દિવસે ગૃહસ્થની જેમ રહે. કંઈ આપણે બધું થોડું છોડી દેવાનું છે? ભાગનારા તો પહોંચી ગયા એક સ્થિતિમાં. આપણા દેશનો ત્યાગ અને આપણી એવી સ્થિતિ છે? ભાઈ, સવારે હલ ચાલવવું પડશે, મજૂરીએ જવું પડશે,ખાળિયા ખોદવા પડશે,રોડ પર ક્યાંક કામ કરવા જવું પડશે. કેટલાં કેટલાં કામ હશે? કરો ગૃહસ્થની જેમ ! પણ હાંજ પડે છોકરાંઓને ખવડાવી દીધું,બધાં સૂઈ ગયાં,પછી ફકીરની જેમ સૂઓ ઘરમાં. હવે કોઈ નથી. અને હરિ પાછો હવારે જગાડે તો કર્તવ્ય નિભાવો કે તમે મને એક દિવસ આપી દીધો ! સૂત્ર સમજવા જેવું છે. કરી શકો એમ છો ! રોજ રાતે ફકીર થઈને સૂવું. ભાઈ ભાઈ ! સંન્યાસી થઈને રોજ રાતે સૂવું અને આમે ઊંઘ આવી જાય ત્યારે કંઈ રહેવાનું તો નથી ! હમજણ લઈને શું કામ સૂવું? કેટલો લાભ ! કંઈ રહેતું નથી. બધું જ ખલાસ થવાનું છે. કવિ કાગ કહે છે-
આપણ વાંચો: મનન: માન્યતા ને સત્ય
શ્વાસ સદાયે ચાલુ રહે,આમાં કોણ ઊંઘી જાય?
આ શ્વાસ ચાલુ રહે,આમાં સૂઈ કોણ ગયું? મને બહુ ગમે. જીવન જીવવા જેવું છે. પ્રાર્થના કરો ! આવો સંકલ્પ કરો ! સાંજ પડે એટલે ફકીર થઈ જાઓ,ત્યાગી ! તમે સૂતા હો ત્યારે ઈશ્વરને આમ જોવા આવવાની ઈચ્છા થાય કે મારો સાધુ કેમ સૂતો છે ! આમ જીવન વીતે !
(સંકલન: જયદેવ માંકડ)