માનસ મંથન: માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ?

-મોરારિબાપુ
અદ્રોહ સર્વભૂતેષુ-મનથી પણ કોઈનો દ્રોહ ન કરો. તમને બળ બહુ મળશે. તમે જલદીથી ભક્તિમાં સફળ થશો. આજે તો સંસારમાં માનસિક ચિત્તદિશા એવી થઈ ગઈ છે કે કોઈ કોઈને માટે કહે કે ફલાણો માણસ બહુ સજજન છે, તો આપણા મનમાં તરત જ થશે કે તમારો કોઈ સગો હશે. એવું લાગે છે, સારો છે,એની ખાતરી શી? પણ કોઈ આપણને કહે કે ફલાણો માણસ ખરાબ છે,તો વિના વિચારે આપણે કહીએ કે હા,એ તો અમને પહેલેથી ખબર છે. આપણને એ જન્મ્યા ત્યારથી ખબર છે. તને જન્મ્યો ત્યારથી ખબર છે? મૂર્ખા ! તું આ જ ધંધો કરે છે? તારી પ્રવૃત્તિ જ આ છે? અદ્રોહ: સર્વભૂતેષુ મનસા,કર્મણા-માનવીનું માનસિક સ્તર કેટલું નીચે છે તેનું આ પ્રમાણ છે. એટલે મેં ગઈ કાલે કહ્યું કે નિદ્રાવાળો સારો,તંદ્રાવાળો ખરાબ. નિદ્રાવાળો સારો,ક્ષમાને પાત્ર કે બિચારો સૂઈ ગયો છે,પણ તંદ્રાવાળો ખરાબ છે. અદ્રોહ: સર્વ ભૂતેષુ…પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો. વનસ્પતિમાં પણ જીવ છે,એથી કોઈનો દ્રોહ ન કરવો. પત્થરમાંયે સુક્ષ્મ માત્રામાં જીવ છે. પરમાત્મા બધામાં હોય તો પત્થરમાં પણ હોવો જોઈએ,પરંતુ એટલું અન્વેષણ માણસ હજુ કરી શક્યો નથી. પણ ભારતે, પૂર્વનો આ દેશ, એમાંયે હિંદુ સભ્યતા, અદ્ભુત કામ કર્યું છે. પથ્થરની મૂર્તિ બનાવીને એમાં પ્રાણ પૂર્યો છે કે આમાં અમારો ઈશ્વર છે.
ભારતીયોનું આ સંશોધન છે કે પત્થરમાંયે અતિ સૂક્ષ્મ પ્રમાણમાં ક્યાંક જીવ પડ્યો છે. અને દસ-વીસ વર્ષોમાં એવી શોધ થાય કે પત્થર સાથે મીટર બાંધી એના હૃદયના ધબકારા નોંધવામાં આવે. એ પત્થર પર કોઈ જલ ચઢાવતું હોય,ચંદન ચઢાવતું હોય,ત્યારે મીટર કંઈ જુદું બતાવતું હશે અને કારણ વગર કોઈ ઘણ મારતું હશે, ત્યારે એ મીટર કંઈક જુદું બતાવતું હશે. બનવા જોગ છે. એનામાં ચેતન તત્ત્વ ન હોત તો બે પત્થરો ઘસતાં એમાંથી ચકમક નહિ ઝરતે, એમાંથી આગ ઉત્પન્ન નહિ થાત અને અગ્નિ ચેતન તત્ત્વ છે. ભલે એને પ્રકૃતિમાં જડ તત્ત્વ તરીકે ગણ્યું છે. પણ એ કંઈક પ્રકાશ કરે છે, એનો ચમકારો થાય છે, એમાંથી તણખો ઝરે છે. ચેતનતાના ગુણો એમાંથી મળે છે. વૃક્ષમાં તો લાગણી તત્ત્વ છે એવું અમેરિકામાં સંશોધન થયું જ છે. વૃક્ષને પાણી પાઓ તો એની પ્રસન્નતા મીટરમાં દેખાય, એનાં પાન વગર કારણે તોડો કે એને કુઠારાઘાત કરો તો એ નારાજ થાય છે,એવા પ્રમાણો વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યા છે. કોઈનામાં ચેતના અતિ સૂક્ષ્મ છે,તો માનવ ભાગ્યશાળી છે કે ચેતના એનામાં પ્રગટ થાય છે. કોઈનો પણ દ્રોહ ન કરો. આ દેશ દરેક પત્થરને શાલિગ્રામ કહેતો રહ્યો. કંકરને શંકર ગણ્યા છે. બધા જ પત્થરને કંઈ પૂજવાની વાત નથી,શિવતત્ત્વ છુપાયેલું છે. હરેક કંકર શંકર છે, શિલા શાલિગ્રામ છે. હિંદુઓ ઘણા બુદ્ધિમાં છે. એમનાં આચાર્યો, અન્વેષકો અદ્ભુત,એમનું અકાટ્ય દર્શન છે,જે સમાજને આપ્યું છે. એવું દર્શન આપનાર સમાજને કોમવાદી કહેવો એ અપરાધ છે. હશે કોઈ જડ વાતો કરે,એ વાત જુદી છે,પણ ભારતીય સભ્યતા છે,હિંદુસ્તાની છે,આત્મદર્શન છે. એને મૂળમાં તમે જુઓ. ઉપર ઉપરથી ન જુઓ. સકલ જડ ચેતનમાં પ્રભુ છે. આ બધું રામમય છે. કંઈ ન હોય,પણ પત્થર પર સિંદૂર લગાડી દો તો માણસો પગે લાગતા થઈ જાય! પછી ભયથી કે ગમે તે રીતે,પણ એને એમાં પ્રાણતત્ત્વ દેખાવા માંડે!
અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, કર્મણા, ગિરા-મન,કર્મથી કોઈનો દ્રોહ ન કરો તો તમે શીલવાન છો. ગઈકાલે આપણે ગાતા હતા તે પાનબાઈ જેવી ગંગાસતી, ગામડાંની સ્ત્રી કેવા સાધુનું પદ સ્વીકાર્યું ? કેવા સાધુના ચરણોમાં વારંવાર વંદન કરવા કહ્યું ? કેવા સાધુને શીલવાન કહીએ ?
શીલવાન સાધુને વારેવારે નમીએને,જેના બદલે નહિ વ્રતમાન રે,
ચિત્તની વૃત્તિ જેની રહે સદા નિર્મળ,મહારાજ થયા મેરબાન રે.
એવા શીલવંત સાધુને પાનબાઈ, વારેવારે નમીએ ને,બદલે નહિ વ્રતમાન રે… શીલ ન કસ અસ હોહિ' તો શીલની એવી વ્યાખ્યા છે, અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, વચસા, ગિરા-મનથી પણ કોઈનો દ્રોહ થાય એવું વિચારવું નહિ; કર્મથી કોઈને ચોટ લાગે એવું વર્તન કરવું નહીં અને વાણીથી પણ કોઈનો દ્રોહ થાય એવું વચન ઉચ્ચારવું નહીં.
રામચરિતમાનસ’માં ગોસ્વામીજી કહે છે કે-
परम धर्म श्रुति बिदित अहिंसा |
पर निंदा सम अध न गरीसा ॥
અહિંસા પરમ ધર્મ છે. અહિંસાનો સીધો સાદો અર્થ થાય છે, હિંસા ન કરવી. કીડીને ન મારવી એ અહિંસા; પશુ-પક્ષીને ન મારવાં એ અહિંસા, જીવ-જંતુઓને ન મારવાં એ અહિંસા, કોઈ પણ વ્યક્તિ-મનુષ્યને ન મારવાં એ અહિંસા. એ તો છે જ. આપણે ક્યાં કોઈને મારીએ છીએ ? અજાણતાં કીડી મરી જાય પણ આપણે જાણીબુઝીને ક્યાં મારીએ છીએ? તો શું આપણે અહિંસક થઇ ગયા? નહીં, અહિંસાનો અર્થ છે મન,વચન અને કર્મથી કોઈને પણ આપણે દુ:ખ ન આપીએ, એ અહિંસા છે. કીડીને ન મારો એ જરૂર અહિંસા છે,પણ કોઈનું દિલ દુભાવો તો એ હિંસા છે. મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમ ધર્મ એ છે કે આપણાથી કોઈનું દિલ ન દુભાય !
આપણ વાંચો: મનન:મૃત્યુની પ્રતીક્ષા
એક ફૂલ,એને તમે આમ મસળી નાખો ચૂંટીને,તો જોનારને પણ નહિ ગમે,તમને પણ નહિ ગમે અને ફૂલને શું થતું હશે એ તો ફૂલ જાણે! ફૂલને આમ ચગદી નાંખો તો ફૂલનું શું થતું હશે? એક સુમનને ચગદવાનું આટલું પાપ લાગે તો માણસના મનને ચગદી નાંખો તો એનું કેટલું પાપ લાગે? કોઈના મનને મુરઝાવી નાંખવાનું કેટલું પાપ થાય? કોઈના મનની હત્યા કરવાનું કેટલું પાપ લાગે? અને તેથી સત્સંગ કરનારાઓએ મનના વિચારો પણ એવા નહિ કરવા કે કોઈનું મન દુ:ખી થાય; એવી પ્રવૃત્તિ નહિ કરવી,એવું વર્તન નહિ કરવું કે કોઈનો દ્રોહ થાય.
(સંકલન : જયદેવ માંકડ)