ધર્મતેજ

માનસ મંથન : વિકારોનાં બધાં જ સાધનો ઉપલબ્ધ હોય, છતાં જે માણસ વિકારોવાળો ન થાય તે જ્ઞાની

માનસ મંથન -મોરારિબાપુ

ભક્તિ ઇન્સાનને સ્થિર કરી દે, જ્ઞાન ઇન્સાનને ધીર કરી દે, કર્મ ઇન્સાનને ગંભીર કરી દે, આ સૂત્ર સમજી લ્યો. જે માણસ કર્મયોગી હશે,એ ગંભીર હશે. મારે મારો સ્વધર્મ, મારું સ્વકાર્ય, મારે મારું નિજકાર્ય કરવાનું, જે સાચા અર્થમાં કર્મઠ હશે, એ ગંભીર હોય. મારું કાર્ય સમયસર પૂરું થાય; મારું દાયિત્વ પૂરું થાય. કર્મઠ સદૈવ ગંભીર હોય.

જ્ઞાની સદૈવ ધીર હોય, વેદોએ જેને ધીર કહ્યો,ભગવાન શ્રીકૃષ્ણ જેને ધીર કહે એ ધીર. स एव धीरा| કુમારસંભવમાં કાલિદાસ કહે છે, विकारहेतो सतीविक्रियन्ते | यस्यां धेतांसि सएव धीरा|

વિકારોનાં બધાં જ સાધનો ઉપલબ્ધ હોય, વિકારો, સુવિધા બધું જ તમારી મુઠ્ઠીમાં આવી જાય, અને છતાંયે જે માણસ વિકૃતિવાળો ન થાય,ચિત્ત ચલિત ન થાય, સમસ્ત સુવિધાઓ વચ્ચે પણ એક, અલોલ રહે, જેનું ચિત્ત ડોલે નહીં, જલકમલ બેસી રહે. આસક્તિ ઓછી થાય તો તો વરદાનના ઢગલા થઈ જાય બાપ!

જગદ્દ્ગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે પ્રબોધ સુધારકમાં કે આકાશ નિર્લેપ છે, આકાશને કંઈ લેવા દેવા નથી. ધરતીકંપ થઈ જાય, વરસાદ થાય, કંઈ લેવા દેવા નથી. અસંગ છે. છતાંયે ચાતકો, ચકોર માટે વાદળાં અને ચંદ્રને મોકલ્યા જ કરે છે. ચાતક માટે વાદળને મોકલે, ચકોર માટે ચંદ્રને મોકલે છે, નહીંતર નિર્લેપ છે. એમ ઈશ્વર અસંગ તૃષ્ણારહિત છે. એને કોઈ પુકારે,એને માટે મદદનાં વાદળાં તૈયાર મોકલતો જ રહે, ચંદ્રોદય થતો જ રહે, એમ જગદ્દ્ગુરુ શંકરાચાર્ય મહારાજ ભક્તિ પક્ષને પ્રસ્થાપિત કરે છે. તમામ સુવિધાઓ આપણી પાસે હોય,કાલિદાસ વિકાર શબ્દ લખે છે, તમારા વિકારોને પૂરા કરવા માટેની બધી જ વસ્તુઓ તમારી પાસે અગલ બગલમાં વિનંતી કરતી હોય, છતાં જેનું ચિત્ત જરાયે ડોલે નહીં, એનું નામ જ્ઞાની છે, ધીરજવાન છે, જે ડોલે નહીં. વાતાવરણથી ચલિત ન થાય, ઉદ્વિગ્ન ન થાય. અર્જુન જેમ થોડા સમય માટે ડોલી ગયો, એમ ન થાય. અને છોડોને, કુમારસંભવ, ભાગવત,ગીતા એ બધું અઘરું પડશે. આપણા પ્રાથમિક શાળામાં, સાતમાં ધોરણમાં આવી જાઓને-

कही कही कोटिक कथा प्रसंगा | रामु बिलोकहिं गंग तरंगा ॥
गंग सकल मुद मंगल मूला | सब सुख करनि हरनि सब सूला ॥

ગંગાને કિનારે ભગવાન પહોચ્યાં, લક્ષ્મણ જાનકીને અનેક પ્રસંગો સંભળાવે છે – बिलोकहिं गंग तरंग જ્ઞાનીનું લક્ષણ છે, તરંગો આવે ને જાય, એને જોયા કરો. એક તરંગ આવે છે, ભગવાન કહે, જાનકી આ તરંગ આવ્યો, એ તારાગ જતો રહે, એટલે પ્રભુ કહે, આ તરંગ ગયો.

सबकें उर अभिलाषु अस कहहि मनाइ महेसु|
आप अछत जुबराज पद रामहि देड् नरेेसु ॥

એક તરંગ આવ્યો હતો અયોધ્યામાં કે વાજાં વગાડો, રામને ગાદી આપી દો, પણ જાનકી ! એ તરંગ ગયો, અને આજે આપણે વનવાસમાં, પણ એ તરંગ ક્યાં સુધી? કાલે ચિત્રકૂટમાં જઈશું. વળી પાછો એ તરંગ પૂરો થશે,એટલે બીજો આવશે. આપણા બધાના જીવનમાં તરંગો આવ્યા કરે છે. ગાદી મળવાની વાત, વનવાસની વાત, આ તો બધા ગંગ તરંગ છે. આ જીવનમાં બધા તરંગો છે. આ દ્રષ્ટાભાવ. અહીં અખંડ જ્ઞાન એક સીતાવર છે.

ग्यान अखंड एक सीताबर | माया बस्य जिद सचराचर ॥
रामौ विग्रहवान धर्मः વાલ્મીકિ રામાયણમાં કહે છે रामौविग्रहवान धर्मः साधुः सत्य पराक्रमः
ભગવાન સર્વગુણ સંપન્ન છે, પરમ જ્ઞાની છે. એ આમ તરંગો ન જુએ. જો આટલું જો શીખી જવાય તો આ જગતમાં કોઈ દુ:ખ ન રહે. મને ગઈ કાલે જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, કે બાપુ તમે એમ કહ્યું કે સંતનાં દર્શનથી પુણ્ય તો પહેલાં આપી દેવું પડે, પછી દર્શન થાય અને દર્શન થાય, એટલે પાપ જાય. પાપ અને પુણ્ય બંને જાય, જીવ શુદ્ધ બુદ્ધ થાય. તો શુદ્ધ, બુદ્ધ થયા પછી સંસારનાં સુખ દુ:ખની અસર કેમ થાય? પાપ, પુણ્ય ગયાં, પછી તો પાપનું ફળ દુ:ખ, પુણ્યનું ફળ સુખ, એ ખલાસ થઈ જાય. તર્કસંગત છે. આપણા ગ્રંથો કહે છે કે તમે સંગથી બહુ સાવધાન રહેજો. યુવાન ભાઈ-બહેનોને હું ખાસ કહું છું, તમે ભજન ન કરો. કરો તો બહુ સારું છે. પરંતુ હું બહુ દબાવ નથી નાખતો કે તમે ચોવીસ કલાક ભજન કરો. તિલક કરો, માળા કરો, ભજન કરો, પૂજાપાઠ કરો, નહીં, તમે જાઓ, ફિલ્મ પણ જુઓ, એને હું તમને સાડાબારે છોડી દઈશ. એનો અર્થ ખોટો નહીં સમજતા. તમારામાં રુચિ હોય તો જુઓ. પરંતુ વ્યાસગાદી તમારી પાસે એટલી અપેક્ષા જરૂર કરશે, કે તમે એવો સંગ ન કરો, જે સંગ તમારું પતન કરે, ઉત્તરોત્તર તમારા ચિત્તને નષ્ટ કરી દે. એવો સંગ ન કરો. સ્કૂલ કોલેજમાં ભણતા વિધાર્થીઓ માટે આ બહુ અગત્યનું છે. એવો સંગ ન કરો. આજની દુનિયા બગડી છે, એવાં દૃશ્યોનો સંગ ન કરો, એવી કિતાબોનો, દોસ્તોનો સંગ ન કરો. એમનો પરિત્યાગ પણ ન કરો, વિવેકથી વર્તો. અપને આપકો બચાઓ. બાપ ! સત્સંગ કરતાં કરતાં એવી ભૂમિકાએ લઈ જવા માટે આ કથા છે. એ તરંગો તો આવતા રહેવાના તમે એમાં ઉલઝોમાં. શુદ્ધ બુદ્ધ થયા, એટલે તરંગો નહીં આવે,એમ ન માનશો. આપણે મહાન થઈ ગયા એટલે ગંગા વહેતી બંધ થાય,એવું માનવાને કોઈ કારણ નથી. આપણે ત્યાં કુંભજ ઋષિ આખો દરિયો પી ગયા, તોયે કંઈ દરિયાના તરંગો બંધ નથી થયા. દરિયો એમ ને એમ ચાલ્યા જ કરે છે. એટલે જગતના તરંગો તો ચાલ્યા જ કરવાના. એ વખતે સહી અર્થમાં આપણે શુદ્ધ બુદ્ધ થયા હોઈશું તો એ તરંગો આપણને હલાવી ન શકે. સુખ અને દુ:ખ તો બાપ આભાસ છે. આભાસ છે. जिमि सपने सिर काटड् कोई | જેને તત્ત્વ સમજાય,એને સુખ,દુ:ખ શું કરે? સીધી વાત છે. અને ત્યારે જ પ્રમાણ મળે જ્યારે સુખ દુ:ખના તરંગો સમાપ્ત થઇ ગયા કહેવાય,જે આપણને કંઈ અસર ન કરે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, કૉંગ્રેસ નહીં સુધરે

ભગવાન બુદ્ધ શુદ્ધ બુદ્ધ થઈ ગયા તો તેમને સુખ-દુ:ખ ન આવ્યાં ? બુદ્ધ પર કેટલાં દુ:ખો પડ્યાં? મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંક્યા લોકોએ. મહંમદને હિજરત કરવી પડી. મીરાંબાઈએ ઝેર પીવું પડ્યું. પણ છતાયે કોઈ કહેતું નથી કે અમારાં પર દુ:ખો પડ્યાં. માંડલિક હાર પહેરાવે એ નરસિંહ મહેતાને સુખ નથી અને જેલમાં નાખીદે એ દુ:ખ નથી કારણ કે, એને ખબર છે કે આ તો મારી અંદર બેઠેલો રામ ગંગ તરંગ જોઈ રહ્યો છે,આમાં મારે કશું લાગતું વળગતું નથી. એ અર્થમાં લેવાનું છે.
(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button