ધર્મતેજ

ચૈત્રમાસ એટલે મધુમાસ, આપણને મધુ ક્યારે પ્રાપ્ત થયું ગણાય?

માનસ મંથન – મોરારિબાપુ

नौमि तिथि मधु मास पुनीता ।
सुकल पच्छ अभिजित हरिप्रीता ॥


બાપ ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું માં બહુ મોટું સૌભાગ્ય સમજી રહ્યો છું. સ્વામી રામતીર્થ અમેરિકા પર દિગ્વિજય કરીને આવ્યા. અદ્વૈતનો અદભુત ઝંડો લહેરાવીને આવ્યા. સ્વામી રામતીર્થે ઘણું મોટું કામ કર્યું. પછી એમને થયું કે હિંદુસ્તાન જાઉં અને પહેલીવાર કાશી જાઉં, જે વિશ્વ પરની મારી સનાતન નગરી છે. અનેક દૃષ્ટિએ આ નગરી અદભુત છે. મેં અહીં આવીને ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા. સંકટમોચન હનુમાનજી પાસે ગયો. પછી મા ગંગાના દર્શનનું આચમન કરવા આવ્યો. જ્યારે માનાં દર્શન કર્યાં, ડૂબકી લગાવી ત્યારે આ વિષય આવ્યો. અને મેં વિચાર્યું કે રામનવમીનું પાવન પર્વ આવી રહ્યું છે, દુર્ગા અને શક્તિની આરાધનાના દિવસો છે. તો અહીં માનસ-મધુમાસ' વિષય રહેશે. મારા સદ્ગુરુ ભગવાનની કૃપાથી મને જે અંત:કરણની પ્રેરણા થશે એ કહીશ.માનસ’ મારો ઈષ્ટ ગ્રન્થ છે એટલે એની કૃપાથી તેમજ સંતો પાસેથી જે સાંભળ્યું હોય, અહીં-તહીંથી જે કંઈ મેળવ્યું હોય કે સદગ્રન્થોમાંથી જે પમાયું હોય, તે બધું તમારી સાથે શેર કરીશ. તમારી સાથે વાતો કરીશ. જ્ઞાનની અને ઘણી ઊંચાઈવાળી વાત મારી પાસે છે પણ નહીં અને એ મારી ઓકાત પણ નથી. હું સદૈવ રામકથાને પ્રેમયજ્ઞ કહું છું.


બાપ ! મધુનો એક અર્થ થાય છે મધુર, મીઠું. અને મધુનો એક અર્થ મધ પણ થાય છે. મધુનો એક અર્થ થાય છે વિશ્રામ. અન્ય સંદર્ભમાં મધુનો અર્થ શાંતિ પણ થાય છે. આપને મધુમાસ પર કેન્દ્રિત છીએ. આંતરિક વિકાસ અને વિશ્રામ માટે આ બધો સંવાદ છે. મધુ' શબ્દના અંત:કરણીય કોશમાં, હૃદયકોશમાં ભાષાભિન્નતાને કારણે અને અનુભવને કારણે પણ લોકો જુદા-જુદા અર્થો કરે છે. આપણને મધુ પ્રાપ્ત થાય એનો અર્થ છે કે આપણને વિશ્રામ પ્રાપ્ત થાય. આપણને મધુ પ્રાપ્ત થયું એવું આપણે ત્યારે કહી શકીએ, જયારે આપણે મધુમાસને એન્જોય કરીએ; ત્યારે સમજવું કે આપણે રામનવમીને મનાવી લીધી. જયારે આપનામાં કોઈ ઘટનાથી, કોઈના સંગથી, કોઈના વચનથી, કોઈની દૃષ્ટિથી, કોઈના સ્મરણથી, કોઈની વાતચીતથી વગર પ્રયાસે આપણી અંદર પ્રસન્નતા આવવા લાગે ત્યારે સમજવું કે આપણે મધુ મેળવ્યું છે. આપણી જન્મજાત પ્રસન્નતા જે દબાયેલી છે એ પ્રગટ થવી જોઈએ. જયારે ભીતરી પ્રસન્નતાની શરૂઆત થાય ત્યારે સમજવું કે આપણે મધુપાન કર્યું છે. મધુપાનનો અર્થ મદ્યપાન ન કરવો, પ્લીઝ! આપણને મૌલિક હોશમાં લાવી દે એ મધુપાન, બેહોશીમાં નાખી દે એ નહીં. મને બોલતાં-બોલતાં પ્રસન્નતા અનુભવાવા લાગે, તમારામાં સાંભળતાં-સંભાળતાં પ્રસન્નતા આવવા લાગે ત્યારે, કોઈ પણ માસ હોય એ મધુમાસ છે એમ સમજવું. તુલસીએ બધા માસના નામ લખ્યાં છે.

ચૈત્ર માસ મારા ઠાકુરનો છે. તો, કોઈ પણ માસમાં આપણે હોઈએ પરંતુ જયારે કોઈ પણ સ્વાભાવિક ક્રિયાથી પ્રસન્નતા આવવા લાગે તો સમજવું કે આપણે મધુપાન કરી રહ્યાં છીએ. બીજું, જયારે આપણી સમસ્યાઓનું આપોઆપ જ નિરાકરણ થવા માંડે ત્યારે સમજવું કે હવે મધુપાનનો સમય આવ્યો છે. આપણે ત્યાં એક શબ્દ છે,મધુવેળા’. બહુ સુંદર શબ્દ છે. લોકો કહે છે, મધુવેળામાં કામ કરો. આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ છે. જીવનમાં સમસ્યાઓની લાઈન લાગી હોય છે. તેનું નિરાકરણ થાય તે મધુપાન. ત્રીજું સૂત્ર, છે નિવૃત્તિ. જયારે જીવનમાં નિવૃત્તિ આવવા લાગે ત્યારે સમજવું કે આપણે મધુમાસમાં જીવી રહ્યા છીએ. નિવૃત્તિ એટલે હું એમ નથી કહેતો કે સમાજસેવામાંથી કે ધંધામાંથી નિવૃત્તિ લઈ લો. નિવૃત્તિનો મારો એક અર્થ છે રોગનિવૃત્તિ. બીજો છે વહેમનિવૃત્તિ અને ત્રીજો છે વેરનિવૃત્તિ. કોઈની સાથે તમારો સંઘર્ષ ચાલી રહ્યો હોય તો એમાંથી નિવૃત્તિ લઈ લો. કોઈના પર વહેમ થઈ ગયો હોય તો એમાંથી નિવૃત્તિ લઈ લો. અને તમને તમારા પર વહેમ થઈ ગયો હોય કે મને આ રોગ છે, તો એમાંથી પણ નિવૃત્તિ લઈ લો. વહેમ, વેર અને રોગ એ ત્રણમાંથી કોઈ ઘટનાથી નિવૃત્તિ મળે તો સમજવું કે આપણે મધુમાસમાં જીવી રહ્યાં છીએ. અને વિચારો મારાં ભાઈ-બહેન, વહેમે કોને નથી પકડ્યા? શરીર તો રોગાલય છે.

તુલસીદાસજીએ ઉત્તરકાંડ' માં લખ્યું છે કે રોગ બધામાં છે. એને ઓળખે છે કોઈ વિરલા. કોઈ વ્યક્તિ પર કે કોઈ ઘટના પર વહેમ થયો હોય અને એમાંથી નિવૃત્ત થવા લાગ્યા; માનસિક કે શારીરિક રોગમાંથી પણ નિવૃત્તિ મળી અને કોઈની સાથે સંઘર્ષ હોય અને એમાંથી પણ મુક્તિ મળવા માંડે ત્યારે સમજવું કે આપણે મધુમાસમાં જીવી રહ્યાં છીએ. પ્રસન્નતા, નિરાકરણ, નિવૃત્તિ અને મધુમાસનું ચોથું સૂત્ર છે એ છે પ્રાયશ્ચિત. જાણતાં-અજાણતાં કોઈનું દિલ દુભાયું હોય, કોઈને આપણે ઠેસ પહોંચાડી હોય, કોઈનું કંઇક છીનવી લીધું હોય, નેટવર્ક કરીને કોઈકને શીશામાં બંધ કરી દીધા હોય, પછી સત્સંગને કારણે પ્રાપ્ત વિવેકને કારણે જયારે અપરાધભાવ અનુભવાવા લાગે અને પ્રાયશ્ચિત્તભાવ શરૂ થઈ જાય કે મેં જેનું ખરાબ કર્યું એની પાસે જઈને એક વાર કહી દઉં કે ભૂલ થઈ ગઈ, તો સમજવું કે તમાં મધુમાસમાં રહેવાનું શરૂ થઈ ગયું છે. પ્રાયશ્ચિત્ત મધુમાસમાં રહેવાની લાયકાત છે. પાંચમું, માગ્યા વિના કોઈના આશીર્વાદ મળવા લાગે; કોઈ આપણને દુઆઓથી ભરી દે. આશીર્વાદ મધુમાસને યોગ્ય આપણને બનાવી દે ત્યારે સમજવું કે આપણે મધુમાસમાં જીવી રહ્યા છીએ. આપણે મધુવેળામાં જીવી રહ્યાં છીએ.

આપણે પરમાત્માની અસલી મધુશાળાના સદસ્ય છીએ. આગળનું સૂત્ર છે સૌભાગ્ય. આપણને લાગે કે મારા જેવું કોઈનું સૌભાગ્ય નથી કે આટલી વ્યસ્ત દુનિયામાં પણ મને ભગવદ્દકથા સાંભળવાની ચિ જાગી રહી છે! જયારે આપણે સૌભાગ્યનો અહેસાસ કરીએ ત્યારે સમજવું કે આપણે મધુવેળામાં જીવી રહ્યા છીએ. આ બધાં સૂત્રોને બરાબર સમજવા માટેવિનયપત્રિકા’ વાંચવી પડશે. આ બધાં રહસ્યોનું ઉદ્ઘાટન વિનયપત્રિકા' વિના અસંભવ છે.

વિનય’ વિનાની વિદ્વત્તા કોઈ અસર પાડી નથી શકતી. સૌભાગ્યનો અનુભવ થવો જોઈએ, હું એ કહી શકું છુ કે, મારી જાતને વ્યાસપીઠ પર જોઉં છું ત્યારે મને લાગે છે કે વિશ્વમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. શું તમે મહેસૂસ નથી કરતાં? ભારતમાં જન્મ મળ્યો અને `રામચરિતમાનસ’ જેવું શાસ્ત્ર મળ્યું અને લાયક ન હતો તો પણ કોઈ એવા બુદ્ધપુષનો હાથ માથા પર મુકાયો એનાથી વધારે સૌભાગ્યની નિશાની બીજી શું હોઈ શકે? જયારે તમારા સૌભાગ્યનો અનુભવ થવા માંડે ત્યારે સમજો કે તમે મધુશાળાના સદસ્ય છો.
સંકલન: જયદેવ માંકડ ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button