ધર્મતેજ

જન્તૂણામ્‌‍ નરજન્મ દુર્લભમ્‌‍

મનન ચિંતન – હેમંત વાળા

ઘધ્ટુઞર્ળૈ ણફઘધ્પ ડળ્બૃધપ્ર
સાચું જ કહેવાયું છે, નરજન્મ, માણસ તરીકેનો જન્મ દુર્લભ છે. 84 લાખ યોનીમાં ફર્યા પછી આ માનવ જન્મ મળે છે. 84 લાખ યોનીમાં પૃથક પૃથક જીવનો વિકાસ થઈ અંતે તે માનવ શરીરને પામે છે. હવે ઘણા બુદ્ધિજીવીઓ આ 84 લાખ જન્મના સિદ્ધાંતને માન્ય ન રાખે તો પણ તે લોકો દ્વારા માન્ય ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પણ જીવના ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કામાં જ મનુષ્ય જન્મ મળે છે, એમ એ લોકોએ માનવું જ પડે. તમે સનાતની સિદ્ધાંતને માનો છો કે આધુનિક વિજ્ઞાનની બાબતોને, એ સત્ય તો સ્વીકારવું જ પડે કે મનુષ્ય જન્મ એ વિકાસનો એવો અંતિમ તબક્કો છે કે જ્યાં માનવી અને જીવ લગભગ અંતિમ ચરણે પહોંચી શકે.
સ્થૂળ અસ્તિત્વના સંદર્ભમાં જોઈએ તો માનવી પોતાની કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે. માનવી જ પોતાની શારીરિક ક્ષમતાને ઉચ્ચતમ સ્તરે લઈ જઈ શકે છે. માનવી કદાચ પૃથ્વી પર સૌથી ઝડપી ચાલનાર જીવ ન પણ હોઈ શકે પણ કુદરતે તેને ચાલવાની જે ક્ષમતા આપી છે તેમાં તે મહત્તમ વધારો કરી શકે છે. અન્ય પ્રાણીઓ પોતાની શારીરિક ક્ષમતામાં તે પ્રમાણેનો અથવા તે પ્રમાણમાપનો વધારો કરી શકતા નથી. માનવી પોતાના સ્થૂળ શરીરની ક્ષમતાને શરીરની પ્રકૃતિની બહાર સુધી વિસ્તારી શકે છે. માનવ શરીર એટલે કે માનવ જન્મ દુર્લભ છે.
મનુષ્ય જન્મમાં જ ઘણું બધું સંભવી શકે છે. આહાર- નિંદ્રા-ભય-મૈથુનનાં બંધનો ઉપરાંત મનુષ્ય જ આગળ વિચારી શકે છે. મનુષ્ય જ પોતાનું મન પોતાના કાબૂમાં લાવી શકે છે. બુદ્ધિ દ્વારા તે ચોક્કસ દિશામાં વિકાસ માટે પ્રયત્નો કરી શકે છે. અહંકાર ઉપર તે કાબૂ મેળવી શકે છે. માનવી જ પોતાના ચિત્તનો નિગ્રહ કરી શકે છે. અંત:કરણના આ ચારેય ઘટકોને માનવી જ હકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે.
કારણ અસ્તિત્વની વાત કરીએ તો “કારણ અસ્તિત્વ” જેવી ઘટના છે તેવું માનવી જ વિચારી શકે છે. પોતાની બુદ્ધિમતાથી વિચાર કરતા કરતા માનવી એ સ્તરને સમજી શકે છે કે જ્યાંથી બધું ઉદ્ભવ્યું છે, જે અસ્તિત્વના મૂળમાં છે, જે સમગ્રનો આધાર છે, તે છે તો બાકીનું બધું જ છે. તેનામાં જ બધું સમાયેલું છે અને તેનો જ વિસ્તાર જાણે બધે ફેલાયેલો છે. વિવેકપૂર્ણ રીતે આ બધું સમજવા માટે પણ માનવ જન્મ જ જોઈએ.
બધાના કારણ સ્વરૂપે તે તત્ત્વની સમજ થતા માનવી જ એને પામવાનો પ્રયત્ન કરી શકે. તે તત્ત્વ માટે જ અપાર શ્રદ્ધા રાખી તે ભક્તિ કરી શકે છે તે પરમ તત્ત્વ વિષે અપાર જિજ્ઞાસા રાખી તે દિશામાં માનવી જ જ્ઞાન માટે પ્રયત્ન પણ કરી શકે છે. ક્યાંક તે જ પરમ તત્ત્વને આધાર ગણી નિષ્કામ કર્મ માટે માનવી જ પ્રવૃત્ત રહી શકે છે. પોતાની આધ્યાત્મિક ક્ષમતાને ઉચ્ચતર સ્તરે લઈ જવા માનવી જ અષ્ટાંગ યોગને સાધી શકે છે. અરે! આધ્યાત્મ જેવી કોઈક બાબત અસ્તિત્વમાં હોય છે તેની પ્રતીતિ પણ માનવી જ કરી શકે છે. પોતાના અસ્તિત્વની નબળાઈઓને દૂર કરવા પ્રયત્નશીલ રહી તે હંમેશાં કાર્યરત રહી શકે છે અને અસ્તિત્વના ઉચ્ચ શિખરોને પામી શકે છે. આ બધું મનુષ્ય જન્મમાં જ સંભવ છે.
માનવી ધારે તો રામ બની શકે છે અને રાવણ પણ. માનવી પોતે પોતાનો મિત્ર બની શકે છે અને દુશ્મન પણ. માનવી દ્વન્દ્વથી ઊભરી શકે છે અને તેમાં ડૂબેલો પણ રહી શકે છે. માનવી જ માત્ર એવો જીવ છે જે અવતાર સમાન બની શકે છે. માનવી પોતાની ક્ષમતાને ઉચ્ચતમ સ્તરે લઈ જઈ શકે છે અને સાથે સાથે તે અતિ નિમ્નતાને પણ પ્રાપ્ત કરી શકે છે. માનવી પૂર્ણ બની શકે છે અને અપૂર્ણતાના સાગરમાં પણ ડૂબેલો રહી શકે છે. માનવી તરી શકે છે અને તારી શકે છે, ડૂબી શકે છે અને ડુબાડી શકે છે.
અન્ય જીવોની સરખામણીમાં માનવીની ક્ષમતા અપાર છે એમ કહી શકાય. તે સ્થૂળ અસ્તિત્વની મર્યાદાઓને પાર કરી સૂક્ષ્મ વિશ્વમાં પ્રવેશી શકે છે. ત્યાંથી પણ તે આગળ વધી ગુકૃપાએ કારણ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. માનવી જ કહી શકે કે હું શિવ સ્વરૂપ છું અને તે વાત તે સિદ્ધ પણ કરી શકે છે.
માનવી જ ઉપનિષદો રચી શકે છે, ગીતાને સમજી શકે છે અને રામાયણ-મહાભારતનો સાર ગ્રહણ કરી શકે છે. માનવી વેદોના સિદ્ધાંતોને પામી શકે છે. તે દ્વૈત તથા અદ્વૈત એ બંને સિદ્ધાંતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકે છે. માનવી જ આધ્યાત્મિકતાની દરેક ઘટનાઓને એકરૂપ તરીકે જોવા સમર્થ છે. માનવી જ દેવ બની શકે છે. મનુષ્ય જન્મ દુર્લભ છે, કારણ કે આ ભૂલોકમાં માનવીની ક્ષમતા અપાર છે એમ સિદ્ધ થતું જ રહ્યું છે.
જન્મ અને શરીર સાથે વણાયેલી દરેક મર્યાદાઓથી ઉપર ઉઠવા માનવી સક્ષમ છે. તે બધા જ બંધનોથી ઉપર ઊઠી અન્ય ઘણાની માટે પ્રેરણા બની શકે છે. તે પરમ ચૈતન્યના એક સરળ પ્રતિનિધિ તરીકે સંસારમાં એક ઉદાહરણ સ્થાપવા માટે પણ સમર્થ છે. માનવીનો જન્મ – માનવી તરીકેનો જન્મ ખરેખર દુર્લભ છે. માનવી પાસે જે સંભાવનાઓ છે તે કદાચ દેવતાઓ પાસે પણ નથી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button