ધર્મતેજ

શિવ ને શક્તિનું મિલન એટલે મહાશિવરાત્રી

ફોકસ -આર. સી. શર્મા

મહાશિવરાત્રીને આદિ અને અનંતની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે. 26 ફેબ્રુઆરીએ હર્ષોલ્લાસથી ભોળાનાથનો આ ઉત્સવ મનાવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ સૃષ્ટિનો આરંભ થયો હતો. પૌરાણિક કથાઓ પ્રમાણે ‘અગ્નિલિંગમ’ના ઉદયથી સૃષ્ટિની શરૂઆત થઈ હતી. કથા એવી છે કે એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે વિવાદ થયો હતો કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ? આ વિવાદ એટલો તો વધી ગયો કે એના સમાધાન માટે ભગવાન શિવને ‘અગ્નિલિંગમ’નું રૂપ ધારણ કરવું પડ્યું હતું. આ ‘અગ્નિલિંગમ’ એટલો તો વિશાળ હતો કે એનો આરંભ અને અંત ક્યાં થાય છે એ જાણવું અઘરું હતું. બ્રહ્માએ એના આરંભને શોધી કાઢવા માટે હંસનું રૂપ ધારણ કર્યું હતું અને પર્વતો તરફ ઊડી ગયા હતા. તો સામે ભગવાન વિષ્ણુએ એનો અંત જાણવા માટે વરાહનું રૂપ ધારણ કર્યું અને ધરતીના ઊંડાણમાં ચાલ્યા ગયા. જોકે અથાગ પ્રયાસો કરવા છતાં પણ તેમને આરંભ અને અંતની જાણ ન થઈ તો તેઓ પરેશાન થઈ ગયા હતા. એથી ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા અને કહ્યું કે ‘હું આદિ અને અનંત છું.’ આ ઘટના બાદથી તેમની શિવલિંગ રૂપે પૂજા થાય છે.

‘અગ્નિલિંગમ’ અનંતનું પ્રતીક છે એટલે કે એ શિવ છે. એ સર્જન અને વિનાશનું પણ પ્રતીક છે. શિવ સર્જનકર્તાની સાથે સંહારક પણ છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રી નિમિત્તે ‘અગ્નિલિંગમ’ની વિશેષરૂપે પૂજા થાય છે. જેને ભગવાન શિવની અનંત શક્તિનું પ્રતીક ગણવામાં આવે છે.

મહાશિવરાત્રીનો સંદેશ

મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલનની રાત્રી તરીકે ગણવામાં આવે છે. આ મિલનનો અર્થ માત્ર દૈવીય મિલન સુધી સીમિત નથી. એ તો સૃષ્ટિની ઊર્જા, સંતુલન અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. એથી મહાશિવરાત્રીનો સંદેશ માનવ કલ્યાણ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. શિવ આપણી ચેતના છે જે શુદ્ધ અસ્તિત્વનું પ્રતીક છે. જોકે શક્તિ સર્જનાત્મક ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે. મહાશિવરાત્રીએ ધ્યાન, સાધના અને આત્મબોધ કરવું જોઈએ. આ એ પર્વ છે જ્યારે વ્યક્તિ પોતાની અંદરના શિવ અને શક્તિની ચેતના અને ઊર્જાનું સંતુલન કરી શકે.

મહાશિવરાત્રીએ ભક્તોએ જાગરણ કરવું જોઈએ. રાતભર મહાદેવનું ધ્યાન ધરવું જોઈએ. મહાશિવરાત્રીએ શંકર ભગવાન અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતાં. એથી એ દિવસને સૃષ્ટિના સંતુલનનો દિવસ પણ માનવામાં આવે છે. આ મિલન પ્રેમ, ત્યાગ અને ભક્તિને સૂચવે છે. આવી રીતે મહાશિવરાત્રી ધાર્મિક દૃષ્ટિએ ખૂબ અગત્યની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button